બે કાંઠાની અધવચ (નવલકથા) પ્રકરણ: ૨૫ ~ પ્રીતિ સેનગુપ્તા

(પ્રકરણ: ૨૫)
આવો અણધાર્યો હુમલો કરનારા માણસને વામા ઓળખતી હતી. શું ખરેખર? આવો ક્યારેય ક્યાં હતો, એનો મિત્ર સુજીત?

એ થરથરી રહી હતી. રૉબર્ટે હળવેથી એના વાળ ચુમીને પૂછ્યું, આર યુ ઑલ રાઇટ, સ્વીટ્સ?

વામા બરાબર છે, એ જાણ્યા પછી, રૉબર્ટ પેલાની તરફ ગયો.

આટલી ઘડીઓ દરમ્યાન સુજીત હાથ જોડતો હતો, મને માફ કરો, મને ખબર નહીં, કે વામાને — કે તમે —તમે બંને અહીં —આમ—.

ગભરાટમાં એ તોતડાતો હતો, ને સાથે જ, એ બારણું ખોલવા ફાંફાં મારતો હતો.

બારણું ખુલી જતાં એ ભાગ્યો.

પાછળ જ, રૉબર્ટ દોડ્યો.

એમ ને એમ હોવું અસહ્ય હોય તેમ, વામા જલદીથી બાથરૂમમાં જતી રહી. અભડાઈ ગઈ હોય તેમ, પહેલાં તો ઉતાવળે એ શાવરની નીચે ઊભી રહી ગઈ. માથાથી પગ સુધી એ ધોવાતી રહી. સાથે સાથે, આંખોમાંથી પાણી પણ સરતાં રહ્યાં.

મૈત્રી બરાબર છે, પણ એનો આવો ઉપયોગ? કે પછી આ કોઈ ટૅમ્પૉરરિ મૅન્ટલ કન્ડિશન હતી સુજીતની? કે એ મિડ-લાઇફ ક્રાઇસિસમાં હશે?

બંને, આમ તો, હંમેશાં સહજ ભાવે મળતાં. વામાએ ક્યારેય પણ એને લોભાવ્યો નહતો. અલબત્ત, સુજીતે બેએક વાર કહ્યું હશે, કે એની એક નબળાઈ છે, કે એ બહુ જલદી, શારીરિક રીતે, ઉત્તેજિત થઈ જાય છે; પછી ઇચ્છાને રોકવી બહુ અઘરી બને છે, વગેરે.

ત્યારે વામાએ સાંભળ્યું- ના સાંભળ્યું કર્યું હતું. એમ કે, પત્નીની સાથે સંયમ ના રાખી શકતો હોય, એમ બને, ને પતિ-પત્નીની વચ્ચે તો શારીરિક સંબંધ સ્વાભાવિક જ ગણાય; પણ પોતાની સાથે તો, સુજીત એ રેખા કદિ ઉલ્લંઘે જ નહીં.

તેથી સુજીતની આ વાત વામાએ મનથી માની  પણ નહતી.

ખોટો વિશ્વાસ મૂકવાની બાબતને અંગ્રેજીમાં ‘ક્લાસિક ડિનાયલ’ કહે છેને. જે હોય તેને પણ, વિશ્વાસને કારણે, કે અણસમજ અથવા અગ્નાનને લીધે, ના માનવું તે.

કેતકીને કારણે હશે કે શું, પણ વામાએ, હંમેશાં, સુજીતને મિત્ર ગણેલો. એની ક્યારેક બડાઈની વાતોને હસી કાઢેલી, અને આવી નબળાઈની વાતોને અવગણી હતી.

પણ સાચે સાચંુ શું હશે? કેતકી આ નબળાઈનો ભોગ બનતી હશે? શું એટલે એણે ઉત્સાહથી વાતો નહીં કરી હોય એ દિવસે?

વામા હજી થરથરી જ રહેલી.

રૉબર્ટને પાછાં આવતાં ઘણી વાર થઈ લાગી. શું થયું હશે? એ સેફ તો હશેને? અને સુજીત? એ હિંસક તો નહીં બન્યો હોયને, રૉબર્ટ તરફ?

