એક નાગરિકના આત્મહત્યાના પ્રયોગો ~ (રશિયન વાર્તા The Suicideનો આસ્વાદ) ~ બાબુ સુથાર

“વારતા રે વારતા”- (૨૩)
(વિશ્વ સાહિત્યની વાર્તાઓનો આસ્વાદ કરાવતી શ્રેણી )


Valentin Katayev

રશિયન લેખક વાલેન્તિન કાતાયેવની (Valentin Katayev) ‘The Suicide’ વાર્તા વાંચ્યા પછી મને લાગ્યું કે આ વાર્તાનું નામ ‘એક નાગરિકના આત્મહત્યાના પ્રયોગો’ રાખવું જોઈએ. ત્રીજા પુરુષમાં લખવામાં આવેલી આ વાર્તામાં લેખકે સોવિયેટ સંઘના એક અનામી નાગરિકની વાત કરી છે. એ નાગરિક સોવિયેટ સંઘની સામ્યવાદી વાસ્તવિકતાથી તંગ આવીને આત્મહત્યા કરે છે. લેખક કહે છે કે આત્મહત્યા એક પાશવી કૃત્ય છે એની એને બરાબર ખબર છે પણ, એને એ પણ ખબર છે કે આત્મહત્યા શિક્ષાત્મક ગુનો નથી. એથી જ તો એ નાગરિકે નક્કી કર્યું છે કે “એણે હવે એનો ચહેરો કબર ભણી કરી દેવો જોઈએ.”

પણ, આ નાગરિક ખૂબ ચતુર છે. મરતાં પહેલાં એ પોતાનો પગાર અને જે કંઈ બચત છે એ ઉપાડી લે છે. એ માને છે કે એના મરણ પછી એ બધું કોઈને કામ આવવાનું નથી. કદાચ સરકાર લઈ લેશે. ત્યાર બાદ એ એક દિવસે એક દુકાનમાં જાય છે. ત્યાંથી સુંદર ખીલા, સાબુ અને ત્રણ વાર લાંબું દોરડું ખરીદી લાવે છે. કેમ કે એ ફાંસો ખાઈને મરવા માગે છે. પણ એ માને છે કે મરણ પણ સુંદર હોવું જોઈએ. એથી એ સુંદર ખીલા ખરીદે છે.

પછી એ નાગરિક ખુરશી પર ચડીને છતમાં ખીલો મારવા જાય છે પણ એ જેવો ખુરશી પર ચડે છે એવા જ ખુરશીના પાયા તૂટી જાય છે અને આપણો નાગરિક ધડામ દઈને નીચે પડે છે. એને થાય છે: કેવી ખુરશી બનાવી છે મારા દેશે! એક યુવાન અને બૌદ્ધિક માણસને આત્મહત્યા કરવામાં પણ કામ ન લાગે એવી ખુરશીઓ શું કામની? એ કહે છે કે મારી સરકાર હંમેશાં ગુણવત્તાની વાત કરે છે. પણ એ લોકો એક ખુરશી પણ સારી બનાવી શકતા નથી. અને પાછા પોતાની જાતને ‘કાષ્ઠ ઉત્પાદન ટ્રસ્ટ’ તરીકે ઓળખાવે છે! લેખકે આ નાગરિકને ભારે મજાકીયો બતાવ્યો છે. એ વાતવાતમાં રાજ્યની મજાક કરે છે.

 યાદ રાખો કે આ વાર્તા ૧૯૨૨/૧૯૨૫માં લખાયેલી. ત્યારે આજનું રશિયા ન હતું. એને બદલે સોવિયેટ સંઘ હતો અને એ સંઘમાં સામ્યવાદી સરકાર હતી. એ જમાનામાં દરેકે દરેક વસ્તુનું ઉત્પાદન રાજ્ય કરતું. નાગરિકો તો રાજ્યના નોકરિયાતો. ત્યારે ખુરશીઓ પણ રાજ્ય જ બનાવતું અને રાજ્ય અવારનવાર ઊંચી ગુણવત્તા જાળવવાની વાત કરતું. આજે આપણે આત્મનિર્ભરતાની વાત કરીએ છીએ એમ જ તો વળી!

પણ આ નાગરિક જેવો તેવો નથી. એક ખુરશી એને આત્મહત્યા કરવામાં મદદ ન કરે તો એનાથી એ કાંઈ હતાશ થાય એવો નથી. લેખક સૂચવે છે એમ આ નાગરિક નિયતિમાં નથી માનતો. કેમ કે એને ખબર છે કે નિયતિ શક્યતાઓના સરવાળા સિવાય બીજું કશું નથી.

આખરે આ નાગરિક બારી પર ચડે છે. એને એમ કે બારી પર ચડીને હું છતમાં ખીલો મારીશ. પણ, જેવો એ ખીલો મારવા જાય છે એવા જ ખીલાના બે ટુકડા થઈ જાય છે. લેખક કહે છે કે ખીલો તૂટતાં જ એને થયું કે મારા જેવા એક ભલા અને ભોળા માણસને આત્મહત્યા કરવાનું સુખ પણ આ દેશમાં પ્રાપ્ત નથી થતું. આ તો કેવો દેશ!

