ભૈયાદાદા (વાર્તા) ~ ધૂમકેતુ

રંગપુરના નાના સ્ટેશન પર ત્રણ માણસો અધિકારીના જેવી તોછડી ઢબથી ઊભા હતા. દૂરથી આવેલા ગામડિયાઓ, પરગામના ઉતારુઓ અને પ્રથમ જ ગાડીમાં મુસાફરી કરવા આવેલી સ્ત્રીઓ, સૌમાં તરી નીકળે એવા ત્રણ ગૃહસ્થો તરફ વારંવાર જોઇને, કાંઇક છાની વાતો કરી લેતાં હતાં.

‘પણ એ જગ્યાએ સાંધાવાળો કોણ છે ?’ પોતાની સાહેબશાઈ ટોપી હાથમાં ફેરવતાં એક જુવાને પ્રશ્ન કર્યો. એની પ્રશ્ન કરવાની ઢબથી એમ લાગતું હતું કે તે સૌમાં વડો હતો.

લાંબા સુકાઈ ગયેલા મોંવાળા એક પ્રૌઢ માણસે વિનયથી જવાબ આપ્યો : ‘સાહેબ ! ત્યાં પચ્ચીસ વર્ષથી એક જ માણસ રહે છે.’

‘પચીસ વર્ષ !’

ત્રીજો માણસ, જે ન કારકુન કે ન અધિકારી જેવો – વચ્ચેની સ્થિતિનો લાગતો હતો તેણે મોં મલકાવી  હા પાડી.

‘અને એ માણસ પાસેથી તમે નિયમિત કામની આશા રાખો છો ?’ જુવાન અધિકારીએ પોતાની નેતરની  સોટી જમીન સાથે ભરાવીને વાંકી વાળતાં કહ્યું.

બન્નેમાંથી કોઇએ જવાબ આપ્યો નહિ. અંતે પેલો કારકુન જેવો બોલ્યો : ‘સાહેબ, વૃદ્ધ માણસ છે. આજ પચીસ વર્ષે ક્યાં જાય ? આપણે જ નિભાવ્યે છૂટકો.”

જુવાન અધિકારીના હોઠ સખ્તાઈમાં જરા દબાયા. સોટીથી એક કાંકરો આઘે ઉડાડી તે બોલ્યો : ‘આપણે માણસ સાથે કામ નથી, કામ સાથે કામ છે. ક્યાં જાય એ જોવાનું એને રહ્યું; કેવું કામ કરે છે એટલું જ આપણે જોવાનું છે.’

કારકુનનો લાંબો અને નિસ્તેજ ચહેરો જરા વધારે નિસ્તેજ બન્યો. એનું હૃદય કંઈક નિખાલસ હતું. પંદર વર્ષનો હતો ત્યારથી તે કારકુન રહ્યો હતો. તેણે કાળાંધોળાં કરીને તો નહિ પણ અનેક અધિકારીઓની નીચે અનેક સ્વભાવ રાખીને શિરસ્તેદારી મેળવી હતી. એટલે એનામાં પોતાનું તેજ  કે પ્રભાવ તો ન હતાં, છતાં સારો સ્વભાવ હોવાથી સારું કરવા તરફ વલણ રહેતું. સાહેબના હોઠની સખ્તાઈ જોઈ એ વધારે નરમાશથી બોલ્યો : ”ભૈયો બદ્રીનાથ ત્યાં પચીસ વર્ષથી નોકરી કરે છે.’

‘એની ઉંમર કેટલી છે ?’

‘હશે આશરે સત્તાવન-અઠ્ઠાવન.’

‘ત્યારે એ કામને માટે નાલાયક છે !’ સાહેબે ફેંસલો આપ્યો. સાહેબના મગજમાં અત્યારે અધિકારીનું તોફાન પણ છે. એ ચતુર શિરસ્તેદાર સમજી ગયો, અને તેથી બીજી વખત સમજાવાશે એમ વિચારી એ શાંત રહ્યો.
એવું બન્યું હતું કે રંગપુરના સ્ટેશનથી આશરે બે-એક માઈલ દૂર રેલવેની સડક જાહેર સડકને કાપીને જતી હતી એટલા માટે એ ક્રોસિંગ આગળ રેલવે સત્તાવાળાઓએ એક ઓરડી બાંધી ત્યાં એક માણસ રાખ્યો હતો.

