આઈ લવ યુ અમદાવાદ ~ પ્રદીપ ત્રિવેદી

ડોક્ટર માણેકભાઈ પટેલ સાથે લેખક પ્રદીપ ત્રિવેદી

સી પ્લેનની પાંખે ઊડતું અને મેટ્રો ટ્રેનનાં પૈડે દોડતું, મોલમાં મલકાતું અને ક્રુઝમાં હરખાતું, બી. આર. ટી. એસ.ની બસમાં હાંફતું અને ગગનચુંબી ઇમારતોની લિફ્ટમાં જોવાતું, બુલેટ ટ્રેનનાં સપનાઓ પર સરકતું… આ મારું વ્હાલું “અમદાવાદ” 610 વર્ષ ( 26.02.1411 ) નું થયું છે.                 

સાબરમતીની સરિતાએ વહેતું અને સરહદે વિકસતું, મોટેરા સ્ટેડિયમે રમતું અને ટ્રાન્સમીડિયા સ્ટેડિયમે કુદતું મારું અમદાવાદ ગ્લોબલ અમદાવાદ છે. વાઇબ્રન્ટ અમદાવાદ છે.               

આર. જે. ઘ્વનિત, અર્ચના, દેવકીનાં મધુર કર્ણપ્રિય સ્વરે ઝુમ્મતું અને નવરાત્રીના રાસે નાચતું, ગાંધી, નહેરુ અને સરદાર બ્રિજથી.. પૂર્વ-પશ્ચિમ સંસ્કૃતિ સાથે અમદાવાદને જોડતું અને પોળો, પરાઓમાંથી આલીશન ફ્લેટ-બંગલાઓમાં રહેતું મારું અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી છે.               

ચંદ્રવિલાસનાં ફાફડા, જલેબી, ચટણી ફાંકતું, ચેતના હોટલમાં જમતું અને રેડિયો હોટલ કે લક્કીની હોટલે અડધી ચાની ચુસ્કી ભરતું મારું અમદાવાદ આજે બર્ગર, મેક્સિકન, પિત્ઝા, ચાઇનીસ આરોગતું, વિશાલા, રજવાડું, પતંગ હોટલમાં ભમતું અને ટી પોસ્ટ કે કોફી-ડે બારમા લિજ્જત માણતું અદ્યતન થઈ ગયુ છે.               

ધોતી, ડગલાં, ટોપી, બેલબોટમ અને ઘાઘરી-પોલકામાં ઘુમ્મર ઘુમ્મર થતું મારું અમદાવાદ આજે કોટ, પેન્ટ, ટાઈ અને પ્લાઝોમાં ફરતું ફેશનેબલ થઈ ગયું છે. બાગ બગીચા અને તળાવમાં ખીલતું-મહેકતું અને બાંકડે કે પાળીએ… છાનુંછપનું.. પ્રેમ કરતું મારું અમદાવાદ આજે ક્લબ, પાર્ટી અને ફાર્મહાઉસમાં ભમતું થઈ ગયું છે… પ્રેમ કરતું થઈ ગયું છે.               

ચાલો, હું આજે અમદાવાદ બતાઉં..! હા અમદાવાદી રીક્ષાવાળા પાસે નહીં.. પણ.. દાંતના ડોક્ટર માણેકભાઈ પટેલની નજરે અને કલમે! આમ તો દાંતના ડોક્ટરનો હાથ લોકોનાં “દાંત”કાઢવાનું કામ કરતો હોય છે! પણ અહીં આ ડોક્ટર માણેકભાઈ હાથ પાસે બેવડું કામ લે છે! અમદાવાદી છે ને… તેં લે જ ને!! હાથ દ્વારા કલમનાં સહારે તેઓએ…”અમદાવાદ કથા” (1996) “આ છે અમદાવાદ”(2007), “વેલકમ ટુ અમદાવાદ”(2010), “અમદાવાદની અસ્મિતા “(2010), “અમદાવાદનાં પોળો અને પરાં “(2018), “અમદાવાદ ગાથા ” (પ્રેસમાં ) અને “અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી “(પ્રેસમાં )… આટલા બધાં.. અધધ… પુસ્તકો દ્વારા આપણને અમદાવાદ દર્શન કરાવે છે!! આ ડોક્ટર પણ કમાલના છે હોં… દાંત કાઢવા માટેનો ચીપિયો એકબાજુ મૂકી ને ક્યારે કલમ પકડી લેવા છે… તેં.. ખબર જ પડતી નથી! વ્યવસાયે દાંતના ડોકટર હોવા છતાં તેમણે ચીપિયા કરતાં કલમ વધુ વ્હાલી છે! સારું છે કે “કલમ” વડે કોઈનાં દાંત કાઢતા નથી! હા.. કલમ વડે કોઈ પણનાં દાંત.. ખાટા કરી શકે છે!         

