ડિજિટલ અભિમન્યુ (વાર્તા) ~ વૈશાલી રાડિયા

(‘મમતા’ વાર્તા સામયિકમાંથી સાભાર)

એ થોડોક ગુસ્સામાં બકબક કરી રહ્યો, “ઓહ! મૉમ, પ્લીઝ બહુ હસ નહીં ને, ગુદગુદી થાય છે. આ મૉમ તો મારું સાંભળતી જ નથી. એ યાર, તું કાંઈક કરને કે મૉમ મારી વાત પર ધ્યાન દે, મને સાંભળે. તને ખબર છે? માંડ જરા શાંતિથી સૂતો હોઉં ત્યાં મૉમ ખડખડ હસવા માંડે. મને ક્યારેક એમ થાય કે મને સુવડાવવા માટે એ હાલરડાં સંભળાવે ત્યારે એ એનું ડબલું લઈને ટાઇપિંગ કર્યા કરે અથવા તો કાંઈક વિચિત્ર મ્યુઝિક વગાડ્યા કરે. ધિસ ઇસ ટૂ મચ યાર! જ્યારે હું વેઇટ કરતો હોઉં કે એ મારા ટચને ફિલ કરે અને મને પણ એનો લવલી ટચ ફિલ કરાવે  ત્યારે એ તો એના ડબલાને જ ટચ કર્યાં કરે છે. મને મૉમના એ ડબલા- હા, હું એને ડબલું જ કહીશ, એ ભલે એનો લેટેસ્ટ સ્માર્ટ ફોન હોય પણ મને એની ઇર્ષ્યા આવે છે. એ ડબલું છે, ડબલું છે, સાડી સાત વાર ડબલું જ છે. એના લીધે જ મારી મૉમ મને ઇગ્નોર કરે છે.

     આપણે કેવા ત્યાં બિગ સ્કાયમાં નવી-નવી ગેમ્સ રમતાં? અને અહીં તો જો હું ટૂંટિયું વાળીને પડ્યો છું. મારે આમાં ક્યાં જવું? ત્યાં તો નારદજીની વીણાના સૂરમાં હાલરડાં જેવી મજા આવતી હોં! પણ મને આ શું સૂઝ્યું કે મેં તને અહીં આવવા હા પાડી દીધી! તું તો બહુ હોશિયારી મારીને કહેતો હતો કે અહીં તો હું કેટલા બધા વચ્ચે વહેંચાયેલો છું, ત્યાં તો તને તારી મા મળશે જે સતત તને જ અટેન્ડ કરશે, તારા એક માટે એ બધું ભૂલી જશે, તું જ્યારે કહીશ ત્યારે હાલરડાં સંભળાવશે, તને મારા પરાક્રમોની વાર્તાઓ સંભળાવશે ઍન્ડ બ્લા…બ્લા…બ્લા…”

     ત્યાં એક ગંભીર અવાજ એના કાને પડ્યો, “એય્ય્ય ચૂપ, ક્યારનો જામી પડ્યો છે. સાંભળ મારી વાત. જો મને સદીઓથી આદત પડી છે એટલે આ બધું કહીને તને પૃથ્વી પર મોકલી દીધો. કેમકે, હું ભૂલી જાઉં છું કે હવે તને એ મારી મીઠી વાતોવાળી મા ત્યાં નહીં મળે! તું જ વિચારને, તું ત્યાં પહોંચતાવેંત મા કે બાને બદલે મૉમ-મૉમ ને મને અબ્બે યારર.. કહેવા લાગ્યો છે! તો સાંભળ મારા બકુડા, તું હવે ડિજિટલ જમાનામાં જન્મવા જઈ રહ્યો છે. તો તારે ડિજિટલ મૉમની આદત પાડવી જોશે! તારે જાતે જ તારું ધ્યાન રાખવાનું છે. અને જો મારો અભિમન્યુ સાત કોઠાની વિદ્યા માના ગર્ભમાં જ શીખી ગયો હતો, એમ તારે પણ અત્યારે આધુનિક ટેકનોલોજી શીખવામાં બરાબર ધ્યાન દેવાનું છે. તારી મૉમ કદાચ ફોનમાં ગેમ રમે તો એમાં તારું બરાબર કોન્સન્ટ્રેશન રાખ. કેમકે, જેવો તું બહારની દુનિયામાં પગ મૂકીશ એટલે તારે હવે તારા જેવડાં બીજા છોકરાંઓ સાથે રમવા કરતા વધુ ડિજિટલ વસ્તુઓથી રમવાનું થશે! બીજું, તારી મૉમ એમાં જે સોંગ વગાડે એ સાંભળીને તારે સૂવાની આદત પાડવાની છે.”