બદ્રીનાથ ભૈયો આજે પચીસ વર્થ થયાં, એના એ જડ જબરદસ્ત લાકડાને ગાડી આવવાને વખતે આડું ઠસાવતો અને અને ગાડી જાય એટલે ઊભું કરતો. થોડા વખત પહેલાં એની સરતચૂકથી એક અકસ્માત થતો રહી ગયો હતો. રંગપુરના સ્ટેશન પર ટ્રાફિક સુપરિન્ડેન્ડન્ટ, ટ્રફિક ઈન્સ્પેકટર અને શિરસ્તેદાર આજે એ જ વાત કરી રહ્યા હતા.

એટલામાં સ્ટેશન પર ગાડી આવી, ને સાહેબ પોતાના ડબ્બામાં ગોઠવાઇને બેઠા. બેસતાં બેસતાં પણ એના તુંડમિજાજી સ્વભાવને આનંદ આવતો હોય તેમ વારંવાર કારકુન સાથે એની એ વાત કરતા હતા : ‘એ જગ્યાએ કોઈ અનુભવી અથવા છેવટે ચપળ માણસ નીમવો પડશે.’

તેના છેલ્લા શબ્દો ગાડીની સીટીમાં ડૂબી ગયા. બન્ને નીચલા અધિકારીઓએ સલામ કરી, ને ગાડી  રવાના થઇ ગઇ.

શિરસ્તેદાર વિનાયકરાવ હંમેશાં ગામની એ સડકે બે-ત્રણ માઈલ ફરવા જતો. એની રૃપાના હાથાવાળી લાકડી, જૂનો જાળવી રાખેલો રેશમી દુપટ્ટો, દક્ષિણી પાઘડી, ને ચંપલ આ રસ્તા પર છેલ્લાં દસ વર્ષ થયાં નિયમિત મુસાફરી કરતાં. બદ્રીનાથની ઓરડીએ જઇ તે બે ઘડી બેસે ને રાવસાહેબને આવેલા જોઇ ભૈયો પણ પોતાની નાનીશી વાડીમાંથી બહાર નીકળી ઠંડું પાણી ભરી મૂકે, પછી બન્ને પરદેશીઓ સુખદુ:ખની વાતો કરે ને એમ હંમેશાં સાંજ વીતી જાય.

આજે પણ સાંજે વિનાયકરાવનાં મંદ પગલાં એ તરફ વળતાં હતાં. ધીમે ધીમે ત્યાં પહોંચ્યો ને ભૈયાને ન જોઇ, કંઇક આશ્ચર્ય પામી, પોતાના હંમેશના ઓટલા પર બેઠો. ઊંડો વિચાર કરતો એ ભૈયાની સુંદર કૃતિ જોઇ રહ્યો હતો – ભૈયાએ પોતાની ઓરડીની પાછળ વાડા જેવું કરી એમાં ગલગોટા, કરેણ, કેળ ને પપૈયા વાવ્યાં હતાં.

એક કારેલીનો ને એક વાલોળનો એમ બે માંડવા પણ બનાવ્યા હતા. ઓરડીના બારણા પાસે થોડાક મરચીના રોપ, અજમો, કોથમીર ને તુલસીના ક્યારા હતા. અને આગળના ભાગમાં બે-ચાર નાનાં નાનાં ઝાડવાં પર ફૂલવેલીની જુદી જુદી જાત ચડાવી માંડવા જેવું કરી લીધું હતું. એની ચારે તરફ થોડાક વાંસ ખોસી ખપાટો બાંધી લઇ ભીંત બનાવી હતી.

અને નીચે જમીન પર ધોળી ફૂલ જેવી સ્વચ્છ ગાર કરી હતી. ભૈયાની એક બકરી આમાં બંધાતી હતી. વિનાયકરાવ, ભૈયાનું ઘર અને તેનું કલાવિધાન જોઇ રહ્યો.
એટલામાં ભૈયાના ઘરમાંથી એક આઠ-દશ વર્ષની છોકરી બહાર નીકળી. વિનાયકરાવને જોઇને એકદમ પાછી અંદર ગઇ ને ભૈયાને કહ્યું : ‘ભૈયાદાદા !  બહાર તો કોઇક બેઠું છે !’

