રાધા-કુંતી (દ્વિપાત્રી સંવાદ) ~ લેખિકા: વનલતા મહેતા

સૌ વાચકોને વિશ્વ રંગભૂમિ દિનની શુભેચ્છાઓ. ખાસ નોંધઃ આ પ્રકારની બેપાત્રી સ્કીટ કે એકોક્તિ / નાટ્યદૃશ્યનું પઠન… ઉપરાંત વાર્તાપઠન – નિબંધપઠન – કાવ્યપઠન કરવામાં જેમને રસ હોય એવા કલાકારો /  સૂઝ ધરાવતા રસિકો – વાચકો – જનતાને નીચેનું ગુગલ ફોર્મ ભરવા વિનંતી. જેથી પ્રાયોગિક પઠનના ભવિષ્યના કાર્યમાં ઇચ્છુકોને જોડી શકીએ. આભાર.

https://forms.gle/FqcGRqv8YoLn2j4D7

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રાધાઃ (સ્વગત) નીચ કુળ! નીચ કુળ! દિવસ-રાત ધગધગતું સીસુ શા માટે અમારા કાનમાં રેડાય છે? કોને ખોળે જન્મવું એ શું હાથની વાત છે? ભલે જન્મ પર અધિકાર ન હોય, પણ જીવન કેમ જીવવું એ તો વ્યક્તિના હાથમાં છે ને! એટલે જ, એટલે જ મેં મારા પુત્ર વસુષેણને બ્રાહ્મણ, ક્ષત્રિયની જેમ શિક્ષણ -સંસ્કાર અપાવ્યા. કર્ણ મારે પેટે જનમ્યો નથી તેથી શું થયું? મેં એને હૈયાના હેતે ઉછેર્યો છે. એ મારો તથા અધિરથનો પુત્ર છે. ગંગાને ખોળે વહાવતા એની જન્મદાત્રીને કશું નહીં થયું હોય! કેવા કઠણ કાળજાની હશે એ જનેતા?

કુંતીઃ રાધા! કોઈ જનેતા કઠણ કાળજાની નથી હોતી.

રાધાઃ આપ કોણ…? રાજમાતા કુંતી!!

કુંતીઃ ભલે ઓળખી મને…

રાધાઃ પધારો, આપ કેમ કહી શકો છો કે કોઈપણ જનેતા કઠણ કાળજાની નથી હોતી? આપ જાણો છો કે વસુષેણ મને ગંગામાતાએ આપ્યો છે. કવચ-કુંડળ સાથે મળેલો એ દેવાંશી બાળક… એને જન્મતા જ પોતાની છાતીએથી અલગ કરનારના…

કુંતીઃ રાધા, એ કઠણ કાળજાની હતી એવું ન કહે. એની પણ કોઈ મજબૂરી હશે.

રાધાઃ જે મજબૂર હોય તેને માતા બનવાનો અધિકાર નથી.

કુંતીઃ એમ ન બોલો રાધા. સ્ત્રીના હૈયામાં માતૃત્વનો મહાસાગાર ઉછળતો જ હોય છે. કર્ણની માતા એના પુત્રના ત્યાગ માટે આજે પણ રડી રહી છે.

રાધાઃ આપને એની ક્યાંથી ખબર?

કુંતીઃ કારણ એ દેવાંશી પુત્ર કર્ણની હું માતા છું. આજે મારી થાપણ પાછી લેવા આવી છું. રાધા, તું તો સ્ત્રી છે. એક જનેતાની વેદના સમજી શકે છે. હું જનેતા હતી પણ કુમારિકા અપરણીતા. મારા પિતાને સાચી વાત કહેવાની મારી હિંમત નહોતી. તું તો જાણે છે રાધા, કુંવારી કન્યા મા બને તો સમાજ એને તિરસ્કારે. એના કુટુંબને કલંક લાગે. એટલે સંજોગોને જોઈ એના પિતા સૂર્યદેવની સલાહે એને ગંગામાં વહેતો કર્યો. લગ્ન પછી મહારાજ પાન્ડુ પણ એ કાનીન પુત્રનો સ્વીકાર કરે કે નહીં, એ દ્વિધામાં હું મૌન રહી. બીજો કોઈ ઉપાય જ ન હતો. પરંતુ આજે હું મારા કર્ણને…

રાધાઃ દેવી, જન્મ આપે તે જનેતા, પણ ઉછેરે, શિક્ષણ-સંસ્કારથી એને પોષે તે જ માતા ગણાય એ શું મારે, એક શુદ્ર સ્ત્રીને  આપ જેવા ઉચ્ચ સમાજની રાજમાતાને સમજાવવું પડશે?

કુંતીઃ રાધા, આખું જગત આજે કંપી રહ્યું છે. કુરુવંશનું પતન બધાને સ્પષ્ટ દેખાય છે. એને જો કોઈ અટકાવી શકે તો ફ્કત મારો પુત્ર કર્ણ જ. હું એને મારા પાંચ પુત્રોની પાસે લઈ જઈશ ને કહીશ કે કર્ણ તમારો જયેષ્ઠ ભ્રાતા છે. કર્ણને સમજાવીશ કે દુર્યોધનનો સાથ છોડી દો. તો આ વિનાશકારી યુદ્ધ જ નહીં થાય. અર્જુન તથા કર્ણ સામસામે નહીં આવે.

