બે કાંઠાની અધવચ (નવલકથા) પ્રકરણ: ૨૭ ~ પ્રીતિ સેનગુપ્તા
(પ્રકરણ: ૨૭)
ફોનમાં કેતકીની સાથે વાત તો લાંબી થઈ, પણ વામા પોતાને અને રૉબર્ટને વિષે, કેતકીને કહી ના શકી. એને થયું, કે મળશે ત્યારે નિરાંતે બધી વાત એને કરશે.
તો સામે, કેતકીએ પણ વામાને બધું જણાવ્યું નહતું. વાતો તો ઘણી કરી, પણ એ કહી ના શકી, સુજીતના કૈંક વધારે મૂડી બનેલા સ્વભાવ વિષે.
કેતકીને થાય, કે સચિન તરફ એ કેટલો વધારે પ્રેમ બતાવી શકે છે. મારો સચિન બાબો, કેમ છે?, કહી કહીને એ સચિનને ખભે બેસાડે, બે હાથે એને ઊંચો ઊંચકે; અરે, ક્યારેક સચિનનો ઘોડો પણ બને. અને અંજલિને એ કૈંક ઓછો પ્રેમ તો નહીં કરતો હોયને?, એવો વિચાર એના મન પર ક્યારેક કાપો પાડી જતો.
ના, પણ કેતકી અન્યાય કરી રહી હતી સુજીત તરફ, કારણ વગર આવું વિચારીને. સુજીત કહેતો જ રહેતો હતો, કે આ પ્રિન્સેસ આવતાં તો કુટુંબમાં આનંદ બમણો થઈ ગયો. અંજલિ તો હજી સાવ નાનકડી હતી, એને બહુ સાચવીને હાથમાં લેવી પડે, ને તોયે સુજીત એને ક્યાં ઓછું વહાલ કરતો રહેતો હતો?
એક હળવા દિવસે, બધાંને એ મંદિરે લઈ ગયેલો. બંને છોકરાંને પગે લગાડ્યાં, ભેટ મૂકી, પ્રસાદ લીધો. ત્યાંના કૅફૅટૅરિયામાં ચોખ્ખા ઘીની વાનગીઓ બધાં નિરાંતે જમ્યાં. દેવકી અને જગતને પણ લાભ મળ્યો દર્શનનો. કેતકી કહે, અમે આમ જ વિચારી રાખેલું, કે તમે બંને આવી જાઓ પછી, આપણે બધાં સાથે આવીશું મંદિરે.
દેવકી હતી, તો કેતકીને સારું બહુ લાગતું હતું. જાણે નાનપણના ઘરમાં બંને પાછાં ના જતાં રહ્યાં હોય. બંનેની વાતો ના ખૂટતી, અને વાતવાતમાં હસવાનું ચાલુ રહેતું. સુજીતને આમાં શું વાંધો પડતો હશે, તે બહેનો સમજી ના શકતી. ક્યારેક એમને ખ્યાલ આવતો, કે સુજીત એમની સતત વાતોથી, અને હસાહસથી, નારાજ થતો, કે કંટાળતો લાગે છે, ને ત્યારે એની બંને બહેનો જરાક શાંત થઈ જતી.
પણ મનોમન, દેવકી અધીરી થતી રહેતી હતી. એને પોતાનો સંસાર શરૂ કરવો હતો. નોકરી પણ શરૂ કરવી હતી. પૈસા આવેને હાથમાં. અમેરિકાનો અર્થ વળી બીજો શું થાય છે? ઘર અને દેશ છોડીને, આટલે દૂર આવ્યાં, તે કાંઈ અમસ્તાં?
જગતને તો વધારે અગવડ પડતી હતી – ખાસ તો, ઑફીસે જતાં-આવતાં દોઢ દોઢ કલાક થતો હતો તેથી. પણ એથીયે વધારે, સુજીતના ઓશિયાળાં થઈને લાંબું રહેવાનું એને કનડતું હતું.
વચન પ્રમાણેના ત્રણ મહિના પૂરા થાય તે દરમ્યાન જગતે જાતે જાતે, ભાડાના ફ્લૅટની તપાસ કરવા માંડેલી. પોસાય તેવો, એક બેડરૂમનો ફ્લૅટ મળી જતાં એણે રાખી લીધો, અને પછી ઘેર બધાંને જણાવ્યું. સુજીતને મનમાં ચીડ ચઢી હતી – એ લોકોનું બધું, આટલી સહેલાઈથી, શેનું ગોઠવાઈ જાય છે?