પર્વતો, તળાવો અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા મધ્ય પ્રદેશ નાં “માંડુ” સ્થળે ફરવાના અને નિજાનંદ માણવાના શોખીન ડો. માણેકભાઈ, યુવાનોને શરમાવે તેવી 76 વર્ષની વયે તરોતાજગી ધરાવે છે! દાંતના વ્યવસાયમાં અને લખવાના શોખમાં પર્વત જેટલી જ તાકાત અને અડગ મનોબળ ધરાવે છે. એટલું જ નહીં પણ તળાવો જેવી જ નિર્મળતા અને સાદગી ધરાવે છે. તેઓએ અમદાવાદ વિશે સાત પુસ્તકો તો છેલ્લા 25 વર્ષમાં લખ્યા અને આ સાથે એમના “અમદાવાદ ફાઉન્ડેશન”નાં બેનર હેઠળ એક કલાક ની “Welcome to Amdavad” નામની દસ્તાવેજી ફિલ્મ અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં નિર્માણ કરી છે! આમ છતાં તેઓ ખુબ જ સીધા, સાદા સરળ અને શાંત સ્વભાવનાં ઉમદા વ્યક્તિ છે. 

રોટલા, રીંગણનું શાક, ખીચડી અને સ્વીટમાં ઘરે બનાવેલી “સુખડી” ખાવાના શોખીન ડો. માણેકભાઈ પટેલ અમદાવાદની 1200થી વધુ પોળ અને પોળની બહાર વિસ્તરેલું અમદાવાદ એટલે કે 466 ચો. મીટરનું ક્ષેત્રફળ ધરાવતા અમદાવાદને… ચાલીચાલીને પગના તળિયે ઘસી નાખ્યું છે! અમદાવાદની ધરતીની એક એક ઇંચથી તેઓ માહિતગાર છે. અમદાવાદને જાણવા અને સમજવા તેમણે હજારો કિલોમીટરની “હેરિટેજ વૉક” 1993 થી શરૂ કરી હતી. અને ત્યાર પછી તેમણે જોયેલું અને માણેલું અમદાવાદ આપણને દાંત કાઢતા કાઢતા પીરસ્યું છે!                        

પ્રાચીન અને અર્વાચીન અમદાવાદનો “સેતુ” બાંધનાર ડો. માણેકભાઈ પટેલ દાંતની દુનિયામાં અને “અમદાવાદ દર્શન”ની દુનિયામાં “સેતુ” ઉપનામથી સુવિખ્યાત છે.           

જેમને ભેંસ અને ભેંસનાં દૂધની… ખાંડ વગરની ચા ખૂબ પ્રિય છે એ માણેકભાઈનો જન્મ જ ભેંસો માટે વિખ્યાત એવા મહેસાણા જિલ્લામાં આવેલ ગોઝારિયા ખાતે 15 ફેબ્રુઆરી 1945નાં રોજ થયો હતો. મજાની વાત તો એ છે કે જેઓ છેલ્લા 50 વર્ષથી દાંતના શ્રેષ્ઠ ડોક્ટર તરીકે દેશ-વિદેશમાં વિખ્યાત છે. તેઓ છેલ્લા 25 વર્ષથી “મિસ્ટર અમદાવાદ”થી વધુ સુવિખ્યાત છે. અરે… માણેકભાઈને ફેબ્રુઆરી મહિનામાં બે વખત હેપી બર્થડેની “વિશ” મળે છે! એક તો એમના જન્મ દિવસે -(15th Feb,) અને બીજો “અમદાવાદના જન્મદિવસે “(26th, Feb.).            “

