‘મરીઝ’ – બિંદુની મધ્યમાં રહીને અનંત સુધી વિસ્તરેલો શાયર – અનિલ ચાવડા

બિંદુની મધ્યમાં રહીને અનંત સુધી વિસ્તરેલો શાયર

મારું જીવન જીવન નહીં, મારું મરણ, મરણ નહીં,
તારો અનંતકાળ છે, મારી તો એક ક્ષણ નહીં.

સ્પર્શ વિના મજા મળે એની મીઠાશ ઓર છે,
કુદરત તરફથી જે મળે તેવા જખમને ખણ નહીં.

તારી નજરની ભૂલથી તું તો ઠગાઈ જાય છે,
જોશે તો તારા લાખ જણ, સમજે તો એક પણ નહીં.

મનદુઃખ તો થાય છે અહીં કિન્તુ જરાક હદ રહે,
ઓળંગી જે શકે નહીં એવી દીવાલ ચણ નહીં.

પોતાનો એક પ્રવાહ હો, પોતાનું એક વહેણ હો,
જેમાં ન ખુદની હો ગતિ, મૃગજળ છે એ ઝરણ નહીં.

આ તો શરૂનું દર્દ છે મૃત્યુની ઝંખના ન કર,
હમણાં તો શ્રીગણેશ કર, હમણાંથી શ્રીચરણ નહીં.

સંત એ ક્યાં ગયા, મરીઝ, ક્યાં એ ફકીર ગુમ થયા?
પરદો બીજાનું રાખતા, પોતાનું આવરણ નહીં.

– મરીઝ

ક્યારેક એવો પ્રશ્ન થાય છે કે મરીઝસાહેબે જીવતેજીવત ખૂબ હાલાકી વેઠી, અપમાનો સહ્યાં, વગોવાયા, તેમના અનેક કિસ્સાઓ ચર્ચિત થયા એટલા માટે આટલા લોકપ્રિય અને મહાન શાયર બન્યા? કે પછી તે મહાન શાયર છે એટલે તેમના કિસ્સાઓ આટલા જાણીતા થયા?

આ બંને વાતમાં બીજી વાત વધારે સાચી છે. કેમ કે, તેમના ‘આગમન’થી ગુજરાતી ગઝલના નવા ‘નકશા’ ચીતરાયા. તેમના શબ્દોમાંનું ‘દર્દ’ આજે પણ વાચકોને એટલું જ પોતાનું લાગે છે, જેટલું લખાઈ ત્યારના સમયકાળમાં લાગતું હતું. તેમના શબ્દોને સમયનો કાટ નથી લાગ્યો. ઊલટાના તે વધારે ચકચકિત થયા છે. દિવસે-દિવસે મરીઝસાહેબ વધારે ને વધારે મોટા થતા જાય છે, તેનું મુખ્ય કારણ છે તેમની ગઝલમાં રહેલું સરળ ઊંડાણ. જીવાતા જીવનની શાશ્વત વાતો તેમની ગઝલોમાં ઠાંસીઠાંસીને ભરી છે. લોકપ્રિયતા અને સત્વશીલતા બંને તેમનાં સર્જનમાં સંપીને રહે છે. તેમણે તખલ્લુસ ભલે ‘મરીઝ’ રાખ્યું, પણ ગઝલો ખૂબ તંદુરસ્ત આપી.

ઉપરોક્ત ગઝલનો પહેલો શેર જુઓ, તેને ઇશ્કે-હકીકી અને ઇશ્કે-મિજાજી બંને અર્થમાં જોઈ શકાય તેમ છે.

મારું જીવન જીવન નહીં, મારું મરણ, મરણ નહીં,
તારો અનંતકાળ છે, મારી તો એક ક્ષણ નહીં.

આ પંક્તિ તમે શ્રદ્ધાપૂર્વક ઈશ્વરને સંબોધીને ઉચ્ચારો, પરમના અનંત સ્વરૂપ સામે આપણી પામરતાના દર્શન થશે.

ગહન પ્રેમમાં ડૂબી ગયા બાદ આ પંક્તિ ઉચ્ચારો. પ્રેમમાં ખોવાયા પછી શું જીવન? શું મરણ? અનંતકાળ માટેની તમામ ક્ષણો પ્રેમીને નામે જ હોય ને! પોતાની એક ક્ષણ પણ શેની હોય?

