“મેં એક બિલાડી પાળી છે” – વાર્તા – જયશ્રી વિનુ મરચંટ

એણે આંખો બંધ કરી છે અને એક મનોહર દ્રશ્ય મનમાં, મનમાં માણી રહ્યો છે

“એ ઘરનું બારણું બંધ કરે છે. એ એના અરમાની સૂટના કોટનું હેન્ગર એક હાથમાં પકડીને, બીજા હાથમાં એની નવી ટેસલા કારની ગોલ્ડન કી ઘૂમાવતો એની મસમોટી ૧૦,૦૦૦ સ્કેવર ફીટની આલિશાન મેન્શનના પગથિયાં ઊતરી રહ્યો છે. એના છ કાર ગરાજમાં હજી એનો સામાન અને ફર્નિચર તથા જૂની ક્લાસિક મોડેલની બે મર્સીડીઝ અને એક જૂની ક્લાસિક બેન્ટલી પણ મૂકાયેલી છે. એની ટેસલા બહાર ડ્રાઈવેમાં ઊભી છે. એ હજી ગઈ કાલે જ આ નવા ઘરમાં મુવ થયો છે. એ નીચે ઊતરતો હોય છે. એ ટેસલાની ચાવીના રિમોટથી કારનો પાછળનો દરવાજો ખોલે છે અને ટેસલા એની વિંગ પ્રસારે છે. અરમાનીના સુટનું હેન્ગર બેકસીટ્ના કારના દરવાજા પાસે આવેલા હેન્ગર હોલ્ડર પર ટાંગીને, એ ડ્રાઈવર સીટ પર બેસે છે અને ટેસલાની વીંગ કી ના રીમોટથી જ બંધ કરી કાર સ્ટાર્ટ કરે છે. એકલા, એકલાં એના મનમાં એ બાળપણનું જોડકણું “મેં એક બિલાડી પાળી છે…!” ગણગણતો હોય છે. ને એને અંદરથી જાણીતો અવાજ સંભળાય છે.

“શું થયું? બધું બરાબર ને?”

”હલ્લો! આવી ગયો તુ? તારો ઈસ્યુ શું છે? હમણાં જ તો બ્રેકફાસ્ટ વખતે તારી જોડે વાત કરીને જ હું ઘરની બહાર નીકળ્યો છું! મારી અંદર રહીને બસ, તારે તો બવાલ મચાવવો જ છે, ખરું ને?”

“એ છોડ અને કહે, તુ પેલું જોડકણું “મેં એક બિલાડી પાળી છે” ગણગણે ત્યારે હું આવું જ છું, એની તને ખબર છે ને? તું જ મને આમ ઝંખ્યા કરે, બોલાવે અને પછી તું જ મને ધુત્કારે છે?”

“જો, મારે એક મહત્વની બિઝનેસ મિટિંગ માટે જવાનું છે આજે. તો મારે કામ પર ધ્યાન આપવું પડશે ને?”

“યુ વીશ કે તારે આ બિઝનેસ મિટિંગમાં જવાનું હોત! બીસાઈડ્સ ધેટ, હું પણ એ જ કહું છું, કે, “કામ” પર ધ્યાન આપવું પડે ને? આપણે બેઉ એક જ વાત કરી રહ્યાં છીએ, “કામ” ની બાબતમાં!”

“સ્ટોપ ધીસ ‘કામ’ ના નામની ડર્ટી ટોક! તારી સોચ કાયમ જ ગટરમાં રહે છે. હું માંડ મારા પર કન્ટ્રોલ રાખવાની કોશિશ કરું છું અને તુ મને એ દિશામાં જ ધકેલવા માંગે છે! હું, “મેં એક બિલાડી પાળી છે” નું જોડકણું ગાઉં કે કંઈ પણ ગાઉં, તુ ઘડી ઘડી મારી અંદર જાગવાનું બંધ કર, પ્લીઝ! અને સાચું કહું? તુ પણ હવે આમ મારામાં બંધિયાર ન રહે, મારામાંથી નીકળી જા! તું સાંભળે છે ને મારી વાત? કેમ કશો અવાજ હવે તારા તરફથી નથી આવતો? એ..ય.. હલ્લો, હલ્લો…?”