રાધાઃ ઓહ! એટલા આપના પ્રિય પુત્ર અર્જુનને કર્ણના બાણથી બચાવવા માટે જ આપ પધાર્યા છો એમ! કર્ણને પુત્ર તરીકે હૈયે લગાડવા નથી આવ્યા! અને હવે રાજમાતા કુંતી, કર્ણને પોતાના પુત્ર તરીકે ઓળખાવશે તો એની બદનામી નહીં થાય?

કુંતીઃ જન્મથી મૃત્યુ સુધી દુઃખનો ભાર વહેવા સિવાય એક કુમારિકા માતા બીજું શું કરી શકે? પરંતુ હવે મારા પાંચે પુત્રો પર વિશ્વાસ છે. એ માતાનો બોલ પાછો નહીં વાળે, મને આપી દે.

રાધાઃ રાજમાતા કુંતી! કર્ણ કોઈ જડ વસ્તુ નથી કે ઉપાડીને તમને સોંપી દઉં. તમે નકામો ગણી ત્યજી દીધેલ બાળકને મેં હૈયાની અમીઝરતી ભૂમિમાં ઉછેર્યો છે. જીવનભર એ શુદ્રનું કલંક માથા પર કોઈ અપમાનિત થતો જીવ્યો છે. એ મહારથી છે. ભલે સૂતપુત્ર કહેવાયો પણ મિત્ર દુર્યોધનને હવે દગો નહીં દે. જેણે એને અંગદેશનો રાજા બનાવી માન આપ્યું એને શું છેહ દેશે?

કુંતીઃ હું કર્ણને કહીશ કે હું એની માતા છું. હું એને વારીશ.

રાધાઃ ના દેવી, સત્ય કહીને તમે કર્ણને ચળાવી નહીં શકો. એ પાંડવો સાથે યુદ્ધે ચડશે જ. કર્ણના સાથ વિના દુર્યોધન પાંગળો બને એ કર્ણ કદી થવા નહીં દે.

કુંતીઃ રાધા, હું યુદ્ધને ટાળવા, મારા કર્ણને સ્વીકારી જગત સમક્ષ મારી ભૂલ કબૂલ કરવા આવી છું.

રાધાઃ ઘણું મોડું થયું કુંતા મા! દ્રૌપદીએ કર્ણને સૂતપુત્ર કહ્યો. એનું ગુરુ દ્રોણે અપમાન કર્યું. ત્યારે એની જનેતા તરીકે કેમ પ્રકટ નહીં થયા? તો જગત તમારી પ્રશંસા કરત. તમને ક્ષમા આપી કર્ણને માથેથી સૂતપુત્રનું કલંક ભૂંસત. પરંતુ હવે! હવે પાછા વળો દેવી. મારો પુત્ર મારો જ છે. ભલે એ ક્ષત્રિય હોવા છતાં સૂતપુત્ર, રાધેય તરીકે ઓળખાય.

કુંતીઃ રાધા, તને મારા વંદન છે. તું સાચે જ એની માતા છે. મારા હૈયામાં પણ કર્ણ માટે મમતા હરપળે ઉછળતી હતી. પરંતુ અમારા કહેવાતા ઉચ્ચ સમાજની પ્રણાલી તોડવાની અમારામાં, હિંમત નથી. તું શુદ્ર હોવા છતાં એક સંસ્કારી મા બની રહી. એ જ બતાવે છે કે ઊંચ-નીચના આ વાડા દેખાય છે. ભૂલ થઈ તો એને કબૂલવાની હિંમત જો માનવી ધરાવે તો આ જગતના ઘણાં યુદ્ધો ઉદભવે જ નહીં.

રાધાઃ માતા કુંતી! તમારા હૈયાની વરાળ મને દઝાડી રહી છે. તમારી વેદના મને સ્પર્શે છે. આજ હું કર્ણને તમારા હાથમાં નહીં સોંપું. પરંતુ આ રાધાનું વચન છે કે યુદ્ધમાં જો અર્જુન કર્ણને હાથે વીરગતિ પામશે તો એ જ ક્ષણે હું તમારી થાપણ કર્ણ તમને સોંપી દઈશ અને તમારા પાંચ પુત્રો જ રહેશે.

કુંતીઃ રાધા, તે સાચું જ કહ્યું – જન્મ આપે તે જનેતા પણ સંસ્કારે તે જ માતા.

~ વનલતા મહેતા
(સાભારઃ ‘વનલતા મહેતાની ૫૧ એકોક્તિઓ’ પુસ્તકમાંથી
પ્રાપ્તિસ્થાનઃ નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ. ફોનઃ +91 22 220187813) 

રાધા એને કુંતી
લેખિકા : સ્વ. વનલતા મહેતા

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. લેખિકા:સ્વ વનલતા મહેતાની સ રસ રાધા-કુંતી દ્વિપાત્રી સંવાદ