દુશ્મનની કોઈ ભયંકર ચાલમાં ફસાઈ ગયા પછી આ શેર બોલી જુઓ. લમણે બંદુક મુકાયા પછી આપણું જીવન-મરણ બંદુક મૂકનારના હાથમાં જ છે ને? કેમ કે એ સમયે એક પણ ક્ષણ આપણા હાથમાં નથી.

સારી કવિતાની મજા જ એ છે કે તે દરેક ભાવકને પોતાનો સ્વતંત્ર અર્થ કરવાની મોકળાશ આપે છે. મરીઝના ઘણા શેરમાં તમને આવી મોકળાશ મળશે. કોઈ પણ કવિતામાં વાચકને પોતાના જીવનનો પડઘો પડતો અનુભવાય છે. તેને તે પોતાની જિંદગી સાથે જોડે છે. પોતે જે જોયું-જાણ્યું-અનુભવ્યું છે એના આધારે તે કવિતાના મર્મને પામવાનો પ્રયત્ન કરે છે. ઘણી વાર શાયરે કલ્પ્યું પણ ન હોય એટલો ઉચ્ચત્તમ અર્થ ભાવક પોતાની સમજથી નિપજાવે છે. તેમાં ભાવકની મર્મશક્તિ પણ કામ કરે છે. શાયરનું કામ તો કવિતા થકી વિચારનો દીવો પ્રગટાવવાનું છે. એ દીવો ભાવક ઓરડામાં મૂકે, આંગણે મૂકે કે ગોખમાં, એ તો તેની પર નિર્ભર છે. ઓરડામાં મૂકાય ત્યારે તે ઓરડાનું સત્ય પ્રગટ કરે, ગોખમાં મૂકાય ત્યારે ગોખનું અને આંગણે મૂકાય ત્યારે આંગણાને અજવાળે.  

આ ગઝલના તમામ શેર અર્થની જુદી જુદી ગલીમાં અજવાળું પાથરે છે. જુદાં જુદાં દ્વાર ખોલી આપે છે. ભાવક તે દ્વારમાં પ્રવેશીને પોતે માણેલા અર્થનો આનંદ લઈ શકે છે. મારો અર્થ આપીને હું તેમને, તેમણે માણેલા અર્થથી દૂર નથી લઈ જવા માગતો.

અને આમ પણ આ શાયર તો બિંદુની મધ્યમાં રહીને અનંત સુધી વિસ્તરેલો હતો. જિંદગીની તમામ ફિલસૂફી સમજીને બેસેલો હતો. તેમની શાયરીમાં ફિલસૂફીનું વૈવિધ્ય ન હોય તો જ નવાઈ! તેમણે કહેલો શેર આજે બિલકુલ સાચો પુરવાર થઈ રહ્યો છે.

આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.

આજે તેમની ગઝલો જે રીતે લોકપ્રિય થતી જાય છે, દિવસે ને દિવસે જે પ્રમાણે વિસ્તરતી જાય છે, તે જોતા ઉપરોક્ત શેર કેટલો બધો સાચો લાગે છે. મરીઝના શ્વાસ જરા પણ નકામા ગયા નથી. આજે પણ તેમની કવિતા નવી પેઢીને જીવન આપી રહી છે. અનેક શાયરો માટે તે પ્રેરણાનો સ્ત્રોત છે. વધારે કંઈ કહેવા કરતા, મરીઝસાહેબ વિશે સુરેશ દલાલે કહ્યું છે, તે વાક્ય ટાંકીને મારી વાત પૂરી કરું, “મરીઝ એ ગુજરાતી ગઝલનું મક્કા છે, જ્યાં દરેક નવા શાયરે માથું ટેકવીને આગળ વધવાનું છે.”

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. મારું જીવન જીવન નહીં, મારું મરણ, મરણ નહીં,
    તારો અનંતકાળ છે, મારી તો એક ક્ષણ નહીં.
    વાહ
    મરીઝની ખૂબ સુંદર ગઝલનો સ રસ આસ્વાદ્

  2. સદાબહાર શાયર મરીઝની ખૂબ જ સુંદર ગઝલ અને અનિલભાઈ ચાવડાનો એટલો જ સરસ લેખ-બંને માટે ધન્યવાદ.