એ ઝબકી ગયો ને ભોંઠો પડીને જુએ છે તો સામે દુકાનનો માલિક એના મોઢા સામે બે ચાર વાર હાથથી ચપટી વગાડીને કહેતો હોય છે “એ..ય.. હલ્લો, હલ્લો…! જાગ ભાઈ, હું તને દિવસના સમયમાં સપના જોવાનો પગાર નથી આપતો ભાઈ…! જરા કામ પર ધ્યાન આપો…! આ દેશ નથી, અમેરિકા છે અને હું અહીં દેશી ગ્રોસરી સ્ટોર ચલાવું છું, ધરમશાળા નહીં! આ બે બોક્સ ભીંડાના ધોઈને, લૂછીને મૂકવા માટે એક આખો કલાક લીધો છે, છતાંયે હજુ તો પૂરા ધોવાયા પણ નથી! અને આ શું? નળમાંથી પાણી નકામું જ ચાલી રહ્યું છે…! મારે અહીં પૈસાનું ઝાડ નથી ઊગતું! પાણીના પણ પૈસા પડે છે! આમ જ જો કામ કરશે ને તો હું કાઢી મૂકીશ! આ તારો રોજનો પ્રોબ્લેમ છે. ન જાણે લાટસાહેબ ક્યા સોનેરી સપના જુએ છે! અને હા.. આ છેલ્લી વોર્નિંગ છે, સમજ્યો? બહાર ડિસ્પ્લેમાં ભીંડા ઓલમોસ્ટ ખલાસ થઈ ગયા છે એ જણાવવા જ મારે અહીં અંદર આવવું પડ્યું. ચાલ, હાથ ચલાવ જલદી.” અને દુકાનના અંદરના ભાગમાંથી બહાર જતાં બોલ્યો, “એક તો દયા કરીને આવા વિઝા વિનાના લોકોને કામ આપો અને પછી આ સાહેબોના નખરાં સહન કરો!  કોને ખબર, આ સા…લ્લાઓ ક્યાં ક્યાંથી અમેરિકા ચાલ્યા આવે છે..!”

એણે સાવ યંત્રવત માથું ધૂણાવ્યું અને કહ્યું, “સોરી સર. હું આ કામ હમણાં જ કરું છું.”

દુકાનના અંદરના ભાગમાં ઈન્ડિયન ગ્રોસરીનો બધો માલ છૂટો પડાતો, સાફસૂફ થતો અને પછી બહાર દુકાનમાં ડિસ્પ્લે માટે મૂકાતો. એ એના કામ પર લાગ્યો. બોસ એને વઢતો હતો ત્યારે બે મેક્સીકન વર્કર પણ એની બાજુમાં જ કામ કરતા હતાં. જેવો બોસ ગયો કે બેઉ મેક્સિકનો સ્પેનીશ ભાષામાં કંઈક બોલ્યા અને એની સામે જોઈને, રોજની જેમ જ, હસીને એનો ઉપહાસ કરતાં ભાંગી તૂટી અંગ્રેજીમાં કહે, “નો વરિઝ. યુ લર્નેડ પીપલ, હાઈ ફ્લાય … નો કેન ડુ ધીસ વર્ક. ધેટ ઓકે. મી અન્ડરસ્ટેન્ડ! ઓલવેઝ બોસ સ્ક્રીમીંગ ટુ યુ!” અને એકમેકને આંખ મારીને એના પર હસતા રહ્યા!