કઠોર પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી “એ સૂત્રને ચરિતાર્થ કરી અમદાવાદની પોળે-પોળમાં પગલાં પાડનાર ડો. માણેકભાઈ “એક ગાંડાઘેલા અમદાવાદી તરીકે અમદાવાદને પ્રેમ કરેછે. ડગલે અને પગલે અમદાવાદ વિશે વિચારે છે. અમદાવાદનાં એટલા ચાહક છે કે તેમને સપના પણ અમદાવાદનાં આવે છે! લોહીમાં અમદાવાદ હિમોગ્લોબીનરૂપે વહે છે! તેઓ ક્હે છે: મારી જાતને “અમદાવાદી “કહેડાવવામાં ગર્વ અનુભવું છું. તેથી મારા મિત્રો અમદાવાદનાં જન્મદિવસે (26th, Feb.)મને “હેપી બર્થડે ” કહીને નવાજે છે!         

ગાંધીજી જેમના આદર્શ છે અને “વૈષ્ણવજન તો તેને કહીએ” જેમનું પ્રિય ભજન છે એવા ડો. માણેકભાઈએ ખાસ “ગાંધી આશ્રમ “(2013) અને “ગાંધીજી અમદાવાદનાં આંગણે “(2017) એમ બે પુસ્તકો લખ્યા છે, એટલું જ નહીં પણ “સાબરમતી કે સંત” નામની દસ્તાવેજી ફિલ્મ પણ ગુજરાત વિદ્યાપીઠનાં સહકારથી બનાવી છે. જેમાં ગાંધીજીનાં પ્રપૌત્ર તુષાર ગાંધીએ એન્કરિંગ કર્યું છે અને ફિલ્મ જગતનાં કલાકાર ઓમ પુરીએ તેમનો બાદશાહી અવાજ આપ્યો છે. આ ઉપરાંત “ગાંધીજી અમદાવાદમાં અને કોચરબ આશ્રમ માં” એ નામની એક કલાકની સ્લાઈડ શૉ ફિલ્મ પણ બનાવી છે.               

આ અમદાવાદી એટલે કરકસરનો “ક” અને વેપારનો “વ ” તો ગળથુથીમાંથી જ શીખી ને આવે છે! આ અમદાવાદી વિશ્વમાં ક્યાંય પાછો પડતો નથી. વિશ્વાનાં કોઈપણ ખૂણે તે કરકસરથી મોજ માણી શકે છે અને વેપાર કરીને પોતાનું સ્થાન બનાવી શકે છે.               

મોગલે આઝમ, મધર ઇન્ડિયા, બાગબાન જેવા પિક્ચરો જોવાના શોખીન ડો. માણેકભાઈ આ અમદાવાદ વિશે કહે છે કે એક સમયે આ અમદાવાદીઓ માથે કાળું કપડું ઓઢીને અડધા પૈસામાં ફિલ્મ જોતા તો ક્યારેક તંબુમાં કંતાનનાં પડદા પર મૂંગી ફિલ્મ જોતા! એ અમદાવાદી આજે ડ્રાઈવ -ઈન ( એશિયાની સૌપ્રથમ: 06-09-1973) સિનેમા અને મલ્ટીપ્લેક્સમાં ફિલ્મો જુએ છે. ફિલ્મનો ઇતિહાસ જોઈએ તો 1919માં અમદાવાદના માણેકલાલ ભોગીલાલ પટેલે રિચી રોડ પર “સિનેમા -ડી -ફ્રાન્સ” નામનું સૌપ્રથમ થિયેટર શરુ કર્યું હતું.               

