યયાતિ (એકોક્તિ) ~ લે. સરોજ પાઠક, પઠન: પાર્થસારથી વૈદ્ય

(પઠન: પાર્થસારથી વૈદ્ય)

શુક્રાચાર્યની પુત્રી દેવયાનીના ક્રોધપૂર્ણ પ્રયાણને કેટલાં બધાં વર્ષ વિતી ગયાં? પોતાની બાલસખી – વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા પર વેર લેવા તે તેને દાસી તરીકે સાથે લાવી… પણ તે વિદુષી-તેજસ્વી બ્રાહ્મણકન્યા કરતાં વૈભવવિલાસમાં ઉછરેલી શર્મિષ્ઠા છાની રીતે મારી અર્ધાંગના બની અને ક્રોધ-ઈર્ષ્યાથી વેરથી દેવયાનીએ ગૃહત્યાગ કરી સમર્થ પિતા શુક્રાચાર્યના આશ્રમે પ્રયાણ કર્યું. આજે તો યદુ-અનુ-તુર્વસુ અને શર્મિષ્ઠાપુત્ર પૂરુ પણ યુવાન થઈ ગયા છે – ચારચાર પુત્રો! છતાં વિષયાસક્ત – યૌવનવિલાસથી ભરપૂર હું રાજા યયાતિ – આટલાં વર્ષ પછી મારી એ કોપિત અર્ધાંગના દેવયાનીને જરૂર મનાવી લઈશ! હું શુક્રાચાર્યને પગે પડી ક્ષમા માગીશ.

(થોડું ચાલી… આશ્રમે પહોંચે…)

(યાચનાપૂર્વક) : દેવયાની… હું તને લેવા આવ્યો છું… યાદ કર.. તું જ જળાશયમાં પડેલી હતી ને મેં તારો હાથ પકડ્યો ત્યારે તેં જ કહેલું : મારો હાથ ઝાલી તમે મને બહાણ આણી – હવે એ હાથનું તમે જ પાણિ-ગ્રહણ કરો – આ વિધિનો સંકેત છે શું? તું તે પ્રસંગ સાથે શર્મિષ્ઠાને આજે પણ ભૂલી શકે નહિ? ભૂતકાળ વેરઝેર શાપ-ધિક્કાર ભૂલી જા દેવયાની! બરાબર છે. હું હું વિષયાસક્ત ભોગવિલાસી નહુષવંશનો રાજા છું. મારી પ્રકૃતિદત્ત વારસગત ક્ષતિઓ પરત્વે સહાનુભૂતિ હોય તિરસ્કાર નહીં!

તારા પિતાએ સ્વેચ્છાએ તારો હાથ આ ક્ષત્રિયને સોંપ્યો છે… હું એમના પગે પડીને મનાવી લઈશ… પણ તું એકવાર મને ક્ષમા કરી, તારો સંકલ્પ…

(અધવચ્ચે અટકી ઊભો થઈ શુક્રાચાર્યને પ્રણામની ચેષ્ટા,)

પ્રણામ ગુરુદેવ! તમારી પુત્રીને ક્ષત્રિય પતિ યયાતિ છું. મને નરાધમ નરપિશાચ કહીને આવો ક્રોધ ન કરો… ના ના હું તમારા ચરણોને સ્પર્શ કરી અપવિત્ર નહીં કરું! પણ કૃપા કરો… (અટકીને) જરૂર આશ્રમ છોડી ચાલ્યો હું જઈશ – પણ તમારી પુત્રી દેવયાની સાથે! મેં દેવયાનીને પગે પડી મારા ભોગવિલાસી જીવ માટે ભિક્ષા માગી છે… દેવયાનીનો દ્રોહ કર્યો છે ગુરુદેવ… (શાપ આપે છે એટલે ગભરાઈને…)

ગુરુદેવ… ગુરુદેવ… કૃપા…

દેવયાની તારા પિતાને આવો ઘોર શાપ આપતાં રોકી લે… એકવાર મેં તને ‘બચાવો બચાવો’નો જવાબ આપ્યો છે. આજે તું મને બચાવ દેવયાની. મને તારા પિતાના શાપથી બચાવ…!

