ઘેલીના ઓરતા (વાર્તા) ~ દક્ષા રંજન

“એય છોરી ઉભી રે… ખબરદાર કરું છું તુને…થોભી જા વાલામુઈ..” 

ઉંમરને કારણે ખખડધજ થઈ ગયેલા મનજીએ ધીમે ધીમે હડી કાઢતા કાઢતા અને ખાંસતા ખાંસતા પણ હાકોટો નાખ્યો અને કૂવો પૂરવા આવેલી ઘેલી એકદમ સજ્જડ થઈને ઊભી રહી ગઈ. 

“કાં… અલી આખા ગામમાં તને એક મારો જ કૂવો મઈળો મરવા?… બીજા કેટલાય કૂવા છે ગામમાં ત્યાં જઈને મર ને.” એકદમ કડવાશથી મનજી બોલ્યો. એટલે ઘેલી ઊભી ઊભી રોવા લાગી. 

“હવે રોવે કાં? ને એવા તો ક્યાં દખના ડુંગર ખડકાયા છે તારી માથે કે આમ મરવા નીકળી?” 

 “તો શું કરવું. કોની માટે જીવું? આવડો મોટો મલક છે. પણ ઈ મલકમાં મારું કોઈ નથી. મા-બાપનું તો મોઢુંય યાદ નથી ને ભાભી? ભાભી આખો દી’ ઢોરની જેમ ઢૈડા કરાવે ને માથેથી હાથ પણ ઉઠાવે. ભાઇ છે પણ કોઈ દી’ સામુંય જુએ નઈ કે હું ક્યાં મરું છું. એમાંય આજે શું થ્યું ખબર? ” ઘેલી ડૂસકાં ભરતી બોલી.

“શું થ્યું હશે? તારી ભાભીએ બે ડફણાં વધારે માર્યા હશે! તો ખાઈ લે વાલામુઈ. એમાં મરવા શું નીકળી? જા જા ઘરે જા.” મનજીને ઘેલીની વાતનો જાણે કંટાળો આવતો હોય ને ઘેલીને ઝટ મોકલી દેવી હોય એવી રીતે બોલ્યો. 

“ના, ના, ડફણા તો ખાઈ લઉં પણ આજે તો ભાભી સાવ છેલ્લી પાટલીએ બેસી ગઈ… મને ક્યે કે તારા જેવી અભાગણીનો ઓછાયો જ્યાં લગણ આ ઘરમાં હઈશે, ત્યાં લગી ભરાઈ ર્યો મારો ખોળો. હવે આમાં હું શું કરું?” 

“ઈને દિ નથી ચડતા ઈમાં મારો શું વાંક?”

તી મેં કીધું કે તો હું મરી જાઉ? 

તો ક્યે કે, “હા જા મર તો હું છુટું. બોલો હવે મારે શું કરવું?” ઘેલી હિબકતી બોલી. 

“તો શું એમાં મરવા નીકળી પડાય ઘેલી… સૌના સારા દિવસો આવે છે, તારાય આવશે. ઠાકરધણી બેઠો છે ને હજાર હાથવાળો. સૌના ઓરતા પૂરા કરશે. તારી ભાભીના ને તારાય. ધાયણા રાખ..” મનજીએ સમજાવતાં કહ્યું. 

“શું ધાયણા રાખું.. ધૂળ! આવી રીતે તે કાંઈ જીવાતું હશે? મારે તો કોઈ ઓરતા જેવું છેય નહીં. આજે મરવું તું ઈ ય ક્યાં થયું? કાંઈ માન નઇ, કોઇ પૂછે નઈ અને શેરીમાં નીકળું તો રાંડના શેરીના છોકરાવ … ઘેલી ઘેલી કરીને પાણા ઠોકે છે…” ઘેલીએ એની હૈયાવરાળ ઠાલવી

“ઈ ઉપરવાળો નઈ ઈચ્છતો કે તું આમ મરી જા એટલે વળી, ને  મરીને શું છૂટી જાયસ?

આવા સાત ભવ ભોગવવા પડશે. સાતેય વાર આતમહત્યા કરવી પડશે..” મનજીએ એને પાણીનો લોટો આપતા સમજાવી. 

“છો કરવી પડે… તંયનું તંયે અત્યારે તો છૂટું આ નરકમાંથી”  ઘેલી ઉકળીને બોલી.

“હવે, તો ઘરનાવને ય નથી ગમતી હું… મરી જઈ તો સૌ બે દી’ મોં વાળસે અને પછી કોઈ લીલેય નઈ પૈણાવે.. ખબર છે બપોર કેરાની નીકળી છું ઘરેથી. છાનીમાની કેટલીય વાર જોતી’ તી કે કોઈ પૂછે છે? પણ ના… બપોરનું કાંઈ ખાધુંય નથી. ભાભીના ડફણા ને મેણા ને આઈ કણે તમારી ખીજ બસ.” એક શ્વાસે આખો લોટો ઘટકાવતા ઘેલી બોલી. 

