સૉરી (લઘુકથા) ~ નવીન ત્રિપાઠી ‘અલ્પ’
હું છાપું વાંચતો હતો. તે ચા લઈ આવી, અને પછી તે પણ છાપું વાંચવા લાગી.
થોડીવારે હું રસોડાં તરફ ગયો, જોયું તો ગેસનું બર્નર ધીમી જ્યોતે બળી રહ્યું હતું, ઉતાવળમાં તેણી ગેસનું બટન બંધ કરવાનું ભૂલી ગઈ હતી.
મેં ગેસનું બટન બંધ કર્યું ને કહ્યું ક્યારેક બેદરકારીથી આગ લગાડી બેસીશ! જો, તું ગેસનું બટન બંધ કરવાનું ભૂલી ગઈ હતી ને? ને પછી મારી હઠાગ્રહની ટેવ મુજબ તેની પાસેથી ફરજિયાત સૉરી કહેવડાવ્યું.
આ પ્રસંગ પછી થોડા દિવસો બાદ એક સાંજે હું મિત્રો સાથે બગીચામાં બેઠો હતો. ત્યાં અચાનક મને ઘેર જવાનું અદમ્ય ખેંચાણ થયું. ઘેર ગયો. રસોડામાં સહસા નજર ગઈ, ગેસનું બર્નર ધીમી જ્યોતે બળી રહ્યું હતું.
સામે ભીંત પર ટાંગેલી તેની છબિ સહેજ ડોલી અને બોલી. પહેલાં કરો ગેસનું બટન બંધ, ને પછી કહો જોઈએ, સૉરી!
મેં કહ્યું, સૉરી! સૉરી!! સૉરી!!!
***