આવશે (ગઝલ) ~ શૈલન રાવલ

આવશે તો મન મૂકીને આવશે
પંખીઓ થોડા પૂછીને આવશે?
બારીઓ થોડી ઉઘાડી રાખીએ
લહેરખી શીળી ઝૂમીને આવશે
ખૂબ ઊંચા બારણાં રાખ્યા ભલે
જે વિવેકી છે, ઝૂકીને આવશે
ઈશ્વરી વરદાન હો જે હાથને
કોઈના અશ્રુ લૂછીને આવશે
ટીખળી બાળક સમો તડકો ફરે
એ તિરાડેથી છૂપીને આવશે
અર્થ ઘરનો હોય છે ઘર, દીકરી-
-સ્કૂલથી જ્યારે છૂટીને આવશે
મહેક માટીની ગમે ત્યાંથી ય પણ
સરહદો કપરી કૂદીને આવશે
~ શૈલન રાવલ
સુંદર રચના..
વાહ
ખૂબ સરસ ગઝલ
સ રસ ગઝલની આ વાત ગમી
બારીઓ થોડી ઉઘાડી રાખીએ
લહેરખી શીળી ઝૂમીને આવશે
અમારા પ્રભાશંકર પટ્ટણી ગાતા
દુખી કે દર્દી કે કોઈ, ભૂલેલા માર્ગવાળાને
વિસામો આપવા ઘરની, ઉઘાડી રાખજો બારી
ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુખને દળવા
તમારા કર્ણ નેત્રોની, ઉઘાડી રાખજો બારી
પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા
તમારા શુદ્ધ હ્રદયોની, ઉઘાડી રાખજો બારી
થયેલા દુષ્ટ કર્મોના, છૂટા જંજીરથી થાવા
જરા સત્કર્મની નાની, ઉઘાડી રાખજો બારી
ખૂબ સરસ ભાવનાત્મક ગઝલ
ખૂબ સુંદર !