ટૂંકી વાર્તાની બાંધણી ~ લેખિકાઃ જયશ્રી વિનુ મરચંટ

આજે ટૂંકી વાર્તાના સ્વરુપની તથા બાંધણીની મારી સમજણ હું આપ સહુ સાથે વહેંચવા માગું છું. એક સર્જક તરીકે, ટૂંકી વાર્તા લખતા થયેલી અનુભૂતિ અને ટેક્નિકની વાત કરીશ.

અછાંદસ કવિતા, ગઝલ, ગીત, નાટક, નિબંધ, નવલકથા, નવલિકા – ટૂંકી વાર્તા આ બધા જુદા જુદા સાહિત્ય સર્જનના પ્રકારોમાં મને સૌથી વધુ કપરું ટૂંકી વાર્તા લખવાનું લાગે છે. એક સર્જકે, ટૂંકી વાર્તાના સર્જનની પૃષ્ઠભૂમિ અને એની મર્યાદાને ઝીણવટથી સમજી લેવી ખૂબ જ જરુરી છે. વાર્તાના બેકડ્રોપ – પૃષ્ઠભૂમિ- ના ઘોડા પર બેસાડીને ટૂંકી વાર્તાના પાત્રો આખી સફર ખેડે છે. આ સફરમાં આવતી મુસીબતો, હળવાશની ક્ષણો કે પછી નિરાશા, હતાશા, આશા અને સુખ-દુઃખને આ પાત્રો ક્ષણે-ક્ષણે જીવે છે. આ પાત્રો જ વાર્તાને “આગાઝથી અંજામ” – આરંભથી અંત સુધી લઈ જાય છે.

આરંભથી અંત સુધીની આ સફર સર્જકે સર્જેલા પાત્રો ખેડે છે એની સફળતાનો આધાર ચુસ્ત પાત્રાલેખન પર છે. વાર્તાના આ કિરદારો પોતાનું કામ (એ છે વાર્તા સક્ષમતાથી કહેવાનું) તો જ નિભાવી શકશે જો કિરદારોને વિકસાવવામાં લેખકે સંવાદિતા જાળવી હોય. કોઈ સર્જકની વાર્તા કહેવાની ટેક્નિકની સાચી પરીક્ષા પાત્રાલેખનમાં સંવાદિતા તેણે જાળવી છે કે નહીં એમાં અને એનું સફળ ચિત્રાંકન કર્યું છે કે નહીં એમાં જ હોય છે.

આપને પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે કે એક સર્જક કે લેખક સારું ચિત્રાંકન કરી શક્યો છે કે નહીં એની પરખ કેવી રીતે થાય? ટૂંકી વાર્તાના પાત્રો story elements – કથાતત્વને વફાદાર રહીને જ્યારે કથારસની ક્ષતિ થયા વિના, જે સમય કે કાળમાં કથા આકાર પામી હોય એ સ્થળ, સમય કે કાળને અનુરુપ રહીને, વાચકના ભાવવિશ્વને રસતરબોળ કરી જાય તો માનજો કે એક સુંદર વાર્તાનું કલેવર રચાયું છે. સમય કે કાળને અનુરુપ કથન એટલે હોવું જોઈએ જેથી વાર્તાના વહેણમાં સહજતા લાગે.

