શ્રીમદ્ ભાગવત કથા, દ્વિતીય સ્કંધ –આઠમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

દ્વિતીય સ્કંધ – આઠમો અધ્યાય – “રાજા પરીક્ષિતના વિવિધ પ્રશ્નો – પ્રશ્નવિધિ”  

ૐ નમો ભગવતે વાસુદેવાય

 (દ્વિતીય સ્કંધના દ્વિતીય સ્કંધ, અધ્યાય સાતમો, ભાગ ૨ “ભગવાનના લીલા અવતારોની કથા” (બ્રહ્માનારદસંવાદ અંતર્ગત) આપે વાંચ્યું કે, બ્રહ્માજી નારદજીને કહે છે કે “અનેકવાર એવી સારી કે વિપરીત પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે કે જેનાથી મુક્તિ મેળવવા ભગવાનને પોતાના કર્મોની લીલા આચરવી પડે છે. મારી સમજણ પ્રમાણે યોગમાયા એટલે ઈશ્વરમાંથી નીકળીને ઈશ્વરના અંશનું એમાં અંતે વિલીન થઈ જવું. જ્યારે લીલા એટલે પરમ પુરુષ અને સર્વશ્રેષ્ઠ કર્મોના પ્રભુનું કોઈ એક રૂપમાં પરાવર્તિત થઈને જગતના કપરા કાર્યોને પાર પાડ્યા પછી ફરી પોતાનામાં પૂર્ણ થઈ જવું. આ પરમ ઐશ્વર્યોથી સંપન્ન શ્રી હરિનું મેં તમારી આગળ સંક્ષેપમાં વર્ણન કર્યું છે. કાર્ય હોય કે કારણ હોય, ભાવ હોય કે અભાવ હોય, કશું પણ ભગવાનથી અલગ નથી. પણ, એય સત્ય છે કે બધું જ ભગવાનમય હોવા છતાં, શ્રી હરિ પોતે સ્થિતપ્રજ્ઞ છે અને કશું જ એમને, એમની યોગમાયાને કે લીલાઓને ચલિત કે વિચલિત કરી શકતું નથી. ભગવાને મને જે ઉપદેશ કર્યો હતો, એ જ આ ભાગવત છે કે જેમાં ભગવાનની અનેક વિભૂતિઓનું અને લીલાઓનું જીવ માત્રને તારનારું તત્વ છે, સત્વ છે. જે મનુષ્યો ભગવાનની આ યોગમાયા અને લીલાઓનું અનુમોદન કરે છે, કહે છે અથવા નિત્ય શ્રવણ કરે છે તેમનું ચિત્ત માયાથી ક્યારેય મોહિત થતું નથી.” હવે અહીંથી વાંચો આગળ, દ્વિતીય સ્કંધ, અધ્યાય આઠમો, “રાજા પરીક્ષિતના વિવિધ પ્રશ્નો- પ્રશ્નવિધિ”)

સૂતજી કહે છે – હે શૌનકાદિ મુનિઓ, ભગવાનના લીલા-અવતારો અને ભાગવતની જે વાત બ્રહ્માજી નારદજીને સમજાવે છે, એ જ વાત શુકદેવજી રાજા પરીક્ષિતને સમજાવે છે.

શુકદેવજી – હે પરીક્ષિત, બ્રહ્માજીએ નારદજીને ભગવાનના આ લીલા અવતારોનો બોધ કર્યો અને એ સાથે આદેશ પણ આપ્યો કે નારદજી તમે પૃથ્વી પર જઈને પ્રભુની આ લીલા અને અવતારોની વાતો સર્વ ઋષિ-મુનિઓને કહીને મનુષ્યમાત્રમાં જ્ઞાન અને ભક્તિની વૃદ્ધિ થાય એવી જાગૃતિ લાવવાનું સત્કર્મ કરો. પિતા બ્રહ્માજી પાસેથી આ આદેશ લઈને નારદજી પૃથ્વી પર ભ્રમણ કરતાં ભગવાન વેદવ્યાસના આશ્રમમાં આવે છે અને ભગવાન વેદવ્યાસને શ્રીમદ ભાગવતપુરાણ લખવાની પ્રેરણા આપે છે જેથી પ્રભુની આ અનંત અને અપરંપાર લીલા સર્વ સુધી પહોંચી શકે.