     એ બરાડી ઊઠ્યો, “અરે! પણ, એ સોંગ કેવા દેકારાવાળા હોય છે? તેં મને ત્યાં શાંત મ્યુઝિકની ટેવ પાડેલી અને અહીં તો નીંદર આવતી હોય એ પણ ઊડી જાય છે યાર! એમાં હું પડખા ફર્યા કરું તો મૉમ વધુ જોરથી મ્યુઝિક વગાડે છે અને બધાને ભેગા કરીને કહે છે, ‘જુઓ, જુઓ બેબી ડાન્સ કરે છે, એને મ્યુઝિક બહુ ગમે છે. મ્યુઝિક ચાલુ કરું એટલે ખુશ થઈ બેબી કેવું ઉછળે છે જુઓ!’ બોલો, એ કેમ સમજતી નથી કે અહીં ઉછળવાની જગ્યા ક્યાં છે તે હું ડાન્સ કરું?”

     ત્યાં ફરી એ ભારે અવાજ ગૂંજયો, “અબ્બે… ચૂપ… આટલું બકબક કરી તેં મારી ભાષા પણ બગાડી નાખી અને વચ્ચે-વચ્ચે જીભડી તરત ચાલુ થઈ જાય છે. સાંભળ, એ ડિજિટલ મૉમ છે અને ડિજિટલ યુગમાં એવું જ મ્યુઝિક ચાલે. તારે પણ એ ટેવ  પાડવાની છે. કેમકે, તું દુનિયામાં ફિઝિકલી એન્ટર થઈશ એટલે તને જમાડતાં-જમાડતાં પણ એ મોબાઇલમાં ચેટિંગ કરશે! હું તને પૂરેપૂરો ઓળખું છું એટલે તું નાટક કરી એનું ધ્યાન ખેંચવા રોઈશ. એટલે એમ ન માનતો કે એ તને કાંખમાં બેસાડી ક્યાંય ફરવા લઈ જશે કે ખુલ્લી હવામાં કે બગીચામાં લઈ જઈને તારી સાથે રમશે અથવા તને મીઠી-મીઠી વાતો કરતાં-કરતાં જમાડશે. એવાં વેવલાં સપનાં બિલકુલ ન જોતો. એ તને ચૂપ કરાવવા મોબાઇલમાં મ્યુઝિક ચાલુ કરી પકડાવી દેશે, અવનવાં કાર્ટૂન વિડિયો ચાલુ કરી દેશે, ગેમ્સ ચાલુ કરી દેશે. એટલે તું અત્યારે મારી સાથે ધડ કરવાને બદલે જ્યારે તારી મૉમ ઓનલાઈન શોપિંગ કરે, ગેમ્સ રમે, વ્હોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટા વગેરે વિષે જે કાંઈ પણ વાતો કરે એ બરાબર ધ્યાન આપીને સરખું શીખતો જા, નહીં તો આ ડિજિટલ જમાનામાં તું ક્યાંય નહીં ચાલે! આ કાંઈ મારો જમાનો નથી કે બાળપણમાં વર્ષો સુધી ભાઈ-ભાંડુંઓ, પિતરાઈઓ કે દોસ્તો સાથે તોફાન-મસ્તી, રમવું, અલ્લડતા, નિર્દોષતા, દાદા-દાદી, નાના-નાનીનો પ્રેમ, એમની વ્હાલ ભરેલી હૂંફાળી વાતો કે ખોટા લાડ એવું બધું વધુ પડતું મળે! આ ડિજિટલ યુગમાં તારી એન્ટ્રી છે બચ્ચું. કોઈ સંયુકત પરિવાર કે કોઈ બચપણ માણવાના ચાન્સ નહીં મળે. પહેલા ફોન, આઈ-પેડ, પછી કોમ્પ્યૂટર, લેપટોપ અને પછી હવામાં હાથ વિંઝતા ચાલતાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ વચ્ચે તારે રહેવાનું છે. મોટો થતા જ તારે ડિજિટલ દોસ્તો, સંબંધો શોધી એમાં જ હૂંફ અને વહાલ મેળવવાના છે. ભલે ગમે એટલા દૂર રહેતા હશે પણ તને એ જ તારા સાચા સગાં લાગશે! અને હા, એક વાત એ કે મોટી અંગ્રેજી સ્કૂલમાં તારું એડમિશન તો થોડાં વર્ષો પહેલાં જ થઈ ગયું છે! તું જેવો ચાલતાં શીખીશ એટલે તારે સ્વિમિંગ, મ્યુઝિક, ડાન્સ, સ્કેટિંગ, ડ્રોઈંગ, બ્લા… બ્લા… બ્લા… કેટલાય ક્લાસ ભરવાના થશે. મારા જમાનાની મેં કરેલી વાતો ભૂલી જજે કે મા તારો હાથ ઝાલીને વહાલથી સ્કૂલે મૂકવા આવશે કે પ્રેમભર્યા હાથે તારા માટે ઘરે રોટલા-ભાખરી બનાવી દેશે. એને પણ તને ડિજિટલ ચાઇલ્ડ બનાવવા જૉબ પર જવાનું હશે એટલે મેગી, પિત્ઝા, પાસ્તા કે બર્ગરના ડૂચા મારી તારે ચલાવવાનું છે. તારે પ્રોગ્રેસિવ ડિજિટલ ચાઇલ્ડ બનવું છે કે નહીં? તો આ બધી ટેવ પાડવાની છે. શીખવાનું છે, અત્યારે જ!”