કોઈ એક નવા સર્જકની વાર્તા હું વાંચતી હતી ત્યારે ગામડાની પૃષ્ઠભૂમિમાં કહેવાતી કથામાં વહેલી સવારનું વર્ણન કઈંક આ પ્રકારનું લખાયું હતું. ખૂબ જ સુંદરતાથી આલેખી હતી ઊગતી સવાર. “ઊગતા સૂરજને જોઈને એમ લાગતું હતું કે સાત ઘોડાના સોનેરી રથ પર બેસીને સૂરજ વરરાજા, શરમાતી, બલખાતી, નવોઢા સવારનો ઘુંઘટ ધીરેધીરે ઊઠાવી રહ્યા છે અને એના ગુલાબી ગાલો પરની લાલીથી આખુંયે આકાશ ગુલાબી ઝાંયભર્યું થઈ ગયું હતું.”  ખૂબ જ સરસ છે આ વર્ણન, પણ હવે આ જ વાત પીતાંબર પટેલની ટૂંકી વાર્તામાં આ રીતે આલેખાઈ છે. (આ વાર્તા પણ ગ્રામ્યજીવન પર જ આલેખિત છે) “પહો ફૂટું ફૂટું થઈ રહ્યું હતું. રાતાચોળ સૂરજની લાલીને લીધે, આભ, ગૌરીની રાતી ગાય જેવું રાતુંચોળ લાગતું હતું.” આ એક કે બે વાક્યમાં પીતાંબર પટેલ જેવા ઉત્તમ કથાકાર કેટલી સહજતાથી સ્થળ, સમય કે કાળને અનુરુપ, ચિત્રાંકન કરીને કથાનો ઉઘાડ કરે છે, એ સમજણ લેખક માટે ખૂબ જ જરુરી છે. આ જ સમજણ વાર્તાની સહજતા જાળવી શકે છે.

આ સમજણ કેળવવા માટે અઢળક અને મબલખ વાંચવું એ પણ એટલું જ અનિવાર્ય છે. જેમ મજબૂત ઈમારત માટે એના પાયાનું મજબૂત હોવું ખૂબ જ જરુરી છે તે રીતે ટૂંકી વાર્તામાં કથાવસ્તુની સમજણ અને એની સહજતાનું સક્ષમ હોવું જરૂરી છે.

સર્જક કે લેખકનું કામ એક ઈમારતના આર્કિટેક્ટ જેવું છે. એક સારી ઈમારત માટે એનો પ્લોટ, પ્લાન અને નકશો હોવો જેમ અત્યંત આવશ્યક છે તેમ એક સારી ટૂંકી વાર્તા માટે પણ પ્લોટ, પ્લાન અને નકશો હોવો અનિવાર્ય છે. એક બીજો પ્રશ્ન એ થાય છે કે વાર્તાનો (એ ટૂંકી વાર્તા હોય, નવલિકા, લઘુ નવલકથા કે પછી સંપૂર્ણ સ્વરુપધારી નવલકથા હોય) પ્લોટ, પ્લાન અને નકશો એટલે શું અને એ નક્કી કેમ કરાય?

વાર્તાનો આવિર્ભાવ સહુ પ્રથમ તો અંતરમનની સચ્ચાઈમાંથી થાય છે. પછી સર્જક એ વાર્તાનો વિષય નક્કી કરે છે. આ વિષયનો ઉદભવ એ ટૂંકી વાર્તાનો પ્લોટ છે. આ પ્લોટ નક્કી થાય પછી કપરું કામ છે સ્થળ, સમય અને પાત્રોનું ચયન, જે પ્લોટને અનુકુળ હોય. આ છે ટૂંકી વાર્તાનો પ્લાન. આ પ્લાન જો precise and accurate – સુનિશ્ચિત અને પરિશુદ્ધ ન હોય તો પાત્રોનું લેખન દિશાહીન બની જાય છે.

પન્નાલાલ પટેલની “કંકુ” વાર્તા ઉદાહરણ રુપે જોઈએ. આખી વાર્તામાં કંકુનું પાત્ર ક્યાંય પણ ભટકી નથી જતું. લેખક એના ભટકતા મનને જ્યારે આલેખે છે ત્યારે પણ વાર્તાતત્વનું સ્ખલન નથી થતું અને વાર્તા એના વિષયના પાટા પરથી ઊતરી નથી જતી. આ તો જ શક્ય બને છે જો પ્લાનમાં યથાર્થતા હોય. વિષયનો ઉઘાડ કયા સ્થળ અને સમયમાં છે અને એ નક્કી થયા પછી એને અનુરુપ ભાષા તથા પાત્રોનું પાત્રાલેખન હોવું જોઈએ. અગર એ ન હોય તો વાર્તાનો flow – વહેળો સહજ નથી લાગતો. સહજતા ચૂકી ગયા તો પછી સશક્ત પાત્રો કે વિષય પણ વાચકના ભાવવિશ્વને ઝંકૃત કરી શકતા નથી.

