વટસાવિત્રીનો ઉપવાસ (સત્યકથા) ~ રઝિયા મિર્ઝા ‘રાઝ’

(જેલ કારકિર્દીના સ્મરણો)
~ કેદી નંબર ૯~
એક તૂટેલા નાનકડા વડની આસપાસ બધી બાઈઓ નવાં-નવાં કપડાં પહેરીને ભેગી થઈ છે. આજે સૌ બહેનોના ઉપવાસ છે… વટસાવિત્રીના. કેટલીક બહેનોએ તો જેઠ સુદ તેરસનાં૯ દિવસથી વ્રતનો પ્રારંભ કર્યો છે. જેઠ સુદ તેરસથી પૂનમ, એટલે કે આજ સુધી ઉપવાસ કર્યા છે. લોકવાયકા છે કે વડના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે, ‘સાવિત્રી’ કાયમ તેમની સાથે જ રહે છે. વડના થડમાં વિષ્ણુનો વાસ છે. વડની શાખાઓમાં મહાદેવજીનો વાસ છે. એટલે વડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેનો વાસ છે. એટલે વડ નીચે બેસીને વ્રત-પૂજન કરવાથી કે કથા સાંભળવાથી મનોકામના પૂરી થાય છે. આ વ્રત ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ જ કરે છે અને સાથે રહેવાની મંગલકામના સાથે કરે છે. જેલ અધિકારી સારા છે. જેલમાં પણ બધા જ તહેવાર ઊજવવાની પરવાનગી આપે છે.

બધી બહેનો પોતપોતાની થાળીમાં હળદર, કંકુ, ફૂલ, કાચો દોરો (સૂતર), પલાળેલા ચણા, નારિયેળ, ધૂપ, બિંદી, કાંસકો, બંગડી, અરીસો અને મંગલસૂત્રના કાળાં મોતી લઈને બેઠી છે. એક પછી એક બહેન હવે વડને ફળ-ફૂલ ચઢાવી, તેની ચારે બાજુ કાચો દોરો લપેટી વડની પરિક્રમા કરી રહી છે. હવે સૌ નીચે બેસીને હાથમાં ચોખા લઈને વટસાવિત્રીની કથા સાંભળવા બેસી ગઈ છે ચોતરફ.

એક ખૂણામાં નકામા ગણાતા પડી રહેલા કોઈ વૃદ્ધની જેમ આ નકામા વડનો રુઆબ આજે કંઈ ઓર જ છે! એની પર બાંધેલું સૂતર પોતાનું આજનું મૂલ્ય બતાવી રહ્યું છે.

માથે ઓઢીને સાવિત્રી-સત્યવાનની કથા સાંભળી રહેલી સરિતાના સાડલાનો છેડો પકડીને ઊભેલો રાજુ માની પૂજાને નિરખી રહ્યો છે. એની આંખો ધૂપથી બળી રહી છે. એટલે વારંવાર માને ઊભી કરવાની જીદ કરી રહ્યો છે. સરિતા કોણી વડે રાજુને હળવેકથી ધક્કો મારે છે. પણ જીદ પર અડેલો રાજુ માનતો જ નથી. ‘‘મા, મને ખોળામાં લઈ લે… તારા ખોળામાં આવવું છે મારે.’’

જેલના દવાખાનાની નર્સ નાનકડા રાજુને ખોળામાં ઊંચકી લે છે. ‘‘જો રાજુ, તારી મમ્મી ભગવાનની પૂજા કરશે તો તારા પપ્પા બહુ જીવશે. તારા માટે સારાં-સારાં રમકડાં લાવશે, ખાવાનું લાવશે.’’ રાજુ નર્સની વાતો સાંભળીને ચૂપ થઈ ગયો. મોમાં અંગૂઠા નાખીને એ ઊંડા વિચારમાં પડી ગયો.

દૂર આસોપાલવને અડીને બેઠેલી રતનના ખોળામાં બેઠેલી ચાર વર્ષની દિશા પોતાની માને જોઈ રહી છે. ક્યારેક મા તરફ, તો ક્યારેક વડલા તરફ જોઈ રહી છે. વીણામાસી એને વડ પાસે લઈ જાય છે પ્રસાદી અપાવવા. જ્યારથી વીણા, રતન અને એની દીકરીને લઈને અંદર આવી છે, ત્યારથી જ રતન ચૂપ છે. આંખો સામે પ્રગટાવેલા ધૂપના ધુમાડામાં વીણાને કાંતાભાભી દેખાય છે… સળગતાં! ‘‘બચાવો બચાવો’’ની બૂમો પાડતા!

બિચારી વીણા તો બહેન રતનની સુવાવડ કરાવવા પિયરમાં આવી હતી! પહેલી સુવાવડ હતી રતનની, એટલે એને પિયર તેડી લાવ્યાં હતાં. હજી બે મહિના પહેલા જ પરણીને ગયેલી વીણાને તેની માએ કાગળ લખીને પિયર બોલાવી લીધી હતી. ‘‘દીકરા, તું આવીશ તો મને ઘરકામમાં મદદ રહેશે.’’