જ્યારે પણ બોસ એના પર ગુસ્સે થતો ત્યારે આ જ બે જણાં સમહાઉ એની આજુબાજુ જ રહેતાં! એને એકવાર તો મન થઈ ગયું કે, બોસને અને આ બેઉને ગરદનથી પકડીને, એક સાથે ઘસડીને, બહાર પાર્કિંગ લોટમાં લઈ જઈને ખૂબ ઢોરમાર મારે પણ…! ત્યાં એને યાદ આવી ગયો એનો રશિયન, ગોરો મકાનમાલિક, જેના ઘરના બેઝમેન્ટમાં સસ્તા રેન્ટ પર એ રહેતો હતો. આજે સવારે જ એ ગોરો રશિયન મકાનમાલિક પણ એને ધમકાવીને, ભાંગ્યાતૂટ્યા ઈંગલીશમાં વોર્નિંગ આપી ગયો હતો કે રાત સુધી જો રેન્ટ પેટેના અઢીસો ડોલર્સ નહીં મળે તો એનો સામાન બહાર ફેંકી દેશે. એ મનોમન બબડ્યો, “સાલો, આજનો દિવસ જ ખરાબ ઊગ્યો છે. જેને જુઓ તે વોર્નિંગ જ આપે છે. આજ સાંજ સુધી આ એનો ખડૂસ બોસ પગારના પૈસા આપે તો સારું, જેથી એ ગોરા રશિયનના મોઢા પર વટથી ફેંકી શકાય!”  

એણે આમ વિચારમાં ને વિચારમાં ભીંડા ધોવાનું ને લુછવાનું કામ જલદી પતાવ્યું અને પછી ભીંડાના બેઉ બોક્સને ટ્રોલી પર મૂક્યા અને મોઢા પરનો માસ્ક સરખો કર્યો. પછી, હાથ પર ગ્લવ્ઝ પહેરતાં પહેલાં, એણે કાન પરના બેઉ બ્લ્યુ ટુથ સરખા કર્યા. એ જ વખતે એને વિચાર આવ્યો કે ‘આ કોવિદ-૧૯ની મહેરબાની ખરી કે મોઢા પર માસ્ક હોવાથી અને કાનમાં પહેરેલા વાયરલેસ ઈયરપ્લગ હોવાથી જો કોઈ ફોન આવે તો મજાથી વાત કરી શકાય પણ પછી એને થયું, નકામો આ ઈયરપ્લગનો ખર્ચો કર્યો! એને તે કોણ ફોન કરવાનું હતું, એ વિચાર આવતાં જ માસ્ક પાછળ ઢંકાયેલા હોઠો પર કડવાશ આવી ગઈ પણ પછી તરત જ એણે વિચાર્યું, ‘કંઈ વાંધો નહીં, આ ઈયરપ્લગને કારણે કામ કરતાં મ્યુઝીક તો સાંભળી શકાય છે! આમેય મને એકલાં એકલાં મારી જોડે જ વાત કરતાં કોણ રોકવાનું હતું?’ આ ખ્યાલ આવતાં જ હવે માસ્કની અંદર મલકાટ મહેકતો હતો. એ ટ્રોલી લઈને બહાર દુકાનમાં આવ્યો. એક એક ભીંડો ગોઠવવાની એને મજા પડવા માંડી. દુકાન માલિક કેશ રજીસ્ટર પર ઘરાકોને સંભાળી રહ્યો હતો. કોવિદ-૧૯ના સમયમાં, ઘરાકો પણ એકબીજાથી છ ફૂટ્ની દૂરી પર, માસ્ક પહેરીને ઊભાં હતાં. એ હવે ભીંડા ગોઠવવા માંડ્યો ને ગણગણવા માંડ્યો, “મેં એક બિલાડી પાળી છે” એટલામાં જ…  

“હું આવી ગયો..! ચાલ, આપણે થોડાં ગપ્પાં મારીએ!”

“એ..ય.. હલ્લો, ભાઈ, હું અહીં કામ કરું છું. તને સમજ નથી પડતી? ઘરે આવું ત્યાં સુધી રાહ નથી જોવાતી? પેલો બોસ નામનો હિટલર, સા..લ્લો… સોટી મારવાનું જ બાકી રાખે છે!  હમણાં જ એ નાલાયક બોસ મને ધમકી આપીને ગયો કે જો હું ધ્યાનથી કામ નહીં કરું તો મને કાઢી મૂકશે. મારાથી હમણાં વાત થાય એમ નથી…!”