રૉબર્ટ તત્કાળ દોડ્યો હતો સુજીતની પાછળ. ચાવી લેવા પણ રોકાયો નહતો. તેથી બેલ વાગતાં જ વામાએ બારણું ખોલ્યું, ને ઊંચે શ્વાસે બોલવા લાગી, આટલી વાર કેમ થઈ? તને તો કાંઈ નથી થયું ને? વાત થઈ એની સાથે? શું વાત થઈ? શું થયું છે એને?

ને પછી ભાંગી પડી હોય એમ, રૉબર્ટને વળગીને, ધ્રુસકાં ભરવા માંડી. આઈ ઍમ સૉરિ, રૉબૅર. આઇ ઍમ સો સૉરિ.

અરે, એમાં તારે સૉરિ થવાનું શું છે? તારો વળી ક્યાં વાંક છે કશો?

રૉબર્ટ તો જાણતો જ હતો, કે વામા કેટલી આકર્ષક, કેટલી લવેબલ છે. સુજીતના વર્તાવને એ સમજ્યો તો હતો જ, પણ સુજીતને એણે માફ પણ કરી દીધો હતો. વામા જેવી સ્ત્રીને કોણ ના ઇચ્છે?

જ્યારે સુજીતની સાથે લાંબી વાત થઈ, અને એના સંજોગોને જાણ્યા, ત્યારે તો, રૉબર્ટને એને માટે સહાનુભૂતિ જ થઈ. અને દયા પણ આવી.

કંઇક એનું નસીબ, કંઇક એનો સ્વભાવ, અને જેને સામાન્ય રીતે ‘અમેરિકન ડ્રીમ’ કહે છે તે પણ, સુજીતના મનની અંદર છુપાયેલી નિરાશાના કારણમાં ખરું. ઊંઘ ઊડી જાય પછી સ્વપ્ન જોનારાનું શું થાય? મૃગજળની પાછળ ભાગનારો, છેવટે, તરસે જ નહીં મરવાનો? કોઈને કાંઠા ના મળે, ને મઝધારે જ રહી જાય તો?

લાંબી વાત છે, અને ઘણી સૅડ પણ છે, રૉબર્ટે વામાને કહ્યું. હમણાં, ચાલ, આપણે જરા બહાર જઈ આવીએ. સુજીત વિષે જાણવા માટે, આપણી પાસે, ઘણો સમય છે – આવતી કાલે, કે તે પછી.

એણે ફરી, વામાના વાળને ચુમ્યા, એનું મુખ બે હાથમાં લીધું, મીઠું હસ્યો, ને કહ્યું, બરાબર ને?

બેએક દિવસ પછી, ફ્લૅટ ખાલી કરીને, વામા રૉબર્ટને ત્યાં ચાલી ગઈ. રૉબર્ટે કહેલું, મારો મોટો ફ્લૅટ છે. બે બેડરૂમ છે. તને અગવડ નહીં પડે.

ફ્લૅટ બદલવા વિષે કેતકીને જણાવવાની બહુ ઉતાવળ નહતી. જ્યારે વાત થાય, કે મળીએ ત્યારે, એને કહી શકાશે, પણ આન્ટીને કહેવું જોઈએ, કે એ હવે ન્યૂયૉર્કમાં રહેવાની હતી, અને હમણાં ઇન્ડિયા ફરવા જવાની હતી. આન્ટી વામાની મદદ પર આધાર રાખતાં હતાં, પણ એ દિવસે, એમની હાલત જોયા પછી, વામા એમને કહેતાં અચકાતી હતી.

આન્ટીની કન્ડિશન વિષે જણાવવા માટે, વામાએ અનિકાને ફોન કરી દીધો.

એ પછી, ક્યાં ખાસ દિવસો હતા? બંને જણ વામાનાં પૅરન્ટ્સને મળવા દિલ્હી જવાનાં હતાં, અને રૉબર્ટની ઇચ્છા સાથે સાથે ગ્રીસ પણ જઈ આવવાની હતી.. ત્યાં એક-બે કઝીન સિવાય કોઈ હવે રહેતું નહતું, પણ એના બાળપણની કેટલીક જગ્યાઓ એ ફરી જોવા માગતો હતો. તેથી, ઍથૅન્સ થઈને પાછાં આવવાની ટિકિટ લીધેલી.