એણે અંજલિના વેક્સિનેશનનું, ને સચિનને સહેજ શરદી છે એનું, ને કેતકી હજી થાકી જાય છે, હજી એને તારી મદદની કેટલી જરૂર છે, વગેરે બહાનાં કાઢ્યાં કર્યાં, ને દેવકીને જતી રોક્યા કરી. આખરે, જગત ખરેખર જ, થોડા દિવસ વહેલો, એના ફ્લૅટમાં જતો રહ્યો. તું ચિંતા ના કરતી, થોડા દિવસની જ વાત છેને. હું ખાવા-પીવાનું સંભાળી લઈશ, એણે દેવકીને સમજાવી હતી.
જોકે, જગતે મનમાં તો એમ જ નક્કી કરેલું, કે સુજીતભાઈ સાથે જરાક ઝગડવું પડે તો પણ, એ દેવકીને બહુ વધારે દિવસો તો નહીં જ રહેવા દે. આટલા મહિના આશરો આપ્યો, એટલે ઉપકાર તો થયો જ, પણ તેથી શું અમારે ‘ગુલામ’ થઈને રહેવાનું?, જગતે જરા વધારે કઠોર રીતે વિચાર્યું હતું.
બીજી તરફ, દીજીના ગયા પછી હવે માઇ અને બાપ્સને પણ કંઇક રિલીફની, કંઇક ફેરફારની જરૂર હતી, એમ કેતકી અને દેવકીને લાગતું હતું. એક વાર અહીં આવીને અમેરિકા થોડું ફરી જાય, તો એમને ગમે. આપણે બંને ભેગાં થઈને એમને બોલાવીશું, ખર્ચો વહેંચી લઈશું, બંનેએ ડહાપણપૂર્વક ચર્ચા કરી હતી.
સુજીત કહેવા માંડ્યો હતો, કે એ લોકોના વિઝિટિન્ગ વિઝા માટે ઍપ્લિકેશન મોકલી આપીશું. જોઇએ, નસીબ હશે તો વિઝા મળી જતાં બહુ લાંબો ટાઇમ ના યે લાગે. જોકે કાંઈ કહેવાય નહીં.
છેવટે તો, એ દિવસ આવ્યો જ, કે જ્યારે દેવકીને પોતાના ફ્લૅટમાં જવા દેવી પડી. એના ગયા પછી કેતકી જરા એકલી પડી ગઈ, અને એનું કામ ઘણું વધી ગયું. સચિનને સ્કૂલે લઈ જવાનો અને લાવવાનો, એને લંચ સાથે બાંધી આપવાનું, ઘેર આવે ત્યારે દૂધ ને નાસ્તો આપવાનો, અંજલિના ટાઇમ સાચવવાના, ઘર સાફ કરવાનું, રોજ રસોઇ કરવાની. કેતકીને જાણે શ્વાસ લેવાની નવરાશ નહતી.
રાતે તો, એને સુજીતને માટે અવેલેબલ રહેવું પડતું. ક્યારેક સુજીત જમીને તરત ઊંઘી જતો – કદાચ વધારે દારૂ પીવાઈ ગયો હોય ત્યારે. ને પછી તો જાણે કેતકી સુજીતના દારૂ પીવામાં છૂટકારો જોવા માંડી.
આવો વિચાર આવી તો જાય, પણ પછી એ પોતાના પર જ ગુસ્સે થઈ જાય, નિરાશ થઈ જાય. આ માણસને એણે ચાહ્યો છે. એમ તો, હજી એને ચાહે જ છે. અને એમ તો, સુજીતે પણ એને ક્યાં ઓછો પ્રેમ કર્યો છે, કે ઓછી ચાહી છે? એ બધું એમ ભૂલી જવાય કાંઈ?
તો શું, આ એનો પોતાનો વાંક હશે, કે એ સુજીતના રાત્રી-આચરણ પ્રત્યે વિમુખ થતી જાય છે? હવે એના સ્પર્શમાં એ રોમાંચ નથી લાગતો એને? તો કેમ નથી લાગતો? એ વિચારતી, અને ગુંચવાતી પણ રહેતી. એ પોતે પણ બદલાઈ હતી, કેવળ સુજીત જ નહીં- એ ખ્યાલ હજી એની પોતાની સભાનતાના સ્તરે સ્પષ્ટ થયો નહતો.