“અરે, અરે, જરાક ખમ તો…! તુ તારું કામ હાથથી કર અને મારી સાથે વાતો પણ કર…! સીમ્પલ…! ડરે છે શું? પણ એક વાત કહું, એ તો માનવું જ રહ્યું કે તુ આ છછુંદર જેવા બોસથી ગભરાય છે હં..! હી, હી, હી!”

“હા, મારા પર તો બધાં હસે છે, બાકી રહ્યું હોય તો તુ પણ હસી લે! પણ, તુ જાણે છે જ શું મારી જિંદગી વિષે?”

“તો પછી આજે તો થઈ જ જાય. બોલવા માંડ, હું સાંભળું છું. બધું જ માંડીને કે’જે. ભીંડા ગોઠવતાં વાત પણ સરખી ગોઠવીને કરજે, ઓકે? ચાલ, આજે તો તારું હૈયું ઠાલવી દે.”

“તો સાંભળ, પ્રાથમિક શાળાના ટીચરના બે દીકરાઓ, હું ને મારો મોટોભાઈ. અમે ભણવામાં એવા કંઈ હોશિયાર નહોતાં, સાંભળે છે ને તું? હું જેમતેમ કરીને ફાર્માસીસ્ટ થઈ ગયો. મોટાના તકદીર સારા કે એને તો અમેરિકાવાસી બિઝનેસમેનની, થોડી મગજની સ્લો, ઓછી ભણેલી પણ પૈસાવાળી છોકરીને પરણીને અમેરિકા જવાની તક મળી. મોટોભાઈ પોતે પણ માંડ એક-બે વરસ કોલેજમાં ભણ્યો હતો. એ તો એની મામૂલી નોકરીની ઝંઝટમાંથી લગ્ન કરીને છૂટી ગયો! આજે એ અમેરિકામાં એના સસરાને ધંધામાં મદદ કરે છે અને એશોઆરામમાં રહે છે! મોટાભાઈને કારણે હું વિઝીટર વિઝા પર અહીં આવી તો ગયો, પણ, એક મહિનાની અંદર મને કહે કે હવે તું બહાર તારી વ્યવસ્થા કરી લે! મારાથી પાછું જવાય એમ હતું નહીં. મારે અહીં રહેવું હોય અને કામ કરવું હોય તો ગ્રીન કાર્ડ જોઈએ. એ મેળવવા માટે મારે અહીંની ફાર્મસીસ્ટની એક્ઝામ આપવી પડે અને લાયસન્સ લેવું પડે અથવા મોટાભાઈની જેમ, અમેરિકન છોકરીને અને બની શકે તો અમીર અમેરિકન છોકરીને પરણવું જોઈએ! અમેરિકન છોકરી તો મળતાં રહી! વળી અહીં લાયસન્સની પરીક્ષા કેટલી વાર લેવી પડશે એની ચિંતા પણ મને સતાવે છે. ફાર્મસીના કોર્સમાં ઈન્ડિયામાં જ માંડ પાસ થયો હતો.”

“હું છું ને તારી સાથે, તારી અંદર? ઘરે રહે, અને ભણી કાઢ. પણ, એક મિનીટ, આપણે એ વાત ક્યારેય નથી કરી કે તું ત્યાં ઈન્ડિયામાં ફાર્માસ્યુટીકલ કંપનીમાં સારી નોકરી કરતો હતો, એ છોડીને આવ્યો કેમ અમેરિકા?”