“તી તને ભૂખ લાગી છે એમ ફાટને ડાચામાંથી. ઊભી રે”  એમ કહીને મનજી એની ઓરડીમાંથી બે રોટલા, તાંસળી ભરીને છાશ અને ગોળ લઈ આવ્યો 

” લે, ખા ને પછી હાલતી થા. આમ અત્તારે તને કોઈ આય કણે જોશે ને મને કાઈક બોલશે તો આમ રાતના પટે મારે બાધણું થાશે.” 

પણ, ઘેલીએ એ કાંઈ સાંભળ્યું ન હોય એમ છાશમાં રોટલો ચોરીને ખાવા લાગી. 

ખાઈને પાણી પીને એ બોલી, “ઘરે તો જાઉં પણ બીક લાગે છે.” 

“હાલ હું તારા ભાઈભોજાઈને સમજાવું અને જો નહીં માને ને તો એક લાકડી મારીશ બસ, પણ અત્યારે તને  હું મૂકી જાઉં.” નાની કીકલીને સમજાવતો હોય એમ મનજી ઘેલીને ઘર સુધી મૂકવા ગયો.

ઘરે પહોંચ્યા તો બધા ઘેલીને ગોતતા હતાં.. ઘેલીને જોઈને કાંઈ પૂછ્યાં વગર ભાભીએ એક જોરથી લાફો મારી દીધો. “ક્યાં મરી ગઈ ‘તી?”

ઘેલી તમ્મર ખાઈને પડી ગઈ. થોડીક વારમાં આખું ગામ ભેગું થઈ ગયું. ભાભીએ લાફો મારી લીધા પછી જાણે હજી થોડી સજા બાકી રહી ગઈ હોય એમ એનો ભાઈ જોરમાં આવ્યો ત્યાં મનજીએ રાડ નાખી. “ખબરદાર..બાયલા”

મનજીની છાપ ગામમાં માથાભારે માણસમાં થાય એટલે કોઈ એની જકતે નો ચડે.  ખખડી ગયેલા શરીરમાં ટણી એવી ને એવી. એટલે ઘેલીનો ભાઈ ઊભો રહી ગયો ને ઘેલીની ભાભીનું મોઢું કાળુમેશ થઈ ગયું. આખી શેરીમાં સોંપો પડી ગયો. બધા મગનના સ્વભાવથી બરાબર પરિચિત હતાં એટલે કોઈ આગળ આવીને કાંઈ બોલ્યું નહીં. 

મનજીએ ઘેલીને ઊભી કરી ને એના ભાઈને સમજાવ્યો, “આ તો પારકી જણી છે. તી આવી હલકટાઈ આચરે. મુવા તારી તો મા જણી બુન છે. તનેય દયા નથી આવતી? ખબરદાર જો હવે આ છોકરીને કોઈએ હેરાન કરી છે તો, આ લાકડી સગી નઈ થાય તમારી” 

મનજી લાકડી લઈને હાલતો થાતો હતો ત્યાં ઘેલીની ભાભી લાજમર્યાદા મેલીને બોલી.. “બઉ દયા આવતી હોય તો બેસાડ તારા ઘરમાં.. આમેય વાંઢો રખડસ ગામમાં તે.”

પછી ઘેલીની સામે જોઈને એને ધક્કો મારીને બોલી, “જા આઢી જા, એટલે અમારે તો શાંતિ. આમ અડધી રાતે આવા તાયફા બંધ થાય.” 

ઊભેલા બધા ચણભણ કરવા લાગ્યા. મનજી પાછો ફર્યો ને બોલ્યો, “ઘેલી ફાવશે તને મારી સાથે? તો હાલ.” 

પ્રેમની ભાષા તો પશુ પણ સમજે જ્યારે આ તો માણસ! ઘેલીને અત્યારે મનજીમાં પોતાનો તારણહાર દેખાયો.

એ દોડીને ઘરમાં ગઈ. મંદિરના આરિયામાંથી કંકુની ડબી લઈ આવી.. અને કાંપતા હાથે મનજીને ધરી… ધ્રૂજતા હાથે આખા ગામની સાક્ષીએ મનજીએ ઘેલીની સેંથી પુરી… પ્રકૃતિ પણ જાણે આ વિવાહને વધાવતી હોય એમ ઠંડા પહોરનો ઠંડો વાયરો વાયો અને ઘેલી મનજીની સંગાથે હાલી નીકળી.