સૂતજી કહે છે – શુકદેવજી પાસેથી આ વાત સાંભળીને પરીક્ષિતને બીજા અનેક પ્રશ્નો મનમાં ઊઠે છે. રાજા આ સર્વ સવાલો હવે શુકદેવજીને નીચે પ્રમાણે પૂછે છે.

રાજા પરીક્ષિત – હે શુકદેવજી ભગવાન! તમે વેદવેત્તાઓમાં શ્રેષ્ઠ છો. હું તમારી પાસેથી એ જાણવા ઈચ્છું છું કે જ્યારે બ્રહ્માજીએ નિર્ગુણ ભગવાનના ગુણોનું વર્ણન કરવા માટે નારદજીને આદેશ કર્યો ત્યારે તેમણે બીજા કોને કોને ક્યા રૂપમાં ઉપદેશ આપ્યો? પરમાત્માનું નામ માત્ર જ મંગળકારી હોય તો પ્રભુએ એમના અવતારોમાં કરેલી લીલાઓનું શ્રવણ તો પાપહારી અને પરમ આનંદકારી જ હોય. દેવર્ષિ નારદજીનો તો સ્વભાવ જ છે કે તેઓ સહુને ભગવાનના પ્રત્યક્ષ કે પરોક્ષ દર્શન કરાવે. હે શુકદેવજી મને દેવર્ષિની એ વાતો અવશ્ય સંભળાવો. કદાચ એમ કરવાથી શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ કે પરોક્ષ દર્શન મને પણ થાય. હે મહાભાગ શુકદેવજી, તમે મને એવો ઉપદેશ કરો કે હું મારા આસક્તિરહિત મનને સર્વાત્મા ભગવાન શ્રી કૃષ્ણમાં તલ્લીન કરીને મારું આ નશ્વર શરીરને કોઈ પણ મોહ પામ્યા વિના કે રાખ્યા વિના ત્યજી શકું. મને એ ખબર છે કે પરમ પ્રભુની કથાનું શ્રદ્ધાપૂર્વક જે નિત્ય કથન અને શ્રવણ કરે છે, ભગવાન એમના હ્રદયમાં બિરાજમાન થઈને જીવનના અનેક પાપોનો અને મનની અશુદ્ધિઓનો નાશ કરે છે. આમ જ્યારે મનુષ્યનો, આત્મામાં વસી રહેલા પરમાત્માની સાથે મેળાપ થાય છે પછી એ ભગવાનની ભક્તિમાં મગ્ન બની જાય છે અને શ્રી કૃષ્ણના ચરણકમળને છોડતો નથી. મારી પણ એ જ અદમ્ય ઈચ્છા છે કે હું શ્રી કૃષ્ણના ચરણકમળમાં જ પડી રહું.

પણ મહારાજ શુકદેવજી, મારા મનમાં અનેક શંકાઓ છે એનું આપ નિરાકરણ કરો એવી હું આપને હાથ જોડીને પ્રાર્થના કરું છું અને મારી શંકાઓને સવાલો રૂપે નીચે રજુ કરું છું.

૧. જીવોનું શરીર પંચમહાભૂતોમાંથી શું પ્રકૃતિને કારણે બને છે કે કોઈ અન્ય કારણે?

