બે કાંઠાની અધવચ (નવલકથા) પ્રકરણ: ૨૮ ~ પ્રીતિ સેનગુપ્તા

(પ્રકરણ: ૨૮)
આગલું વર્ષ તો, ખરી ધમાલમાં જ ગયું જાણે. બીજું બાળક આવ્યું, દેવકી અને જગત સાથે રહ્યાં, પછી વળી નીલુ આવી ગઈ. સુજીત પણ, લગભગ બધો વખત, કશાક ટૅન્શનમાં રહેતો હોય, તેવું લાગતું હતું. આ બધી રોજિંદી  દાસ્તાનમાં એક વાત ભુલાઈ જ ગયેલી.

પ્રજીત અને પ્રગ્નાએ કેટલી  બધી વાર એમને કૅલિફૉર્નિયા આવવા કહેલું. જ્યારે વાત થાય ત્યારે પ્રગ્ના પૂછે જ, ભાભી, પછી નક્કી કર્યું, કે નહીં? ક્યારે આવશો અમારે ત્યાં? એક વાર ફરી જાઓને અહીં. અને જો ગમી જાય, તો પછી, અહીં જ રહી જવાનું રાખી શકો. મોટાભાઈને નોકરી તો અહિંયાં પણ મળી જાય.

પ્રગ્નાની આવી લાંબી લાંબી વાતો ફોનમાં ચાલ્યા કરતી. ક્યારેક કેતકીને ટાઇમ ના હોય, ત્યારે ફોનનું રીસિવર કાન પર રાખે, ને કામ કરતી જાય. થોડું સાંભળે, થોડું ના પણ સાંભળે.

આગ્રહ પ્રજીત પણ કર્યા કરતો, તેથી છેવટે સુજીતે જવાની તારીખ નક્કી કરી, અને ટિકિટો લઈ લીધી. સચિનની અડધી ટિકિટ, અને અંજલિ હજી ફ્રી જઈ શકે તેમ હતી.

હમણાં જઈ જ આવીએ. ટિકિટમાં ફેર પડે છે અત્યારે, એમ સુજીતે કહેલું. પછી એણે પ્રજીતને ફોન કર્યો.

એની વાત પરથી, એ કાંઈ મુંઝવણમાં લાગ્યો. કેમ શું થયું? નહીં ફાવે આ તારિખો?, સુજીતે પૂછ્યું.

ના, એવું નથી. આ તો — પણ કાંઈ વાંધો નહીં. તમે આવો ને, પ્રજીતે કહ્યું.

જો, તું હંમેશાં કહેતો હતો, કે જ્યારે પણ આવવું હોય ત્યારે આવજો, કોઈ પણ દિવસ ફાવશે અમને. ને એટલે મેં આ પ્રમાણે ટિકિટો ખરીદી, સુજીતે જરા અકળાઈને કહ્યું.

પ્રગ્નાએ ફોન લઈ લીધો હશે, તે જવાબમાં એનો અવાજ આવ્યો. અરે, મોટાભાઈ, તમે તમારે આવો ને. અમે તો રાહ જ જોઇએ છીએ ને. 

સુજીતે આ વિષે કેતકીની સાથે વાત કરી. પ્રજીત કેવી રીતે બોલ્યો. જાણે ના ફાવતું હોય તેમ. ચલ, તો પછી માંડી વાળીએ. છો નકામા જતા ટિકિટોના પૈસા.

કેતકીને પ્રગ્નાની સાથે થયેલી વાતો યાદ આવી ગઈ. પ્રજીતને ક્યારનાયે પ્રૉબ્લૅમ્સ છે. હજી સુજીતને એની જાણ નથી લાગતી. એણે કહ્યું, ના, ના, એવું નહીં હોય. ફોનમાં એવું લાગે, કોઈ વાર. અને પ્રગ્નાએ કહ્યું ને, કે રાહ જુએ છે? જઈ જ આવીએ એક વાર. ખરું ને?

