લાલ ગુલાબનો છોડ (વાર્તા) ~ સુષમા શેઠ

ગીતા પોતાના યુવાન દીકરા રાજેશને પરણાવવાની લ્હાયમાં જ્યારે જાતે પસંદ કરેલી યુવતીઓના ફોટા કે બાયોડેટા હોંશપૂર્વક બતાવતી ત્યારે તેનો તે જ નિશ્ચિત મક્કમ પ્રત્યુત્તર કાને પડતો, ‘મોમ, હું જેને પ્રેમ કરીશ તેની સાથે જ લગ્ન કરીશ. હાઉ કેન આઈ મેરી સમબડી અનનોન ટુ મી?’ અને તેના એ તીખા તમતમતા સવાલનો ગીતા પાસે કોઈ યોગ્ય જવાબ નહોતો. દાદીની ચશ્મા પાછળની ચૂંચી આંખો એમનો બધો તાલ ચૂપચાપ જોયા કરતી.

આજે દાદીની ચકોર નજરે પકડી પાડ્યું કે ‘જરુર દાળમાં કંઈક કાળું છે.’ સવારથી રાજેશ નવું લાલ ટી-શર્ટ પહેરી સરસ તૈયાર થઈ અરીસા સામે ઊભો રહી એકલો એકલો કંઈક બબડ્યા કરતો હતો વળી હાથમાં લાલ ગુલાબ પકડી નીચો નમતો અને પછી ઘૂંટણિયે બેસી જતો જાણે નાટકનું રિહર્સલ!

છેવટે દાદીથી ન રહેવાયું, ‘હું વાત સે હેં ગગા? તારે કોલેજ નથ જાવું?’

‘ઓહ દાદી! આજે વેલેન્ટાઈન ડે છે યુ નો? મારે તેને પ્રપોઝ કરવું છે.’ લાડ લડાવતી સખી સમાન દાદીથી રાજેશ કશું જ ન છુપાવતો.

‘એટલે? ગગા, તું વિદેસ જઈ આયો તેમાં…’ દાદી અડધુંપડધું સમજી તોય પૂછ્યું.

‘એટલે કે હું તેને પ્રેમ કરું છું.’ આછું મલકી આંખો નચાવતા રાજેશે પોતાની વહાલી દાદીના ગાલે ટપલી મારી.

‘એ…મ એટલે તમે બેવ એકબીજાને ઓળખો સો. ઈ તારી હાયરે ભણે છ?’

‘યેસ્સ દાદી એન્ડ આઈ લવ હર.’ જોશભેર બોલતો રાજેશ પોતાની મસ્તીમાં હતો.

‘તે… ક્યારથી આ બધું.. હેં?’ દાદીએ સલૂકાઈથી વધુ જાણવા માંગ્યું.

‘અં…ઓલમોસ્ટ ત્રણ મહિના.’ રાજેશનો એ જવાબ સાંભળી દાદીનું બોખુ મોઢું હસ્યું.

‘એટલે તૈણ મૈનામાં લવ અને હાત મૈનામાં પેલું છૂટા પડો તે હું?’

‘બ્રેક-અપ? નો દાદી નો. આઈ સિમ્પલી લવ હર.’

‘એને પૈણીસ?’ દાદીએ સણસણતો સવાલ ઉગામ્યો. ‘આખુંય આયખું તમે બેઉ હાથે રેસોને?’

‘ખબર નહિ. ગોડ નોઝ બટ હું, એ યુવતીને જ પરણીશ જેને પ્રેમ કરીશ. તમારા જુનવાણી લોકોની જેમ નહિ. નો. નેવર. નો અરેંજ મેરેજ.’ ખભા ઊલાળતા પૌત્ર રાજેશને સાંભળી દાદી ફરી હસી.

‘તને પરેમ એટલે સું ઈ ખબર સે ગગા? આઈને, લવને અનં યુને બરાબર હમજ સ?’ આવા અધ્ધરતાલ પૂછાયેલા સવાલનો જવાબ આપતા પહેલા ગમ્મત ખાતર રાજેશે દાદીને ચીઢવતા કહ્યું, ‘દાદી, તું અને દાદા તો એકબીજાને જોયા-જાણ્યા વગર જ પરણેલાને?’

‘હોવ્વે. બાર વરહની મું, ઘરઘરતા રમતાં રમતાંને હાચુકલું ઘર માંડી બેઠી. લગન સું ઈ ખબરેય નૈં ને મુને મારા માવતરેથી હાહરે વળાઈ’તી તિયારે તારા દાદાની મૂંસોના દોરા ફૂઈટા’તા. પેલ્લી રાતરે અમે ગોદડી હાટું ખેંચમખેંચ કરીને બવ બાઈધા ને મેં મુઈએ તૈણ દા’ડાના અબોલા લીધાં’તા. ઈવડા ઈને ખબર કે મુને ટાઈઢ બૌ વાય. તે પસી તો થાકીને હૂઈ જૈ હોઊં, તે ઈ દરરોજ મુને ગોદડું ઓઢાડે. મું ચાર ચોપડી ભઈણી’તી અનં ઈ દહમી પાસ તોય ઈમના અકસર કીડી-મંકોડા નં મારાં અસ્સલ મોતીના દાણા હોં.’ 

