બે કાંઠાની અધવચ (નવલકથા) પ્રકરણ: ૩૨ ~ પ્રીતિ સેનગુપ્તા

સવારે ઊઠીને, સુજીતે અંજલિ વિષે પૂછવાનો પ્રયત્ન કર્યો, પણ કેતકીએ એને અટકાવ્યો, સુજીત, પ્લીઝ, અત્યારે એને વધારે ડિસ્ટર્બ ના કરતા.

ના, ના, હું તો એને વહાલ કરવા માગું છું.

ના, કેતકીએ દૃઢપણે કહ્યું, હમણાં એની પાસે પણ ના જતા.

આઈ ઍમ સો સૉરી, તુકી. મારે એને — દરેકની જિંદગી જુદી હોય, એવું એ ના સમજે તો —

સુજીત, તમારે તો સમજવાનું હોયને, કે એ બાળક છે, ને એનામાં હજી દુનિયાની સમજ ના હોય. ખેર, ચાલો, પછી વાત.

પોતાની ઑફીસના એકાંતમાં સુજીતે બહુ વિચાર કર્યા, કે કેમ આવું થાય છે? બંને છોકરાં કેટલાં વહાલાં છે એને, છતાં આવી ચીડ કેમ ચઢી જાય છે એમનાં પર, તરતમાં?

જે કારણને એણે પોતાનાથી પણ સંતાડ્યા કર્યું હતું, તે હવે વારંવાર સામે આવી, એની હાંસી કરવા માંડ્યું.

સુજીત જાણતો હતો, કે એની વકીલ તરીકેની કૅરિયર બહુ જામી નથી. જે થોડા કેસ મળે છે, તે સાવ નાના હોય છે – કોઈના ઘરનું ક્લોઝિન્ગ હોય, કે કોઈનું પાસપૉર્ટમાં નામ બદલવાનું હોય, કે કોઈને માટે કશીક અરજી કરવાની હોય, કે ક્યારેક કોઈના ડિવોર્સનો કેસ હોય, વગેરે.

આમાં એને બહુ દલીલો કરવાની ના રહેતી, કે ના એની જાણકારી બહુ બતાવવાની રહેતી. કોર્ટમાં જવાનું થતું જરૂર, પણ સુજીતના આ કેસોમાં બહુ મોટી વાત જેવું કાંઈ નહતું.

ઉપરાંત, એની ચોકસાઈની ટેવ કોઈ ક્લાયન્ટને ખોટી ચીકાશ જેવી લાગતી, ને એની કુશાગ્રતા કેટલાકને ગુમાન જેવી લાગતી. એની હોંશિયારી જાણે ક્યારેય એનો સાથ આપતી નહતી. કેમ આવું હતું એનું નસીબ? ને એને ચીડ ચઢતી- પોતાના નસીબ પર, પોતાના વંશ પર, પોતાની જિંદગી પર.

હાય, એણે માથું કૂટ્યું, આ ચીડ નીકળતી એને જીવનમાં સૌથી વહાલું હતું તેના પર, એના પોતાના કુટુંબ પર.

આવા પસ્તાવાની સાથે જ, સુજીતનો સ્વભાવ કન્ટ્રોલિન્ગ પણ ખરો જ. પોતે કહે તેમ જ થવું જોઇએ, ને ના થાય તો આવી ચીડ ચઢી જાય, ગુસ્સો ચઢી આવે. તોયે, હજી એને આશા હતી, કે તુકી વકીલ બની જશે, અને એનું સારું નસીબ પરિસ્થિતિમાં પલટો લાવશે.

છોકરાંઓને સુજીતનો આ વર્તાવ બહુ અઘરો પડતો. બાળવયે એમને બહેનપણીઓ અને ભાઇબંધોની સાથે હસવા-રમવાનું બહુ ગમે. વળી, બધાંની જેમ, એમને પણ જુદા જુદા ક્લાસિઝ લેવા હોય. ક્યારેક સૅન્ડવિચ ખાઈ લેવી પડે, ક્યારેક ઘેર આવતાં મોડું થાય. એમને ખુશ જોઈને કેતકી બહુ સંતોષ પામે, પણ સુજીત ચિડાય, કે આ રીતે ફર્યા કરશે તો ભણશે કોણ?

