એપ્રિલફૂલ (ગઝલ) ~ હરદ્વાર ગોસ્વામી

પઠન: કવિના અવાજમાં

આપણા માટે બધા ઇનામ એપ્રિલફૂલ છે,
જિંદગીનું જાણે બીજું નામ એપ્રિલફૂલ છે.

સૌને છેતરવાની વૃત્તિ માણસોના મૂળમાં,
સાવ ખોટેખોટું બસ, બદનામ એપ્રિલફૂલ છે.

જેટલા એમાં વસે છે એ બધાએ મૂર્ખ છે,
દોસ્ત, આખું ઝંખનાનું ગામ એપ્રિલફૂલ છે.

ઘોરઘન અંધારને સૂરજની લાલચ આપશે,
આ સમયનું માત્ર એક જ કામ એપ્રિલફૂલ છે.

એક સાંધું ત્યાં જ તૂટે તેરસો ‘હરદ્વાર’ના,
એને માટે વર્ષ આખું આમ એપ્રિલફૂલ છે.

~ હરદ્વાર ગોસ્વામી
.

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. કવિશ્રી હરદ્વાર ગોસ્વામીની સમય અનુરુપ સ રસ ગઝલ એપ્રિલફૂલ નુ તેમના જ સ્વરમા સુંદર પઠન