પરંપરાની ઉજળી મશાલ – ખલીલ ધનતેજવી – મુકેશ જોષી
પરંપરાની ઉજળી મશાલ – ખલીલ ધનતેજવી – મુકેશ જોષી

ગુજરાતી ગઝલ પરંપરાના અદના શાયર શ્રી ખલીલ ધનતેજવી આપણને છોડી ગયા.ફરી એક શૂન્યાવકાશ. ગઝલનો મંચ સુનો થઇ ગયો. ગઝલના ચાહકો અને ભાવકોને તરબોળ કરતો એ ઘેરો શાનદાર અવાજ શાંત થઇ ગયો. એ ગઝલકાર જેણે વન્સમોર લેવા કદી ગઝલ લખી નહી છતાં વન્સમોર થયા વિના રહી નહી, એ ગઝલકાર જેને લોકપ્રિય ગણીને સાહિત્યકારોએ જરા છેટું રાખ્યું, એ ગઝલકાર જેણે કાર્યક્રમોના આયોજકોને કદી મુશ્કેલીમાં મુક્યા નહી એમને શ્વાસની મુશ્કેલી સર્જાઈ અને એમણે આપણને અલવિદા કહી દીધી. ૧૨ ડીસેમ્બર ૧૯૩૫થી શરુ થયેલી આ યાત્રા ચાર એપ્રિલ ૨૦૨૧ ના રોજ વિરામ પામી.
વડોદરાની બાજુમાં ધનતેજ નામનું ગામ,એમનું વતન. એ વતન છોડીને વડોદરા આવ્યાં. ગામની લીલીછમ ધરતી ગઈ, માટી ગઈ અને શહેરની સડકો નસીબમાં આવી. એ વાતને એમણે ગઝલમાં લખી .અબ મેં રાશનકી ક્તારોમે નજર આતા હું.. અપને ખેતો સે બિછડનેકી સજા પાતા હું .. .. આ ગઝલને જગજીતસિહે ગાઈ અને બેહદ લોકપ્રિય થઇ.
મુંબઈમાં ૧૯૯૬-૯૭ થી આઈ એન ટી ના મુશાયરા પુન: શરુ થયા તે પછી છેક ૨૦૧૭ સુધી એમણે દરેક વર્ષે મંચને રોશન કર્યો. એકમાત્ર શાયર જેણે સતત ૨૦ વર્ષ મુશાયરાઓમાં ભાગ લીધો. એમને કલાપી એવોર્ડથી નવાજવામાં આવેલા મોરારીબાપુના હસ્તે નરસિહ મહેતા એવોર્ડ પણ મળેલો. લાગલગાટ તાલીઓના ગડગડાટ વચ્ચે એ જયારે પ્ર્ર્સન્ન ચિતે ગઝલો સંભળાવતા ત્યારે લાગતું આજે ફરી એક એવોર્ડ એમને મળી ગયો છે. જો શ્રોતાઓની દાદને એવોર્ડ ગણીએ તો એક મોટું મેદાન ભરાય એટલે એમણે એવોર્ડ મેળવ્યા ગણાય. ખલીલભાઈ હોય અને લોકો મુશાયરામાંથી નિરાશ થઈને ગયા હોય એવું કદી બન્યું નથી.. એ ગઝલ વાંચવા ઉભા થતા ને ઓડીયન્સ ઝુમતું.
એ શરુ કરતા .. પહેલા તારા પૂર્વજોના મૂળ જો.. એ પછી આવીને મારું કૂળ જો..
મારા મેલા વસ્ત્રની ચિંતા ન કર.. તારા જીવતરમાં પડેલી ધૂળ જો . ને પછી વાત જામતી ભરબપોરે તું કદી માપી જો તારો છાંયડો કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને
તું પ્રથમ તારો જ માહિતગાર થઇ જા તે પછી, બાઈબલ કુરાન ઉપનિષદ ખબર પડશે તને
ઓળખી લે બેય બાજુથી રણકતા ઢોલને , આપણામાં કોણ છે નારદ ખબર પડશે તને
એમની ગઝલોના સંગ્રહો પણ લોકપ્રિય થતા રહ્યા , વેચાતા રહ્યા.