“મારે જલદી મોટા માણસ બનવું હતું. હું આમ ઓર્ડિનરી નોકરિયાત બનીને જીવવા નહોતો માગતો. બે વરસ તો મેં સરખું કામ ફોર્મ્યુલરીમાં કર્યું. પણ મુંબઈમાં મહિનાના ૪૦,૦૦૦ રૂપરડીના પગારમાંથી શું વળવાનું હતું? મેં મોટાભાઈને કહ્યું કે મને વીસેક લાખ રૂપિયા મોકલો તો મારી પોતાની ફેક્ટરી નાખું અને જનેરીક ડ્રગ બનાવીને એક્સપોર્ટ કરું. ઈનીશિયલ કેપીટલ બતાવું તો બાકીની લોન બેંક પણ આપે. પણ મોટાભાઈ કહે કે અહીં આવવા માટે એ બહુ બહુ તો ટિકીટ મોકલાવી શકે અને એકાદ મહિનો સાથે રાખશે. કારણ પૈસાનો વહીવટ એમના હાથમાં નહીં પણ એમના સસરા અને સાળાના હાથમાં છે. પણ એમણે એક સલાહ મને આપી કે વહેલી તકે મારે પાસપોર્ટ અને વિઝીટર વિઝા લઈને એમના સાળાને અને સસરાને મળવા અમેરિકા જવું જેથી તેઓ મારો પ્લાન સમજી શકે અને મારી ફેક્ટરી માટે પૈસા આપવા કે નહીં એ નક્કી કરી શકે!

“તો, પછી તેં શું કર્યું?”

“તુ આજે મને છોડશે નહીં ખરુંને?”

“બાત નીકલી હૈ તો ફિર દૂર તલક જાયેગી! આગે?”

“મેં મોટાભાઈએ કહ્યું એમ, પાસપોર્ટ અને વિઝા તો લઈને તૈયાર રાખ્યા. પણ, મીન વ્હાઈલ, કોણ જાણે કેમ, મને કમતિ સૂઝી અને જે કંપનીમાં નાર્કોટીક્સ – ડ્રગ્સ યુનિટમાં હું મુખ્ય ટેકનીકલ એડવાઈઝર તરીકે કામ કરતો હતો ત્યાં મેં ડ્રગ્સની – એ નાર્કોટીક્સ ટેબ્લેટસની ચોરી કરીને દુબઈ ઈલ-લીગલી મોકલવાનું શરૂ કર્યું. પાંચ છ મહિના સુધી બધું સારુ ચાલતું હતું. મેં ત્રણેક લાખ જેટલા રૂપિયા જમા કર્યા હતા. વીસેક લાખ ભેગા થઈ જાય પછી હું સાચે જ ચોરી પણ બંધ કરવાનો હતો.”

“યે હુઈ ન મર્દોવાલી બાત! સાવ દેખાય છે એવો રેંજીપેંજી તુ નથી હં…આગે?”

“અચાનક જ, એક દિવસ હું સી-સી કેમેરાને એક મિનીટ માટે કપડાથી ઢાંકવાનું ભૂલી ગયો હતો અને ચોરી કરતાં રંગે હાથ પકડાઈ ગયો. મેં મારા સુપરવાઈઝરને સોરી કહ્યું, રડીને, પગ પકડીને માફી માગી. તે દિવસે શુક્રવાર હતો. એમણે મને ધમકાવીને કહ્યું કે સોમવારે મોટા સાહેબ આવશે પછી વધુ વાત! તે જ દિવસે મેં ઘરે જઈને મોટાભાઈને ફોન કરીને કહ્યું કે બીજા જ દિવસની મને ટિકીટ મોકલી આપે. એમણે મને ઈ-ટિકીટ તરત જ મોકલી આપી. બા-બાપુજીને કહીને અમેરિકા આવી ગયો. હવે તો પાછા જવાના રસ્તા પણ નથી. કંપનીએ પોલિસ કેસ ફાઈલ કર્યો છે. અને ઘરે નોટિસ પણ આપી છે કે તેઓ મને જોતાંવેંત જ જેલમાં પૂરશે. હું માંડ પચીસ વરસનો છું અને હજુ મેરેજ પણ નથી થયા અને તુ જે ‘કામ’ ની વાતો કરીને મને ચીડવે છે એ ‘કામસુખ’ પણ મેં હજી નથી માણ્યું. તું જ કહે, આ કંઈ જેલમાં બેસવાની ઉંમર છે? હવે અમેરિકા રહેવા સિવાય કોઈ ઉપાય નથી અને સેટલ થાઉં ત્યાં સુધી આવા ખડૂસ બોસને સહન કરવા સિવાય છૂટકો પણ નથી. તને કંઈ સમજાય છે મારી દશા?”