૨. તમે જણાવ્યું કે ભગવાનના નાભિકમળમાંથી આ લોકની રચના થઈ. પરમાત્મા તો અસીમ છે તો એમાંથી ઉત્પન્ન થયેલા જીવો શા માટે સીમિત છે, મર્યાદિત છે?** (** આ પ્રશ્નથી રાજા પરીક્ષિત ભગવાનના વિરાટ પુરુષના સ્વરૂપને જાણવા ઈચ્છે છે એવું તારત્મ્ય કાઢી શકાય.)

૩. આ સમસ્ત સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના હેતુભૂત સર્વાન્તર્યામી અને માયાપતિ પરમપુરુષ પરમાત્મા પોતાની માયાનો ત્યાગ કરીને કોનામાં ક્યા રૂપે નિવાસ કરે છે?  

૪. મહાકલ્પો અને તેમની અંતર્ગત અવાન્તર કલ્પો કેટલા છે?

૫. ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળનું અનુમાન કઈ રીતે કરવામાં આવે છે?

૬. કાળની સૂક્ષ્મ ગતિ, ત્રૂટિ વગેરે અને સ્થૂળ ગતિ, વર્ષ વગેરે કઈ રીતે જાણવામાં આવે છે?

૭. દેવ, મનુષ્ય વગેરે યોનિઓ સત્વ, રજસ અને તમસ ગુણોના ફળસ્વરૂપે મળે છે તો એ યોનિઓને મેળવવા ઈચ્છતા જીવો ક્યા ક્યા કર્મો સ્વીકારે છે?

૮. પૃથ્વી, પાતાળ, આકાશ, ગ્રહો, નક્ષત્રો, પર્વતો, નદીઓ, સમુદ્રો, દ્વીપો અને તેમનામાં વસનારા જીવોની ઉત્પત્તિ કઈ રીતે થાય છે?

૯. મનુષ્યોના સામાન્ય અને વિશેષ ધર્મો ક્યા છે? વિભિન્ન વ્યવસાયવાળા લોકોના, રાજર્ષિઓના અને વિપત્તિગ્રસ્ત લોકોના ધર્મોનો પણ ઉપદેશ કરો.

૧૦. તત્વોની સંખ્યા કેટલી છે? તેમનાં સ્વરૂપ અને લક્ષણો શું છે?

૧૧. ભગવાનની આરાધના અને અધ્યાત્મયોગની વિધિ શું છે?

૧૨. યોગેશ્વરોને ક્યા ક્યા ઐશ્વર્યો પ્રાપ્ત થાય છે અને અંતે તેમને કેવી ગતિ મળે છે? યોગીઓનું લિંગ શરીર કેવી રીતે ભગ્ન થાય છે?

૧૩. વેદ, ઉપવેદ, ધર્મશાસ્ત્ર, ઈતિહાસ અને પુરાણોનું સ્વરૂપ અને તાત્પર્ય શું છે? યાગ-યજ્ઞોની વિધિ શું છે?

૧૪. સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ, વ્યુત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કેવી રીતે થાય છે?

૧૫. પ્રલયના સમયે પ્રકૃત્તિમાં સમાયેલા જીવો ફરી કઈ રીતે ઉત્પન્ન થાય છે?

૧૬. આત્માના બંધન અને મોક્ષનું સ્વરૂપ શું છે અને તે પોતાના સ્વરૂપમાં કેવી રીતે સ્થિત થાય છે?

સૂતજી કહે છે – આવા સોળ મહત્વના મૂળ પ્રશ્નો પૂછીને રાજા શુકદેવજીને હવે આગળ આ પ્રમાણે વિનંતી કરે છે.