‘કોણ છે ?’ કહી ભૈયો બહાર આવ્યો.

આજે આઠેક દિવસ થયાં તે જરાક અસ્વસ્થ હતો, તેમ જ વિનાયકરાવ પણ એકાદ અઠવાડિયું થયું આ તરફ આવ્યા ન હતા, એટલે વિનાયકરાવ હશે એ ડોસાને યાદ રહ્યું નહિ.  બહાર આવતાં જ તેમણે વિનાયકરાવને જોયા.

‘ઓહો ! પાની, છોકરી, આ તો આપણા રાવસાહેબ છે. ઠંડા પાણી લાવો, ચાલો.’ અને ભૈયો પોતાની હંમેશની ઢબથી વિનાયકરાવ પાસે જઇ બેઠો. બિલાડીનાં બે-ત્રણ બચ્ચાં એના વૃદ્ધ શરીરને ઘસાઈ ઘસાઈને ફરવા લાગ્યાં.

વિનાયકરાવનું જિગર ચિરાઇ રહ્યું હતું. ભૈયાને આ જગ્યા પર કેટલો પ્યાર છે એનો ખરો ખ્યાલ આજે જ તેને આવ્યો. આસપાસ થોરની વાડ હોય, બાવળનું ઝાડ હોય કે બોરડીનો છોડ હોય, પણ દરેકે દરેક ઝાડને એ કલાવિધાનમાં પોતાનો ભાગ કરી આપતું કરી ભૈયાએ બે ઘડી ઠરી જવાનું મન થાય એવી  સુંદર નાનીશી વાડી બનાવી હતી.

પણ આજે તો તેણે એક નવું દ્રશ્ય જોયું. ભૈયાએ વળી, કોઇક વાડીવાળાની છોકરીને પુત્રીના જેવા લાડથી બોલાવી, રાવને આ દ્રશ્ય નવીન લાગ્યું, કારણ કે પાનીને આજે જ તેણે જોઇ હતી.

‘આ છોકરી કોની, ભૈયાદાદા ?’ આજે વિનાયકરાવ ‘ભૈયા’ એમ ન કહી શક્યો.

‘આ વાડીવાળાની છે. બિચારી આઠ દિવસ થયાં બકરી દોહી દે છે. ઈશ્વર એનું કલ્યાણ કરે !’

પાની ઠંડા પાણીનો ચળકતો લોટો લાવી હતી, નાની આઠ-દસ વર્ષની છોકરીની આંખમાં કાજળ એવું સુરેખ આવી રહ્યું હતું કે વિનાયકરાવની દ્રષ્ટિ ત્યાં ચોંટી ગઇ.

‘ભૈયાદાદા ! હવે જાઉં છું હોં !’

‘ટીલાળીને દોહી ?’

ટીલાળી ભૈયાની બકરીનું નામ હતું. ભોળા વૃદ્ધ ભૈયાએ ટીલું જોઇને તેનું નામ ટીલાળી પાડયું હતું. એવાં નામ માણસનાં પડતાં હોય તો માણસ પશુ કરતાં સારો  લાગે તેમ જ ‘શબ્દો યથાર્થાક્ષર:’ થાય.

‘હા, ભૈયાદાદા.’

‘ઠીક જા.  કાલે  વહેલી આવજો હોં !’

પાની ચાલી ગઇ, પણ થોડી વાર ન થઇ ત્યાં પાછી ફરી : ‘ભૈયાદાદા ! ચાર દિવસ પછી દિવાળી છે.  તમારે  લાપસી ભરડાવવી  નથી?’

વૃદ્ધ ભૈયો આનંદ પામ્યો. તે મીઠું હસી પડયો : ‘મારે વળી લાપસી શી ?’

‘એમ કંઇ હોય, ભૈયાદાદા ! સૌ જમશે-જૂઠશે ને તમે કાં નહિ કરો ?’

