વિદાય ગીત: કવિ ~ ભાસ્કર ભટ્ટ, આસ્વાદ ~ હિતેન આનંદપરા

ફળિયે ઢોલ ઢબૂક્યા ત્યારે હૈયે દાંડી વાગે
દોરે વીંટી એક ઢીંગલી, ફળિયું જઈ છલાંગે

આંખોનું જે રતન હતું તે આંસુ થઈ વછૂટે
ઢીંગલીના આ મૈયર ઘરનું એક આયખું ખૂટે
અષાઢ આંખે ઉતરી આવે, ફૂલ્યા ફાલ્યા ફાગે

ખૂલ્લા તોયે બંધ રહે છે, ઘરના બારી ઝાંપા
ભીંત ઉપરથી પાંપણ અડતા, કંકુવરણા થાપા
રાત વરતમાં સૂનું ખોરડું, નળિયાંસોતું જાગે

સાવ અવાચક આંખો લઈને, તગ-ત્ગ તાકે છૈયાં
આણામાં બંધાઈ ચૂક્યા છે, ધૂમ ધબકતાં હૈયાં
કોયલ માળો મૂકી પ્હોંચી સાવ પરાયા બાગે


શીયાં-વિયાં આ ઘરના તોરણ, ભોંય ઝૂકીને ઝૂરે
ઉંબર આડો થઈ રિસાયો, કોણ સાથિયા પૂરે?
કા કા કરવું બંધ કર્ય઼ું છે ઘર-મોભારે કાગે
વળી ઉપરનાં બેવડ નળિયાં ઘર ખાલીપો તાગે

– ભાસ્કર ભટ્ટ (રાજકોટ)

ઉમાશંકર જોશીના વિદ્યાર્થી રહી ચૂકેલા કવિ ભાસ્કર ભટ્ટ આપણા વરિષ્ઠ કવિ છે. તેમના ચાર કાવ્યસંગ્રહોમાંથી પસંદ કરેલાં કાવ્યોનો સંગ્રહ ‘શ્રી પંચાજરી’ આ ડિસેમ્બર 2019માં પ્રકાશિત થયો. રાજકોટસ્થિત આ કવિના સ્વરાંકિત ગીતોની બે ઓડિયો સીડી પણ બની છે.

પ્રસ્તુત ગીત દીકરી વિદાયનું છે. આ વિષય પર અનેક કવિઓએ સુંદર રચના આપી છે, છતાં પ્રત્યેક પાસેથી સંવેદનનું કોઈ અનોખું પાસું મળી જ આવે. દીકરી – આ ત્રણ અક્ષરના શબ્દમાં ત્રિભુવન સમાઈ જાય એટલી ભાવાત્મકતા છે. જગતને સમજવા માટે આપણે માણસ બનવું પડે અને માણસ બનવા માટે દીકરીના બાપ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય એને ઈશ્વરકૃપા સમજવી. 

દીકરી બાપને નજાકત શીખવે છે. એના રૂક્ષપણાને માંજીને રૂ જેવું બનાવે છે. પ્રત્યેક પુરુષમાં જે સ્ત્રીત્વનો અંશ સમાયેલો છે એને જાગૃત કરવાનું કામ દીકરી કરે છે. કુમાશ કોને કહેવાય, કૌતુક કોને કહેવાય, કલબલાટ કોને કહેવાય એ બાપને શીખવાડતી ટીચર એટલે દીકરી. ધંધામાં ડૂબેલી વેપારી માનસિકતાને વ્હાલપની ભાષા શીખવાડતી ભટુરી કોઈ વ્યવહારદક્ષ સીઈઓથી જરાય કમ નથી. એના મૌનમાં શાંત સરોવર સમાઈ જાય અને એના નાચનખરામાં આખી નાઈલ નદી ભોળવાઈ જાય. ટીનેજર દીકરી પિતાને ધમકાવે એ પિતાને પણ અંદરઅંદર તો ગમતું જ હોય છે. પણ આ જ ટીનેજરમાં પાંચ-સાત વર્ષ ઉમેરાય અને વિદાયવેળા આવે ત્યારે કોઈ પિતાને એ ગમે નહીં. સમાજના નિયમ પ્રમાણે એણે પરણીને સાસરે સ્થાયી થઈ સંસારચક્રને ધબકતું રાખવાની પરંપરા નિભાવવાની છે.   