વીણા બાપડીને શું ખબર કે એનું આગમન કાંતાભાભીનો જીવ લઈ લેશે?

રતનની સુવાવડ થઈ ગઈ, સુંદર રૂપાળી દિશાનો જન્મ થયો હતો. રતનના ઘરવાળા અને બનેવી આજે છઠને દિવસે નામકરણ કરવા આવવાના હતા. નણંદ-ભોજાઈ ભેગાં મળી પૂરીઓ તળવા બેઠાં, ગરમ-ગરમ તેલું કઢાયું અચાનક ચૂલા પરથી ગબડી પડ્યું, અને કાંતાભાભી…

અને ત્યારબાદ રતન, વીણા અને દિશા, બધાં જ અંદર! મા પણ હતી અંદર, પણ એ તો માફીમાં છૂટી ગઈ હતી…

તો દૂર… બેરેકના દરવાજાને ટેકો દઈને બેઠેલી સીતા એ વડને જોવાનો પ્રયત્ન કરે છે, અને ક્યારેક સુંદર સજેલી બાઈઓને પણ! એને હવે શણગારની કોઈ જરૂર નથી લાગતી, કોણ છે એને ચાહવાવાળો હવે? એને યાદ છે, હજુ પાંચ વર્ષ પહેલાં જ મંદિરમાં જઈને કનુ જોડે લગ્ન કરી લીધા હતા, ભાઈઓથી છૂપાં-છૂપાં! પણ ઘરમાં ભાઈ-ભાભીઓની સાથે રહેતી હતી. કોણ જાણે ભાઈ-ભાભી વચ્ચે રાત્રે શું બન્યું, કે સવારે ભાભી પંખાને લટકી ગઈ હતી!

સવારે પોલીસ બધાને અંદર લઈ આવી જેલમાં! કોઈને ખબર નહોતી કે સીતાએ મંદિરમાં કનુ જોડે લગ્ન કરી લીધા છે! એક ભગવાન સાક્ષી હતો, ને બીજી એની ખાસ બહેનપણી માયા!

બીજે દિવસે કનુ સીતાની બહેનપણી માયાને લઈને સીતાને મળવા કોર્ટમાં આવ્યો, ત્યારે સીતા ખૂબ રડી હતી! કનુએ એને દિલાસો આપ્યો. થોડાંક વર્ષો બાદ સીતાને કસૂરવાર ઠેરવવામાં આવી, એને સજા પડી આજીવન કેદની! સીતા ધ્રુસકે-ધ્રુસકે રડી પડી કોર્ટના પટાંગણમાં! ત્યારે કનુએ એને હૈયાધારણ આપી, હું જન્મોજન્મ તારી રાહ જોઈશ!

સીતાએ પોતાની ખાસ બહેનપણી માયા પાસે કનુનું ધ્યાન રાખવાનું વચન લીધું. માયા કનુને લઈ કોર્ટમાંથી ગઈ. પહેલાં-પહેલાં તો જેલમાં મહિને કનુનો એકાદ કાગળ આવતો. પણ પછી છ મહિના સુધી એક પણ કાગળ ન આવ્યો! સીતાને ચિંતા પેઠી! કનુ બીમાર તો નહીં હોય? કોઈ સમાચાર જ નહોતા! એકાદ વર્ષ બાદ સીતાને પેરોલ મળી, એટલે કનુને મળવાના આનંદમાં એ તો દોડી ગામ તરફ! કનુનું ઘર ખુલ્લું જ હતું. રસોડામાં કોઈ રસોઈ કરતું હતું. સીતા હરખભેર રસોડામાં ગઈ, અને જોયું તો માયા!

‘‘માયા તું કેમ કનુના સમાચાર નથી આપતી, કનુ ક્યાં?’’ સીતાના અચાનક આગમનથી અને તેના આ સવાલથી ગભરાયેલી માયા સીતાને પોતાના રૂમમાં લઈ ગઈ. સીતાની નજર દીવાલ પર લટકાવેલ તસ્વીર પર પડી. માથે સિંદૂર ભરેલી માયાની સાથે કનુનો ફોટો હતો. સીતા પરિસ્થિતિ સમજી ગઈ. માયા-કનુએ સીતાની સાથે બેવફાઈ કરી હતી. સીતા દોડીને ઘરની બહાર નીકળી ગઈ. હવે કનુને સવાલ પૂછવાની પણ હિંમત એનામાં નહોતી બચી.

‘‘લો આ પ્રસાદ.’’ સેવકબહેનના અવાજથી સીતા ઝબકી ગઈ.

છેલ્લા પાંચ વર્ષથી વડ-સાવિત્રીનો ઉપવાસ કરતી હતી. હજુ ગયા વર્ષે જ કનુની સાથે બેસીને તેણે વ્રત ખોલ્યું હતું. બહેનપણી સાથે ઘરસંસાર માંડીને બેઠેલા કનુ માટે વટસાવિત્રીનો ઉપવાસ?

***   

આપનો પ્રતિભાવ આપો..