રેખા, હેમા માલિની, સંજીવકુમાર અને રાજેશ ખન્ના જેવા કલાકારોના ચાહક એવા ડો. માણેકભાઈ કહે છે કે, ”1927માં વોરાભાઈઓ એ પાંચકુવા પાસે પાકા મકાનમાં થિયેટર “ઈંગ્લીશ સિનેમા ગૃહ” બનાવ્યું હતું. સૌ પ્રથમ એરકન્ડિશન જાજરમાન થિયેટર 1951માં “રિલીફ સિનેમા ગૃહ” બન્યું હતું. 1975 સુધી અમદાવાદમાં 56 જેટલાં સિનેમાગૃહો હતા.               

જેમના આદર્શ ગાંધીજી, પ્રેરણાત્મક વ્યક્તિ સરદાર પટેલ છે અને ગાંધીજીની આત્મકથા તેમ જ અમદાવાદનો ઇતિહાસ જેમને વાંચવો ગમે છે તે ડો. માણેકભાઈ કહે છે, “આજથી 100 વર્ષ પહેલા ડિસેમ્બર 1921માં અમદાવાદમાં કોંગ્રેસનું 36મું અધિવેશન ભરાયું ત્યારે અમદાવાદમાંથી કોઈ “દૈનિક પત્ર” પ્રગટ થતું નહોતું. સૌ પ્રથમ “સ્વરાજ્ય” નામનું દૈનિકપત્ર નંદલાલ બોડીવાળાએ રાયપુરની જલોવાળી પોળનાં નાકેથી શરૂ કર્યું હતું. 1923માં “સંદેશ” દૈનિક શરૂ થયું, પણ તે સાંજે જ પ્રગટ થતું હતું! તેની કિંમત માત્ર એક પૈસો હતી. એટલે એ દૈનિક પત્ર આખા દેશમાં “પૈસો” પેપરથી વિખ્યાત થયું હતું! 1937સુધી તેની કિંમત એક પૈસો જ રહી હતી. 7મી માર્ચ 1930 નાં રોજ સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડના સમાચાર સવારના ખાસ વધારાથી પ્રગટ થયાં અને એ પછી પેપર સવારે બહાર પડવા લાગ્યું!!                 

અમદાવાદ શહેરને “વર્લ્ડ હેરિટેજ સીટી”નું બિરુદ ભલે 1લી, સપ્ટેમ્બર, 2017થી મળ્યું, પણ અમદાવાદ તેની ગોદમાં.. પ્રાચીન કળાઓનાં ઉત્તમ નમૂનાઓ જેવા કે  સીદી સૈયદની જાળી, ઝુલતા મિનારા, શાહ આલમનો રોઝો, સરખે નો રોઝો, જુમ્મા મસ્જિદ, દરિયાખાન ઘુમ્મટ, ભદ્રનો કિલ્લો, અડાલજની વાવ, દાદાહરીની વાવ, રાણીનો હઝીરો, માણેકબુરાજ વગેરે… સાચવીને બેઠું છે. એટલું જ નહીં, આ શહેરની રચના પણ અદભુત છે. શહેરને ફરતા ડઝનબંધ દરવાજાઓ, ચકલાઓ, કુવાઓ અને પોળોમાં પોળો!!! એક વખત અજાણ્યો કોઈ અંદર આવ્યો, તો બહાર નીકળવું ભારે પડી જાય!!             

આ પ્રાચીનતા જાળવવા સાથે અર્વાચીનતા ભણી પણ હરણફાળ ભરી છે. જેમાં ઈસરો, પી. આર. એલ., અટીરા, આઈ આઈ એમ, સેપ્ટ, એન આઈ ડી, વિક્રમ સારાભાઈ  સેન્ટર, સાયન્સ સિટી, પતંગ હોટલ, રિવર ફ્રન્ટ, ન્યુ કાંકરિયા લેઇક, વસ્ત્રાપુર લેઇક, આલ્ફા મોલ, ડોલ્ફીન સ્ટુડિયો, ઝાયડ્સ, નિરમા યુનિ., એસ. વી. પી. હોસ્પિટલ, એપોલો, સ્ટર્લિંગ, સાલ હોસ્પિટલ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, વિશ્વનું સૌથી મોટુ મોટેરા સ્ટેડિયમ, નવા બ્રિજ, લકુલીશ યોગ યુનિ. સી પ્લેન, ક્રુઝ વગેરે છે.       