“મને તારા માટે બહુ જ ખરાબ લાગે છે! આર યુ ઓકે? અરે, ચૂપ કેમ થઈ ગયો? યો મેન, યુ ઓકે? આન્સર મી, યુ ઓકે?”

એ ઝબકીને જુએ છે તો એની સામે બીજો એક મેક્સિકન વર્કર આવીને, પૂછતો હતો, “યો મેન, યુ ઓકે? આન્સર મી, યુ ઓકે?” એનું ધ્યાન ગયું કે છેલ્લો ભીંડો પણ બોક્સમાંથી મૂકાઈ ગયો હતો. એ મૂઢ જેવો હજી ત્યાં જ ઊભો હતો. એણે ખાસિયાણું હસીને, પેલાને થેંકયુ કહ્યું. પછી બોસ સામે ગલ્લા પર નજર કરી તો બોસનું ધ્યાન નહોતું.

એણે હાશકારો કરીને કાર્ટ લઈને અંદર જવાનું ચાલુ કર્યું. મનમાં એ જ ગણગણાટ, “મેં એક બિલાડી પાળી છે!”

એ ગણગણતો દુકાનના અંદરના ભાગમાં ગયો અને ત્યાં સુધીમાં તો…

“બહુ એકલું એકલું લાગે છે ને આજે? મને જ ખાતરી હતી કે તારાથી વાત કર્યા વિના રહેવાશે નહીં!”

“હા, યાર. કોઈ મારું બનીને જિંદગીમાં ક્યારેય આવશે કે નહીં, કોને ખબર!”

“આવશે. આ દશા કંઈ કાયમ નથી રહેવાની! એક વાર કમર કસીને ભણીને પાસ થઈ જા. તારા સ્ટેટસનો જોબ લઈ લે. પછી જો. તેં મને હજુ કહ્યું નહીં કે તુ ઘરે રહીને લાયસન્સ માટે ક્યારથી ભણીશ?  ”

“કામ છોડીને ઘરે રહી પડીશ તો ખાઈશ શું? તને આખી કથા કહી, પણ, ભેંસ આગળ ભાગવત!”

“કોલ મી એઝ મેની નેમ્સ એઝ યુ વોન્ટ! પણ મારાથી તારી આ અવદશા અને અપમાનો ખમાતાં નથી. તારી જોડે ભણ્યા હોય એવા કોઈ મિત્રો નથી અમેરિકામાં જે તારી મદદ કરી શકે?”

“છે પણ એ બધાં જ ભણીને તરત અહીં આવી ગયા અને ખૂબ સરસ સેટલ થઈ ગયા છે. હું ક્યા મોઢે એમને મળવા જાઉં? ઈન્ડિયામાં બધાં જ ન્યુઝ પેપેર્સ અને ઓન-લાઈન ન્યુઝમાં, મારી ડ્રગની ચોરીનું કૌભાંડ જગજાહેર થઈ ચૂક્યું છે. અહીં પણ હું ‘અંડર ટેબલ’, ખોટા નામ સાથે કામ કરું છું.”

“સાંભળ, હું પણ તારો જ હિસ્સો છું. એક વાર, બસ, એક વાર, આ બધાંની સામે મર્દ બનીને ઊભો થઈ જા, ડર નહીં. બંદૂક તાણીને સામી છાતીએ ઊભો થા! ઝૂકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિયે! પછી જો, મજાલ છે કોઈની? સાચું કહું છું હં….! હાલતાં-ચાલતાં કોઈ પણ હાલી-મવાલી તને ધમકાવી જાય, અપમાન કરી જાય, તો હદમાં હદ તુ ખાલી જોડકણું ગણગણી મને બોલાવીને તારી ભડાસ કાઢે છે, બસ! આગળ કંઈ તો કર! તારું લોહી કેમ નથી ઉકળતું?”