કૅલિફૉર્નિયા પહેલી નજરે જ ગમી ગયું એ લોકોને. સુજીતને ત્યાંના પહોળા રસ્તા, અને સડસડાટ જતી ગાડીઓ બહુ ગમી. ઠેરઠેર દેખાતી, ઝૂલતાં પાંદડાંવાળી ખજૂરી-નાળીયેરીઓ કેતકીને હૈયે વસી ગઈ. જુદું જ વાતાવરણ લાગ્યું બંનેને. શું રંગ છે આકાશનો, કેતકીએ કહ્યું. અને હવામાં શું જુસ્સો લાગે છે, સુજીત બોલ્યો.

પ્રજીત અને પ્રગ્નાનું ઘર બહુ મોટું નહતું, પણ મૉડર્ન ખરું. આગળ થોડાં ફૂલો, અને થોડા થૉરની શોભા હતી. પાછળ ઢાંકેલો વરંડો, અને નાનો સ્વીમિન્ગપૂલ હતો. હા, ભઈ, ફૅન્સી છે તમારું ઘર તો, સુજીતે કૉમૅન્ટ કરેલી. 

અહીં તો, આટલું ઓછામાં ઓછું કહેવાય, મોટાભાઈ. તમે જોજોને, અહિંયાં વિશાળ ભવનો કેવાં હોય છે તે, પ્રગ્નાએ છાતી પર હાથ મૂકીને, માથું હલાવતાં હલાવતંા જવાબ આપેલો.

એમના બાબા સાથે, હવે સચિનને મઝા આવી ગઈ. બંને સાથે રમે, સ્વીમિન્ગપૂલમાં કૂદકા મારીને પડે, પહેલાં ખાઈ લેવાની હરિફાઈ કરે, જલદી જલદી દૂધ પી લે. પ્રજીત અને સુજીતે, એમને ક્યારેક અટકાવવા પડે. બસ, જરા શાંતિથી પીઓ. ટ્રેન ઊપડી નહીં જાય!

થોડું ઘરમાં રહેતાં, અને થોડું બહાર જવામાં, સમય પસાર થતો હતો. પ્રજીત એક વાર આખા દિવસ માટે દરિયા-કિનારે લઈ ગયો બધાંને. ભાભી, તમે દરિયો તો જોયો છે ને —

હા, હા, કેમ નહીં. અમે ઍટલાન્ટીકને કિનારે જ કહેવાઈએને, સુજીતે કહ્યું.

કેતકી ધીરેથી બોલી, મુંબઈની પાસે હિન્દી મહાસાગર છેને? ત્યાં પણ ગઈ છું.

અને આપણે ગોઆ ગયાં તે?, સુજીત કેતકીને ખભે હાથ મૂકીને બોલ્યો. કેતકીના ગાલ શરમથી ગરમ થઈ ગયા. હાય, કેટલા વખતે ગોઆ— ને યાદ છે સુજીતને? ત્યારે તો —

બહુ સરસ, પ્રજીત કહેવા માંડેલો, ભાભી, ત્યારે આ ત્રીજો દરિયો થશે તમારે માટે. પૅસિફિક સમુદ્ર. એની પર્સનાલિટિ જુદી લાગશે. અને પાણી પણ. આ તો બહુ ઠંડું. ભરઉનાળા સિવાય અંદર પગ મૂકાય નહીં આપણાંથી. 

લગભગ આખો દિવસ દરિયા-કિનારે પસાર કર્યો. ખાવા-પીવાનું થોડું સાથે લઈ લીધેલું. કિનારા પરનાં બદામનાં ઝાડનો છાંયડો સરસ હતો. બંને છોકરાઓએ રેતીના કિલ્લા બનાવ્યા, રેતીમાં દોડાદોડ કરી. બંને ભાઈઓ શેતરંજી પર લાંબા થયા થોડી વાર. કેતકીએ, અંજલિને પકડીને, રેતીમાં થોડું ચલાવી. પગની નીચે સુંવાળી રેતીનો સ્પર્શ એને પોતાને આહ્લાદક લાગ્યો.

