પરોઢના ઉજાસની સોનામહોર ~ સંદીપ ભાટિયા

પઠન: રાજુલ દિવાન

(નિબંધ)
મોટી મોટી શિલાઓ એક પર એક ગોઠવી દેવા માત્રથી સેતુ ન બને. વચ્ચે ચપટીચપટી રેતી ભરવી એ પણ ભારે મહત્વનું. આ વાત જાણે એક રામજી અને બીજી મારી બારીની બહાર સામે સરુના વૃક્ષ પર દોડાદોડી કરતી એક ઝીણકી ખિસકોલી.

રામજીએ એને શાબાશી આપતાં પીઠ પર પડેલી આંગળીઓની છાપ મને દેખાડવા ઘણી વાર એ પાણીના પાઇપ વાટે છઠ્ઠા માળ સુધી ચઢી આવે. સિંગદાણા, રોટલી કે ફળોના ટુકડા ને ભાત એના સારુ રસોડાની બારી પાસે મૂક્યાં હોય તે ખાય. પાણી પીએ. બધે ભટકી આવીને ગામ આખાની વાતો ગળામાં ભરી બેઠેલાં કબૂતર જોડે જરીક ગપસપ કરે. ડોક ઊંચી કરી બારીમાંથી અંદર જુએ. ઘરમાં સાત ચાળીસની ચર્ચગેટ ફાસ્ટ પકડવાનો રઘવાટ દોડાદોડી કરતો હોય. બારીની ગ્રિલ પર થોડી વાર પોરો ખાઈ એ ફરી નીચે ઊતરી જાય.

એકાદ રવિવારની બપોરે ઘર આખું વામકુક્ષી કરવું જંપ્યું હોય ત્યારે એ કીચનના પ્લેટફોર્મ પરથી નીચે કૂદી બધે ફરી વળે. ફર્સ પર અને ફર્નિચર પર ચકચક્ ચીં ચક્ ચીંની રંગોળી પુરાતી રહે. એનો અવાજ સંભળાતાં જ ચાદર મોં સુધી ખેંચી લઉં. સહેજે હાલ્યાચાલ્યા વગર પડ્યો રહું. જમીન પર આડું પડેલું કોઈ થડિયું સમજી એ મારા પર ચઢી પગથી માથા લગી કૂદાકૂદ કરી મૂકે. ક્યારેક સાવ ખભા પર આવીને બેસે અને મગફળીનો નાસ્તો કરે. ખિસકોલી ટેસથી સિંગનો દાણો ફોલીને ખાતી હોય એનો કાનની નજીક આવતો ઝીણો અવાજ કેવો મજેદાર હોય એ વર્ણવવું મારા ગજાની બહારનું છે.

ખિસકોલી શરીર પર કૂદાકૂદ કરતી હોય ત્યારે ભારે રોમાંચ થાય, પણ સહેજે હલાય નહીં. જરીકેય હાલ્યા કે ખેલ ખતમ. હવે વૃક્ષને કેવું થતું હશે, એ થોડું થોડું સમજાય છે. મારી બહારનું સરુનું વૃક્ષ અમારી અવહેલના, ઘોંઘાટ અને પ્રદુષણને ખમી લઈને પણ કેમ ઊભું રહ્યું છે, હાઈવેની પેલી તરફના નેશનલ પાર્કના જંગલમાં નાસી કેમ નથી છૂટતું એનો હવે ખ્યાલ આવે છે.