અમદાવાદમાં પ્રાચીન -અર્વાચીન અજાયબીઓ સાથે અહીં ક્યાંક ઘંટનાદ સંભળાય છે, તો ક્યાંક બાંગની પોકાર સંભળાય છે. અમદાવાદનો જોધપુર ટેકરા વિસ્તાર તો અનેક આશ્રમો અને મંદિરોથી ભક્તિમય જોવા મળે છે. એસ જી હાઇવેના એક છેડે ઇસ્કોન મંદિર છે, તો બીજા છેડે ગાંધીનગરનાં રસ્તે ગુરુદ્વારા, સોલા ભાગવત, તિરુપતિજી અને મા વૈષ્ણવીદેવી બિરાજમાન છે. શાહીબાગમાં “મા ગાયત્રીની શક્તિપીઠ “, કેમ્પના હનુમાનદાદા, દિલ્હી દરવાજા બહાર હઠીસિંહનાં દહેરા, મેમનગરમાં માનવમંદિર, ભદ્રામાં ભદ્રાકાળી માતા, સારંગપુરમાં હજારો વર્ષ જૂનું કર્ણ મુક્તેશ્વર મહાદેવ, જમાલપુરમાં જગાન્નાથ મંદિર, ગીતા મંદિર, કાલુપુર, મણિનગર અને શાહીબાગમાં સ્વામિનારાયણનું મંદિર, ગુજરાત કોલેજ પાસે ચર્ચ અને તીન દરવાજા પાસે જુમ્મા મસ્જિદ આવેલ છે. આમ અમદાવાદ “સાંપ્રદાય એકતા “ધરાવતું ઐતિહાસિક હેરિટેજ સિટી છે.               

જ્યાં ગાંધીજીને આશ્રમ બનાવવાનું મન થયું, વૈશ્વિક ચિત્રકાર એમ એફ હૂસેન અને બાલકૃષ્ણ દોશી ને “ગુફા” બનાવવાનું મન થયું, વિશ્વાનાં માંધાતાઓ – બિલ ક્લિન્ટન, ડોનાલ્ડ ટ્રમ્પ, રાણી એલિઝાબેથ, શિન્જો આબે, શી જીનપિંગ જેવા દેશ-વિદેશના મહાનુભાવોને અમદાવાદ આવવાનું અને તેનું આતિથ્યપણું, સંસ્કૃતિ માણવાનું મન થાય છે એવા.. મારા અમદાવાદને હું ખૂબ પ્રેમ કરું છું. મારા અમદાવાદને દિલથી ખુશીથી…”HAPPY BIRTHDAY… AMDAVAD.”

~ પ્રદીપ ત્રિવેદી (અમદાવાદ)

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

 1. વિશ્વાનાં માંધાતાઓ – બિલ ક્લિન્ટન, ડોનાલ્ડ ટ્રમ્પ, રાણી એલિઝાબેથ, શિન્જો આબે, શી જીનપિંગ જેવા દેશ-વિદેશના મહાનુભાવોને અમદાવાદ આવવાનું અને તેનું આતિથ્યપણું, સંસ્કૃતિ માણવાનું મન થાય છે એવા.. મારા અમદાવાદને હું ખૂબ પ્રેમ કરું છું.અમારા મનની વાત કરી મનમા ગુંજે