ખલીલભાઈના તમામ સંગ્રહો ‘સ’ થી શરુ થાય છે. જેમાં સાદગી, સારાંશ, સાયબો, સરોવર, સોગાત,સૂર્યમુખી, સાવરિયો, સગપણ,, સોપાન થતા સારંગીનો સમાવેશ થાય છે. એમની બાવીસ જેટલી નવલકથાઓ જેમાં ડો. રેખા, તરસ્યાં એકાંત, સન્નાટાની ચીસ, લીલોછમ તડકો વગેરેનો સમવેશ થાય છે એમની આત્મકથા સોગંધનામું પણ પ્રકટ થઇ છે.
ભારેખમ થયા વિના પણ જીવનની ફિલસુફી સમજાવાવમાં એમની હથોટી હતી. આ જુઓંને
લય વગર, શબ્દો વગર, મત્લા વગર, હું ગઝલ લખતો રહ્યો સમજ્યા વગર
તે તો તારો છાંયડો આપ્યો મને , હું જ ના જંપી શક્યો તડકા વગર
સરહદો સુની હશે તો ચાલશે, સીમમાં ચાલે નહિ પહેરા વગર
સમાજ ઉપરનો ધારદાર કટાક્ષ તો જુઓં
ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો, આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો
હું કોઈનું દિલ નથી, દર્પણ નથી, સપનું નથી , તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો
એમને મેં એકવાર પૂછેલું કે તમારો સહુથી ગમતો સમય કયો? ત્યારે એમણે કહેલું કે આજુબાજુ મિત્રો બેઠા હોય, ગઝલના શેરો કહેવાતા હોય, ચા ની ચુસ્કીઓ હોય અને સાંજ ઢળતી હોય તો એનાથી વધુ રૂડું શું? ગુજરાતી કે ઉર્દુ મુશાયરાઓ માટે અવિરત પ્રવાસ કરીને સમયસર પહોચનારા, પ્રવાસથી કદી ન થાકનારા, સમાચાર પત્રોમાં લેખ લખનારા,ફિલ્મોના દિર્ગ્દર્શન કરનારા, પત્રકારત્વમાં ખેડાણ કરનારા ગઝલના છાંયડે બેસીને જીવન રસ પીનારા ખલીલભાઈએ જીવન વિષે લખ્યું
ચૃક્ષ ઝાઝાવત નહી ઝીલી શકે, તરણું ઉખડી જાય તો કહેજે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી , તું જો થકી જાય તો કહેજે મને .. આ સંવેદનશીલ શાયરને પાંચ વાર એટેક અને ત્રણ વાર એન્જ્યોપ્લાસ્ટી કરાવવી પડેલી. આ જ અનુભવ પછી એમણે લખેલું
કઈક વખત એવું બન્યું કે સાવ અંતિમ શ્વાસ પર, મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો
પરંતુ આ વખતે તેમણે મૃત્યુ સાથે હાથ મેળવી લીધા. હજી યાદ આવે છે કે એક ઠંડા પડી ગયેલા મુશાયરામાં એમણે ઉભા થઈને એટલું જ કહ્યું કે
વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી
પછી વાત જામી ગઈ. ગઝલોની સુગંધથી રાત તરબતર થઇ ગઈ. એ મુશાયરાના અંતમાં એમણે આ ગઝલ સંભળાવી હતી.
ક્યાંક મળો તો રોકી લે જો બીજું શું? તબિયત બબિયત પૂછી લેજો બીજું શું ?
આપ અમારી સાથે રહેજો નાં ફાવે તો, વળતી ગાડી પકડી લેજો બીજું શું ?
પરસેવાની સોડમ લઈને પત્ર લખ્યો છે અત્તર છાંટી વાંચી લેજો બીજું શું ?
એ માહોલ, એ પ્રસન્નતા, એ મજાઓ હવે સ્વપ્ન સમી દેખાઈ રહી છે ત્યારે ગઝલ સુંદરીને અતિશય લાડ લડાવનારા એ શાયરને સલામ… વંદન..
ગઝલ નો *ખલીલ*
સાહિત્ય નો *ધની*
ખુમારી નું *તેજ*
અમર રહો….
તેમની ઘણી ગઝલો તેમના જ સ્વરમા માણવાની મજા તો કાંઇ ઔર…!