પ્રગ્નાની પાસે અંજલિને સુવાડીને, કેતકી એકલી રેતી પર ચાલવા ગઈ. ભર-તડકામાં બહુ વાર રહેવાયું નહીં. પણ વાળમાં, ત્વચા પર, દરિયાઈ હવાનું સંવેદન રોમાંચક હતું. એ છેક પાણી પાસે ગઈ, અને પગ બોળ્યા. શરીર આખામાં ઠંડક ફરી વળી. આંખો બંધ કરીને એણે કહ્યું, આહહહ. એક મોજું જોરથી ચઢી આવ્યું, અને એને આખી ભીંજવી ગયું.

અરે, કેતકી, બસ, બહુ આગળ ના જતી, દૂરથી સુજીતની ચેતવણી સંભળાઈ.

એણે આંખો ખોલી, ને ક્શિતિજની સામે, દૂર સુધી જોઈને, એણે સ્મિત આપ્યું. પૅસિફિકનો સ્પર્શ. નવેસરથી યાદ રહેશે એ. એણે ફરી કહ્યું, આહહહ.

થોડા દિવસો, આમ સાથે, સારા ગયા કહેવાય. દેખીતો કોઈ પ્રૉબ્લૅમ નહતો. પ્રજીત હસીને વાતો કરતો રહ્યો. કહે, કે તમને થોડું ફેરવી શકું, એટલે મેં રજા લીધી છે.

એ સાંભળીને, કેતકીએ પ્રગ્નાની સામે જોઈ લીધેલું. પ્રગ્નાએ નજર ટાળેલી.

પુરુષો અને છોકરાઓ, એક વાર બહાર ગયા ત્યારે, કેતકી અને પ્રગ્ના થોડી વાર એકલાં પડેલાં. કેતકીએ કશું પૂછ્યું નહતું, એવી દખલ શું કામ કરવી કોઈના જીવનમાં, કોણ નથી જાણતું જિંદગી કેટલી કઠીન છે તે.

પ્રગ્નાએ એની મેળે જ કહેલું, કે આમ તો સારું છે હમણાં. જોકે, પ્રજીતની નોકરી જરા ડગુમગુ છે ખરી. એટલે જ રજાઓ લેવી પડીને અત્યારે. તોયે, એ પણ સારું જ થયું, કારણકે તો તમારાં બધાંની સાથે આટલો ટાઇમ મળ્યો.

પહેલાંની જેમ, એણે પ્રજીતના સ્વભાવ કે મૂડ વિષે કાંઈ કહ્યું નહીં. કેતકીને નિરાંત થઈ – જો એક ભાઈનો મૂડ સારો રહેવા માંડ્યો હોય, તો કદાચ છેને, બીજા ભાઈના મૂડ પણ સારા થતા જાય. એક કુટુંબમાં સરખા વંશ-ગુણ હોયને, એવી આશા હતી એને.

સુજીત પણ આનંદમાં જ રહ્યો, અને વૅકૅશન સફળ થયું લાગ્યું. ઘેર પાછાં ફરો, એટલે રોજેરોજનાં કામોમાં પરોવાઈ જવું પડે. કેટલાં બધાં કપડાં ધોવાનાં ભેગાં થયાં, એટલે સૌથી પહેલાં કેતકીને એ કામ કરવું પડ્યું. ઘરમાં હવે, કપડાં ધોવાનું મશિન હતું, પણ નાની સાઇઝનું હતું. બબ્બે દિવસે એક વાર ચલાવવું પડતું.