વિનાયકરાવ નિ:શ્વાસ મૂક્યો.

‘ઠીક લે, થોડાક ઘઉં લેતી જા; પણ બહુ જાડી ભરડતી નહિ હો !’

‘ના, દાદા ! હું તો ઝીણું ભરડું છું.’

પાની ગઇ. કણબીની એ છોકરી ભૈયાને આટલી મમતાથી ચાહી રહી હતી તે વિનાયકરાવે આજે જ જાણ્યું. એણે ધીમેથી કહ્યું : ‘ભૈયાદાદા ! આ નોકરી તમે છોડી દો. હવે અવસ્થા થઇ કહેવાય.’

‘હવે મારે કેટલાં વર્ષ કાઢવાં છે ?’ ભૈયાએ જવાબ વાળ્યો, ‘બહુબહુ તો પાંચ.’

‘એટલે જ કહું છું કે હવે ભજન કરો !’

‘આજ આટલી અવસ્થાએ કોને આશરે જાઉં ! છોકરો પ્લેગમાં ગયો; છોકરાની વહુ ભાગી ગઇ. હવે એકનું એક પેટ છે તે ભગવાન દેહ હાંકે ત્યાં સુધી કામ કરવું ને ખાવું.’ બદ્રીનાથે જવાબ વાળ્યો. વિનાયકરાવનું અંત:કરણ ભૈયાના જવાબથી વધારે ને વધારે નરમ બનતું હતું.

તે જવા ઊઠયો. ત્યારે એને ચોક્કસ લાગ્યું કે ભૈયાને એની વાડી પર મા કરતાંયે વધારે પ્રેમ હતો.

બીજે દિવસે ટ્રાફિક સુપરિન્ટેન્ડન્ટ બરાબર નિયમસર ઑફિસમાં હાજર થયા હતા; ને સામે પોતાનું શિર ઝુકાવીને વિનાયકરાવ ઊભો હતો.

‘કેમ રાવ ! તમે પેલા ભૈયા બદ્રીનાથની જગ્યાએ કોને ફેરવો છો ? મેં જોયું કે એ ડોસો બધો વખત ઝાડવાં નીંદવામાં જ ગાળે છે !’ સાહેબે પોતાની અવલોકનશક્તિથી અજાયબી પમાડવાની શરૃઆત કરી ને વાઘના જેવી તીણી આંખથી તે વિનાયકરાવ તરફ જોઇ રહ્યા.

રાવના મનમાં ભાંજગડ ચાલતી હતી. એક વખત તેના ખીસામાંથી રાજીનામાનો કાગળ થોડો બહાર પણ દેખાયો; પણ તરત જ એના હાથપગ ધૂ્રજવા લાગ્યા ને તેણે સાહેબ તરફ ઝૂકીને સલામ ભરી.

‘વિનાયકરાવ !’ બિલાડી ઉંદરને રમાડે તેમ સાહેબે રમત શરૃ કરી, ‘તમે શું ઠરાવ્યું ?’

વિનાયકરાવે વિચાર કર્યો ને અરધો જુસ્સામાં ને અરધો ગુસ્સામાં બોલ્યો : ‘એ નહિ બને !’

સાહેબે હોઠ કરડયા : ‘હેં !’

હંમેશની ગુલામી-નિર્બળતા પોતાનું બળ જમાવવા લાગી. રાવના હોશકોશ ઊડી ગયા. પોતે ઉતાવળથી ભૂલ કરી તે સમજી ગયો. ફેરવી તોળવાની કળામાં તે પાવરધો હોવાથી તરત બોલ્યો : ‘સાહેબ ! એ તો હું બીજા જ વિચારમાં હતો. ભૈયા બદ્રીનાથની જગ્યાએ કાળુને ગોઠવવો ઠીક પડશે !’

‘હા.  અને ભૈયાને  ચોવીસ કલાકની નોટિસ આપી દો !’

‘બહુ સારું !’ શિરસ્તેદાર નમીને સલામ ભરી બહાર ચાલ્યો ગયો.

