દેખાવડો પવન ! ~ રતિલાલ ‘અનિલ’

(પઠન : રાજુલ દિવાન )

કોઇના સાળુમાં ભરાય છે, વહાણના સઢમાં ભરાય છે, શિરકેશમાં ભરાય છે, નાળિયેરીના માથાને ધુણાવે છે, ઉત્તરાયણે શેરીના છોકરાઓએ પતરાંના છાપરે નાખેલા કાંકરા પવન ગબડાવે છે, સૂકવવા નાખેલાં કપડાંને ઉપાડીને લઇ જાય છે, અરે પાયજામાનેય એ વાવટાની જેમ ફરકાવે છે એ જોઈને હસવું આવે છે, પણ એ બધું તો એ અદૃશ્ય રહીને જ કરે છે એટલે એને સોહામણો ક્હયો હશે? ડુંગર જેવડાં વાદળાંને ઉપાડી જવાનું એનું પાગલપણું તો દેખાય છે, પણ એ તો દેખાતો જ નથી. કોઈક વાર એ સુગંધનું જબરું મોજું લઈ આવીને આશ્ચર્યમુગ્ધ કરી મૂકે છે. `મારામાં તારામાં રહેલા તમામ રસના ભાવોને ઉભારવાની મારામાં તાકાત છે.’ એવું સૂચવતો પવન પડી જવાનો ઢોંગ કરીને છેતરે છે. એટલાથીયે હું તો અકળાઈ ઊઠું છું. પોતામાં ગતિ હોય તો પવન હોય, એવા સંકેતો આમતેમ આંટા મારીને પવનને અનુભવવા ઉતાવળો થઈ જાઉં છું. પવન દર્શન ભલે ન આપે, પણ એના અનુભવ વડે જિવાય નહીં. આમ તો એ ઈશ્વરનો સમોવડિયો છે. ઈશ્વરની જેમ એ પણ અદૃશ્ય છે, કારણ કે બંને અનુભવવાના હોય… અદૃશ્ય ઈશ્વરને માણસે પરમ સૌંદર્ય કહ્યો હોય એમ ભાયાણીસાહેબે પવનને `દેખાવડો’ કહ્યો હશે!

રતિલાલ ‘અનિલ

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. રતિલાલ પણ “અનિલ” તો ખરા જ ! એટલે પવનની લીલાને આત્મીય ભાવે વર્ણવી શકે ! દેખાવડો પવન એમ લાડ કરતાં જાય છે અને પવનની પ્રેમગાથા કહેતાં જાય છે.