ઘણી વાર્તાઓનું પોત (પ્લોટ) પાંખું હોય, પણ સહજતાનો વહેળો એટલી સચ્ચાઈથી વહેતો હોય છે કે વાંચનાર એમાં ગળાડૂબ ભીંજાય છે. આ જ છે સાચા સર્જકનો જાદુ. અહીં ગુલાબદાસ બ્રોકરની “ધૂમ્રસેર” વાર્તાનો ઉલ્લેખ કરીશ. આ વાર્તા સહજતા અને વાર્તાના પાંખા પોતને ધ્યાનમાં લઈને વાંચી જવાની નમ્ર વિનંતી કરીશ.

લેખકના હ્રદયમાંથી જ્યારે કોઈ ઘટના, કોઈ બીના સ્ફૂરે છે તો એ વિષયને કઈ રીતે આલેખશે એની સ્પષ્ટતા સહુ પ્રથમ હોવી જોઈએ. એના પછી પાત્રોનું ઘડતર અને પાત્રાલેખન માટેનું વસન વણાય છે. આ પાત્રો વાર્તાના વિષયની પૂર્તિ કઈ રીતે અને કઈ પૃષ્ઠભૂમિમાં કરશે એનું સતત ધ્યાન લેખકે રાખવું પડે છે. વાચકનો કથારસ આરંભથી અંત સુધી બની રહે એ માટે વિષયનું નાવીન્ય અથવા તો આલેખનમાં વૈવિધ્ય તો હોવું જોઈએ જ, પણ વાતને રસક્ષતિ ન થાય એવી સ્ફૂર્તિથી આગળ લઈ જવી એમાં જ સર્જકની સક્ષમતાની કસોટી થાય છે.

પાત્રો થકી વાત આગળ વધારવી અને લેખકે જે કહેવું છે એ કોઈ પણ જાતના પૂર્વગ્રહ વિના કહી જવું એમાં સર્જકની પરિપક્વતા પ્રગટ થાય છે.

સારી ટૂંકી વાર્તાના આરંભ, મધ્ય અને અંત એક પાતળા પણ મજબૂત તાંતણે બંધાયેલા હોય છે. આરંભ એવી રીતે થવો જોઈએ જે વાંચનારના મનમાં આગળ શું થાય છે એ વિષે કુતુહલ અને જિજ્ઞાસા ઉત્પન કરે અને વાચક ઉત્સુકતાથી આગળ શું થાય છે એ વાંચવા આતુર બને. આ આતુરતાને વાર્તાના મધ્યમાં સબળ પાત્રો અને સુઘડ રેખાચિત્રથી સર્જક એક બીબામાં ઢાળે છે. વાર્તાનું મધ્ય એ વાર્તાનો દેહ ઘડે છે. વાર્તાના દેહમાં વાર્તાના અંતની ચમત્કૃતિ પ્રાણપ્રતિષ્ઠા કરે છે જેના લીધે વાર્તા, ભાવક-વાચકના દિલો-દિમાગ પર અમીટ છાપ છોડી જાય છે. આ બધામાં એક સર્જક્ને સતત સતર્ક રહેવું પડે છે.

ટૂંકી વાર્તાના કદ વિષે, જેથી કરીને વાર્તામાં જે કહેવાનું છે તેની તાજગી અને સાદગી ન ખરડાય.  આ વાતને અહીં એક ઉદાહરણ રુપે રજુ કરીશ. ધારો કે મારે અમેરિકામાં નોકરી કરતી એક એવી ભારતીય સ્ત્રી ઉષ્માની વાત કરવી છે જે, ભારતથી લગ્ન કરીને ૭૦ અને ૮૦ના દાયકામાં અમેરિકા આવે છે. અહીં આવીને સાંસ્કૃતિક આઘાત અને મનમાં ઉભરાતી ગડમથલ સાથે નોકરી કરતી આ નારી ઉષ્મા, અહીં sexual harassment – જાતીય શોષણનો શિકાર બને છે અને અંતમાં મારે આ ઉષ્માને માનસિક અને સામાજિક અપઘાત અને આઘાતોમાંથી સદંતર મુક્ત – liberated – બતાવવી છે. તો હું, એક લેખક તરીકે કઈ રીતે આ વાર્તાને ઉત્સુકતા સભર પ્રારંભ, એક સશક્ત મધ્ય દેહ અને પ્રાણવંત અંતથી જીવિત કરીશ?