મોટું નવું મશિન લઈ લઈએ તો?, કેતકીએ પૂછેલું. પાછો ખર્ચો?, સુજીતના મોં પર એક છાયા ફરી ગઈ હતી. આ પછી કેતકીએ વાત કાઢી નહતી. અંજલિનાં નાનાં કપડાં પલાળીને એ હાથથી મસળી લેતી. ચાદરો અને ટુવાલો જ ડ્રાયરમાં નાખતી. બીજાં કપડાં પાછલા વરંડામાં દોરી પર સૂકવી દેતી. એનું કામ આ રીતે વધ્યું હતું, પણ કરકસર જરૂરી લાગી હતી.

અંજલિ દોઢેક વર્ષની થઈ, એટલે સુજીતે કેતકીને ફરીથી નોકરી શરૂ કરવાનું કહેવા માંડેલું. બીજી ગાડી છે, તું ચલાવીને બધે જઈ શકે છે, તો અંજલિને ડે-કૅર સૅન્ટરમાં મૂકીને તું ઑફીસે જઈ શકે. સહેલું છે આટલું તો. તને નથી લાગતું એવું?

અંજલિને એકલી મૂકવા માટે, એ હજી નાની ના કહેવાય?, કેતકીએ ધીમેથી પૂછેલું.

જો, અહીં તો આમ જ કરવું પડે. તું જુએ છેને બધે. છોકરાં આમ જ મોટાં થઈ જતાં હોય છે.

કેતકીને નોકરી પર નહતું જવું. હજી હમણાં તો નહીં જ. એને તો અંજલિને લઈને વ્હાય.ડબલ્યુ.સિ.એ.માં,  લાયબ્રેરીમાં, ચિલ્ડ્રન સેન્ટરમાં વગેરે જગ્યાઓએ જવું હતું. સચિન તો આખો દિવસ સ્કૂલે જતો જ હતો.

પણ જો સુજીતનો વિરોધ કરવા જશે, તો કદાચ છે, ને એનો મૂડ ફરી જાય. સહજ મીઠાશ અને શાંતિનો આ સમય પૂરો ના થાય, કેતકી એવું ઇચ્છતી હતી.

સુજીતે જ શોધખોળ કરી, કેતકીને લઈને નજીકની બેએક ઑફીસોમાં જઈ આવ્યો, ઍપ્લિકૅશનો ભરી, અંજલિ માટે બાળકેન્દ્રની તપાસ કરી. જરૂરી દોડાદોડ તો થઈ ગઈ, હવે પરિણામની રાહ જોવાની હતી.

એક દિવસ, અચાનક ફાધરનો ફોન આવ્યો. અડધી રાતે. સુજીત ચમકીને જાગ્યો, અને તરત ચિંતા પણ થઈ આવી. ખબર એવા જ નીકળ્યા. અમ્માનું અવસાન થયું હતું. ક્યારે થયું?, શું થયું હતું?, પહેલાં કેમ ના કહ્યું?, જેવા પ્રશ્નો પૂછ્યા, પણ ફાધર ખાસ કહી ના શક્યા. એમની તબિયત ઢીલી થઈ ગયેલી લાગી.

સુજીતે તરત પ્રજીતને ફોન કર્યો. જોકે એને ફાધરે ફોન કરેલો, એટલે એ જાણતો હતો. બંને ભાઈઓએ નક્કી કર્યું, કે વિચાર કરીએ, અને બેએક દિવસમાં પાછી વાત કરીએ દેશ જવા અંગે.

સુજીતે વિચાર્યું, કે ફાધરે રંજીતને જણાવ્યું હશે ખરું? એની પાસે રંજીતનું જે જૂનું સરનામું હતું, ત્યાં એક વાર કાગળ લખી દેવો પડશે. ને જો એ દેશ જશે, તો રંજીતને મળવા પણ ગમે તેમ કરીને જશે જ, સુજીતે ગળગળા થઈને વિચાર્યું.

પણ દેશ જવા જેવી એની સ્થિતિ અત્યારે નહતી. ઑફીસમાંથી નીકળાય તેમ નહતું, અને કપાતે પગારે જવાય તેમ પણ ક્યાં હતું? ખર્ચો વધતો જ જતો હતો, અને સાથે જ સ્ટ્રૅસ પણ.