(પોતાના જર્જરિત અંગો-વૃદ્ધાવસ્થાની ચેષ્ટા)

(ધ્રૂજતાં) યૌવનને ભક્ષ કરતી, ભીષણ વૃદ્ધાવસ્થા મારે રોમેરોમ ફેલાઈ ગઈ?… મારા શરીરને વૃદ્ધાવસ્થા વીંટળાઈ ગઈ? ભરયૌવનમાં? દયા કરો… આ અધમ માનવી પર દયા કરો… દાનવગુરુ શુક્રાચાર્ય, દેવયાની… મારી ધર્મપત્ની…સહધર્મચારિણી આ શાપનું નિવારણ… કંઈક તો માગ તારા પિતા પાસે…

શું? શાપ નિષ્ફળ નહીં જાય… મારી વૃદ્ધાવસ્થા કોઈ પ્રેમલાગણીથી સ્વીકારી પોતાનું યૌવન મને સ્વેચ્છાએ આપે એ એનું નિવારણ છે! પણ કોણ આપે? કોણ આપશે…? (ધ્રૂજતાં ધ્રૂજતાં) નિવારણ પણ કેવું કપરું? જાઉં… જોઉં… (લથડતે પગલે ચાલે, જરાક સ્વસ્થ થઈ) મારા ચાર ચાર પુત્રો છે. ત્રણ દેવયાનીના યદુ-અનુ-તર્વસુ! અને પુરુ – મારો અને શર્મિષ્ઠાનો પુત્ર!… એક જ આશા છે, શર્મિષ્ઠાપુત્ર પુરુની! એનું યૌવન માગું? શર્મિષ્ઠા ભવનમાં જ હું આવી અવસ્થામાં જઈ શકું! (જરાક ચાલીને…)

શર્મિષ્ઠા, હું જ, હું જ તારો યયાતિ છું. શંકા ન આણીશ. (ભાંગી પડે છે) મને દેવયાનીના દ્રોહ બદલ શુક્રાચાર્યે આવી વૃદ્ધાવસ્થાનો શાપ આપ્યો છે… તું ય મને ન ઓળખી શકી…? હા, છે ને શાપનું નિવારણ પણ દેખાડ્યું છે ને? (કટાક્ષથી…) કોઈ પોતાનું યૌવન મને બદલામાં આપે, મનોમન વિચારે લાગણીથી તો…! પણ મારી બિહામણી આ વૃદ્ધાવસ્થા કોણ લેવા તૈયાર થાય? આપણો પુત્ર પુરુ! પિતાને દુઃખમાંથી ઉગારવા પુત્રનું કર્તવ્ય બજાવશે? એ વાત જ જવા દે! ના, ના, દેવયાની પુત્રો – યદુ-અનુ-તર્વસુને આવું કર્તવ્ય કરી દેખાડવાની ઇચ્છા જ ક્યાંથી જાગે? જીવનના જુગારમાં હું યૌવન હારી બેઠો શર્મિષ્ઠા – મારે મરવું છે… મરવું છે. મને મૃત્યુ આપો… હું કેવો વિરૂપ, અસહાય નિર્બળ બની ગયો છું? પ્રકૃતિદેવી મારો સંહાર કર! દેવયાનીએ ત્યાગ કર્યો, શુક્રાચાર્યે શાપ આપ્યો, પુત્રો યૌવન આપી નિવારણ કરે… એવી મારે ભીખ માગવાની? ના, ના, ના. મારું કોઈ નથી… કોઈ નથી!

આ કોણ? પુરુનો અવાજ! પ્રણામ સ્વીકાર્યા પુરુ… હવે હું મૃત્યુને કાંઠે પહોંચ્યો છું, બેટા! મારું કોઈ નિવારણ નથી! (ચોંકીને) શું કહ્યું? તેં બધું સાંભળ્યું? શું? હેં… તું આ શું કહે છે બેટા? તું સ્વેચ્છાએ મારી વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરે છે ને મને તારું પ્રફુલ્લિત યૌવન આપે છે? અરે, તારી એ યુવાની લાગણીથી જ આવું યૌવન મને મળી જાય બેટા!

આ…શું? મારી કાયામાં યૌવન પ્રવેશ્યું? ઓહ… આ મારો દીકરો વૃદ્ધ-જર્જરિત… ધ્રૂજે છે? દીકરા… તારું આ ઋણ હું માથે ચડાવીને ઉલ્લાસ ક્યાંથી પામું? શર્મિષ્ઠા, રડ નહીં! દીકરાના યૌવનકાળે તેની વૃદ્ધાવસ્થા કઈ માતા જોઈ શકે?