જે ઘરને આત્મસાત કર્યું હોય એને આવજો કહેવું સહેલું નથી. ટ્રેનમાં કોઈ અંગત સ્વજનને વળાવવા જવું કે પરદેશ ભણવા જતાં દીકરાને એરપોર્ટ પર મૂકવા જવા જેટલું સહેલું નથી હોતું દીકરીને વળાવવાનું કામ. ઢીંગલીને પાંખો ફૂટે પછી તો એ ઊડવાની. ઉંબરો પણ સાચવી-સાચવીને ઓળંગતી દીકરી ફળિયું છલાંગીને નીકળે ત્યારે માબાપના પગમાં અને મનમાં ખાલી ચડી જાય. બ્લડપ્રેશર કે ડાયબિટિસની જેમ આ ખાલીપો માપવાનું કોઈ મશીન નથી.

આંખોમાં સાચવેલું રતન માત્ર તન લઈને નહીં, પોતાનું મન પણ ઊડી ગયું છે. એક ક્યારામાંથી ઉખડી બીજા ક્યારામાં રોપાતી વખતે થોડીક ખોટ તો પડવાની. આ ખોટને ભરપાઈ કરવા માટે સમય નામનો ગેરેન્ટર રાખવો પડે, નહિતર તૂટી જવાય. આખા ઘરને માથે લેતી દીકરી ન હોય ત્યારે આખું ઘર માથે ચડી જાય. એની ભૂલો પણ મિલકત લાગવા માંડે. એની સમીપતામાં જે સુખ હતું એ હવે સણકા બનવાનું છે. આણામાં આખું આયખું આપી દીધું હોય એવી અનુભૂતિ થયા કરે. ઘરના તોરણમાં અચાનક રણનો આભાસ થવા લાગે. દોરી ઉપર સૂકાતા કપડામાં અચાનક દીકરીના સલવાર-કમીઝ ગાયબ થઈ જાય પછી દોરી પણ નિમાણી ને નિરર્થક લાગે. બાપ વિચારે કે દીકરી કંઈક અગત્યની વસ્તુ ભૂલી જાય તો સારું, જેથી મારમાર દોડીને એના સાસરે આપવા જવું જ પડે. પણ દીકરી વસ્તુઓ ભૂલી શકે, વાત્સલ્ય નહીં. વાત્સલ્યને કોઈ ડબ્બીમાં મૂકીને મોકલી શકાતું નથી. ઘણી સંવેદના ઈશ્વરની જેમ જ નિરાકાર હોય છે, કદાચ એટલે જ શાશ્વતીનું પ્રમાણપત્ર મેળવી શકે.  

આ સાથે કવિનું એક અન્ય ગીત જોઈએ જેમાં કાયમી વિદાય તરફ ધકેલાતી અવસ્થા વ્યક્ત થઈ છે.

ઉંમર
ચ્હા, ચશ્મા ને છાપું
ઉંમર થઈ ગઈ બાપુ

નજર ચડે નહીં ઘડિયાળો પણ
કાન પડે બસ ડંકા
એક, દોઢના ડંકા ગણતાં
મનમાં જાગે શંકા
થંભેલો આ સમય તો સીસું
કઈ કરવત લૈ કાપું?

હાડ-ચામનું જોર હવે તો
વીતી ગયેલું સપનું
સોનું-રૂપું, પાઈ-પઇસા
આજ નથી કૈં ખપનું?
હાથ-થામતી ટેકણલાઠી
માંડ ઉંબરો માપું

કામ માંડતાં કાને પડતી
     તમરાંની બે વાતો
દિવસ થઈને જાગી બેસે
     નીંદ-વિહોણી રાતો
નીંદર દૈ કોઈ જીવ માંગશે
તો રાજીપે આપું

***

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. કવિ ~ ભાસ્કર ભટ્ટનુ કરુણ ભાવવાહી વિદાય ગીતનો સ રસ આસ્વાદ ધન્યવાદ

  2. કન્યાવિદાયની એક ઉત્તમ કવિતા અને તેનો રસ સભર આસ્વાદ લેખ-બંને માણવા ગમે છે.