એને પણ ખ્યાલ તો આવતો જ હતો, કે પોતે ક્યારેક ગુસ્સે થઈ જતો હતો, અકળાઈ જતો હતો, કુટુંબને સહન કરવા પડતા હતા એના મૂડ. કેતકી હેરાન થાય છે, એનો ખ્યાલ હતો એને, પણ એ કેતકીની માફી માગી શકતો નહતો હજી. તેથી જ એ ટ્રાય કરતો હતો, કે ગુસ્સે થવાનું ના બને, ઓછું બને.

પોતાની હાલતથી એ સભાન હતો, મનમાં ને મનમાં ક્યારેક શરમાતો. એની દારૂ પીવાની ટેવ, કેતકી એને ઘણી વાર ડલ લાગતી હતી તે, વામા માટેની એની વખતોવખતની ઝંખના, વગેરે જેવી બાબતો માટે પણ ખુલ્લા દિલે એ કેતકી સાથે કશી ચર્ચા કરી શકતો નહતો. એ આશા રાખતો હતો, કે એને પ્રમોશન મળશે, પગાર વધશે, અને એ પછી, એના મન-સ્વભાવ પર સારી અસર પડશે.

બે દિવસ પછી પ્રજીતનો ફોન આવ્યો. એણે સુજીતને પહેલવહેલી વાર કેટલીક વાતો કરી – કેટલાયે વખતથી એ હૉસ્પિટલમાં નહીં, ક્લિનિકમાં નોકરી કરતો હતો; એ પણ હવે છોડવી પડી હતી, પ્રગ્ના સાથે પણ એના ઝગડા ઘણા વધી ગયા હતા, હવે એ ડિવોર્સ માગતી હતી, ને જો ઘર પ્રગ્નાને આપી દે, તો મહિને મહિને પૈસા આપવાના ના રહે, વગેરે.

કડડભૂસ બધા ખબર એક સાથે? સુજીત સ્તબ્ધ થઈ ગયો. નાનપણથી જે ભાઈની હોંશિયારીની મોટી મોટી વાતો થતી રહેલી, ને એ કારણે એને પોતાને માનસિક નાલેશી ભોગવવી પડતી રહી હતી, તે જ માણસ સાવ નિષ્ફળ ગયો છે?

આગળ પ્રજીત બોલ્યો, એટલે હું હવે પાછો દેશ જાઉં છું. ફાધર સાથે રહીશ. મારું ઘર તો છે જ ત્યાં.

સુજીતે યાદ દેવડાવ્યું, હા, ઘરને આપણાં બંનેનાં નામે હું કરતો આવ્યો હતો, ગયા વખતે.

પણ ના સાંભળ્યું હોય, એમ પ્રજીત બોલ્યો, દેશમાં મારું ઘર છે, તેટલી નિરાંત તો છે જીવનમાં. ચાલો ત્યારે, આવજો. મળીશું ફરી ક્યારેક.

સુજીત એની સાથે દલીલ કરવા ઇન્ડિયા તો નહીં જ, પણ ફરી વાર કૅલિફૉર્નિયા પણ જઈ શકે તેમ નહતો. એ ખૂબ આઘાત પામી ગયો. એના નાનો ભાઈએ આવો દગો કરવાનું વિચારી લીધું હતું? નહતી એને કોઈ શરમ, કે નહતો કોઈ ડર?

પહેલી વાર સુજીતને નૈતિક મૂલ્યો જેવા શબ્દ યાદ આવ્યા. એ હતાશ થઈ ગયો.

કેવું કુટુંબ હતું એનું? સાચો પ્રેમ ક્યારેય મળ્યો નહીં એને.

મનના એકાંતમાં સુજીત સાવ ગુમસુમ થઈ ગયો.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. બે કાંઠાની અધવચ- સહજ સ રસ પ્રવાહે વહેતી નવલકથાનુ મજાનુ પ્રકરણ