પરીક્ષિત – હે દેવ શુકદેવજી, બ્રહ્માંડનું પરિમાણ અને મહાપુરુષના ચરિત્ર, વર્ણાશ્રમના પ્રકારો અને તેમના અલગઅલગ ધર્મોનું પણ આપ મને જ્ઞાન આપો તથા ભગવાનના આશ્વર્યપૂર્ણ ચરિત્રોનો પણ મને બોધ આપો. હે ભગવન્! હું મૃત્યુની રાહ જોતાં તમારે શરણે આવ્યો છું. હે મહામુનિ, તમે કૃપા કરીને મારી આ સર્વ શંકાઓનું તાત્વિકતાથી નિરાકરણ કરો. હે બ્રહ્મન! તમે મારી ભૂખ કે તરસ, શેનીય ચિંતા ન કરો. હું તમારા મુખારવિંદમાંથી ઝરતી, ભગવાનની લીલાકથાઓની અમૃતવાણીના સર્વ પાપ હરનારા પવિત્ર ઝરામાં ડુબકી મારીને મારા પાપનું પ્રાયશ્ચિત કરવા આતુર છું. તમે કહેતા રહો અને હું શ્રદ્ધાપૂર્વક મારા સમસ્ત અસ્તિત્વને પ્રભુમાં લીન કરીને શ્રી હરિની લીલાઓની કથા સાંભળીશ.  

સૂતજી કહે છે – હે શૌનકાદિ મુનિઓ, આ રીતે જ્યારે સંતોની સભામાં અત્યંત દીનભાવથી રાજા પરીક્ષિતે શુકદેવજીને ભગવાનની લીલા કથાઓ કરવાની પ્રાર્થના કરી ત્યારે શુકદેવજી પ્રસન્ન થયા. તેમણે રાજા પરીક્ષિતને ઋષિપુત્રના શાપ થકી સાત દિવસમાં મળનારા મૃત્યુકાળને મુક્તિકાળ બનાવી શકાય એ માટે વેદતુલ્ય, એ જ શ્રીમદ ભાગવતપુરાણ સંભળાવ્યું, જે બ્રહ્મકલ્પના આરંભ સમયે સ્વયં ભગવાને બ્રહ્માજીને સંભળાવ્યું હતું. તે જ સમયે ભગવાને એમના થઈ ચૂકેલા અને હવે થનારા સર્વ અવતારોની લીલા કથાઓ પણ નિશ્વિતપણે આલેખી હતી. આ સાથે ભગવાન શુકદેવજી, પરીક્ષિતે પૂછેલા સર્વ પ્રશ્નોના જવાબો પણ આપવા લાગ્યા.  

શ્રીમદભાગવત મહાપુરાણનો દ્વિતીય સ્કંધનો આઠમો અધ્યાય – “રાજા પરીક્ષિતના વિવિધ પ્રશ્નો – પ્રશ્નવિધિ” સમાપ્ત થયો.શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. સુતજી સોળ મહત્વના મૂળ પ્રશ્નો પૂછીને રાજા શુકદેવજીને હવે આગળ આ પ્રમાણે વિનંતી કરે છે.’હે ભગવન્! હું મૃત્યુની રાહ જોતાં તમારે શરણે આવ્યો છું. હે મહામુનિ, તમે કૃપા કરીને મારી આ સર્વ શંકાઓનું તાત્વિકતાથી નિરાકરણ કરો.’
    સુતજી અને પરીક્ષિતના પ્રશ્નો દરેક મનુષ્યના છે અને ખાસ કરીને શ્રધ્ધાને અંધ ગણનારા કહેવાતા બુધ્ધિવાદી વિતંડાવાદ કરીને સનાતન ધર્મને સમજવાનો પ્રયત્ન કરતા નથી અને કેટલાક અન્યધર્મોવાળા અને સામ્યવાદી વિચારશ્રેણીવાળા પોતાનો ધર્મ જ સત્ય છે મનાવવા સનાતન ધર્મને હાસ્યાસ્પદ બનાવવા પ્રયત્ન કરે છે તેથી આ જ્ઞાન
    दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया ।
    मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ॥
    છે તે સમજવા
    तदविद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया ।
    उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः ॥
    श्रद्धावान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ।
    ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति ॥
    असंशयं महाबाहो मनोदुर्निग्रहं चलम् ।
    अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ॥