માસ્ક અને કોરોના (ગીત) ~ કૃષ્ણ દવે

કૃષ્ણ દવે

ઓચિંતો કોરોના માસ્કને કહે:
કે ભાઈ માણસને મોઢે શું લાગ્યા ?
માસ્ક કહે: કેમ ભાઈ ! મરજી અમારી
એમાં આપશ્રીને મરચાં કાં લાગ્યા ?

કોરોના બોલ્યો: કે ના રે ના ભાઈ
આ તો અમથું મેં પૂછ્યું જરાક્
વરસ થ્યું,એકધારા ત્યાંના ત્યાં છો
તે થયું તમને’ય લાગ્યો તો હશે થાક ?

દળી-દળી ઢાંકણીમાં ઉધરાવે માણસ
ને આપ છો કે રાતદિવસ જાગ્યા !

માસ્ક કહે: શું કરીએ ? ચુંટણી એ ચીજ છે
કે નેતા બધ્ધું જ ભૂલી જાય છે
એક વાર ખુરશીનો લાગે છે ચેપ
પછી જીવનભર મુક્ત ક્યાં થવાય છે ?

હાજર છો આપશ્રી એ ભૂલી ગ્યા લોકો
ને પડછાયા પાછળ સૌ ભાગ્યા

માસ્ક કહે: તોય ક્યાં નિરાશ થયા છીએ
ભાઈ આપણું તો કામ છે બચાવવું
બાળકના હોઠેથી ગાયબ થઈ ગ્યેલા એ
સ્માઇલને પાછું લઈ આવવું

અમને તો માણસના ચહેરા છે વ્હાલા ભાઈ
અમને ભલેને એણે ત્યાગ્યા

~ કૃષ્ણ દવે (તા-૨૩-૩-૨૦૨૧)

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. .
    અમારા મનની મજાની વાત સાથે એમનુ આ ગીત યાદ આવે
    ક્યાંથી વાંસળીના સૂર એ વહાવે? ઘેલું વૃંદાવન ને ઘેલી એ ગોપીઓને ઉદ્ધવજી એવું સમજાવે ક્યાંથી વાંસળીના સૂર એ વહાવે? ત્યાં ને ત્યાં દંડ એને ભરવો પડે છે, શ્યામ મોઢેથી માસ્ક જો હટાવે ક્યાંથી વાંસળીના સૂર એ વહાવે? આ વખતે કંસ નહીં કોરોનાસૂરનો છે આખ્ખી દુનિયામાં કાળો કેર આ વર્ષે મેળામાં મ્હાલવાનું બંધ અને રહેવાનું પોતાને ઘેર ક્વોરન્ટાઇન પ્રભુ પોતે થઈ ગ્યા છે અને આપણને’ય ભીડથી બચાવે ક્યાંથી વાંસળીના સૂર એ વહાવે? ફૂલોના ચહેરા પર જોઈ જોઈ માસ્ક હવે એને’ય પણ ઓછું તો આવશે આજે નહીં તો ભાઈ જોજે ને કાલે એ સ્માઈલ ને પાછું તો લાવશે ગોવર્ધનધારી ને પ્રાર્થના કરો કે ઝટ જાગે ને વેક્સીન લઈ આવે ક્યાંથી વાંસળીના સૂર એ વહાવે?