દેવકી સાથે રહેતી હતી તે દરમ્યાન, અચાનક એક દિવસ, કેતકીની સ્કૂલ-ફ્રૅન્ડ નીલુનો ફોન આવેલો. ઓહો, છેક ઇન્ડિયાથી? તને બહુ પૈસા થશે. લાવ, હું પાછો જોડું છું તને, કેતકીએ ઉદાર દિલે કહેલું.
અરે, શું તુકી, તું યે. પૈસા થાય તો યે વાંધો નથી, પણ અરે ભઇ, હું તો અત્યારે તમારા દેશમાં જ છું, નીલુ બોલી.
ઓહો, અમારો દેશ થયો આ, એમ?, કેતકી ખુશ થવાને બદલે છંછેડાઈ હતી.
નીલુ હજી પરણી નહતી, પણ વિઝિટર વિઝા પર અમેરિકા ફરવા આવી હતી. એને તો ઘણાં સગાં હતાં અહીં, ને બધાં એને, પોતપોતાને ત્યાં, વધારે રહી જવા આગ્રહ કરતાં હતાં.
નીલુ કહે, તારે ત્યાં ક્યારે આવું? હું આમે ય ન્યૂજર્સી મારા કઝીનને ત્યાં આવવાની જ છું.
પછી, અમુક દિવસ નક્કી થયેલો. કેતકીને એમ, કે નીલુ આવશે ત્યારે ત્રણે જણ જૂની જૂની વાતો કર્યા જ કરશે, ને બહુ મઝા આવશે.
દેવકી એ વખતે સાથે નહીં હોય, એવું કેતકીએ ધારેલું નહીં, પણ એવું જ બન્યું. પછી તો, કેતકી ઘર ને છોકરાંમાં બહુ બિઝી થઈ ગયેલી. એણે નીલુને ચોખ્ખું જ કહી દીધું, જો, તને કદાચ કશે ફેરવી નહીં શકાય. ઘરમાં ને ઘરમાં તું કંટાળી જઈશ.
પણ નીલુ આવી તો ખરી જ. અરે, મને તારી સાથે વળી કંટાળો શેનો આવવાનો? અને સચિન-અંજલિની સાથે પણ, મારે થોડું રહેવું ના હોય?
કેતકીને તો જાણે બીજી બહેન જ આવી ગઈ. નીલુએ રસોડું તો ઉપાડી જ લીધું, ને અંજલિને પણ સાચવી લે. વળી, કેતકીની પાસે ગાડી ક્યાં નહતી? એ નીલુને લઈને નજીકના પાર્કમાં, દુકાન-મૉલમાં, અને સચિનની સ્કૂલ વગેરેમાં તો જઈ જ શકતી.
સુજીત પણ, દેવકીની સાથે હતો તેનાથી ઘણો વધારે રિલૅક્સ્ડ નીલુની સાથે હતો. હસતો જ હોય, વાતો કરે, થાક કે અકળામણનું તો નામ નહીં. રોજ કેતકીને પૂછે, શું કર્યું આજે? નીલુને ક્યાં લઈ ગઈ આજે? અને નીલુને કહે, તું એની સાચી બહેનપણી છું. જરૂરના સમયે જ આવી ગઈ.
બંને બહેનપણીઓની વાતો ચાલ્યા જ કરતી. નીલુએ સુમીના સમાચાર આપેલા. એના વર શરદની સાથે તો એને સારું જ હતું, પણ સાસરામાં એને સુખ ના મળ્યું. સદ્ભાગ્યે, શરદ એના કાકાને કારણે, વર્કિન્ગ વિઝા મેળવીને, ઇંગ્લંડ જઈ શક્યો હતો. હવે સુમી મઝામાં હશે, એમ હું માનું છું, નીલુએ કહેલું. ભારત પાછાં જતાં હું લંડન એને ત્યાં રોકાવાની છું. પછી તને એના ખબર આપીશ. નહીં તો, તું એને ઘેર ફરવા જઈ આવજે.
હા, એને ઘેર ફરવા હું જઈ આવીશ, કટુ કટાક્શમાં કેતકીએ શબ્દો મનોમન રિપીટ કર્યા હતા. હા, એમ ફરવા જવાનું સહેલું છે? સુજીતકુમારને અને છોકરાંને કોણ સંભાળશે?
આ તો મનોમન જ. બહારથી તો એ મીઠું હસી, ને કહે, હાસ્તો, તે જઈશ જને.
એક દિવસ નીલુએ કહ્યું, તું બહુ નસીબદાર છું, તુકી. શું સરસ વર મળ્યો છે. સુજીતકુમાર તને બહુ ચાહે છે, હોં, પહેલાંની જેમ જ. અને એ તો એવા ને એવા જ રહ્યા છે, પણ તું ખરી બદલાઈ ગઈ છે, હોં. તમે બધાં ભારત આવેલાં, ને ત્યારે લાગેલી એના કરતાં પણ વધારે.