બઘા ઊભા ઊભા ઘેલી અને મનજીને જાતા જોઈ રહ્યાં. ઘેલીની ભાભીના ચહેરા પર ‘એક બલા ટલી’ જેવો આનંદ છવાઈ ગયો ને ભાઈની આંખ અનાયાસે ભિંજાઈ ગઈ. 

હવે, કોઈ ઘેલીને ચીડવતું નથી. ભરી બજારે ઘેલી નીકળે એટલે બધા ઘેલીને માનથી “જે સી ક્રસ્ન” કરે છે. હવે ઘેલીને બધા એના સાચા નામથી બોલાવે છે, ‘શોભનાબેન.’ ભાઈ કે ભાભી જો સામા મળે અને કંઈક બોલે તો ઘેલી રીતસર ધમકી આપે.. “બોલાવું મારા ધણીને…?”  બંને મનજીની બીકે ઊભી પૂંછડીએ ભાગી જાય. ઘેલી રાજી થાતી રસ્તામાં આવતી મીઠાઇની દુકાનેથી પેંડા લેતીકને પોતાના ઘરે આવે અને એના હાથમાં પેંડાનું પડીકું જોઈને મનજી સમજી જાય કે આણે કોઈને સોલાર્યા છે. એ ઘેલીની આ છોકરમતને જોઈને હસી પડે.

જાણે કુદરતે પણ મનજીને ઘેલીને સાચવવાને બદલે આશીર્વાદ આપ્યા હોય એમ એના ખેતરમાં મબલખ પાક ઉતરવા લાગ્યો. આવક પણ સરખી થઈ ગઈ. ઓરડીમાંથી સરસ મજાનું નાનકડું ઘર બનાવ્યું. માથાભારેની છાપ હવે સારા સંદર્ભે થઈ ગઈ. એનું ખખડધજ શરીર ભરાવા લાગ્યું. હાથની લાકડી હવે ટેકો નહીં પણ રુઆબ બની ગઈ. ગામમાં મનજીનું પણ માન વધી ગયું. 

ઘેલીની કાયાએ પણ રંગ રાખ્યો. એક વરસમાં ઘેલી પારણું ઝુલાવવા લાગી.  

“હવે તારે કુવો નથી પુરવો?” એવું ઘણીવાર રમૂજમાં મનજી પૂછે ત્યારે અંગુઠો ઉલાળીને ઘેલી બોલે… “મરે મારા દુશ્મન.”

“પણ, ઘેલી આ દેહનો શો ભરોસો?”

આવું મનજી કહે ત્યારે ઘેલી એના ધણીના દુઃખડા લઈ ટચાકા ફોડતી બોલે, “મારો વાલો તમને સો વરસના કરે. તમે તો આપણા કાનાના છોકરા રમાડશો. ને જો જો હું તો તમારા હાથમાં જ સમાઈ જાઈશ. અખંડ એવાતણ ને હવે તો મને મારા ઠાકરધણી પર આખો ભરોસો છે ઈ મારા ઓરતા જરૂર પૂરા કરશે. 

અને મનજી ખાટલે બેઠો બેઠો નાનકાને રમાડતી ઘેલીને જોઈ રહે છે અને ઘેલી મનજીને…

~ દક્ષા રંજન (અમદાવાદ)

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

 1. મનજી ખાટલે બેઠો બેઠો નાનકાને રમાડતી ઘેલીને જોઈ રહે છે અને ઘેલી મનજીને…
  યાદ આવે
  “ True Love’s the gift which God has given
  “ To man alone beneath the heaven;
  “ It is not fantasy’s hot fire,
  “ Whose wishes, soon as granted, fly;
  “ It liveth not in fierce desire,
  “ With dead desire it does not die;
  “ It is the secret sympathy,
  “ The silver link, the silken tie,
  “ Which heart to heart, and mind to mind,
  “ In body and in soul can bind.”
  Scott’s Last Mimstrel. ઈશ્કે હકીકી અને ઈશ્કે મિજાજી. ઇશ્વર પ્રત્યેનો પ્રેમ તે ઈશ્કે હકીકી અને માનવીય પ્રેમ તે ઈશ્કે મિજાજી.
  મનજી-ઘેલીનો ઈશ્કે હકીકી તરફનો પ્રવાસ શરુ –
  સ્થૂલ શરીરમાં સ્થૂલ કામ અને સ્થૂલ પ્રીતિની ઉત્પત્તિ છે. સ્થૂલ વિષયમાંથી સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ કામ, અને સૂક્ષ્મ પ્રીતિ એ ત્રણ અલખ ભાગને લખ કરવા, અને તેમાંથી અન્તે પરાભક્તિના અલખ અદ્વૈતને લખ કરવું અને અનુભવવું એ મહાકળા રસજ્ઞ દક્ષ સ્ત્રીના સૂક્ષ્મ દેહને સહજ છે.