રાણી-તારામતી (એકોક્તિ) ~ મનોજ્ઞા દેસાઈ, પઠન: ઉન્નતિ ગાલા

પઠન: ઉન્નતિ ગાલા
આભાર : કવિત પંડ્યા
(ચિત્રકાર: રાજા રવિ વર્માં )

મારાં લગ્ન થયાં ત્યારે હું ગૌરવાન્વિત હતી કારણ! કારણ મારાં લગ્ન એક રાજા સાથે થયાં હતાં. જેની જગતમાં સત્યવાદી રાજા તરીકે ખ્યાતિ ફેલાયેલી હતી. સૂર્યવંશી રાજા હરિશ્ચંદ્ર. એનું નામ વચનને ખાતર પ્રાણ ધરી દેવા કોઈ મનુષ્ય તૈયાર હોય તો એ રાજા હરિશ્ચંદ્ર અને એની હું રાણી- તારામતી પછી ન થાય ગૌરવ મને?

અમારું રાજ્ય સુંદર રીતે ચાલતું હતું. મારા પતિ મૃગયાર્થે જંગલમાં ગયા હતા માર્ગ ભૂલ્યા. ત્યાં એક બ્રાહ્મણ દેખાયા. એમને માર્ગ પૂછ્યો તો એમણે માર્ગ તો બતાવ્યો પછી દક્ષિણા માગવા કહ્યું ત્યારે બ્રાહ્મણે પોતાની દક્ષિણા બાકી રાખી અને પોતાના નવવિવાહિત પુત્ર માટે દક્ષિણાની માગણી કરી રાજાએ વચનબદ્ધ થયા ને પેલા બ્રાહ્મણે આખુંય રાજ્ય-રાજપાટ માગી લાધા. આને ધૃષ્ટતા ન કહેવાય? પણ રાજા હરિશ્ચંદ્ર જેનું નામ. પળનાય વિલંબ વિના ધરી દીધાં રાજપાટ. હાથમાં અંજલિ લઈને સંકલ્પ કર્યો. પરંતુ પેલા બ્રાહ્મણના વચન તો વિધિના વક્રતાની જાણે અવધિ બની ગયાં. રાજપાટ આપી દીધા પછી કહે કે ‘‘મારી દક્ષિણા તો બાકી છે. તું વચનબદ્ધ છે.’’ એમ કહી એણે અઢી ભાર સોનું માગ્યું.

ક્ષણમાં રાજા ક્ષણમાં રંક. મેં સાંભળ્યું તું ખરું પણ અનુભવ્યું આજે. હવે શું? મારા હરિશ્ચંદ્રને એક બાજુ અઢીભાર સોનાની ચિંતા ને બીજી બાજુ મારી ને અમારા પુત્ર રોહિતની. સદાય રાજમહેલમાં રહેલાં અમે ત્રણે ને તોય નીકળી પડ્યાં સાદા વસ્ત્ર ધારણ કરીને જંગલમાં.

અમારે જવાનું હતું કાશી અઢી ભાર સોનું મેળવવા. મને થયું રોહિત થોડો નાનો હોત તો એને ઊંચકી લેવાત એના કુમળા પગમાં કાંટો વાગતો. તેનું શૂળ ઊઠતું. મારા હ્રદયમાં મારો પગ પથ્થર સાથે અથડાતોને હે હરિશ્ચંદ્રને થઈ જતું કે આ જગત આવું પથ્થર જેવું કેમ? ખાવાપીવાનું મળે તો મળે. ન મળે તો ભૂખ્યાં જ સૂઈ જતાં. વાત કહું? અમારો રોહિત આટલો બધો સમજુ છે એ તો ત્યારે જ ખબર પડી. અમારાં દુઃખોની એને જાણ હતી. અમારી વ્યાધિથી એ પરિચિત હતો. તેથી જ તો ભૂખ તરસ લાગે તો બોલતોય નહીં ને પગમાં છાલા પડે તો કહે ‘‘અરે કાશીના રસ્તા આવશે એટલે મટી જશે.’’

રાજા હરિશ્ચંદ્ર વારે વારે ઈશ્વરને ફરિયાદ કરી ઊઠતા. રોહિતને પગમાં વાગે કે ભૂખ લાગી હોય ને ખાવાનું ના મળે ત્યારે તો ઈશ્વરના હોવા વિશે પણ શંકા કરી ઊઠતા.

અમે છેવટે કાશીના બજારમાં પહોંચ્યા. અયોધ્યાના સૂર્યવંશી રાજા પોતાની જાતને વેચવા ઊભા હતા. મેં પણ ધરી દીધી મારી જાતને ને રોહિત કહે ‘પહેલા મને જ વેચો’ એટલાંમાં એક માણસે આવીને મારી અને રોહિતની માગણી કરી. પેલા અઢીભાર સોના માટે આ અમારા પ્રયત્નો હતા. મને ખબર ન હતી મારા આ દિવસો ક્યારે પૂરા થશે – ક્યારે વિધિ અમને ફરી ભેગા કરશે…

હું રોહિતને લઈને જે ઘરમાં ગઈ ત્યાંની શેઠાણી શીલાદેવી બહુ નિર્દય હતી – શીલ કે દેવી બેમાંથી એકે એના નામમાં શોભતું ન હતું. અમારી પાસે પાર વગરનું કામ લેતી એનાં બદલામાં વધ્યું ઘટ્યું ખાવાનું આપતી. હું કંઈ પણ બોલવા જાઉં કે મને કંઈ કરતાં જો જોઈ હોય તો! હવે એને કેમ સમજાવું કે અહીં આવી તે પહેલાં હું રાજરાણી જ હતી – એ તો વિધિનું કરવું તે…

એક દિવસ શીલાદેવીએ પોતાને માટે ફૂલ લેવા રોહિતને મોકલ્યો. કેટલે દૂર. હું ચિંતાથી અધીરી થઈને રોહિત પાછો આવે તેની રાહ જોતી હતી ત્યાં તો… ત્યાં તો સંદેશો આવ્યો કે સર્પદંશથી રોહિત મૃત્યુ પામ્યો છે. ના-ના… પણ એમ જ હતું. મારા વ્હાલા લાડકા દીકરા રોહિતનું મૃત શરીર મારી સામે હતું હવે… હવે હું હરિશ્ચંદ્રને શો જવાબ આપીશ? આ નાનકડા જીવે તો બસ સહન જ કર્યા કર્યું ને છેવટે… આ કઈ જાતનો ન્યાય છે..!