“લોહી નથી ઉકળતું? અરે, બરાબર ઉકળે છે! થાય છે, આજે પગાર મળે એવો જ બંદૂક લઈ આવું અને ઊડીને મારા ઈન્ડિયાના એ સુપરવાઈઝરને, મોટાભાઈના સાળાને, પેલા મકાન-માલિકને, મારા આ ખડૂસ બોસને અને પેલા બે મેક્સિકન વર્કરોને કે જે મને જોઈને કાયમ હસ્યા કરે છે એ સહુની છાતીમાં ગોળીઓ ધરબી દઉં.!”   

“તુ આજે મને બહુ ગૂંચવી રહ્યો છે. મોટાભાઈના સાળો આમાં વચ્ચે ક્યાં આવ્યો?”

“અરે, એમણે મારો આખો બિઝનેસ પ્લાન સમજી લીધો. મેં પણ ભરોસો રાખીને મારા બધાં જ ડોક્યુમેન્ટ્સની બ્લ્યુ પ્રિન્ટ પણ એમને આપી દીધી. એ બધું લઈને, સમજીને, પછી એમણે મને કહ્યું કે તેઓ આ બિઝનેસ એમના પોતાના સાળા સાથે ઈન્ડિયામાં કરશે અને મને તો સાવ બાજુમાં મૂકી દીધો! મારો આઈડિયા ચોરીને મારી જોડે સીધેસીધી છેતરામણી કરી ને? ચાલ, પછી વાત કરીએ. બોસ આ બાજુ આવતો લાગે છે!”

ત્યાં તો બોસ આવી પહોંચ્યો.

“ઓલ વર્કર્સ, કમ હિયર!”

બધાં ભેગા થયાં.

બોસ – “લીસન, આઈ નો ધેટ ટુ ડે ઈઝ પે ડે બટ બિકોઝ ઓફ કોવિદ-૧૯, બિઝનેસ ઈઝ સ્લો. નો પે ટુ ડે. ઓકે? આઈ વીલ પે યુ ઓલ નેક્સ્ટ વીક. સોરી!” અને કોઈનાયે રીએક્શનન્સ જાણવાની પરવા કર્યા વિના બોસ ઝડપથી ફરીને તરત જ બહાર, દુકાનમાં જતો રહ્યો. આ સાંભળીને મેક્સિકન વર્કર્સ એમની સ્પેનિશ ભાષામાં ને ભાંગ્યા તૂટ્યા ઈંગલીશમાં બોલતાં હતાં, “નો ફેર ધીસ! વી નીડ મની! નો મની ધેન ઈટિંગ વોટ? નો ફેર ધીસ!”

એણે મોઢા પર ગ્લાનિ સાથે ડોકું ધૂણાવ્યું. છ વાગી ગયા હતા. એની શીફ્ટ પૂરી થઈ ગઈ હતી. એણે હાથ ધોયા, મોઢું ધોયું અને જેકેટ પહેરીને ઘરે જવા નીકળી ગયો. દુકાનથી ૧૦ મિનીટ સુધી ચાલીને એ બસ સ્ટોપ પર પહોંચ્યો. બસ આવવાને છ મિનિટની વાર હતી. એણે ખીસામાંથી ફોન કાઢીને સી.એન.એન પર ન્યુઝ જોવાના ચાલુ કર્યા. ન્યુઝમાં બતાવી રહ્યાં હતાં કે આજે, ૬ જાન્યુઆરી, ૨૦૨૧ ને દિવસે, કન્સ્પીરસી થિયરીમાં માનનારા એક્સ્ટ્રીમિસ્ટ લોકોએ અમેરિકાની સંસદ, કેપીટલ હિલ પર હજારોની ભીડમાં જઈને રેસીસ્ટ સ્લોગન બોલતાં, બોલતાં હુમલો કર્યો હતો. એને આ જોઈને થયું, “આવું તો આપણા દેશમાં કેટલું ય જોયું, સાંભળ્યું! આમાં નવું શું છે!” એણે ન્યુઝ ચેનલ બંધ કરી દીધી. અને મનમાં ગણગણવા માંડ્યો, “મેં એક બિલાડી પાળી છે” ત્યાં જ…

“હલો, શું કરે છે?”