એક દી’ કે’ કે, “હાલ્ય પત્તર લખાવું ઈ લખ.” ને મુઈ મેં ઝાત પર જ પત્તર લઈખો. તું મનં બવ ગમે છ ને એવું બધું. કે’ કે, “નીચે મારું નામ લખ.” તે મું તો લાજી મરી. ઈ પત્તર મેં અત્તાર લગી જીવની જેમ હાંચવી રાઈખો સે, ગગા.’ 

એકધ્યાનપણે દાદીની વાત સાંભળતો રાજેશ ગુલાબ એક તરફ મૂકી નીચે પલાંઠી વાળીને બેસી ગયો.

‘ઈવડા ઈમણે મનં ભણાઈ હોં. ઈના બાપાથી છાનુંમાનું મનં સોપડીઓ લાવી આપે અનં આખા દા’ડાના થાકેલા હોયને તોય મુને ફાનસના અજવાળે હંધુય સીખવાડે, હમજાવે. મુને ભણવાનું, વારતા, કવિતા, ગીત હંધુય વાંચવું બવ ગમતું.’

એક દી’ બૌ ખુસમાં તે કે’, “હાલ જમની મેળે, તને બરફ ખવડાવું.” બર્યુ તાં મું તો ચસચસ નીચું ઘાલીને બરફ ચૂસું. ઈ મુને ઝોઈર્યા. મારા ગોળામાંયથી સરબત ટપકે ને ઈમની આંખ્યું મંઈથી વ્હાલ. મુંને કાનમાં કે’, “જમની, તને જોતાં થાય છ કે હુંય ગોળો બની જાઉં.” લે! મું તો મૂઈ સરમથી તાં જ પાણીપાણી થઈ જઈ. મોટા ચકડોળમાં એવી બીક લાગે તે હાથ ઝાલીને બેઠા. બા… પેટમાં કંઈક થાય તે હું રાઈડો પાડું ને ઈ દાંત કાઢે. બંગડીઓ અપાવેલી તે વરી ઈમને મારો ગમતો રંગ કોઈના કીધાં વગર ખબર પડી ઝાય લે!’

રાજેશની નજર સામે દાદા-દાદીનું સુંદર શબ્દચિત્ર અવતર્યું. ‘પછી?’ એણે પૂછ્યું.

‘પસ્સી હું? મામા ફિલમ ઝોવા લઈ ગ્યા તે હમઝાણું પરેમ ઈટલે હું. તે રાતરે મુને સોડમાં લઈને ફિલમ જેવું કરતા’તા. મું ઘરના ઢસેડા કરી થાકું તિયારે બદામવારું દુધ હાથમાં પકડાવી કેસે, “છોનીમોની પીલે.” વારતેવારે મોટી બજારે જઈ મારા હાટું મોગરાની વેણી ઉપાડી લાવી કે’ય, “તારે લીધે જ મારું ખોરડું મ્હેકે સે અને મારું જીવનેય.” વરી મુંને ગુલાબના છોડવા બવ ગમે તે અમં ચેટલા…ય કુંડા વાવેલાં.  આ તારો બાપ જનમવાનો હતો તે મું હુવાવડ કરાવા માવતરે ગઈ તિયાર મનં કે’, “જમની તારા વગર નૈ ગમે. ઝટ આવી પૂગજે.” લે! મારા મોઢામાં જાણે મગ ભરીયા તે મું તો બોલીય ના હકી કે મનેય તમારા વના નઈ સોરવે. તમં તમારું ધિયાન રાખજો અને ગુલાબના સોડવાને હરખુ પાણી પા’જો. કરમઈ ના જાવા દેતા.’

ઈ ટેમ કાંય આવા મોબાઈલ ને ફોન નો’તા. ઈવડા ઈ મારં હામું જોવે ન મું હમઝી જઉં કે ઈને અટાણે ચા હાઈરે બીસકુટ જોવે નં અટાણે બીડી હોધી રીયા સે. હવ્વ ચેટલી વાત્યું કઉં ગગા. એક વાર પાડોસના મંછાકાકીને તૈંથી હરખના પાંસ લાડુ આયા ને આંહી ખાનાર છ. મેં હઉને પીરસી દીધાં. તે  મારું ભાણું ઝોઈને ઈ મારા મોઢામાં લાડુ આલતા કે’, “આજ જરા પેટમાં ગડબડ છે, મારાથી નૈ ખવાય.” તંઈ હુંય હમજી ગઈ તી’ કે ગડબડ હું સે. ઈને ખબર મુંને ગોળના લાડવા બૌ ભાવે.’