મારા રોહિતના શરીરને હાથમાં ઊંચકીને હું સ્મશાન ધીમે પગલે ચાલવા માંડી. જે બાળકને જંગલમાં કાંટા વાગતાં હું તેડી શકતી ન હતી, એના મૃત શરીરનો ભાર કઈ મા ઝીલી શકે?

ત્યાં તો મેં કોઈની બૂમ સાંભળઈ. આ સ્ત્રી નથી, છોકરાને ભરખી જતી ડાકણ છે. ને જોતજોતામાં કેટલાંય લોકો ભેગા થઈ ગયા. મેં કહ્યું આ મારો દીકરો છે. એને સાપ કરડ્યો છે. પણ કોઈ માનવા તૈયાર જ નહીં. છેવટે મારા પોતાના જ ફૂલ જેવા દીકરાની હત્યાના આરોપસર મને મૃત્યુદંડ દેવો એવું નક્કી થયું. મારા હરિશ્ચંદ્ર ક્યાં હશે એનું શું થયું હશે? મને મૃત્યુદંડ દેવાશે ત્યાં એનું શું?

અમે બે તો એના જીવનમાં કારણ હતાં. હું તો સાવ હતપ્રભ થઈ ગઈ હતી. લોકો મને મારતા, મારું અપમાન કરતા. મારે વિશે ગમે તેમ બોલતા મને સ્મશાન ભણી લઈ જતા હતા. સત્ય બોલવાના આવા મૂલ ચૂકવવા પડે?

મારી સહનશક્તિની પરિસીમા આવી ગઈ હતી. સ્મશાનમાં રહેતાં ચાંડાળને મને મૃત્યુદંડ અને રોહિતને દાહ દેવાનું સોંપવામાં આવ્યું. એ માણસ ઊભો’તો એની નજીક હું પહોંચી તો… ના, ના… મારો ભ્રમ હશે. રાજા હરિશ્ચંદ્ર ચાંડાળને ત્યાં ગુલામ તરીકે કેવી કેવી યાતના સહન કરી હશે?હું કેટલીય ક્ષણો સુધી એમને જોયા કરત પણ પાછો કોઈએ ધક્કો માર્યો ‘‘પોતાના મારનારને એવી રીતે જુએ છે જાણે કોઈ સગો હોય એનો’’ એ રીતે પાછી પોતાની માયાની અસર કરવાની કોઈ યુક્તિ હશે – એ લોકો મારા પર વધારે આક્ષેપો મૂકે એ પહેલાં હું થઓડી નજીક ગઈ. એમણે મને ઓળખી… તારા… તારામતી આ શું છે બધું!

મેં ભાંગ્યાતૂટ્યાં વાક્યોમાં, ભાંગ્યાતૂટ્યા અવાજે આખી વાત કહી. ચાંડાળની આજ્ઞા હતી મારો વધ કરવાની. હરિશ્ચંદ્રે ચાંડાળને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો… સ્ત્રી હત્યા એ પાપ ગણાય એમ પણ કહ્યું ત્યારે એણે કહ્યું એ સ્ત્રી નથી બાળકને ભરખી જતી રાક્ષસી છે છેવટે….

મેં માથું ઢાળી દીધું, મેં કહ્યું, ‘‘હે ઈશ્વર! મને જન્મોજન્મ હરિશ્ચંદ્ર રાજા પતિ તથા રોહિત પુત્ર તરીકે મળજો’’ આમ કહેતાં હરિશ્ચંદ્રે ખડગ ઉપાડ્યું પણ આ શું?

કોઈકે અચાનક પ્રગટ થઈને એ ખડગ લઈ લીધું ને ગડગડાટ ને વીજળી સાથે આકાશવાણી થઈ ‘‘રાજા હરિશ્ચંદ્ર! તું સાચો સત્યવાદી છે. દરેક પરીક્ષામાં તું ઉત્તીર્ણ થયો છે…’’ પ્રગટ થયેલાં તે વિશ્વામિત્ર એમણે જ આ બધી લીલા રચેલી. રોહિતના મૃત શરીર પાસે એ ગયા. એને.. સજીવન કર્યો. રોહિત દોડીને મને ભેટી પડ્યો. હરિશ્ચંદ્રના સત્યને જાણવા વિશ્વામિત્રે જ બ્રાહ્મણનું રૂપ લીધેલું, દાન માગેલું… અમારા દુઃખના દિવસો પૂરા થયા… રાજ્ય પણ પાછું મળ્યું એ જ સત્યનાં રખોપા કરતાં કરતાં અમે અમારું શેષ જીવન સુખેથી વિતાવ્યું.

~ મનોજ્ઞા દેસાઈ

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. મનોજ્ઞા દેસાઈની રાણી-તારામતી (એકોક્તિ) નુ: ઉન્નતિ ગાલા દ્વારા સ રસ પઠન