બે કાંઠાની અધવચ (નવલકથા) પ્રકરણ: ૨૩ ~ પ્રીતિ સેનગુપ્તા

(પ્રકરણ: ૨૩)
કેતકીએ માની જ લીધું, કે શરૂઆતમાં તો દેવકી અને જગત પોતાની સાથે જ રહેશે. જગતને નોકરી મળે ત્યાં સુધી તો ખરું જને. સુજીત કશો વાંધો નહીં કાઢે. એ જોશેને કે દેવકી કેટલી કામમાં આવે છે – કેતકીને, અને ધરના કામકાજમાં પણ.

બાપ્સ, માઇ અને દીજી એકલાં પડી જવાનાં. જોકે દેવકી પરણી પછી એ ત્રણે એકલાં જ થયેલાં હતાં ને. પણ બંને દીકરીઓ આટલે દૂર. એકલવાયું તો ઘણું વધારે લાગવાનું.

આ પછી, જાણે બધું ફરીથી બહુ ઝડપથી બન્યું. સુજીતે ઘર ખરીદી લીધું. બૅન્કમાંથી લોન તો લેવી પડી, પણ મળી યે ગઈ. સદ્ભાગ્યે, ઘર વેચવા-ખરીદવાના ક્લોઝિંગમાં પણ, કોઈ મુશ્કેલી ઊભી ના થઈ.

એ પછી બે-ત્રણ અઠવાડિયાંમાં તો ફ્લૅટ ખાલી કરવાનો આવ્યો. બહુ કામ પહોંચશે, એવી કેતકીને ચિંતા હતી. પણ કાર્લોસે જાતે જ સુજીતને કહેલું, કે એ અને એના બે મિત્રો મદદ કરવા આવશે. બૉસ, તમે શું કામ ચિંતા કરો છો? અમે હઠ્ઠાકઠ્ઠા હિસ્પાનિકો મદદ કરવા તૈયાર છીએ ને!

ચીજવસ્તુઓ કાંઈ બહુ જ નહતી, તોયે એક આખો શનિવાર પૅકિંગ કરવામાં ગયો. કાર્લોસ સ્કૉચની બૉટલ લઈને આવેલો. એ અને એના મિત્રોનું પીવાનું, કામ કરતાં કરતાં, આખો દિવસ ચાલુ જ રહ્યું. બપોર પછી તો એમણે સુજીતને પણ આગ્રહ કરવા માંડ્યો.

કેતકીએ નાસ્તામાં સૅન્ડવિચ બનાવી રાખેલી, અને કોકાકોલાની મોટી બૉટલ પણ લાવી રાખેલી. પણ એણે ધાર્યું નહતું, કે આખો દિવસ આમ દારૂની મહેફીલ ચાલશે. વળી, કાર્લોસનો એક મિત્ર બહાર જઈને પોતાને માટે હૅમ્બર્ગર લઈ આવ્યો.

એ પણ કેતકીને ગમ્યું નહીં. હજી સુધી નૉન-વેજ ઘરમાં આવ્યું નહતું. ખેર, કાલે તો આ ફલૅટ છોડવાનો છે, એ વિચારે એણે મન વાળ્યું, પણ અણગમો તો રહ્યો જ. આ લોકો આપણાથી સાવ જુદા જ રહેવાના, એને થયું.  આપણા લોકો એટલે આપણા લોકો.

એને વિશ ને નંદા ખૂબ યાદ આવ્યાં. એમને બોલાવવાનું પછી ગોઠવાયું જ નહીં. એ બંને જવાની ધમાલમાં હશે, કે પછી સુજીતે ઇન્વાઇટ કરવાનું ટાળ્યું હશે?

કેતકીએ એક વાર યાદ કરાવ્યું હતું, પણ ત્યારે સુજીતે છણકો કરેલો. શું કામ છે બોલાવીને? ફ્રેન્ડ હતા ત્યારે હતા. હવે તો ભઈ, એ લોકો મોટા થઈ ગયા કહેવાય.

સાંજ પડ્યે, કાર્લોસ અને એના મિત્રો ગયા ત્યાં સુધીમાં, સુજીતે ત્રણેક પૅગ પી લીધેલી. એ સહેજ ડોલતો હતો, એની જીભ સહેજ અટકતી લાગતી હતી, ને બહુ આનંદમાં હતો. સચિનની સાથે, એ પણ, ‘જૅક ઍન્ડ જીલ’ અને ‘હમ્પ્ટિ ડમ્પ્ટિ’ જેવાં ગીતો ગાવા માંડેલો.