     એણે કાંઈક બોલવા હજુ તો મોઢું ખોલ્યું ત્યાં… “આ બધા મારા જ ખોટા લાડના પરિણામ છે કે તું ક્યારનો મારી સાથે તારી ડિજિટલણી ભાષામાં જામી પડ્યો છે. બાકી એકવાર મૉમના બેડમાં પડીશ-યાદ રાખજે હો બેડમાં, ખોળામાં નહીં! એટલે મને યાદ કરવાનો કે આવી ફરિયાદ કરવાનો તને ટાઇમ જ નહીં મળે. અને એટલે જ હું અત્યારે તારા ક્લાસ લઉં છું. બાકી મારે બીજાં કેટલાં કામ છે. એટલે ચૂપચાપ બધું સમજી લે એ તારા ફાયદામાં છે બેટમજી!”

     એ ત્રાસીને બોલી રહ્યો, “ઓહ! તું હવે આ બધી બબાલ ક્યાં કરે છે? પહેલાં ન કહેવાય, યાર? આવી ખબર હોત તો અહીં આવત જ કોણ? તારા ‘મા’વાળા ડાયલોગ્સમાં ફસાત જ નહીં.”

     હસતાં-હસતાં એક અવાજ એના કાને પડ્યો, “હવે તો કોઈ રસ્તો બચ્યો નથી બેટમજી, હવે તો આ પાર કે પેલે પાર. બસ આંખો પર બિલોરી કાચ જેવાં ચશ્માં થોડા સમયમાં આવી શકે એટલું ભણવાનું અને વાંકો વળી જઈશ એટલું વજનદાર બેગ અને સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે બસ તારે જિંદગીભર દોડ્યા કરવાનું છે. તારા ડિજિટલ મૉમ-ડેડ કેટલાં સપનાં લઈને બેઠાં છે. અમારું બેબી સૌથી સ્માર્ટ બને એ હોડ લગાવવાની લાયમાં એ બધાને કહેતાં ફરે છે કે, ‘અમે તો આવનાર બેબી માટે બેસ્ટ સ્કૂલમાં પ્રિ-એડમિશન કરાવી લીધું છે અને નવા-નવા ક્લાસિસ માટે જોતાં જ રહીએ છીએ. સ્માર્ટ બેબી બનાવવા મહેનત તો કરવી જ પડે ને!’ તો ગેટ રેડી ટુ બી સ્માર્ટ બેબી, માય બચ્ચું, બાય બાય!”

એ બોલી ઊઠ્યો, “એય્ય્ય, સાથે લઈ જા ને, પ્લીઝ. આ ડિજિટલ દુનિયા, ડિજિટલ માણસો સાલ્લું સેટ નહીં થાય તો સ્માર્ટનેસ નહીં આવે અને એક વિચાર આવે છે કે સ્માર્ટનેસ નહિં આવે તો ડિજિટલ યુગના ડિજિટલ માણસો સાથે કેમ જીવીશ? ખાસ કરીને મારી જન્મદાત્રી ‘મા’ને બદલે જો મને ડિજિટલ મૉમ મળવાની હોય તો કઈ લાગણી કે હૂંફમાં જીવાશે? તું જ કહે ને યાર. મને તો સ્ટ્રેસ થવા લાગ્યો. અરે! ક્યાં છે તું? કેમ તારો અવાજ નથી સંભળાતો? એમ તું મને છોડીને કેમ જઈ શકે? જોજે હો, તેં શીખવેલી ડિજિટલ ટ્રિક્સ વાપરવા મને કોઈ ત્રાગું કરવા મજબૂર ન કરીશ હોં! હેય્ય… હેય્ય… અરે! આ આટલા બધા અવાજો કોના છે?”