  હે… હે અલ્યા… હે બાજુ બાજુ… એ ભઈલા

  હું અમદાવાદનો રિક્ષાવાળો
  નવસો નવ્વાણું નંબરવાળો
  અમદાવાદ, અમદાવાદ બતાવું ચાલો

  એવી રિક્ષા હાંકુ, એવી રિક્ષા હાંકુ
  હેરત પામે ઉપરવાળો
  અમદાવાદ બતાવું ચાલો

  હું અમદાવાદનો રિક્ષાવાળો
  નવસો નવ્વાણું નંબરવાળો
  અમદાવાદ, અમદાવાદ બતાવું ચાલો

  રીચી રોડના અડ્ડા જેવી હોટલ એક વખણાય
  જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી નાના મોટાં ખાય
  અહીં દાળમાં પડતો કેવો ઉમદા ગરમ મસાલો
  અમદાવાદ બતાવું ચાલો

  હું અમદાવાદનો રિક્ષાવાળો
  નવસો નવ્વાણું નંબરવાળો
  અમદાવાદ, અમદાવાદ બતાવું ચાલો

  ભદ્ર મહીં બિરાજે રુડા માતા ભદ્રકાળી
  ભીડ જામે ત્યાં ભક્તજનોની સૌના દુ:ખ દે ટાળી
  માતા સૌના દુ:ખ દે ટાળી
  જ્યાં મંદિર હોય ત્યાં જરૂર હોય
  કોઈ બૂટ ચોરવાવાળો!
  અમદાવાદ બતાવું ચાલો

  હું અમદાવાદનો રિક્ષાવાળો
  નવસો નવ્વાણું નંબરવાળો
  અમદાવાદ, અમદાવાદ બતાવું ચાલો

  રાત પડે ત્યારે માણેકચોકની અંદર જાફત ઊડે
  અરે પાણીપુરી ને કુલ્ફી ભજીયા શેઠ મજુર સૌ ઝૂડે
  દિવસે અહીં સોની બેસે ને રાતે ગોટાવાળો
  અમદાવાદ બતાવું ચાલો

  હું અમદાવાદનો રિક્ષાવાળો
  નવસો નવ્વાણું નંબરવાળો
  અમદાવાદ, અમદાવાદ બતાવું ચાલો

  લૉ-ગાર્ડન કે લવ ગાર્ડન એ હજુ યે ના સમજાય!
  પણ સાંજ પડે ત્યાં છોરા છોરી ફરવા બહાને જાય
  લૉ ને લવ ની અંદર થોડો થઈ ગયો ગોટાળો
  અમદાવાદ બતાવું ચાલો

  હું અમદાવાદનો રિક્ષાવાળો
  નવસો નવ્વાણું નંબરવાળો
  અમદાવાદ, અમદાવાદ બતાવું ચાલો

  એક વાણિયે સાબરના પાણીની કિંમત જાણી
  દાંડી કૂચથી આઝાદીની લડત અહીં મંડાણી
  પણ સાચો અમદાવાદી
  કોઈને કદી ન ઝૂકવાવાળો
  અમદાવાદ બતાવું ચાલો

  હું અમદાવાદનો રિક્ષાવાળો
  નવસો નવ્વાણું નંબરવાળો
  અમદાવાદ, અમદાવાદ બતાવું ચાલો

  કોઈ રીસાયેલા પ્રેમી-પંખીડા રિક્ષા કરતા ભાડે
  ભાઈ રિક્ષા કરતા ભાડે
  એકબીજાથી રૂસણું લઈને મીઠો ઝઘડો માણે
  અલ્યા મીઠો ઝઘડો માણે
  પણ એક બ્રેકના ફટકે કેવો કરીએ મેળ રૂપાળો
  અમદાવાદ બતાવું ચાલો

  હું અમદાવાદનો રિક્ષાવાળો
  નવસો નવ્વાણું નંબરવાળો
  અમદાવાદ, અમદાવાદ બતાવું ચાલો

  1. સુરેશભાઈ,વધુ વિગત માટે લેખક પ્રદીપભાઈ ત્રિવેદીનો સંપર્ક કરવા વિનંતી.
   PRADIP TRIVEDI Tel: +919998335488