તોપણ વિનાયકરાવે વૃદ્ધ ભૈયાને કંઇક મદદ કરી. બીજે દિવસે ભૈયાને સાહેબની હજૂરમાં લાવવા માટે તેણે એક ટપ્પો મોકલ્યો. ડોસો હાજર થયો. સાહેબ પોતાના ઓરડામાં અધિકારીના રુઆબથી એટલા જ અક્કડ બેઠા હતા. ભૈયાને  જોતાં જ તે બોલ્યા : ‘તુમ્હારા નામ ભૈયા બદ્રીનાથ ?’

‘જીહાં સા’બ !’

‘તુમ બડે બૂઢે હો ગયે. સરકાર કી ખૂબ નોકરી કી, અબ તો આરામ લીજિયે !’

‘જીહાં સા’બ, ધોળાં નોકરીમાં જ આવ્યાં.’

‘અચ્છા !’

ભૈયા તો એવી આશામાં હતો કે સાહેબ લાંબી નોકરી માટે કાંઇક ઇનામ આપવાની ગોઠવણ કરતા હશે. એટલામાં સાહેબે કાગળમાંથી  મોં ઊંચું કરી તેના તરફ જોઇ સમાચાર સંભળાવી દીધા : ‘અચ્છા. તુમ વિનાયકરાવકુ મિલો. તુમ્હારા હિસાબ કરને કે લિયે હુકમ દિયા ગયા હૈ, અબ તુમ આરામ લીજિયે !’

વજ્રપાત થયો હોય તેમ ભૈયો મૂઢ જેવો સાહેબ સામે ઊભો રહ્યો. પોતાની હદમાં અકસ્માત થતો બચી ગયેલો તે વાત તેને યાદ આવી. સાહેબ એટલા માટે પોતાને બરતરફ કરે છે એ છેવટે સમજાયું. તે ગળગળો બની ગયો, ‘સાહેબ ! આજ હવે….’

સાહેબ બદ્રીનાથ તરફ જોઇ રહ્યો. બદ્રીનાથ એક ડગલું આગળ વધ્યો : ‘સાહેબ ! હવે ઘરડેઘડપણ શા માટે ભવ બગાડો છો ? આજ હવે મને કોણ સંઘરે ?’

‘ડોસા! દીકરો છે ને?’

‘જી, ના. પ્લેગ….’ બદ્રીનાથ વધારે બોલી શક્યો નહિ. ‘મારું ઝૂંપડું ને ઝાડવાં એ જ છોકરાં છે, હવે છેલ્લાં બે-ચાર વર્ષ ત્યાં ગાળવા દો.’

‘એ ફૂલિશ સેન્ટિમેન્ટેલિસ્ટ ! (મૂર્ખ રોતલ)’ સાહેબે ડોસાના શબ્દોને માનસશાસ્ત્રમાં જોખી જોયા.

‘ઠીક, ઠીક, એ વિચાર કરશું, જોશું, હમણાં જાઓ.’

પણ ભૈયો બદ્રીનાથ તો વિનાયકરાવને મળ્યા વિના ધીમે પગલે પોતાને ઝૂંપડે ગયો. જે જમીન સાથે પચીસ વર્ષ બાળકની જેમ રમ્યો હતો, તે જમીનને હવે થોડા દિવસ માટે છોડતાં  એનું હૃદય ધૂ્રજતું હતું.
બીજે દિવસે વિનાયકરાવ ફરવા ગયો. બદ્રીનાથની નોકરીનો એ છેલ્લો દિવસ હતો. ભૈયો ઓટલા પર જ વિનાયકરાવની રાહ જોતો હતો.

‘કાં ? કાય હોઈલ કા ?’ એણે વિનાયકરાવને આતુરતાથી પૂછ્યું.

‘નહિ, તુમાલા જાવેં લાગેલ. દૂસરા મનુષ્યયાંચી નેમણૂંક ઢાલી.’

બદ્રીનાથ ગળગળો થઇ ગયો, પણ હિંમતમાં આવીને બોલ્યો : ‘કાલે સવારે ?’

‘હા.’

વિનાયકરાવ તરત જ ભૈયાના પગમાં પડયો!

‘અરે, અરે ! રાવસાહેબ આ શું ?’