‘દાદા તો ડેડી બહુ નાના હતા ત્યારે ગુજરી ગયેલા ખરુંને?’ રાજેશે વધુ જાણવાની તાલાવેલીથી પૂછ્યું. આજે દાદીએ યાદોનો પટારો ખોલ્યો જ છે તો…

‘હા ગગા. એમને ટી.બી. લાગુ પડેલો. મું કેટલુંય  હમજાવું કે બીડી સોડો પણ ના. તિયારે તારો ડેડી હાત વરહનો હતો અને તારી ફુઈબા પાંચની. મારા હાહુ-હહરા તો કે’દાડાનું પરલોક સીધાવી ગયેલા. વરસી વાળી લીધા પસી ગામલોકે બવ હમજાવી કે બીજું ઘર માંડ. મારું ભર્યું ભાદર્યું જોબન અનં મોટી દુકાનનો ધણી ઓલો વાંઢો મગનકાકો તો આદુ ખાઈનં પાસળ પડી જ્યો’તો. પન ગગા, મું એકની બે નો થઈ હોં. મેં હંધાયને હાથ જોડીને કૈ દીધું કે મું મેનત મજૂરી કરીસ. તારા દાદાની યાદ લૈને જીવીસ અન ઈની યાદ લૈને મરીસ, પન કો’ક બીજાનું ઘર નૈ માંડું. હું કસે જતી રૈ તો અમારં વાવેલા આ ગુલાબના સોડવાનું હું થાહે? તારા ડેડીના ચેરામોરામાં મનં અસ્સલ તારા દાદાનો અણસાર વરતાય. મેં હંભળાઈ દીધું કે, “અરે ભુંડાઓ જાઓ. આ નસુંમાં દોડતું રગતયે ઈ જ સે અનં કમખા વાંહે ધબકતા હૈયામાથે ઈનું જ નામ સે હમજ્યા? પરેમ બરેમ નથ ખબર પણ એટલું તો હમજું કે ઈની હાયરે અગનિની સાક્સીએ ફેરા ફયરી છઉં હા.’ દાદી  દેશ માટે ન્યોચ્છાવર થતા કોઈ દેશભક્તની અદાથી બોલી ગઈ.

રાજેશ હલી ગયો. દાદા-દાદીના રોપેલા અને માવજતથી ઊછેરેલા નીરોગી, તંદુરસ્ત મોટા થયેલા ગુલાબના છોડમાંથી તોડેલા પ્રેમના પ્રતીક સમા લાલ ગુલાબને તે જોઈ રહ્યો. દાદીની અણઘડ, નિર્દોષ, ભોળી પ્રેમની ઊછળતી ઊંડી લાગણીઓના દરિયા સામે તેનો આજકાલનો વેલેન્ટાઈન-ડે મનાવતો ઉપરછલ્લો  પ્રેમ તેને ખોબા જેવડો ભાસ્યો. તે આત્મ-નિરીક્ષણ કરતો એક ગહન વિચારમાં ગરકાવ થઈ ગયો.

‘એલા, જેના હાથમાં ગુલાબ આલે તેનો હાથ અનં હંગાથ ના સોડતો. ગુલાબની ડાળખી મંઈ કાંટાય ઊગશે. તે જા હવ ઓલું હેપી વેલનટાન… હું કેવો તમે ઈ રમત રમવા જા. રુપ કે રુપિયા નહિ, ગુણ જોવાય હમજાણું કાંઈ?’ દાદીએ રાજેશને ઢંઢોળતા કહ્યું, ‘લ્યા હુઈ ગ્યો?’

‘ના. હવે જાગ્યો દાદી.’ કહી રાજેશે દાદીને હ્રદયસરસી ચાંપી દીધી.’ હવેથી દરરોજ તમારા જતન કરી ઊછેરેલા ગુલાબના આ મઘમઘતા છોડને હું પાણી સીંચીશ.’ કહેતા તેણે કોલેજ જવા તરફ કદમ માંડ્યા.

~ સુષમા શેઠ
sushmaksheth24@gmail.com

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. ‘એલા, જેના હાથમાં ગુલાબ આલે તેનો હાથ અનં હંગાથ ના સોડતો. ગુલાબની ડાળખી મંઈ કાંટાય ઊગશે. તે જા હવ ઓલું હેપી વેલનટાન… હું કેવો તમે ઈ રમત રમવા જા. રુપ કે રુપિયા નહિ, ગુણ જોવાય હમજાણું કાંઈ?’ ’રાજેશને દાદીએ ભણાવેલો પાઠ સાંપ્રત સમયે દરેક યુવાનોએ ભણવા જેવો