હું આરંભમાં એવી રીતે વાત શરુ કરીશ કે ઉષ્મા આખા દિવસના કામ પછી ઘરે આવે છે સાંજના અને ખૂબ જ હતાશા ને ક્રોધથી ગ્રસિત છે. ઉષ્માનો નોકરીનો આજનો દિવસ સારો નથી ગયો કારણ એના બોસે આજે એનું જાતીય શોષણ કરવાની કોશિશ કરી જેના લીધે એને પોતાના અસ્તિત્વ માટે ઘૃણા ઉપજે છે. હવે એક લેખક તરીકે મારે નક્કી કરવાનું છે કે મધ્યમાં વાર્તાના દેહને હું કેવી રીતે ઘડીશ જેથી વાર્તાનો અંત, વાર્તામાં પ્રાણ પૂરનાર સંજીવનીનું કામ કરે? વાર્તાના મધ્યમાં, શું હું ઉષ્માને અતિ મહત્વાકાંક્ષી પણ મધ્યમ વર્ગની નૈતિકતાના મૂલ્યોનો આદર કરનારી બતાવીશ કે પછી એના લગ્નજીવનમાં અસંતોષ બતાવીશ કે એને કામ કરવા બહાર જવું પડે છે અથવા તો એક સીધી, સાદી મધ્યમવર્ગીય, કૌટુંબિક તથા સામાજિક જવાબદારીને નૈતિકતાપૂર્વક નિભાવનારી પત્ની તરીકે એના પાત્રને વિકસાવીશ? અંતમાં, શું ઉષ્મા એની મહત્વાકાંક્ષા પૂરી કરવા, ન ઈચ્છવા છતાં એના બોસની જાતીય શોષણની માંગણીને તાબે કઈ રીતે થાય છે અને છતાંયે એની આગળ વધવાની મહત્વાકાંક્ષા પૂરી ન થવાથી એ હતાશ થઈને, સ્વયં પોતાને બરબાદ કરે છે તો એનો અંજામ કઈ રીતે આવે છે કે પછી ખૂબ ગણતરીપૂર્વક લગ્નજીવનના અસંતોષને પોતા પર હાવી થવા દઈને, બોસની માંગણીને આધીન થઈ પોતાના લગ્નજીવનમાં કઈ રીતે અને કેટલી સમજૂતી કરે છે, જે એના મનને સાવ ભાંગી નાખે છે? સર્જકે આ પ્રમાણે પૃષ્ઠભૂમિ નક્કી કરીને એના પાત્રોને ઘડવાના હોય છે.

લેખકમાં કે સર્જકમાં પોતાના લખાણ કે સર્જનમાં, અંતરમનને આધીન થઈને સત્યને એના સદંતર નગ્ન સ્વરુપે રજુ કરવાની એક હિંમત અને સચ્ચાઈ હોવી જ જોઈએ, નહીં તો એ લખાણ કે સર્જન, વિષય કે પાત્રાલેખન ગમે તેટલું સારું  હોય પણ શાશ્વતતાની એરણ પર ખરું ઊતરતું નથી. સત્યને એના નગ્ન સ્વરુપે રજુ કરતી વખતે એક વાતનું ધ્યાન રાખવું આવશ્યક છે. જો વાર્તામાં શૃંગારરસ હોય કે ઘૃણારસ હોય, તેનું આલેખન કરતાં વાર્તા બિભત્સતામાં ન સરી પડવી જોઈએ અને કોઈ કાળે સુરુચિભંગ ન થવો જોઈએ. વાર્તા કલાની દ્રષ્ટિએ ખરી ત્યારે જ ઉતરે છે જ્યારે એમાં સત્યનું વરવું રુપ પણ સુરુચિભંગ વિના રજુ થયું હોય.