દિલ્હીના ઘરમાં, ડૅડ અને મમ્મી સવારની ચ્હા પીતાં, આગલા વરંડામાં બેઠેલાં. ડ્રાઇવ-વેમાં ટૅક્સી આવતી જોઈને ડૅડ ઊભા થઈ ગયા. પોતાની ગાડી સિવાય આમ કોણ આવે?

રૉબર્ટ ભાડું ચુકવતો હતો, ને વામા ઊતરીને દોડતી આવી. ડૅડનું પહોળું થયેલું મોઢું જોઈને, એ અને મમ્મી બહુ હસ્યાં. હૅપિ બર્થ-ડે, ડૅડ. અને સાંજે મોંઘી રૅસ્ટૉરૉંમાં જમવા લઈ જવા પડશે, વામાએ કહ્યું.

એના મિત્ર રૉબર્ટને બંનેએ આવકાર્યો. કશું પૂછ્યું નહીં – ત્યારે નહીં, ને પછી પણ નહીં. વામાએ ધાર્યું હતું તેમ, એ બંને પહેલી નજરે જ, રૉબર્ટનું કૅલિબર જોઈ શક્યાં હતાં, અને એના બૅકગ્રાઉન્ડનું આભિજાત્ય પણ.

રાતે ગૉલ્ફ ક્લબની લીલીછમ લૉનમાં, મમ્મીએ એક પાર્ટી ગોઠવી જ રાખેલી. નજીકનાં મિત્રોની સાથે કેટલાક અગત્યના લોકોને પણ બોલાવવામાં આવેલા. આ પ્રસંગ માટે, એક નવી સાડી, મમ્મીએ વામાને માટે લઈ રાખેલી. કહે, જો, તને ખૂબ ગમતા રંગમાં છે.

ઓહ, લવંડર? બ્યૂટીફૂલ. થૅન્ક્સ, મમ્મી.

બનારસી હાથવણાટની ચંદેરી સાડી હતી. સુંદર મલમલ જેવું હળવું પોત, અને સુંદર ફૂલો જેવો હલકો લવંડર રંગ. એના પર રૂપેરી કિનાર અને બુટ્ટા હતા. વામાએ રૂપેરી સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો. સાથે હોઠ પરનું સ્મિત, અને આંખોમાં એની હંમેશની ચમક.

રૉબર્ટને થયું, એ ચમકમાં રોજ કરતાં વધારે તેજ છે. આજે વામા પૂનમની ચાંદની જેવી માદક લાગે છે. આ છોકરીને જકડી લેવા કોણ ના ઇચ્છે? અલબત્ત, એ પોતે અત્યંત સંયમ રાખીને, કૈંક અલગ અને કૈંક દૂર જ રહ્યો.

ઘેરા ગ્રે રંગના પૅન્ટ, અને ડાર્ક બ્લુ બ્લેઝરમાં બહુ હૅન્ડસમ લાગે છે રૉબૅર્તો આજે. એ કાંઈ કહેતો નથી, તો હું એને કઈ રીતે કહું, કે મને બહુ ગમે છે એ?, વામા વિચારતી હતી.

ક્લબની લૉનમાં એક તરફ, ત્રણ મ્યુઝિશિયનોનું ગ્રૂપ જાઝ વગાડતું હતું. એના ધીમા, રોચક સૂર વાતાવરણમાં ફરી વળતા હતા.

અડધીએક મિનિટ એકલાં પડતાં, ડૅડ મમ્મીને કહેતા હતા, બહુ રોમાન્ટીક ઇવનિંગ પ્લાન કરી છે, ઝુમુ?

 બીજા કેટલાક દિવસો પણ, આમ જ, ખૂબ આનંદમાં ગયા. એક બપોરે, વામા અને મમ્મી શૉપિન્ગમાં ગયાં હતાં, ત્યારે રૉબર્ટ ડૅડની બાજુમાં આવીને બેઠો. ડૅડની સાથે એકલાં પડવાની જ એ રાહ જોતો હતો. એણે બહુ વિવેકથી કહ્યું, સર, તમારી સાથે, મારે એક વાત કરવાની છે.