પણ, આ નાગરિક જેવો તેવો નથી. સોવિયેત સંઘનો નાગરિક છે. એ મરવામાં પણ હારે નહીં એવો છે.     

આખરે એણે ઝુમ્મર સાથે દોરડું બાંધવાનું નક્કી કર્યું. એણે એમ કર્યું પણ ખરું. પછી એણે દોરડાના એક છેડે ગાળિયો પણ બનાવ્યો. એ ગાળિયો પાછો ગળામાં બહુ વાગે નહીં એટલે એ ગાળિયાને સાબુ વડે સુંવાળો બનાવવા લાગ્યો. પણ સાબુ પાછો પથરા જેવો નીકળ્યો. ઘસાય જ નહીં. અને પાછી એમાંથી દુર્ગંધ આવે. એ પણ બકરાની. આપણા નાગરિકને થાય છે: માણસને મરતાં મરતાં જરા સારી ગંધ તો આવવી જોઈએ કે નહીં? તો પણ એ હિંમત કરે છે. ગાળિયામાં માથું નાખે છે અને લટકી પડે છે. પણ આ વખતે દોરડું દગો કરે છે. દોરડું તૂટી જાય છે. એને થાય છે: કમાલ છે આ સરકાર. હખ્ખે આત્મહત્યા કરી શકાય એવાં દોરડાં પણ બનાવતી નથી.

પણ આ નાગરિકે નક્કી કર્યું છે. કદી પણ હારવું નહીં. એમાં પણ આત્મહત્યા કરવા જેવા વિષયમાં તો નહીં જ. એટલે એણે નક્કી કર્યું: લાવ, ચાકુ ભોંકીને મરી જાઉં. એ રસોડામાં જાય છે. ચાકુ લઈ આવે છે. ચાકુને એના હાથાથી બરાબર ઝાલે છે. એ વખતે એને એક ગીત પણ યાદ આવી જાય છે: “તીરથી વિંધાયેલા અમે કે તીર ગયેલાં અમારી આરપાર.” પછી એ જોરથી ચાકુ ઘોંચે છે એના પેટમાં. પણ આશું? ચાકુના પણ બે ટુકડા! ફળ એક બાજુ અને હાથો બીજી બાજુ. રાજ્યે બનાવેલું ગુણવત્તાપ્રધાન ચાકુ પણ નિષ્ફળ જાય છે.

આવું બન્યું ત્યારે નાગરિક ખૂબ હસેલો. મરતાં પહેલાં આવું હસવાનું કોના નસીબમાં હોય. આપણને પણ આવો એક પ્રશ્ન થાય.

તો પણ એ હતાશ નથી થતો. મરવું એટલે મરવું. દોરડાથી નહીં તો ચાકુથી ને ચાકુથી નહીં તો દીવાસળીથી. એણે આત્મહત્યા કરનારાઓના કિસ્સાઓમાંથી સાંભળેલું કે પચાસ દીવાસળી લઈ, એમનાં માથાં કાપી, એ માથાં પાણી ભરેલા ગ્લાસમાં નાખીને પછી પી જવાનાં. એમ કરવાથી જીવ જાય.

નાગરિક ખુશ થઈને પાછો આત્મહત્યા કરવાનો એક વધુ પ્રયોગ કરવા જાય છે. એ નવીનકોર દીવાસળીની પેટી લે છે. ખોલે છે. એમાં દીવાસળીઓ છે. પણ પચાસ હોવી જોઈએ. એ ગણે છે. આમ તો દીવાસળીની પેટીમાં પચાસ દીવાસળીઓ આવતી હોય છે. પણ, જુએ છે તો એમાં પચાસને બદલે અઠ્ઠાવીસ દીવાસળીઓ! લેખક કહે છે દીવાસળીઓ ઓછી નીકળતાં આપણો નાગરિક ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગે છે અને કહે છે: ગુણવત્તા (quality) બાજુ પર મૂકો, પણ મારા દેશવાસીઓ હવે જથ્થામાં (quantity) પણ છેતરપીંડી કરી રહ્યા છે. આટલી દીવાસળીઓથી તો જીવ નહીં જાય. કોઈ અર્થ નથી એ દીવાસળીઓ બગાડવાનો. એ દીવાસળીઓ પીવાનું મોકુફ રાખે છે.

 આખરે એ નક્કી કરે છે કે ચાલ, ભીંત સાથે માથું અફાળીને જીવ કાઢી નાખું. આ શું મગજમારી? એટલે એ ઊભો થાય છે. દિવાલથી ખાસ્સો દૂર ઊભો રહે છે. ત્યાંથી દોટ મૂકે છે. પોતાનું માથું ભીંત સાથે અફાળે છે. જુએ છે તો એ ગલીમાં પડ્યો છે. ભીંત બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. હમણાં જ નવું જ ઘર લીધેલું. ભીંત પણ નવી જ છે. તો પણ આવું થયું. નાગરિક ફરી એક વાર ઘરની ગુણવત્તાથી દુ:ખી થઈ જાય છે.