કમનસીબે, પોતાની નબળાઈઓને, તેમજ ખાલી અને એકલા પડતા કલાકોને કારણે, ફરી એ દારૂ તરફ વળ્યો. વચમાં વચમાં, ક્યારેક કાર્લોસને મળવાનું થતું, ને બંને સાથે, કોઈ બારમાં જઈને બેસતા. કાર્લોસ હજી એને બૉસ કહેતો. સુજીતને જરા સારું લાગતું, ને જૂની ઑફીસ વિષેની વાતો, આમ ક્યારેક સાંભળવી ગમતી. બેએક વાર એવું પણ બન્યું, કે કાર્લોસ વાઇનની બૉટલ લઈને, સુજીતની ઑફીસ પર આવી ચઢ્યો. એ કહે, કે બારમાં પૈસા ખરચવા પોસાતા નથી હવે, બૉસ.

સુજીતની વકિલાતમાં આવક હજી બહુ નથી, એવો સહેજ ખ્યાલ કેતકીને રહેતો, ને તેથી એ કરકસર કરતી રહેતી. કેટલુંક એ સુજીતથી છુપાવતી પણ ખરી. ખાસ તો, છોકરાંઓને કંઇક ખરીદવું હોય, કે એમને ક્યારેક પિત્ઝા ખાવા જવું હોય તે.

બીજા ભાઈબંધોની જેમ, સચિનને પોતાની બર્થ-ડે પાર્ટી કરવી હતી, તો કેતકી એને તદ્દન ના પાડી શકી નહીં. સુજીત ભારપૂર્વક કહેતો, કે આટલી ઉંમરે વળી પાર્ટીઓ શાની? બાળકોને એ પ્રેમ તો કરતો જ, પણ એની શિસ્ત માટેની એકપક્શી અને અન્યાયી જીદ પણ એને છોડતી નહતી.

પણ કેતકી માને, કે ઓછો ખર્ચો કરીને, છોકરાંને ઘણો આનંદ આપી શકાય, તો શા માટે નહીં? તેથી, સુજીતને કામ માટે, એક રાત માટે, બહાર જવાનું થયું, તે દિવસે એણે સચિનની પાર્ટી પ્લાન કરી. બધા ભાઈબંધોને બોલાવ્યા. એની ફ્રેન્ડ સુનીતાનો વર મહેશ, ખાસ, છોકરાઓ સાથે બેઝબૉલ રમવા આવી ગયો. બે ટીચરને પણ ઇન્વાઇટ કરેલા. અંજલિની કંપની માટે, એની ખાસ બહેનપણીઓને બોલાવેલી.

રમીને, બધાંએ ઘેર આવીને, હાથ-પગ ધોયા, અને પછી, પિત્ઝા અને બ્રાઉનિ-કેક પેટ ભરીને ખાધાં. બહુ મઝા પડી બધાંને. સચિન ખૂબ ખુશ થઈને કેતકીને વળગી પડ્યો, આઇ, યુ આર ધ બૅસ્ટ મધર.

પછી અંજલિ પણ વળગી, હવે મારી પાર્ટી, નહીં, આઇ?

એક બપોરે, સ્કૂલ પૂરી થાય પછી, કેતકીએ અંજલિની બહેનપણીઓને ઘેર બોલાવી. બધાં સાથે રમ્યાં, હસ્યાં, એણે સરસ કેક બનાવી હતી તે ખાધી. પણ અંજલિને એ ઓછું પડ્યું. એણે કહ્યું, આઇ, બધાં તો બહાર લઈ જાય છે. મારી પાર્ટી તો તેં ઘરમાં જ કરી નાખી.

કેતકીએ કહ્યું, સારું, બેટા, આપણે બધાંને એક સરસ ડિઝની ફિલ્મ જોવા લઈ જઈશું. એક બપોરે, એ માટે એણે બહેનપણીઓને ઇન્વાઇટ કરી. સુજીતને કહેલું, ને એ કાંઈ બોલ્યો નહતો, એટલે કેતકી માનતી હતી, કે સુજીતને વાંધો નથી.

પણ એ બપોરે, ચોકીદારી કરવાનો હોય એમ, સુજીત વહેલો ઘેર આવી ગયો, અને અંજલિને ફિલ્મ જોવા જવાની ના પાડી. કેતકીએ બહુ વિનવ્યો, અંજલિ કેટલું રડી, પણ સુજીત ના જ માન્યો.

આ પછી, અંજલિ થોડી શાંત થઈ ગઈ હોય એવું, કેતકીને લાગવા માંડ્યું. અગિયાર વર્ષની માંડ થયેલી દીકરીનું બાળપણ જાણે છીનવાઈ રહ્યું હતું. ઉપરાંત, કેતકીને મનમાં ડર હતો, રખેને અંજલિના મનમાં, પાપા પ્રત્યે બેપરવાઇનો, ઇન્ડિફરન્સનો ભાવ પેદા થઈ જાય.