રાતે બૅડરૂમમાં એ કેતકીને વળગ્યો. અરે, અરે, આ શું કરો છો?, કેતકી ગભરાઈને બોલી.

અરે, મને ખબર છે, કે બચ્ચું ના આવે ત્યાં સુધી તને પ્રેમ ના કરી શકાય.

સુજીતની સાથે સંસાર વધતો જતો હતો, અને જટીલ પણ થતો જતો હતો.

સવારે સુજીત બહુ ખુશમાં હતો. કેતકીને કશું કરવા ના દે. તું થાકી જઈશ, તું આરામથી બેસ, અમે બધું પતાવી દઈશું. કાર્લોસ એના મિત્રો સાથે આવી ગયેલો. એ બહુ ચોક્કસ માણસ લાગ્યો. એનો આભાર તો માનવો જ પડે, કેતકીએ વિચાર્યું.

રવિવારે બપોરે, પોતાના નવા ઘરમાં, સૌથી પહેલાં એક નાળિયેર મૂકાયું, અને ગણપતિની નાની મૂર્તિ પધરાવાઈ. મંદિરે જવાનું કેતકીને બહુ મન હતું, પણ દેવકી અને જગત આવે પછી, બધાં સાથે જઈએ તો એમનાંથી પણ દર્શન કરી લેવાય.

નવા ઘરના શુકનમાં, કેતકીએ બરફી બનાવી રાખેલી. નંદા પાસેથી એણે, અમેરિકામાં જલદી અને સહેલાઈથી બરફી બનાવવાની રીત, શીખી લીધેલી. એ આપતી વખતે એણે ત્રણેય મદદગારોનો આભાર માન્યો. બધો સામાન ગોઠવાઈ ગયા પછી, એ લોકો રોકાયા નહીં, એની કેતકીને શાંતિ થઈ.

પણ કાર્લોસ ભેટમાં વાઇનની એક બૉટલ લાવેલો. સુજીત આગ્રહ કરવા માંડેલો, અરે, નવા ઘરમાં, પહેલી વારનો વાઇન તો પીને જાઓ. 

અરે, બૉસ, એ તો શનિવારની રાત હોય તો જ જામે. એટલે એ માટે, ફરી નિરાંતે આવીશું.

પાછી કેતકીને ચિંતા થઈ, ખરેખર દારૂની પાર્ટી થવા માંડશે આ ઘરમાં?

નવા ઘરની આ જગ્યાએથી કેતકીની ઑફીસ દૂર થઈ ગઈ. આમ તો, એ વગર પગારે રજા પર ઊતરી હતી, પણ લાગતું હતું, કે બાળકના જન્મ પછી પણ, ત્યાં પાછી જઈ નહીં શકે. કદાચ વરસેક સુધી નોકરી ના પણ કરે. બે બાળકની સાચવણીમાં જ ઘણો સમય જવાનો.

તો સુજીતના ઑફીસના કલાકો વધી ગયા લાગ્યા. એને માટે કેતકી ભાવતી રસોઈ તૈયાર રાખે, ઘરને ચોખ્ખું અને વ્યવસ્થિત રાખે, સચિન બહુ ધમાલ ના કરે તેનો ખ્યાલ રાખે. સુજીત મોડો ઘેર આવે, થાકીને આવે, ચીડિયો થઈને આવે, પણ કામ વધારે કરવું જ પડે એમ છે, એમ કહે.

ઘરને કારણે ખર્ચા પણ વધી ગયા હતા. આ ઘરની નજીક કોઈ દુકાનો હતી નહીં. રોજિંદી ચીજો માટે પણ ગાડી જોઈએ, એટલે સુજીતને બીજી એક સેકન્ડ-હૅન્ડ ગાડી પણ ખરીદવી પડેલી. આ બધી લક્ઝરી માટે વધારે મહેનત જરૂરી બની હતી.

અને સુજીતનું ટૅન્શન પણ વધ્યું હતું. એ કેતકીને કશું કહેતો નહીં, પણ એની વર્તણૂંકમાં કશીક અધીરાઈ આવી હતી. દેવકી પણ એનામાં ફેરફાર થયેલો જોઈ જ શકશે, કેતકી આ વિચારે જરા ગભરાતી હતી, એટલેકે સંકોચ પામતી હતી.

છેલ્લે દેશ ગયાં, ત્યારે તો, વખાણને લાયક વર્તાવ જ રહ્યો હતો સુજીતનો. એ જ જીજાજી હવે અધીરા અને ચીડિયા જેવા દેખાશે, ત્યારે દેવકી તો આઘાત પામી જવાની.