‘ભૈયાદાદા ! અહીંથી પરભાર્યા કાલે મારે ઘેર આવજો. મને તમારા છોકરા જેવો માની ત્યાં રહેજો.’

‘અરે રાવસાહેબ !’ ભૈયો ફિક્કું હસ્યો, ‘એ તમારી ઉદારતા છે, પણ હું તો આટલામાં જ આ જમીન પાસે રહીશ.’

વિનાયકરાવે ધાર્યું કે બીજે દિવસે ભૈયાદાદાને સમજાવીશું. બને ઊઠયા ત્યારે ભૈયો આંખમાં આંસુ સહિત વિનાયકરાવને ભેટી પડયો, બિલાડીનાં બે-ત્રણ બચ્ચાં તો એના વૃદ્ધ શરીર પર અટવાતાં જ હતાં.

‘રાવસાહેબ, આ તમને સોંપું છું હો !’ વૃદ્ધ એટલુંજ બોલી શક્યો ને બંને છૂટા પડયા.

બીજે દિવસે સવારમાં દિવસ ન ઊગે ત્યાં તો વિનાયકરાવ આવ્યો હતો. પાની પણ બકરી દોહી લેવા હાજર થઇ હતી. વિનાયકરાવ ઓટલા ઉપર બેઠો. કારણકે ભૈયો હજી બહાર આવ્યો ન હતો. અંતે થાકીને પાનીએ બારણું ખખડાવ્યું. બારણું તો ખુલ્લું જ હતું.

‘ભૈયાદાદા ! એ ભૈયાદાદા !’ કણબીની છોકરીનો માયાળુ સ્વર એકાંત સીમમાં સ્પષ્ટ રણકી રહ્યો.

‘ભૈયાદાદા ! ચાલો,  ચાલો  ટીલાળી દોઉં છું.’

પણ ભૈયાદાદાએ જવાબ આપ્યો નહિ.

પાની વધારે મોટે સાદે બોલી : ‘અને આ તમારી દિવાળીની લાપસી, દાદા !’

હવે વિનાયકરાવ ઊઠીને ત્યાં આવ્યો. ઝૂંપડામાં અડગ ને અક્કડ વૃદ્ધ ભૈયાદાદા ઓઢીને નિરાંતે ઊંઘતા હતા. એના શરીરને ઘસીને બિલાડીનાં બચ્ચાં ખેલી રહ્યા હતાં ને બકરીનાં બચ્ચાં છેક એની પથારી પાસે બેસી કરુણ સ્વરથી બેંબેં કરતાં હતાં.

વિનાયકરાવની આંખમાં આંસુ આવ્યાં ને તે અંદર ગયો.

પાની દાદાના શરીરને હલાવી હસતી હતી. અબઘડી ભૈયાદાદા ‘ઊભી રહેજે પકડું.’ કહેતા ઊઠશે એવા વિનોદની આશાથી છોકરી આનંદમાં હસતી હતી. વિનાયકરાવે પાસે જઇ શરીર હલાવ્યું ને મોટેથી બૂમ પાડી : ‘ભૈયાદાદા !’

ઝૂંપડીમાંથી કોઇ ન કાઢે માટે ભૈયાદાદા અડગ સૂતા રહ્યા.

વિનાયકરાવનો સાદ ફાટી ગયો ને તેની આંખમાંથી આંસુ ખરવા લગ્યાં. તે પાની તરફ ફરીને બોલ્યો :

‘પાની ! બેટા ભૈયાદાદા બોલશે નહિ.’

અને માની ન શકાય કે ન માની શકાય, પણ નાની છોકરીએ ભૈયાદાદાના શરીર પાસે જે રુદન કર્યું છે તે હજી જ્યારે સાંભરે છે ત્યારે મારા જીવનમાં વીજળીના જેવા આંચકા લાગે છે. અનંત સમય ને અગાધ આકાશ ભેદી એ સ્વર ફરીફરી અથડાયા કરશે.