આ દેશમાં જ નહીં, આ કાળમાં પણ, સંતાનો મોટાં થયાં પછી પોતપોતાને ફાવે, ને ગમે, તેવી  દિશામાં ચાલી જતાં હોય છે. સાવ સ્વાર્થી નહીં, તોયે કૈંક અંશે સ્વકેન્દ્રીય તો બની જ જતાં હોય છે. એ પણ કાળક્રમ જ કહેવાય ને. ઓ દીજી, તમે મારી પાસે કેમ નથી આ ઘડીએ? જીવનમાં આવાં પાસાં સંભાળવાં પડશે, એવી જાણકારી કેમ ના આપી મને, તમે કોઈએ?

પણ સુજીતની સાથે શું ઝગડો કરવો? એ કેમ સમજતો નહીં હોય? એક બાજુ, જેમ છોકરાં મોટાં થતાં જાય છે તેમ, એ શું પોતાના ફાધર જેવો થતો જતો હશે? એની આવી ઉંમરે કદાચ એના ફાધર આવા જ કડક, ને કદાચ ક્રૂર પણ હશે? એના બાળપણ દરમ્યાન, એણે એવું શું ભોગવ્યું હશે, કે જેને કારણે એનું માનસ, એને એવો જ કડક ને ક્રૂર થવા પ્રેરે છે?

શું એના પોતાના હાથમાં જ નથી, એનો આવો આકરો વર્તાવ?

અમારે બધાંએ ક્યાં સુધી સહેવાનો એનો ત્રાસદાયક વર્તાવ?, અચાનક કેતકીને આવો વિચાર આવી ગયો. ને પછી તરત જ એને શરમ થઈ આવી – ઍમ્બૅરૅસમૅન્ટ. આવું વિચારાય? આવો વિચાર પણ મને ના આવવો જોઇએ. હિન્દુ સમાજમાં તો, લગ્ન કર્યું એટલે જીવનભરનો સાથ.

કે ભવો ભવનો?

ફરી પોતાના મનમાં ઉદ્ભવેલા કટાક્શ બદલ એ લજ્જા પામી.

આવો વિચાર, શું કેવળ આ પરદેશમાં રહેવાને કારણે? આધુનિક કાળમાં જીવવાને કારણે નહીં?

ના, ખોટું ખોટું મારાથી ફક્ત અમેરિકાને દોષ ના જ દેવાય. ઇન્ડિયામાં રહેનારાં, શું પતિની સામે ક્યારેય આવું કશું નહીં વિચારતાં હોય? શું આવા વર્તાવનો ઉપાય ઇન્ડિયામાં કોઈ સ્ત્રીઓ નહીં શોધતી હોય?

કેતકીનું મન ઝોલાં ખાતું રહેતું હતું – ખુશી અને ઉદાસીની વચ્ચે, સંતોષ અને ફરિયાદની વચ્ચે. પણ ત્યારે, સુજીતના મૂડ પણ, આમ જ ડોલતા રહેતા હતા ને- વ્હાલ અને જીદની વચ્ચે, આઇસ્ક્રીમ અને ચીડની વચ્ચે?

છોકરાં મોટાં થતાં ગયાં, તેમ એમનું પણ બધું બદલાતું ગયું – પસંદ, પ્રવૃત્તિ, પોષાક, પર્સનાલિટી. સચિનને હવે, સૉફ્ટ રૉક અને રૅપ મ્યુઝીકમાં બહુ રસ પડવા માંડ્યો. ઘરમાં તો એ નાના રેડિયો પર સાંભળતો, પણ એના બેએક ભાઇબંધોને ઘેર એ રૅકૉર્ડ સાંભળી શકતો. પાપા પાસે એણે રૅકૉર્ડપ્લેયર માંગ્યું નહીં, કારણકે એ પાપાનો જવાબ જાણતો હતો.

એ ચૌદ વર્ષનો થયો હતો, એટલેકે ટીન એજર. અમેરિકામાં તો આ ઉંમરે છોકરાંઓને ઘણી છૂટ મળી જતી હોય છે. સચિન હજી બાબો જ ગણાતો – ઘરમાં, એના પાપાની આંખોમાં. પણ સચિન કલ્પના કરતો ક્યાંક બીજે, કોઈ બીજી રીતે જીવવાની.

એ ક્લાસ નવમાં હતો ત્યારે, એક સુપર્બ ચાન્સની શક્યતા એને માટે ઊભી થઈ. ઘેર આવીને એણે પાપાને વાત કરી. છેલ્લાં ત્રણ વર્ષ માટે, બ્રાઇટ સ્ટુડન્ટ્સને, એક સ્પેશિયલ સ્કૂલમાં ભણવા જવાની ઑફર હતી. ત્યાં હૉસ્ટૅલમાં રહેવાનું, અને સારામાં સારા ટીચર્સની પાસે ભણવાનું.