પણ શર્મિષ્ઠા… હું યથાકાળે યૌવનનો ઉપભોગ કરી તારા દીકરાને તેનું યૌવન પાછું આપી દઈશ! શર્મિષ્ઠા આવ… મારા નવ પ્રફૂલ્લિત યૌવનને એક વાર ફરીથી માણી લેવા દે! મારા બાહુમાં સમાઈ જા! ના પાડે છે? રડે છે? આવેલા અવસરને પાછો ઠેલે છે? કટાક્ષ કરે છે? પુત્રને મળેલી જરા અવસ્થાનું મારા પર વેર લેવા માગે છે?… મેં તો… મારી અધૂરી વાસનાતૃપ્તિ માટે જ યૌવન પાછું માગ્યું હતું… ને તું મારા યૌવનની સમભાગી નહીં બને? (અધવચ અટકીને…)

હેં? આ તો મને ખ્યાલ જ ન રહ્યો… (પોતાના શરીરને જોઈ) હું વિષયાંધ બન્યો…! આ નવું યૌવન તે તો પુત્રનું યૌવન છે… તેમાં તેની માતા શર્મિષ્ઠા કેવી રીતે સમભાગી બની શકે? માતા મારામાં પ્રવેશેલા પુત્રના યૌવનની સમભાગી ન જ બની શકે! તારી વાત સાચી છે, શર્મિષ્ઠા! પુરુનો વૃદ્ધ દેહ મારાથી જોવાતો નથી.

ના… શર્મિષ્ઠા ના…! મારી આ યૌવનપ્રાપ્તિ પણ મારે માટે વિફલ છે – ભલે હું રાજા છું… ભલે આખો સંસાર મારી આસપાસ પડ્યો છે. મારા પૂર્વજ નહુષરાજા ઈન્દ્રપદના અધિકારી બન્યા… પણ તે કેવો શાપ? તે ક્ષણે પણ યૌવનના અધિકારમાં પ્રમત્ત મારા એ પૂર્વજે ઈન્દ્રાણિ પર કુદ્રષ્ટિ કરી હતી અને ઋષિનો શાપ પામ્યા હતા! હું એનો જ વંશજ છું!

જાણું છું… તમે માતા-પુત્રની ઉદારતા – સજ્જનતા જાણું છું! તું શર્મિષ્ઠા, વૃદ્ધ પુત્રની ને યુવાન પતિની જિંદગીભર માતાવત્ સેવા કરી શકશે… જાણું છું… એટલે કે તુંય હવે મારા પૂર્વજીવનનો પડઘો જ માત્ર! આવું યૌવન શું મળ્યું ને શું ન મળ્યું! હવે મને સત્ય સમજાય છે, તેં આજે મને સાચી જીવનદ્રષ્ટિ આપી! યૌવનનો ભોગવિલાસ એ જ માત્ર જીવનનું પરમલક્ષ્ય નથી! શર્મિષ્ઠા, તું ને તારો પુત્ર મારા ગુરુ બન્યાં છો! હું પિતાધર્મ ભૂલ્યો, હું પતિધર્મ ચૂક્યો, પ્રેમનું મંગલસ્વરૂપ ભૂલ્યો!

: હે દેવાધિદેવ… મારા પુરુને પૂર્વવત્ યૌવન મળો, અને મને શાપવત્ મારી વૃદ્ધાવસ્થામાં પુનઃપ્રવેશ મળો! હું હવે જીવનભર સંન્યસ્તાશ્રમમાં શેષજીવન વિતાવિશ! મારા પાપનું પ્રાયશ્ચિત કરીશ! (વૃદ્ધ બની જાય છે…)

ના શર્મિષ્ઠા ના, હવે મારો કોઈની સેવાની જરૂર નથી… ભૂતકાળ ને વર્તમાનકાળ બન્નેને હું સાથે લઈને જાઉં છું! મને વિદાય આપ પુરુ! બેટા હું તને રાજ્યનો ઉત્તરાધિકારી સ્થાપીને જાઉં છું! તેં પુત્રધર્મ બજાવવાની નિષ્ઠા દર્શાવી તેનો બદલો જ માત્ર નથી… જીવનની મંગલભાવના પરમ કર્તવ્યભાવના જેને હૈયે છે, તે જ પ્રજાતંત્રને ઊર્ધ્વગામી બનાવી શકે છે… તારું કલ્યાણ થાઓ બેટા! હું જાઉં છું… હું માનવી બનવા જાઉં છું… અત્યાર સુધી હું પશુ હતો! પુત્ર પુરુ વિદાય… સંનિષ્ઠ માતા શર્મિષ્ઠા… ભૂતકાળ ભૂલીને પુત્ર સાથે રહેજે… વિદાય… વિદાય…!  

~ સરોજ પાઠક

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. .મા સરોજ પાઠકની એકોક્તિ નુ પાર્થસારથી વૈદ્યનુ સ રસ પઠન: