બે ગીત ~ કવિ: મહેશ શાહ (જન્મદિન: ૨ એપ્રિલ) ~ સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય ~ સ્વર: (૧) હંસા દવે (૨) મુકેશ [ DO NOT MISS ]

સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય , સ્વર: હંસા દવે

૧.
એક વાર શ્યામ તારી મોરલી વગાડી દે,
એમાં ગોકુળિયું ગામ તું ડુબાડી દે;
એવી ચારેકોર ઝંખના જગાવી દે!

બળતું બપોર મારી આંખો લઈ ગોકુળિયું
ગોતે, તું ક્યાંય નજર ના આવે,
આખી યે જાત ધૂળ ધૂળ થઈ ગોકુળની
ગાયોની ખરીઓ ખરડાવે.
એકવાર પગલી તું ગોકુળમાં પાડી દે

દિવસે દિદાર તારા કરવાની આશ અને
આથમણે વાંસળીના વારા
શમણામાં તોય હું તો જમુના થઈને સૂતી
જાગી રહ્યા કાનના કિનારા
એક વાર કાંઠાના કાન ઝણઝણાવી દે

મોરપિચ્છ મોકલવું ક્યાંય નહીં હોય તેમ
માથે મૂકીને તું હાલજે,
રાધાને દીધેલા કોલ પેલો વાંસળી
વગાડવાનો આખર તો પાળજે.
એક વાર એટલી ઉદારતા બતાવી દે,
~ મહેશ શાહ

સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય, સ્વર: મુકેશ

૨.
કો’ક વાર આવતા ને જાતા મળો છો એમ, મળતા રહો તો ઘણું સારું
હોઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણું સારું

પૂનમનો ચાંદ જ્યા ઊગે આકાશમાં ત્યાં ઉછળે છે સાગરના નીર
મારું એ ઉર હવે ઉછળવા ચાહે એવું બન્યુ છે આજ તો અધીર
સાગરને તીર તમે આવો ને ચાંદ સા ખીલી રહો તો ઘણું સારું

મારી છે કુંજ કુંજ વાસંતી વાયરે કોયલ કરે છે ટહુકારો
આવો તમે તો મન ટહુકે આનંદમાં, ખીલી ઉઠે આ બાગ મારો
શાને સતાવો મારી ઉરની સિતારના, તારો છેડો તો ઘણું સારું
~ મહેશ શાહ

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. મુકેશના સ્વરમા કો’ક વાર આવતા ને જાતા મળો છો એમ, મળતા રહો તો ઘણું સારું ગીત અને હંસા દવેના સ્વરમા એક વાર શ્યામ તારી મોરલી વગાડી દે, માણી મજા આવી