ભૈયાદાદાની વાડીમાં હવે ક્યારેય એવી સ્વચ્છતા રહેતી નથી. હોલા બેસતા, ચકલીઓ બોલતી, ને કોયલ વાડ ને વેલાની અંદર ચાલી જતી એવી સૃષ્ટિ હવે ત્યાં નથી. કામ કરનાર આત્માને બદલે કામ કરનાર શરીર ત્યાં છે. વીસમી સદી કાવ્યમય જીવનને શું કરે ? સંસ્થા…. વ્યક્તિના ખાનગી ભવ્ય જીવનને શું કરે ? યંત્રવાદ નિયમિત જડત્વને બદલે રસમય ચૈતન્યને શું કરે ? આ યંત્રવાદમાં એક વખત જગત પણ યંત્ર જેવું જ બની રહેશે.

~ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’

આપનો પ્રતિભાવ આપો..

8 Comments

  1. તણખા મંડળ ની દરેક વાર્તા ખૂબ જ રદય સ્પર્શી છે

  2. “ભૈયાદાદા” વાર્તામાં બકરીનું નામ તેના શરીરમાં ટીલું હોવાને કારણે ટીલું પડ્યું, જો માણસના નામ તેના ગુણ પરથી પડતા હોત તો માણસ પશુ કરતાં સારો લાગે, તેમજ શબ્દનો અર્થ સરે. આ વાક્યને સમજવાની ખુબ મજા પડી. એ વાક્ય અસરકારતા વધારે છે. “બકરીના બચ્ચા છેક એની પથારી પાસે બેસીને કરુણ સ્વરથી બેંબેં કરતા હતા.” આ વાક્યથી વાંચકને સ્પષ્ટ રીતે સમજાય છે કે હવે ભૈયાદાદા આ દુનિયામાં નથી. છેલ્લા ફકરામાં પ્રશ્નો પૂછીને વાર્તા પૂરી કરી છે તેનાથી વાંચનાર વિચારતો થાય છે.

  3. વાર્તા ખૂબ ગમી.

    આખી જિંદગી પૂરી લગનથી કામ કરતાં કરતાં નાની અમથી ભૂલ થી પણ ખૂબ વેઠવાનું આવ્યું.

  4. ‘ધૂમકેતુ’ આધુનિક ગુજરાતી ટુંકી વાર્તાના ભીષ્મ પિતામહ ગણાય છે. વિશ્વ સાહિત્યની કક્ષાએ ગુજરાતી વાર્તાને ગૌરવભેર ઊભી રાખવાનું શ્રેય ધરાવતા ‘ધૂમકેતુ’ની વાર્તા ભૈયાદાદા જાણીતી ટૂંકીવાર્તા. એવું કથાનક કરુણને ઝંકૃત કરી જાય છે.૨૫ વર્ષથી એક જ જગ્યાએ રેલવેમાં સાંધાવાળાની નોકરી કરતા ભૈયાદાદાને એ જગ્યાની લગની લાગેલી છે. અચાનક આવેલા નવા સાહેબને આ મામૂલી અને વૃદ્ધ કર્મચારીની કોઈ દયા આવતી નથી અને તેને તાત્કાલિક છૂટો કરવાનું ફરમાન કરે છે. ૨૪કલાકમાં જગ્યા ખાલી કરવાની નોટિસ મળે છે, પણ એ પહેલાં તો ભૈયાનો આત્મા એનું શરીર છોડી દે છે.

  5. વિચારના તણખા મંડળના સર્જક ધૂમકેતુની અવિસ્મરણીય વાર્તા ચિત્તને એવું સ્તબ્ધ કરી દે છે કે નિ:શબ્દ થઈ જવાય.

  6. શાળાના અભ્યાસક્રમમાં ભણેલાએ આ વાર્તા તેનો અંત વાંચતા આજે પણ હૃદય ધ્રૂજી જાય છે…

  7. ભૈયાદાદાની કામ સાથેની નિસ્બત જોઈ ન શકેલ અફસરને તેનું મૂલ્ય ન સમજાયું અને તે નકામા લાગ્યા.યંત્રસંસ્કૃતિ માણસને જડ બનાવી દે છે..એમ દર્શાવતી વાર્તા.ભૈયાદાદાની નાનકડી દુનિયાનું વર્ણન શાળામાં આ વાર્તા ભણેલા ત્યારનું મનમાં રોપાઈ ગયેલું છે.