ખરેખર? તને હું સાવ બદલાઈ ગયેલી લાગું છું?
હા, એટલેકે, તું મક્કમ થઈ છું, તને ના ગમતું હોય, તો કહી દઈ શકે છે.
ના, નીલુ, તને લાગે છે એવું સાવ નથી.
પણ નીલુએ એવું કશું માન્યું નહતું.
તો શું, સાચેસાચ, નીલુ કહે છે તેવું જ થયું છે? તો બધો વાંધો કેતકીને પોતાને જ છે? બધો વાંક એનો પોતાનો જ ગણાય? કેતકીને જાણે નીલુના દૃષ્ટિકોણનો આધાર મળ્યો, ને એને મનમાં કૈંક શાંતિ થઈ, કે હાશ, તો સુજીત સાવ ખરાબ નથી થઈ ગયો.
પછી કેતકી વિચારવા લાગેલી, કે શું બધાંને એવી જ લાગતી હશે એ પોતે?- જબરી, કે મક્કમ, કે હોંશિયાર, કે આહા, કેવી સદ્ભાગી, વગેરે? દેવકી એવું કશું બોલી નહતી, આટલા મહિના સાથે રહી તોયે. એને નહીં લાગ્યું હોય એવું? તો નીલુને કેમ લાગ્યું હશે?
પણ દેશ બદલાય, જીવન જીવવાની રીત બદલાય, સંજોગો બદલાય, તેમ શું દરેક જણ કોઈ પણ પ્રમાણમાં બદલાતું નહીં હોય? વળી, બદલાવું કાંઈ હંમેશાં ખરાબ ના ગણાય. કોઈ નવું શીખે, ને જાણે, અને એ રીતે વિકસે, તોયે એ વ્યક્તિમાં ફેરફાર આવવાનો જ.
સાધારણ વાતો કરતાં કરતાં, નીલુએ એક વાર પૂછેલું, કૉલૅજનું કોઈ મળ્યું છે અહીં આવ્યા પછી?
ત્યારે અચાનક કેતકીને યાદ આવી ગયું. કહે, એક વાર પેલો સુરેશ મળી ગયેલો. ઓહો, કેટલો બધો વખત થઈ ગયો એ વાતને તો. બે-ત્રણ વર્ષો થયાં હશે. સુરેશે અમારો ફોન નંબર લીધેલો, અને કહેલું, કે ફોન કરશે, પણ પછી કશું નહીં.
અને પેલો વિકાસ હતોને, નાટકમાં તારી સાથે? એ પણ અમેરિકામાં છે. એ મળ્યો?, નીલુએ પૂછેલું.
પેલો વિકાસ? અહીં છે? તે હશે. મને તો કૉલૅજના કોઈની કશી ખબર નથી, કેતકીએ બિનઅંગત રીતે જવાબ વાળેલો. એ જાણતી તો હતી જ, કે વિકાસ અમેરિકામાં છે.
મનમાં સમાંતરે એ કહેતી હતી, કૉલૅજને એક જમાનો થઈ ગયો. જો હું બદલાઈ હોઉં તો બીજાં પણ બદલાયાં હોયને? વિકાસ પણ કાંઈ એનો એ ઓછો રહ્યો હશે? જરાક અમથો સ્નેહભાવ, અને તે ય શરૂ થવામાં હતો. ત્યારે અને અત્યારેની વચમાં, એક જિંદગી વીતી ગઈ. હવે વિકાસની ઝંખના તો શું, એની યાદ પણ નથી રહી.
વિકાસની યાદ સાવ ઘસાઈ જ ગયેલી, પણ નીલુના આ ઉલ્લેખથી, મનમાં જરાક ઝબુકી ગઈ. ફરી પાછા પ્રશ્નો કનડ્યા – કૉલૅજના એ વર્ષે શું થયું હશે? કેમ જતો રહ્યો હશે, ક્યાં ગયો હશે, કોઈ પાસેથી ક્યારેય ખબર કેમ ના મળ્યા એના?
એક વાર, હવે, સુરેશને ફોન કરીશ જ, અને આ વખતે તો પૂછીશ જ વિકાસના ખબર, કેતકી મક્કમપણે નક્કી કરતી હતી, મનમાં.
(ક્રમશ:)
રસપ્રદ પ્રકરણ