સવારના કુમળા તડકાને ખિસકોલી સાથે ભારે દોસ્તી. પરોઢનું પહેલું કિરણ સરુવૃક્ષની સૌથી ઊંચી ડાળને ઝાલી લઈ નીચે ઊતરી આવે. પંખીઓએ કોચલાં ફોડી નીચે વેરેલાં બીયાં ભેગા કરવામાં ખિસકોલી મશગૂલ હોય. એને માથે કિરણ ટપલી મારે. ખિસકોલીના એક પછી એક બધાં રૂવાં સોનાનાં થવા માંડે. એ પૂંછડી ઊંચી કરી ટટાર ઊભી રહે. કિરણ ડોક પરથી પીઠ પર અને પૂંછડી પરથી સરકતું ઊછળીને પાસેના ખાબોચિયામાં જઈ પડે. ખાબોચિયામાં પાણી પર શેવાળની જેમ ફેલાયેલું અંધારું મૂંઝાઈને આઘુંપાછું થવા માંડે. શેવાળની ફાટમાં પરોઢના આકાશનું એક કેસરી ચાંદરણું ચમકી ઊઠે. એને સાત ચાળીસની ચર્ચગેટ ફાસ્ટ પકડવા જઈ રહેલો એક બાબુ પોતાની કીકીમાં ઝીલી લે.

ઑફિસમાં પ્રવેશતાં જ એનો સાથી સામો મળે. ‘ગુડ મોર્નિંગ’ની આપલે થાય. સાથીની આંખમાં પરોઢનું એ પ્રથમ કિરણ પ્રતિબિંબાય. થોડી વારમાં તો આખી ઑફિસમાં બધાનાં ખિસ્સામાં પરોઢના ઉજાસની એકએક સોનામહોર હોય.

એ સાંજે ઘરે જઈને ઑફિસના બાબુઓને પોતાનાં બાળકોને વાર્તા કહેવાનું મન થાય.

~ સંદીપ ભાટિયા

આપનો પ્રતિભાવ આપો..

13 Comments

 1. Wish કે લોકોનું કામ ઑફિસના લાગતા વળગતા બાબુઓના
  હાથમાં રૂપિયાની નોટોની થોકડીને બદલે આવી કોઈક
  ‘ પરોઢના ઉજાસની સોનામહોર ‘ સરકાવવાથી થઇ જતું હોત ! !

 2. પરોઢના ઉજાસની સોનામહોર ~ સંદીપ ભાટિયા ખૂબ સ રસ લેખનુ ખૂબ સ રસ પઠન દ્વારા માણવાની મઝા આવી

 3. સુંદર, અતિસુંદર લેખ, સંદીપભાઈ. નવજાત શીશુના સ્પર્શ જેવી કુમળી, તાજગીભરી, નિર્ભેળ આનંદની જાણે રસલ્હાણ !!

 4. કાવ્યમય નિબંધ!એક ઉત્તમ કવિ જ આવો ઉત્તમ સૌંદર્ય પૂર્ણ નિબંધ આપી શકે. વાહ .આભાર.

 5. શહેરી જીવન માં કુદરત આટલી નજીક, જાણે હાથવેંત જ દૂર ન હોય, એવી મોલાત તો નસીબદાર ને જ મળે. વાહ. કેવું સુંદર આલેખન…. અભિનંદન… યોગેશ શાહ.

 6. ખૂબ સ-રસ લેખ. ‘હવે વૃક્ષને કેવું થતું હશે તે થોડું થોડું સમજાય છે.’ બહુ મજા પડી સંદીપભાઈ. આભાર અને અભિનંદન.

 7. સંદીપ ભાટિયા એ લખેલો…આ મારો અતિ પ્રિય નિબંધ.
  વાંચીને અને સાંભળીને સોનામહોરો થી તરબતર.. આભાર.

 8. સુંદર લલિત નિબંધ.નિસર્ગ લીલાની ખિસકોલી દ્વારા રજૂઆત.

 9. અદભુત. કાવ્યાત્મક નિબંધ. સુંદર કલ્પનો. લાગે કે જાણે આપણે પણ એ બારીએ જઈ આવ્યા. ખિસકોલી અમારા પરથી દોડીને ગઈ. એક કવિ જ આ પ્રકારનો નિબંધ આપી શકે. અભિનંદન.