  એનો કંપતો અવાજ થોડીવાર માટે જાણે નરમ પડી ગયો! “ને..ને તમે ક્યાં છો? એય્ય… હું પણ આવીશ પાછો તમારી સાથે, તેડી લ્યોને મને આટલા મહિનાઓથી ટૂંટિયું વાળીને પડ્યાપડ્યા આ નવા જમાનાની વાતો સાંભળીને જ હું તો થાકી ગયો છું, તો જીવાશે કેમ?”

     “અરે! બહેન, હજુ થોડી મહેનત કર. બેબી અંદર મૂંઝાઈ જશે તો મુશ્કેલ થશે!”

     “ડૉક્ટર, બહુ દર્દ થાય છે, સહન નથી થતું. જલદી છુટકારો અપાવો પ્લીઝ. હવે કેટલી મહેનત કરું? અંદર બેબી ઊંચું જતું હોય એવું ફીલ કરું છું. જાણે બેબીને જલ્દી બહાર નથી આવવું કે શું! પ્લીઝ ડૉક્ટર ડૂ સમથિંગ ઇમિડિયટલી.”

     “યેસ્સ, પણ થોડો સપોર્ટ કર. બસ, હમણા બેબી બહાર આવી જશે. ઓહ! નર્સ જલદી સિઝેરિયન માટે પેશન્ટને રેડી કરો, એનેસ્થેટિસ્ટને ફોન કરો. પ્લીઝ જલદી કરો. ઓહ, નો! બેબીના ધબકારા પરથી લાગે છે… ઇટ્સ લાઇક અ માઇનર હાર્ટઍટેક! ડૉક્ટર તરીકેની મારી લાઇફમાં આવો પહેલો કેસ જોઈ રહી છું! કમ ઓન, નર્સ હરિ અપ. સમય ઓછો છે પણ મને આશા છે કે બેબીને બચાવી શકાશે.” 

‘અરે! ઓ મારી ડિજિટલ મૉમના ડિજિટલ ડૉક્ટરો, તમારે ભેગાં મળીને મને ડાઉનલોડ કરવો છે એમ? પણ, તમે એ કેમ ભૂલી જાઓ છો? હું પણ ડિજિટલ અભિમન્યુ છું.’

એ ગર્ભમાં વધુ ને વધુ ઊંચે જઈ રહ્યો, એક ગર્ભિત સ્મિત સાથે!

~ વૈશાલી રાડિયા
(ઉચ્ચ પ્રાથમિક શિક્ષિકા, જામનગર)

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. સાંપ્રત સમયે અનુભવાતી ડિજિટલ હેલ્થની વાતનુ’ ડિજિટલ અભિમન્યુ (વાર્તા) દ્વારા સુ શ્રી વૈશાલી રાડિયાએ રમુજી શૈલીમા વાસ્તવિકતાનુ દર્શન કરાવ્યું.
    ડૉકટરના લાગણી પૂર્વક પોષણક્ષમ દરે કરાતા દર્દના નિદાન -સારવાર પર દર્દીઓનો શ્રધ્ધાની વાતનો છેદ ઉડાવી ‘ ડિજિટલ હેલ્થ’મા જન્મથી લઈને પ્રતિરક્ષા, સર્જરી, લેબ ટેસ્ટ સુધીની જાણકારી હેલ્થ આઇડી સાથે લિંક કરવામા આવે છે કોરોના કાળે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની મદદથી દર્દીઓ ડૉક્ટરનો સંપર્ક કરી ટેલીમેડિસિન લે છે . જાણીતી વાત અમેરીકામા ‘250,000 deaths per year, which would make medical error the third leading cause of death, behind cancer and cardiovascular disease.’તે સાથે કોરોના કાળે પળે પળ વધતા મરણના આંકડા આવે છે.

    તેમા ‘‘અરે! ઓ મારી ડિજિટલ મૉમના ડિજિટલ ડૉક્ટરો, તમારે ભેગાં મળીને મને ડાઉનલોડ કરવો છે એમ? પણ, તમે એ કેમ ભૂલી જાઓ છો? હું પણ ડિજિટલ અભિમન્યુ છું.’
    એ ગર્ભમાં વધુ ને વધુ ઊંચે જઈ રહ્યો, એક ગર્ભિત સ્મિત સાથે!’
    વાતે કસકનો અનુભવ થાય છે.

  2. વૈશાલીબેનની આ વાર્તા પ્રત્યક્ષ દેખાવા લાગે એવો સમાજ સામે છે એટલે આ વાર્તાલાપ વાસ્તવિક લાગે છે. યંત્ર યુગમાં માણસ પણ રોબોટ જેમ પ્રોગ્રામીંગ કરેલ હશે તે વાત સાચી.