શોધું છું ~ હરીશ દાસાણી

અંધકાર ઉજાળે  એવો શબ્દ સનાતન શોધું છું
સર્વ પાપને બાળે એવો શબ્દ સનાતન શોધું છું

સતત બદલતી સૃષ્ટિમાં જે હોય અવિચળ પથદર્શી
ભેદ-ભરમ ઓગાળે એવો શબ્દ સનાતન શોધું છું

પંડિતોની ભરી સભામાં અવિરત ચાલે ચર્ચાઓ
વ્યર્થ વિવાદો ટાળે એવો શબ્દ સનાતન શોધું છું

સ્વસ્થ રહીને હંમેશા જે વિધવિધ ભાષાઓમાં ફરે
કદી ય ના કંટાળે  એવો શબ્દ સનાતન શોધું છું

શુભ્ર સ્ફટિક અફાટ જળે જે એક કાંકરી શોધીને
સૂક્ષ્મ અશુદ્ધિ ગાળે એવો શબ્દ સનાતન શોધું છું

દંભ, દર્પ, ધિક્કાર સજેલી કૌરવ સેનાને કોઈ
માતા થઇ સંભાળે એવો શબ્દ સનાતન શોધું છું

હરીશ દાસાણી
10-11-2020

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. haresh bhai na kavya vachi atma ne sodhvani vat yad avi. shabad sanatan shodhu chu. sabad ne me atma no arth karyo atma sanatan =hari ne shodhu chu. saras kavya.