એક બીજી વાત પણ અહીં ખાસ કહીશ કે વાર્તાનો લેખક તો ખરા અર્થમાં સર્જનહાર જ નહીં પણ સૂત્રધારનું પાત્ર નેપથ્યમાં રહીને ભજવે છે. પાત્રો, વાર્તાનું પોત, વાર્તાનો વિકાસ અને વાર્તાનો અંત, આ બધી ક્રિયા-પ્રક્રિયાનું સંકલન એવી સિફત અને સહજતાથી સર્જક કરી જાય કે વાર્તાના શીર્ષકથી માંડી, એનો અંત પણ સાર્થક લાગે, તો જ સૂત્રધારનું કાર્ય સર્જકે સારી રીતે ભજવ્યું એમ કહી શકાય. જ્યારે સર્જક વાર્તાના મધ્યદેહને વાર્તાના આરંભ અને અંત વચ્ચેનો “રામ-સેતુ” બનાવી શકે ત્યારે જ લેખક કે સર્જક, સાચા અર્થમાં સર્જનહાર બને છે.

સર્જક કે લેખક કે એક વાર્તાકાર માટે સતત અભ્યાસ કરતા રહેવો એ એટલો જ જરુરી છે જેટલો એક સારા ગાયક કે સંગીતકાર માટે રિયાઝ જરુરી છે. આ અભ્યાસ એટલે સતત વાંચવું. ઉત્તમ અભ્યાસ તો ગુરુ સાથે કરો તે પણ ગુરુની અવેજીમાં, સર્વકાલીન અને સમકાલીન સર્જકોની સબળ કૃતિઓનું, વાગોળીને વાંચન, એક વ્યસનની જેમ કરવું જોઈએ. આ વાંચનથી સહ્રદયી વાચકની સંવેદનશીલતા કેળવાય છે, એટલું જ નહીં પણ દરેક વખતે નવા અર્થ એમાંથી નિપજે છે.

મારા અંગત જીવનમાં ઘટેલી એક દુઃખદ ઘટના વખતે ગુજરાતી ભાષાના ઉત્તમોત્તમ વિવેચક અને પ્રખર વિદ્વાન, ડો. મધુસુદનભાઈ કાપડિયાએ મને એક સરસ વાત કહી હતી કે એક સર્જકને સંવેદનશીલતાનો અભિશાપ ગણો તો અભિશાપ અને વરદાન ગણો તો વરદાન મળ્યું છે. એ તો સર્જક પર છે કે આ વેદનાનું મંથન કરીને એમાંથી “સ્વથી સર્વ સુધી” પહોંચતી નવનીત સમી કૃતિઓનું સર્જન કરે કે નહીં. “સ્વથી સર્વ સુધીની” આ મુસાફરીની મોજ માણવા કે નિજાનંદ પામવા માટે એક ખાસ વાત સહુ સર્જકે યાદ રાખવાની છે અને તે એ છે કે જ્યારે સર્જક પાસે નવું કંઈ અર્થસભર કે જીવનનાં પ્રતિબિંબો ઝીલતું સાહિત્ય ન હોય ત્યારે અટકી જવું જોઈએ. નબળી રચનાઓ રચી હોય તો એનો પણ વિચાર કરવો કે કઈ રીતે આ રચાનામાં ક્યાં ખામી રહી ગઈ છે. આ આત્મનિરીક્ષણ પ્રત્યેક સર્જકે સતર્ક રહીને, સતત કરતાં રહેવું જોઈએ.     