“મને ખાતરી હતી કે તુ જ હશે. બસસ્ટોપ પર એકલો ઊભો છું, બસની રાહ જોતો…! રાહ જોવા સિવાય મારે બીજું કરવાનુંય શું છે? પગારની રાહ, ઘરની બહાર સામાન ફેંકાવાની રાહ, ફાર્મસીસ્ટનું લાયસન્સ મેળવવાની રાહ, અમેરિકન છોકરી સાથે લગ્ન કરીને અહીં વસવાની રાહ, ગ્રીન કાર્ડની રાહ, પછી કોઈ મને ફોન કરે એવા મિત્રોની રાહ અને સાલું કશું ન થયું તો બંદૂક ખરીદવાની રાહ, બધાંને બંદૂકથી ઊડાડી દેવાની રાહ અને પછી પોતાને ગોળી મારવાની રાહ કે જેથી ફાઈનલી બધું પૂરૂં થાય!. સાલું, આ જીવવાનું એટલે રાહ જોયા જ કરવાનું!

“લાગે છે કે આજે તુ બહુ ડિસ્ટર્બ છે. પહેલાં એ કહે તુ બસ સ્ટોપ પર સાવ એકલો નથીને? વીન્ટરમાં પાંચ વાગ્યામાં અંધારું થઈ જાય છે. તમે કેટલા લોકો બસ સ્ટોપ પર રાહ જુઓ છો?”

“તુ મારો પીછો નહીં છોડે, હું તને એક્ઝેટલી હિસાબ આપું છું. જો, અહીં ચાર કાળા, પાંચ મેક્સિકનો અને હું એમ દસ જણાં ઊભાં છીએ. બસ, થયું તારું?”

“કેમ અંદર મને લાગે છે કે કંઈક થવાનું છે. તું સાંભળે છે ને,   હલો, હલો…હલો, હલો…”

ત્યાં તો, અચાનક જ બે ચાર ગાડીઓ આવીને ઊભી રહી. થોડાં તોફાનીઓના ધાડાં એમાંથી બહાર આવ્યાં. એકના હાથમાં એકે ૪૭ હતી. એણે ગાળો બોલતાં કહ્યું, “યુ ઓલ ગો બેક ટુ યોર કન્ટ્રી!” અને સહુ પર આડેધડ ગોળીઓ ચલાવી એ લોકોએ કાર મારી મૂકી.

એ ઊંધે મોઢે પડ્યો હતો, શાંત, સાવ શાંત…એના હાથની નિર્જીવ આંગળીઓ બાજુમાં પડેલા એના ફોન પર હતી…!

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. દરેક માનવીની તળમાં હિંસક પ્રાણી રહેલું છે. એ ક્યારેક ક્યારેક તો માથું ઊંચું કરે છે. જ્યારે કોઈ અજાણ્યા વ્યક્તિના હાથે તમારું મોત લખ્યું હોય તો એ ખામોશ થઇ જાય છે.હરેક ઘાતકી વિચાર પાછળ એ પ્રાણી હોય છે. પણ ઇન્સાન ચેતી જાય તો એને માત આપી શકે છે.ખૂબ સરસ ચોટદાર વાર્તા.

  2. સાંપ્રતસમયે અનુભવાતી એકે એક વાતની સ રસ ગુંથણીમા અમેરીકા એટલે તકનો દેશમા સંપતીવાન થવાના સ્વપ્નમા-‘એના હાથની નિર્જીવ આંગળીઓ બાજુમાં પડેલા એના ફોન પર હતી…! વાતે આંખ નમ થઇ.
    અમારા અનેક સ્નેહીઓએ બિલાડી પાળી છે અને દરેકના અભિપ્રાયમા કુતરા કરતા બિલાડી વધુ પ્રેમાળ અને સ્વચ્છ રહે છે !
    સ રસ વાર્તા
    ધન્યવાદ