ડૅડ તરત હસ્યા, અને કહે, યન્ગ મૅન, કશી વાત કરવાની જરૂર નથી. મારી પરમિશન છે. એટલું જ નહીં, તને મળ્યાં ત્યારથી, હું અને મમ્મી બંને, આની જ આશા રાખીએ છીએ. જરૂર પ્રપોઝ કરજે વામાને. હવે બસ, અમારી મનસ્વી છોકરી, તને હા પાડી દે તો નિરાંત.

ડૅડ પાસેથી, લગ્ન માટે પરમિશન લેવાની, આ પહેલી સરપ્રાઇઝ, તેમજ, એણે પ્લાન કરેલી બીજી સરપ્રાઇઝ – બેમાંથી એક્કેય સરપ્રાઇઝ રૉબર્ટ હમણાં, વામાને આપવાનો નહતો. એ થશે ગ્રીસ ગયા પછી.

ઍથૅન્સમાં રૉબર્ટે બે બેડરૂમનો ફ્લૅટ રિઝર્વ કરાવ્યો હતો. એના દિવાનખંડમાંથી, અને બાલ્કનીમાંથી, ઍક્રૉપૉલિસની વિખ્યાત, ઐતિહાસિક ઇમારત દેખાતી હતી. ને હોટેલની બહાર નીકળતાં, પૉપ્યુલર પ્લાકા ડિસ્ટ્રિક્ટની ગલીઓનો લાભ મળતો હતો.

વામાએ કહેલું, શું ટૅરિફીક પ્લાનિન્ગ છે તારું, રૉબૅર્તો.

રૉબર્ટ મનમાં કહે, અરે, તને મારા પૂરેપૂરા પ્લાનની ક્યાં ખબર જ છે હજી. પણ જવાબમાં તો, એણે જરાક હસીને, ‘થૅન્ક યૂ’ જ કહ્યું.

પહેલે દિવસે, ઘણા કલાકો બહાર ફર્યા પછી, થાકીને બંને ફ્લૅટમાં આવ્યાં. જમવા બહાર જતાં પહેલાં, રૉબર્ટે વાતવાતમાં કહ્યું, કે આવતી કાલે, આપણે એક નાના ટાપુ પર જઈશું.

ઓહ, ગ્રીક ટાપુ? એને માટે દિવસો છે આપણી પાસે?, વામાએ પૂછ્યું.

અરે, આ ટાપુ તો ઍથૅન્સની નજીક જ છે. સાંજ સુધીમાં તો અહીં પાછાં આવી જઈશું. અમારું થિઓડૉરાકીસ કુટુંબ જેને ખૂબ પવિત્ર માને છે, એવું ચર્ચ ત્યાં છે, ને મારે ફરી એક વાર એ ચર્ચ જોવા જવું છે.

અંહં. નજીક છે. તો સાન્તોરિનિ કે ક્રિટિ ટાપુ ના હોઈ શકે. હિડ્રા તો અલબત્ત નહીં. મિકોનોસ પણ કાંઈ એવો પાસે ના કહેવાય. પણ — પણ —

વામા બારી તરફ ઊભી ઊભી, પોતાની મેળે જ, ગણગણતી હતી.

— પણ મિકોનોસના રસ્તે, એટલેકે મિકોનોસ જતી નૌકાના રસ્તે, એક ટાપુ આવે છે. તિનોસ આઇલૅન્ડ. એ ટાપુ ઘણો નજીક છે, અને ત્યાં, એક અત્યંત પવિત્ર ગણાતું, માતા મૅરિનું પ્રાચીન દેવળ આવેલું છે, એમ મેં વાંચ્યું છે.

હા, તો બોલ, તિનોસની જ વાત કરે છે ને તું?, કહેતી એ હવે રૂમની અંદર તરફ ફરી.

રૉબર્ટ સાંભળતો હતો, તદ્દન આભો થઈને. આ છોકરી ફટાફટ આ શું બોલે છે, ગ્રીક આઇલૅન્ડ્સને માટે. ને તે પણ, તદ્દન સાચી માહિતી. શું નથી જાણતી આ છોકરી?

એકદમ એ ઘુંટણિયે પડી ગયો.