આજનો યુગ એ માહિતીનો યુગ છે. આ યુગમાં સામાન્ય માનવી સારા અને સાચા લેખકોની સાહિત્યિક મૂલ્યવાળી કૃતિઓના વાંચનથી દૂર થતો જાય છે. આજનો લખનાર એની સર્જનક્રિયામાં સૌષ્ઠવ અને સુઘડતાથી પોતાની રચનાનો નિખાર કે શણગાર કરવામાં ઘણીવાર ઊણો ઉતરતો હોય એવું પણ લાગે છે કારણ કે વિશ્વની મુખ્ય ભાષાઓમાં રચાયેલી સુંદર રચનાઓને નથી જાણી, માણી કે નથી પોતાની માતૃભાષામાંયે શાસ્ત્રોક્ત રીતે અભ્યાસ કર્યો. ઉમાશંકર, સુંદરમ, હરીન્દ્ર કે સુરેશ દલાલ, અનિલ જોષી કે લાભશંકર, પન્ના નાયક, મનીષા જોષી, પ્રીતિ સેનગુપ્તા કે મીરાં-નરસિંહના કાવ્યો વાંચ્યા વિના કવિતા લખવાની ધૃષ્ટતા કરવી અથવા તો આદિલભાઈ, મનોજ ખંડેરિયા, બેફામ, શયદા, ઘાયલ, કૈલાસ પંડિત કે ચીનુભાઈ મોદીની ગઝલો વાંચ્યા વિના ગઝલો લખવી અથવા તો સુરેશ જોષી, ઈશ્વર પેટલીકર, ગુલાબદાસ બ્રોકર, ધૂમકેતુ કે જયંત ખત્રી, ચુનીલાલ મડિયાની ટૂંકી વાર્તાઓ વાંચ્યા વિના ટૂંકી વાર્તાઓ લખવી… અને એવી આશા રાખવી કે આપણી કવિતા, ગઝલ કે વાર્તા અન્ય કોઈ વાંચે, તો એ કઈ રીતે બની શકે? સાચી વાત તો એ છે કે “લખતાં લહિયો થાય અને વાંચતા વિદ્વાન થાય.” ખૂબ વાંચો, વાગોળો અને પછી લખો.

એ જ સાહિત્ય ટકે છે જેમાં દેશ, કાળ એટલે કે સ્થળ અને સમયને લાગતી વળગતી સમસ્યા કે બીનાઓનું પ્રતિબિંબ અને સામાજિક જીવન કોઈ પણ છોછ વિના, નિઃસંકોચ ઝીલાયું હોય. એક સાચા સર્જકમાં અછૂતા વિષયોને હિંમતભેર છેડવાની સક્ષમતા અને સજ્જતા હોવી જ જોઈએ. માત્ર “ફીલ ગુડ” લખાણ પ્લાસ્ટિકિયું, ગોઠવાયેલું અને સગવડિયું લાગે છે. દરેક વાર્તામાં એક ઉપદેશ હોવો જરુરી નથી અને જો ઉપદેશ હોય તો પણ એ ઉપદેશ ઘટનાઓ અને પાત્રો થકી વાચકની અનુભૂતિમાં ઉતરી જવો જોઈએ. વાર્તા થકી વાચકના મન અને હ્રદયના  વિચારવિશ્વનો ને ભાવવિશ્વનો ઉઘાડ એવી રીતે થાય કે એ વાર્તાના પાત્રો જ નહીં પણ સમય, સ્થળ અને ઘટનાઓ એની પોતાની લાગવા માંડે.

લેખકની પરિપક્વતાની કસોટી વિવિધ વિષયોને સહજતાથી અને કોઈ પણ પૂર્વગ્રહ વિના રજુ કરવાની હથોટીથી થાય છે, પછી ભલેને એ વિષય શૃંગારરસ અથવા તો સામાજિક કે સંબંધોની વિકૃતિને દર્શાવતો હોય. સર્જક જો છોછ રાખીને લખશે તો એના લખાણમાં એ દેખાઈ આવશે જ, એટલું જ નહીં પણ વાર્તામાં સચ્ચાઈ નહીં ઝલકે.

અંતમાં, સારી ટૂંકી વાર્તા લખવાની ટેક્નિકને એકદમ જ આત્મસાત કરીને, બધા જ પાસાનો ઝીણવટથી અભ્યાસ કરીને પણ જો વાર્તા વાચકના અંતરમનને સ્પર્શી ન શકે તો એ વાર્તાનું આયુષ્ય લાંબુ હોતું નથી. એ વાર્તા સચ્ચાઈની એરણ પર ખરી ઉતરતી નથી. આથી જ, પાયાની વાત તો આટલી જ છે કે વાર્તાતત્વમાં જો કૌવત જ ના હોય અને આલેખનમાં દિલની સચ્ચાઈ ન હોય તો વાર્તામાં પ્રાણ પૂરાતો નથી.

