જડભરત બનતા જતા સમાજ સામે દર્પણ ધરતી વાર્તા – બાબુ સુથાર

બાબુ સુથાર

જડભરત બનતા જતા સમાજ સામે દર્પણ ધરતી વાર્તા

બાબુ સુથાર

સ્વિડીશ લેખક પાર લાગેરક્વિસ્ટની (Par Lagerkvist) એક વાર્તા છે: A Hero’s Death. આમ જુઓ તો આ વાર્તા સાવ સાદી છે.

વાર્તામાં એક નાનકડું શહેર છે. એ શહેરમાં મનોરંજનનું કોઈ સાધન નથી. એટલે શહેરના લોકોએ એક મનોરંજન સમિતિ બનાવી છે. એ સમિતિનું કામ લોકોને મનોરંજન મળે એવા કાર્યક્રમો યોજવાનું. એ સમિતિએ એક માણસને શહેરના લોકોનું મનોરંજન કરવા માટે રોક્યો છે. એ માણસ શહેરના દેવળની ટોચ પર ચડશે. ત્યાં ઊંધા માથે ઊભો રહેશે. અને પછી ત્યાંથી એ પોતાની જાતને નીચે પટકશે. અને એ રીતે એ પોતાને મારી નાખશે. એ માટે સમિતિએ એને પચાર હજાર ક્રોન આપવાનું નક્કી કર્યું છે.

આશ્ચર્યની વાત એ છે કે શહેરીજનો પણ એ મનોરંજન માણવા તૈયાર છે. એ માટે એ મોંઘી ટિકિટો પણ ખરીદવા તૈયાર છે. એટલે જ તો એ કાર્યક્રમની જાહેરાત થઈ ત્યાર પછીના થોડા દિવસોમાં જ બધી ટિકિટો વેચાઈ જાય છે.

એટલું જ નહીં, ત્યાર પછીના થોડાક દિવસો તો એ કાર્યક્રમ રોજબરોજની વાતોનો વિષય બની જાય છે. બે માણસો ક્યાંય પણ મળે તો એકબીજાને સૌ પહેલાં પેલા માણસની જ વાત કરે અને કહે કે એ માણસ દેવળની ટોચે ચડી, ત્યાં ઊંધા માથે ઊભા રહી, પોતાની જાતને નીચે પટકશે. સાચે જ મજા આવશે. કેટલાક કહે છે: આ કાંઈ સામાન્ય કામ નથી. આ પ્રકારના કામ માટે બહુ હિંમત જોઈએ. તો વળી કેટલાક એમ પણ કહે છે કે મનોરંજન સમિતિએ ટિકિટ બહુ ઓછી રાખી છે. આટલી ટિકિટમાં આવો કાર્યક્રમ કોણ કરે? એમણે ટિકિટના ભાવ વધારવા જોઈએ.

મનોરંજન સમિતિ પણ આ ઘટનાનો જોરજોરથી પ્રચાર કરે છે. એ લોકોએ પત્રકારોનો પણ સંપર્ક સાધ્યો છે અને પત્રકારો પણ પેલા માણસની મુલાકાતો લે છે. છાપે છે. એટલું જ નહીં, એ માણસ વિશેની નાનામાં નાની માહિતી પણ ભેગી કરે છે અને એના પર લાંબા લાંબા લેખો પણ લખે છે. લોકો પણ હોંશે હોંશે એ મુલાકાતો અને એ લેખો વાંચે છે.

પત્રકારો પેલા માણસને ભાતભાતના પ્રશ્નો પૂછે છે. જેમ કે: “તમને દેવળ પર ચડવાની બીક નહીં લાગે?” “તમને મરણની બીક નથી લાગતી?” પેલો માણસ પણ કહે છે કે બીક શાની લાગે? “આ તો એક વ્યવસાય છે.” એક પત્રકાર એને એમ પણ પૂછે છે કે “આ રીતે જીવન ગુમાવવાનું તમને અરુચિકર નથી લાગતું?” તો એ કહે છે કે “મેં પણ એ વિશે વિચાર્યું છે. પણ, તમને ખબર છે કે માણસ પૈસા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે.”