  આમ આત્મહત્યા કરવાના એના પ્રયોગો એક પછી એક નિષ્ફળ જાય છે. આખરે એ નક્કી કરે છે: ચાલ, સરકાનો તેજાબ પીને મરવા દે. એ જ સારું રહેશે. એ બે બરણીઓ સરકાનો તેજાબ ગટગટાવી જાય છે. કોણ જાણે કેમ એને એ તેજાબ ખૂબ ભાવે છે. એ કહે છે કે અરે આ તો દ્રાક્ષાસવ જેવું લાગે છે. પછી એ ધીમે ધીમે ભાન ગુમાવતો જાય છે અને એની પત્ની મારિયાને સંબોધતો કહે છે: મારિયા, હજી બીજી બે બરણીઓ લાવ. ખૂબ મજા આવે છે આ પીવાની. એ ઘણું બધું બબડે છે. છેવટે, એ કહે છે: જીવન સાચે જ ખૂબ સુંદર છે. આપણને થાય છે કે હવે આ તેજાબ પણ બનાવટી નીકળશે. પણ, ના. એમ નથી થતું. તેજાબ અસલી નીકળે છે. નાગરિક જીવન સુંદર છે એમ બોલતાં બોલતાં ઢળી પડે છે ને મરી જાય છે.
***
સામ્યવાદી રશિયાએ અનેક હાસ્યલેખકોને જન્મ આપ્યો છે. કાતાયેવ એમાંના એક. આ વાર્તામાં પણ એમણે હાસ્યનો ભરપૂર ઉપયોગ કર્યો છે. જો કે, એમ કરતી વખતે એમણે કેટલીક પ્રયુક્તિઓ પણ વાપરી છે. એ જોવા જેવી છે:

સૌ પહેલાં તો એમણે આ વાર્તાના નાયકનું નામ નથી આપ્યું. એને એ કેવળ ‘નાગરિક’ના નામે ઓળખાવે છે. વાર્તામાં ક્યારેક પાત્રો type બનીને આવે, ક્યારેક token. અહીં પાત્ર type બનીને આવે છે. એનો અર્થ એ થયો કે એ નાગરિક કોઈ પણ હોઈ શકે.

જો કે, લેખકે વાર્તાના અંતે ‘નાગરિક’ની પત્ની મારિયાનો ઉલ્લેખ કરીને આ યુક્તિને જરા નબળી પાડી દીધી હોય એમ લાગે છે. પણ, એવી તમામ શક્યતાઓ છે કે રશિયન સમાજમાં ‘મારિયા’ એક સર્વસામાન્ય નામ હોય.

એક બીજી યુક્તિ ખાસ નોંધવા જેવી છે. જ્યારે આ વાર્તાનો નાયક દીવાસળીઓથી આત્મહત્યા કરવા માગે છે ત્યારે લેખક કહે છે કે એ આત્મહત્યા કરનારાઓના અનુભવીઓ પાસેથી આત્મહત્યા કરવાની આ રીત શીખ્યો છે. એનો અર્થ એ થયો કે આવી આત્મહત્યાઓ ત્યારના સોવિયેટ સંઘમાં ખૂબ સામાન્ય હશે. વાર્તાકાર અહીં ખૂબ ચાલાકીથી રાજ્યની ટીકા કરી લે છે.

લેખકે નાગરિકને સરકાના તેજાબ અને દ્રાક્ષસાવની વચ્ચેનો ભેદ ભૂલી જતો બતાવ્યો છે અને સરકાના તેજાબને માણતો બતાવ્યો છે. એ હસતો હસતો સરકાનો તેજાબ પી જાય છે. કોઈને થશે કે લેખકે નાગરિકને અંતે મરતો બતાવીને વાર્તાને નુકસાન પહોંચાડ્યું છે. તેજાબ પણ ખીલા, ખુરશી, દીવાસળી અને ભીંત વગેરેની જેમ તકલાદી બતાવ્યો હોત તો?

પણ અહીં એક બીજી શક્યતા છે. આપણે જાણીએ છીએ એમ કોમેડીમાં અંતે બધાં ભેગાં થાય. ખાય, પીએ ને મજા કરે. ટ્રેજડીમાં બધાં વિખૂટાં પડે. નાયકનું મરણ પણ થાય. લેખક અહીં શરૂઆત કરે છે હાસ્યથી ને અંત લાવે છે કરુણ સાથે. આ કામ અઘરું છે. છેલ્લે, લેખક સતત વાચકની અપેક્ષાઓને તોડતા રહે છે. આપણને એમ લાગે કે હવે તો એ આત્મહત્યામાં સફળ થશે. છેક છેલ્લે, આપણને થાય છે: આ વખતે પણ સરકાનો તેજાબ બનાવટી નીકળશે. પણ, એમ નથી થતું. આ યુક્તિ પણ સમજવા જેવી છે.

~ બાબુ સુથાર

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. સુંદર વાર્તાનો મા બાબુ સુથાર દ્વારા ખૂબ સ રસ આસ્વાદ