પણ ડિલિવરીનો ટાઇમ નજીક હતો, અને દેવકીની જરૂર તો કેતકીને હતી જ. જે થાય, અને જ્યારે જે થાય તે ખરું, કેતકીએ મનમાં કહ્યું. દીજી હંમેશાં કહેતાં ને, કે જે થવાનું હોય છે, તે કાળક્રમે થતું જ હોય છે.

દેવકી અને જગતને લેવા ન્યૂઅર્ક ઍરપૉર્ટ જવાની કેતકીની ઘણી ઇચ્છા હતી, પણ હવે એટલે દૂર, અને એવી ધાંધલ-ધમાલમાં એ ના જાય, તે જ સારું હતું. સુજીતને એકલાં જ જવું પડ્યું. એ માટે ઑફીસેથી વહેલું નીકળવું પડ્યું, એટલે પહેલેથી જ એ જરા અકળાયેલો હતો.

ઍરપૉર્ટ પર ગાડી પાર્ક કરવી પડશે, રસ્તામાં ટોલ-વેરો ભરવો પડશે, અને પછી, વધારે બે જણના ખાવાપીવાનો ખર્ચો પણ વધશે, એવું એ વિચારતો રહેલો, પણ કહી નહતો શક્યો.

મનોમન એને એક ખ્યાલ હતો, કે જો જગત રહેવા-ખાવાના થોડા પૈસા ઑફર કરશે, તો ના-ના કહેવાનો વિવેક કરતાં કરતાં હા પાડી દેવાશે.

દેવકી, આવતાંની સાથે, સુજીતભાઈ-સુજીતભાઈ કરવા માંડેલી. અને મિનિટે મિનિટે આભી બનતી હતી. આટલા મોટા રસ્તા, આટલું બધું ચોખ્ખું, આટલી બધી સગવડ વગેરે. ઘેર પહોંચ્યા પછી તો એ જાણે ચૂપ જ નહતી રહી શકતી. તારું ઘર કેટલું સરસ છે, તુકી. કેટલી લકી છે તું. બધાં કામ માટે મશિનો હાજર. કેટલું સહેલું. ને અહીં ટિ.વી.ની ગજબ મઝા છે, હોં ભઈ.

જોકે, થોડા જ દિવસમાં, એને પોતાને જ ખ્યાલ આવી ગયો, કે દેશમાં વેકેશન પર આવેલા તે બનેવી આ નથી. ને કેતકી એને કહેતી હતી, કે અમેરિકામાં જેટલાં સુખ-સગવડ મળી શકે છે, તેને માટે વેઠવું પણ પડે છે, સતત મહેનત કરતાં રહેવું પડે છે.

દેવકી, બધાં નવાં નવાં અમેરિકા આવે ત્યારે જે સ્વપ્ન જોતાં હોય છે તે, વાસ્તવિક જીવન શરૂ થતાં, ક્યાંયે બાજુ પર મૂકી દેવાં પડે છે. અત્યારે તને મારી વાત સાચી નહીં લાગે, પણ તું જોજેને, શું થાય છે તે. જગતને હજી કામ શરૂ તો કરવા દે. પછી જાહેર બસ, લાંબાં અંતર, ઑફીસની ખટપટ, કામના કલાકો, અને પગાર પણ પછી, ઘણો બધો તો શું, પૂરતો પણ નહીં લાગે.

બન્યું પણ બરાબર એવું જ. સુજીતને ઘેરથી ઑફીસે પહોંચતાં જગતને દોઢ કલાક થાય. સાંજે ઘેર આવતાંમાં તો થાકીને ઠૂસ. ને આ તો બીલકુલ શરૂઆત જ.

દેવકી પાસે પણ, જગતનાં જેવાં જ, ક્વૉલિફિકેશન હતાં, પણ દેશથી નોકરી મળી હતી ફક્ત જગતને. એની પત્ની તરીકે એ સાથે આવી શકી હતી. જોકે જગતની ઑફીસમાં કદાચ મળી પણ જાય એને નોકરી, જો એ ટ્રાય કરે તો.

ડિલિવરી સુધી તો ટ્રાય કરાય એમ હતું જ નહીં, ને એ પછી પણ, કદાચ બેએક મહિના તો, કેતકીની ડ્યુટીમાં જ રહેવું પડશે. દેવકી પણ અમેરિકામાં નોકરી કરવા, પોતાનો સંસાર શરૂ કરવા અધીરી હતી, પણ જગત સિવાય કોઈને કશું જણાવી શકતી નહતી. કેતકીને પણ નહીં.