કેટલાક લોકો આવો સરસ કાર્યક્રમ યોજવા બદલ મનોરંજન સમિતિના વખાણ પણ કરે છે. કહે છે કે એ લોકોએ સાચે જ એક ખૂબ સર્જનાત્મક પ્રયોગ કરવાનું માથે લીધું છે. એમ કરતાં આ કાર્યક્રમનો ખર્ચ પણ વધી જાય છે. એ ખર્ચને પહોંચી વળવા આયોજકો કાર્યક્રમની ટિકિટના દર પણ વધારે છે. પણ, લોકોને એની કાંઈ પડી નથી.

આખરે એ કાર્યક્રમનો દિવસ આવે છે. દેવળની આસપાસ માણસોની ભીડ જામે છે. બધા પેલા માણસને ઊંધા માથે દેવળની ટોચ પર ઊભો રહેલો અને ત્યાંથી નીચે પટકાતો જોવા માટે આતુર છે. બધાંને શ્વાસ થંભી ગયા છે.

અને પેલો માણસ દેવળની ટોચ પર ચડે છે. ટોચ પર ઊંધા માથે ઊભો રહે છે ને પછી નીચે પટકાય છે. બધું એક ક્ષણમાં જ બની જાય છે. એ જોઈને લોકોના શરીરમાં થઈને એક લખલખું પસાર થઈ જાય છે.

આમ કાર્યક્રમ પૂરો થાય છે. બધા લોકો પાછા પોતપોતાના ઘેર જવા રવાના થાય છે. રસ્તામાં કેટલાક લોકો આ કાર્યક્રમના સંદર્ભમાં નિરાશા વ્યક્ત કરે છે. કહે છે કે આ કાર્યક્રમ સાચેજ ભવ્ય હતો પણ એ ખાલી ઉપર ચડ્યો અને નીચે પટકાયો. આટલું કરવાના આટલા બધા પૈસા ન હોય. હા, એનાં હાડકાંપાંસળાં જુદાં થઈ ગયાં હતાં એ વાત સાચી. પણ, એમાં શું? એનાથી આપણને કેટલું મનોરંજન મળે?

અંગ્રેજી અનુવાદ રૂપે આ વાર્તા ૧૯૫૪માં પ્રગટ થયેલી. મૂળ સ્વિડીશ ભાષામાં આ વાર્તા ક્યારે લખાઈ હશે એ મેં શોધવાનો પ્રયાસ કર્યો પણ એમાં હું નિષ્ફળ રહ્યો છું. પણ, એક વાત નક્કી છે કે જ્યારે આ વાર્તા લખાઈ ત્યારે Reality TV show ન હતા. લેખકે એવા શો ટીવી પર આવે એ પહેલાં Reality TV showને મળતી આવે એવી આ વાર્તા લખી છે.

વાર્તામાં આમ જુઓ તો કોઈ નાયક નથી. જે માણસ દેવળ પર ચડીને નીચે પડવા અને એ રીતે મરવા તૈયાર થાય છે એનું નામ લેખકે આપ્યું નથી. લેખક કહે છે કે એના વિષે છાપાંમાં ઘણું લખાયું છે. પણ, શું લખાયું છે એ વિશે એ આપણને કશું કહેતા નથી. જો કે, એ માણસના કેટલાક વિચારો લેખકે આપણી સમક્ષ મૂકી આપ્યા છે. એક પ્રશ્નના જવાબમાં એ માણસ કહે છે કે માણસ પૈસા માટે કંઈ પણ કરવા તૈયાર થાય. એ માણસ અહીં આમ જુઓ તો પોતાનું જીવન વેચવા તૈયાર થયો છે. આપણે નિઓલિબરલ અર્થંતંત્રમાં જીવીએ છીએ. ઘણા લોકો કીડની અને શરીરનાં બીજાં અવયવો વેચે છે. મને લાગે છે કે આ જીવન વેચવાની વાત કરીને લેખક આજે આપણે જે પ્રકારની અર્થવ્યવસ્થામાં જીવી રહ્યા છીએ એનો નિર્દેશ કરે છે.