વામા ગભરાઈને બોલી ઊઠી, શું થયું, રૉબૅર, રૉબ, તું કેમ આમ —

રૉબર્ટે નક્કી તો એમ કરેલું, કે એ પવિત્ર દેવળમાં હોઇશું ત્યારે, વામાને પ્રપોઝ કરીશ. પણ વામાની આ વાતોથી એ એટલો વિચલિત થઈ ગયો, ઇમ્પ્રેસ્ડ થઈ ગયો, અને વામા માટેના પ્રેમથી, એનું હૃદય એવું ઊભરાઈ આવ્યું, કે વધારે એક મિનિટની રાહ પણ એનાથી જોવાઈ નહીં.

હવે રૉબર્ટ એક ઘુંટણિયે થયો. એણે હાથમાં એક ડબ્બી લીધી, એને ખોલીને વામાની સામે ધરી, અને કહ્યું, સુંદર રમણી, આઈ લવ યુ અ લૉટ. વિલ યુ મૅરી મી? તું મને પરણીશ?

ક્યારેય આભી ના બને તે વામા શબ્દો ખોઈ બેઠી. રૉબૅર, ઓહ ડિયર, રિઅલિ? હા, હા, ઑફ કૉર્સ હા.

ડબ્બીમાં રહેલી વીંટી પર, મોટી સાઇઝનો, ઍમૅથિસ્ટ સ્ટોન શોભતો હતો. રૉબર્ટ કહે, મને લાગ્યું છે, કે તને આ રંગ સૌથી વધારે ગમે છે. જાંબલી, ઍગપ્લાન્ટ, અંજીર, વાયૉલૅટ, લવન્ડર, વગેરે કોઈ પણ શેડ તને પસંદ છે, ખરું ને?

તેથી, મેં હીરાને બદલે, આ વીંટી પસંદ કરી. વળી, મારી યાય્યાએ – મારી ગ્રાન્ડમધરે, આ વીંટી મારી મિતેરાને, એટલેકે મારી માને, આપેલી. માએ ઘણાં વર્ષો પહેરી, ને હવે મને, મારી બ્રાઇડને માટે, આપી રાખી છે. આ પહેલી જ વાર, તારી જ આંગળી પર, પહેરાવી રહ્યો છું.

એ સાંજે, પછી, રૉબર્ટ અને વામા બહાર નીકળ્યાં જ નહીં. એ રાતે, એમને બે બેડરૂમની જરૂર નહતી. આ એ રાત હતી, કે જ્યારે, ક્યારથી યે એક થયેલાં મનવાળી, બે વ્યક્તિઓ દેહનું ઐક્ય પણ પામી. 

બીજે દિવસે, જાહેર નૌકા લઈને, બંને તિનોસ ટાપુ પર પહોંચ્યાં, અને માતા મૅરિની જીવંત કૃપાની માન્યતાથી યુક્ત, એ પવિત્ર દેવળના દર્શને ગયાં. અંદરની એક દીવાલ પર, થિઓડૉરાકીસ કુટુંબના નામની તકતી મૂકેલી હતી, તે જોઈ.

વામાને થયું, શું અસાધારણ કુટુંબ હશે આ.

પાછળના ગ્રાઉન્ડમાં, ગ્રાન્ડમધરનું દફનસ્થાન હતું. ત્યાં બંને સાથે ઊભાં રહ્યાં. રૉબર્ટે કહ્યું, જુઓ, યાય્યા, મારી બ્રાઇડને લઈ આવ્યો છું તમારી પાસે.

વામા કહે, હું એમને મળી શકી હોત તો.

બંને ફરીથી દેવળની અંદર ગયાં. મુખ્ય વેદી પર મોટો ક્રૉસ મૂકેલો હતો. સરસ શાંતિ હતી. પછી માતા મૅરિની વેદીની નજીક જઈ, બંનેએ, મૂક પ્રાર્થના કરીને આશીર્વાદ માગ્યા.

વામાના મનમાં રૉબૅર્તો, રૉબૅર્તોનું રટણ હતું.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. સરળ પ્રવાહે વહેતી સુંદર નવલકથાનુ સ રસ પ્રકરણ