અહીં મેં જે ટૂંકી વાર્તાની બાંધણીની વાત કહી છે એ ફક્ત મારી સમજની નિપજ છે જે અને મેં થોડું ઘણું વાંચ્યું છે, તેના પરથી તારવ્યું છે. અનેક વિદ્વાન ગુરુજનો સાથેના વાર્તાલાપ કરવાની, એમને  સાંભળવાની, મને તક મળી અમેરિકામાં, જેના કારણે મને ખૂબ શીખવા મળ્યું. આજે મને એટલું તો સમજાય છે કે જે શીખી છું તે તો ખાલી ૧% છે, ૯૯% તો હજુ સુધી વાંચ્યું જ નથી! આથી શીખતાં તો હજુ આ જનમ તો શું આવતો જનમ પણ પૂરો નથી પડવાનો. આજે બે હાથ જોડીને આદરપૂર્વક સહુ ગુરુજનોને અહીં પ્રણામ કરું છું અને મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. અને છેલ્લે, ટૂંકી વાર્તા લખવા વિષેનો લેખ પણ સંક્ષિપ્ત અને ટૂંકો જ હોવો જોઈએ તો અહીં જ વિરમું છે. 

~ જયશ્રી વિનુ મરચંટ

આપનો પ્રતિભાવ આપો..

6 Comments

  1. ટૂંકી વાર્તા અથવા તો માત્ર વાર્તા અનેક પ્રવાહોમાંથી પસાર થઈ માઇક્રો ફિકશન(સૂક્ષ્મ કથા..?) સુધી આવી છે. જયશ્રી બેનના અવલોકનો સરસ છે.

  2. ટૂંકી વાર્તાની બાંધણી અંગે સુ શ્રી જયશ્રી વિનુ મરચંટનો સ રસ લેખની આ સટિક વાત ખૂબ ગમી
    ‘સારી ટૂંકી વાર્તા લખવાની ટેક્નિકને એકદમ જ આત્મસાત કરીને, બધા જ પાસાનો ઝીણવટથી અભ્યાસ કરીને પણ જો વાર્તા વાચકના અંતરમનને સ્પર્શી ન શકે તો એ વાર્તાનું આયુષ્ય લાંબુ હોતું નથી’

    હવે વાર્તાકાર સમકાલીન જીવનની ઓળખ એ પોતાના વાચકને કરાવવા ઇચ્છે છે.સાહિત્યકારોના એક વર્ગે ફરી ટૂંકી વાર્તાને વાચકાભિમુખ કરવાની વાત શરૂ કરી. આ વર્ગના વિવેચકો સાહિત્યિક ગુણવત્તાની ઊંચી માત્રાનો કે સૂક્ષ્મતાનો ઝાઝો આગ્રહ રાખતા નથી.આથી જીવાતા જીવનનાં બને તેટલાં પાસાંને તાદૃશ કરી આપે એટલું કામ જો ટૂંકી વાર્તા કરી શકે તે પુરતું છે.જો ટૂંકી વાર્તાનો પણ આસ્વાદ કરાવવામાં આવે તો ઊંચી કોટિની રસવત્તા ધરાવનારી વાર્તાને કેમ માણવી તે સાહિત્યરસિક વાચકોને સમજાય.

  3. ટૂંકીવાર્તાના તમામ પાસાં આવરીને લખાયેલો એક ઉત્તમ અભ્યાસલેખ.

  4. ટૂંકીવાર્તાના તમામ પાસાં આવરીને લખાયેલો એક ઉત્તમ અભ્યાસલેખ. 👌🙏

  5. વાર્તાના એક એક પાસાની સુંદર, સરળ રીતે અને ટૂંકાણમાં છણાવટ કરી છે. ઉદાહરણ પણ ટૂંકા અને સચોટ છે. દંભ રહિત અને વિવેક સભર લખાણ છે. આભાર .

  6. વાર્તા લખવા ઈચ્છનારને એ અંગે સૂઝ પડે એવો અને રસ પડે એવો લેખ છે….