સચિનનો નંબર આમાં લાગી શકે તેમ હતો. એને એ પ્રોગ્રામમાં દાખલ થવાની અત્યંત ઇચ્છા હતી. એણે બહુ હોંશથી, સુજીતને આ બધું કહ્યું.

જવાબમાં, સુજીતની જોરથી પડાયેલી ના હતી. આવી સ્પેશિયલ સ્કૂલમાં જાઓ, ત્યાં રહો, કેટલા પૈસા થાય, એનું ભાન છે? ક્યાંથી પોસાય એવું આપણને?

પણ પાપા, તમે આખી ઑફર જુઓ તો ખરા. જે સ્ટુડન્ટ સિલૅક્ટ થાય, તેમને હૉસ્ટૅલનું રહેવાનું, ખાવા-પીવાનું, અને જિમ્નેશિયમ, સ્વિમીન્ગપૂલ, લાયબ્રેરી બધું ફ્રી મળે. ટ્યૂશનના પૈસા તો અત્યારે થાય છે, તેટલા જ થવાના. અને પૉસિબલ છે, કે મને ભણવા માટે પણ સ્કૉલરશીપ મળી જાય.

મારે ટ્રાય તો કરવો જ જોઇએ ને. એટલેકે, મારું સિલેક્શન તો નક્કી જ છે. તમારી પરમિશન જોઈએ છે. 

કેતકીની આંખોમાં આંસુ આવી ગયાં. ક્યારે થયો મારો દીકરો આટલો હોંશિયાર? ને આટલો મચ્યૉર? આવી સારી સ્કૂલમાં ભણીને ગ્રૅજ્યુએટ થાય, એટલે સારામાં સારી યુનિવર્સિટીમાં ઍડ્મિશન નક્કી. ને પછી ઉત્તમ નોકરી, અને હાઇ ક્વૉલિટીની લાઇફ.

વાહ, મારા દીકરા, તને ખૂબ ખૂબ અભિનંદન, હોં, કેતકી બોલી.

શું ગાંડા જેવી વાત કરે છે? એમ કાંઈ જવા દેવાય એને? ક્યાંનું ક્યાં જવાનું —

ના, પાપા, એ સ્કૂલ બહુ દૂર નથી. કનેટિકટ રાજ્યમાં જ છે. દેવકી માસીના ઘેર જઈએ છીએ, તેટલી જ દૂર હશે – પણ નૉર્થમાં જવાનું, સાઉથને બદલે. એટલો જ ફેર છે, બસ.

શું બસ? તું બોલ્યો એટલે પતી ગયું બધંુ? એટલે મારે તરત હા કહી દેવાની તને?

સચિનના ટીચરનો ફોન આવ્યો, અને સચિનનાં પૅરન્ટ્સને એમણે જ્યારે મળવા બોલાવ્યાં, ત્યારે સુજીત જોરથી ના કહી શક્યો નહીં. ટીચરની અને હૅડમાસ્ટરની સામે, એને ઉત્સાહ દર્શાવવો જ પડ્યો. એ લોકોએ સચિનનાં ખૂબ વખાણ કર્યાં, અને કહ્યું, કે એ એકદમ યોગ્ય છે આ તકને માટે.

સચિનની હોંશિયારી વિષેની વાતનો વિરોધ તો સુજીત કરી પણ ક્યાંથી શકે? ને પછી તો બન્યું જ એવું, કે ત્યાં ને ત્યાં, હૅડમાસ્ટરની ઑફીસમાં જ, બધાં ફૉર્મ અને પેપર્સ પર, સચિનના ફાધરની સહી કરી દેવાની જ થઈ.

કેતકી દીજીનું અને ભગવાનનું નામ-સ્મરણ કરતી બેઠી હતી. બધી સહીઓ થઈ ગઈ, ને સચિનનું ઍડમિશન એ સ્પેશિયલ સ્કૂલમાં નક્કી થઈ ગયું ત્યારે, એ મલકાટ રોકી ના શકી. હાશ, મારો દીકરો ઘણો આગળ વધશે, સુખી થશે, અને એના પાપાના વંશના કોઈ અદૃશ્ય શાપની અસરમાંથી બચી જશે.

હાય રે, ક્યાંથી ક્યાં પહોંચ્યા હતા સંજોગો, કે એ દીકરાના દૂર જવાથી ખુશી થતી હતી.

(ક્રમશઃ) 

આપનો પ્રતિભાવ આપો..