બેબીના જન્મ પછી ઘેર ફોન કરેલો. દીજી વાત કરી જ નહતાં શક્યાં. બાપ્સ બહાર ગયેલા. માઇએ આશીર્વાદ આપેલા, અને દેવકીને ખાસ કહ્યું હતું, કે જીજાજીનો ઉપકાર ક્યારેય ના ભૂલીશ. આમ મહિનાઓ સુધી કોણ રાખે, બે વધારે જણને ઘરમાં?

માઇને અમેરિકાની વાસ્તવિકતા ત્યાં બેઠાં બેઠાં ક્યાંથી દેખાવાની?   

દેવકીને આ વાસ્તવિકતાની છબી થોડા જ વખતમાં દેખાવા માંડી ગયેલી. ખાસ કરીને સુજીતના વર્તનમાં. કોઈ ને કોઈ રીતે એ પૈસાનો ઉલ્લેખ દરેક વાતમાં લાવતો જ. બહુ ભાવ થઈ ગયા છે, મોંઘવારી કેટલી વધી ગઈ છે, અહીં કશું પોસાય તેવું નથી રહ્યું, પાછી બબ્બે ગાડી, અને ઘરને લીધે ખર્ચા કેવા વધી ગયા, ને દર મહિને લોન ભરપાઈ કરવી પડે તે જુદી, વગેરે.

બે અઠવાડિયાં થતાંમાં, જગતે થોડા પૈસા ઘરખર્ચ માટે આપવાની ઑફર કરી. મનમાં નક્કી કર્યું હતું તે જ રીતે, સુજીતે “અરે, હોય કાંઇ, અરે, હોય કાંઈ” કરતાં કરતાં, ઑફર સ્વીકારી લીધેલી. કેતકીને કહ્યું નહતું, પણ એને ખબર તો પડી જ. જગતે દેવકીને જણાવ્યું હતું ને.

કેતકી આઘાત પામી, એને ખૂબ શરમ થઈ આવી, પણ સુજીત સાથે, જાહેરમાં દલીલ થઈ શકે તેમ નહતી.

આ સાથે જ, હંમેશની જેમ એવું પણ બનતું, કે આવી બાબત ભુલાઈ જાય. સુજીત મૂડમાં હોય ત્યારે બહુ જ પ્રેમાળ લાગે, હસે-હસાવે, દેવકી ને જગત પ્રત્યે આત્મીયતા બતાવે, બધાંને બહાર જમવા લઈ જાય. હોંશથી બધાંને મંદિરે લઈ જ ગયો હતો, અને ઘરને માટે પ્રસાદ ખરીદી આપ્યો હતો.

છેવટે, દેવકીએ આ વિષે, કેતકી સાથે વાત કરી હતી.

હા, દેવકી, પહેલેથી જ, સુજીતના મૂડ આ જ રીતે, લોલકની જેમ, આમથી તેમ થતા આવ્યા છે. મને એક વાર દુઃખ થાય, ને પછી એવું બને, કે સુખ છવાઈ જાય મન પર. આમ તો, મારાં અહીંનાં વર્ષ સારાં જ ગયાં છે, પણ હવે જરા વધારે ફેરફાર થતા લાગે છે એમના મૂડમાં. કદાચ બે છોકરાંના ઉછેરનો ભાર રહેવા માંડ્યો છે, અને કદાચ આ ઘરની ઘણી જવાબદારી થઈ ગઈ છે. મારાથી હમણાં કામ પર જવાય તેમ નથી. હમણાં આપણે બધાંએ, એમને સમજીને જ રહેવું જોઈએ. ખરું કે નહીં?

દેવકી ત્રણ મહિના તો સાથે રહેશે જ, અને કેતકીને બધી રીતે મદદ કરશે, એવી સમજણ હતી. એ પહેલાં જગત ફ્લૅટ શોધે, તો કદાચ, એને એકલાં જ ત્યાં રહેવું પડે. એ તો કઈ રીતે ફાવે? તેથી ઑફીસે આવવા-જવાની અગવડ વેઠીને પણ, બંનેને સુજીતના ઘરમાં રહેવાનું ચાલુ રાખવું જ પડ્યું.

આ દરમ્યાન ઘેરથી ફોન આવ્યો. બાપ્સનો અર્જન્ટ ફોન છે, એ જાણીને જ, બંને બહેનો ગભરાઈ ગઈ. ને સમાચાર હતા પણ એવા જ. દીજી અવસાન પામ્યાં હતાં.

દીજી વગરની દુનિયા?

બંને બહેનોને થયું, કે એમનાં જીવનનો કોઈ અદૃશ્ય આધાર છીનવાઈ ગયો.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

2 Comments