આખી વાર્તામાં ક્યાંય પણ એ માણસ વતી પૈસા કોણ લેશે એની વાત લેખકે કરી નથી. ટૂંકી વાર્તામાં લેખક કેટલું કહે છે એના કરતાં કેટલું નથી કહેતો અને શા માટે એ પ્રશ્ન વધારે મહત્ત્વનો હોય છે.

આખી વાર્તા વાંચ્યા પછી આપણને એક પ્રશ્ન થાય: લેખકે કયા પ્રકારનો માનવસમાજ કલ્પ્યો છે આ વાર્તામાં? અહીં લેખકે એક જડભરત સમાજ બતાવ્યો છે. શહેરનો એક પણ માણસ આ માણસ કેમ સામેથી મરવા તૈયાર થયો છે એની વાત કરતો નથી. બધાંને એમાં મનોરંજન દેખાય છે. કોઈ ટિકિટની વાત કરે છે. કોઈને ટિકિટ ઓછી લાગે છે. કોઈને વધારે. પણ, એક માણસ જીવ આપી દે એ ઘટનામાંથી મનોરંજન કઈ રીતે મળે?

મને લાગે છે કે લેખકે અહીં જે પ્રકારનો માનવસમૂહ બતાવ્યો છે એ પ્રકારનો માનવસમૂહ હવે લગભગ અસ્તિત્ત્વમાં આવી ગયો છે. સીએનએનએ અખાતના યુદ્ધનું લાઈવ ટેલિકાસ્ટ કરેલું એ ઘટના ઘણાને યાદ હશે. ત્યારે આપણે એવો પ્રશ્ન ન’તો થયો કે કોઈ એક રાષ્ટ્રની બરબાદી આપણા માટે મનોરંજનનું સાધન કઈ રીતે બની શકે? આ વાર્તામાં આવતા લોકો પણ એવો પ્રશ્ન નથી પૂછતા.

માણસ દેવળ પરથી પોતાની જાતને નીચે પટકે એ ઘટના બીજી રીતે પણ મહત્ત્વની બને છે. વાર્તાકારે એને દેવળને બદલે કોઈક ઊંચા મકાન પરથી પડતાં બતાવ્યો હોત. પણ, એમ નથી કર્યું. એ પણ જાણી જોઈને. એ આડકતરી રીતે ઈશ્વરની અને ધર્મની પણ ટીકા કરવા માગતા હોય એવું લાગે છે.

એક માણસ જીવ આપી દે તો પણ છેલ્લે શહેરના માણસો તો એમ જ કહે છે કે અમારા તો પૈસા પડી ગયા. આમાં કંઈ કરવાનું જ ન હતું. ઉપર ચડવાનું, પછી પડવાનું. બીજું શું? એક માણસ એમ પણ કહે છે કે હા, તૂટેલાં હાડકાં ને એવું બધું ન ગમે પણ મનોરંજન તો એમાં ન’તું જ.

વાર્તાના અંતે લેખક કહે છે: On second thought the whole thing was disgraceful. પણ, second thought વખતે. એ પહેલાં નહીં.

કોઈ નાયક ન હોય, કોઈ ખલનાયક ન હોય, કથનની કોઈ આંટીઘૂંટી પણ ન હોય, કોઈ પરિવેશ ન હોય, એમ છતાં પણ એક લખાણ વાર્તા હોય એ હકીકત નોંધવા જેવી છે. માંડ બે પાનાંની આ વાર્તા ભલે ૧૯૫૪ પહેલાં લખાઈ હોય; એ આપણી સમકાલીન બની રહે છે. આપણે એમાં બનતી ઘટનાને સરળતાથી આપણા નિઓલિબરલ અર્થતંત્ર સાથે અને Reality TV Show જેવા કાર્યક્રમો સાથે જોડી શકીએ છીએ.

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

  1. મા બાબુ સુથાર ની જડભરત બનતા જતા સમાજ વિષે સંવેદનશીલ સટિક વાત

  2. અમિતાભ,શબાનાની જાવેદ અખ્તર લિખિત,ટીનુ આનંદ દિગ્દર્શિત ફિલ્મ ‘મૈં આઝાદ હું’ યાદ આવી ગઈ.એ કથાનકનાં મૂળ આવી જ કોઈ જગ્યાએ હશે.

  3. સંવેદનહીન સમાજ પર સીધો સચોટ પ્રહાર