એ જ પીળો રંગ ~ મનોજ્ઞા દેસાઈ
પ્રથમવાર એને હોસ્પિટલમાં ઓપરેશન કરતાં જોઈ ત્યારે આ જ, બરાબર આવા જ પીળા રંગની ભાત હતી એના પંજાબી ડ્રેસમાં. એવી જ ગોલ્ડન યલો સલવાર, કેપ-માસ્કને કારણે ચહેરો બરાબર દેખાયો ન હતો અને એને તો ખ્યાલ પણ ન હતો તો ખબર તો ક્યાંથી જ હોય કે કોઈની આંખો એને નીરખી રહી હતી, એકીટશે.
જો કે એ હતી જ એવી તોફાન જેવી, વાવાઝોડા જેવી, ના, ના, તોફાન અને વાવાઝોડું તો વિનાશ સર્જે એણે તો આવીને…
એ સોહિત શી રીતે ભૂલે? દાયકો વિત્યો હશે એ વાતોને! તે વખતે એનું પોતાનું જીવન ખૂબ જ એકલવાયું હતું. ઘર અને હૉસ્પિટલ, કુટુંબ અને દર્દીઓ. એક નિરસ ઘટમાળ એના જીવનમાં ચાલ્યા કરતી’તી ને એ આવી.
એને પહેલેથી જ ખબર હતી કે સોહિત એનો જીવનસાથી નથી. છતાં કારવાં…. કારવાં….
સોહિત નામની ડાળ પર મ્હોરવામાં એણે ખચકાટ ન અનુભવ્યો. પવનની લહેરખી આવીને જેમ પાનખરનાં બધાં જ પીળાં પાન ખેરવી જાય ને કુમળી કૂંપળો માટે ઊગવાની જગ્યા કરતી જાય એમ. એવું જ થયું’તું ત્યારે સોહિતના જીવનમાં.
પહેલાં સોહિત બહાર ફરવા ભાગ્યે જ જતો. એ સાથે હતી એ વર્ષોમાં કેટકેટલી નવી જગ્યાઓ જોઈ! સમુદ્રકિનારાની ભીની રેતીનો સ્પર્શ પગને તળિયે અનુભવ્યો. ક્યાંક ક્યાંક એ રેતી વધારે ભીની બની’તી, ખારાશ પણ વધી’તી – એના આંસુ ભળવાથી વાતાવરણની ઉષ્મા વધી’તી. ક્યાંક એના નિશ્વાસ ભળવાથી. તો ક્યાંક હવા મુખરિત બની’તી – બંનેના ખિલખિલાટ હસવાથી.
એને તો બસ આપવું’તું ના, લેવું પણ હતું. એને સહવાસની ક્ષણોને સંગોપી લેવી’તી. બાળપણમાં ફ્રોકના ઘેરની ઝોળી કરીને એમાં વીણેલાં ફૂલોની જેમ એ ક્ષણોને વીણી લેવી’તી. આપવાથી પામી શકાય તે પામવું’તું.
સમયનો વ્યય એને પોસાય એમ નહોતો. સોહિત ક્યારેક તો એનાથી પણ થાકી જતો. ફરવા જવાની ‘ના’ કહી દેતો. એને ઓછું આવતું. પછી થોડીવાર એજ પુરાતન કાળથી ચાલ્યાં આવતાં રિસામણાં-મનામણાંનાં ચક્ર. ને બંને બહાર ફરવા જતાં. સોહિતને વારે વારે થઈ જતું, ‘કેમ જીવાશે એકબીજા વિના?’ સોહિતના કુટુંબ તરફથી શરૂઆતમાં જ આવેલા નકારના ખડકને એણે એમના આનંદના ધોધમાં ક્યાંય અવરોધ બનવા દીધો ન હતો. ક્યારેક સોહિતને પોતાની લાચારી કાંટાની જેમ ભોંકાઈ ઊઠતી એને કારણે એક તીવ્ર વેદના એ અનુભવતો. પહેલેથી બધી જ સ્પષ્ટતા થઈ હોવા છતાં સોહિતને લાગતું કે એની પ્રત્યે એ પોતે ભારોભાર અન્યાય કરી રહ્યો હતો એ વાત પણ ધીરે ધીરે જાણે અતીતમાં ઓગળી ગઈ.
કારવાં…. કારવાં…. આજે ગ્રીષ્મની એક સોહામણી સવાર હતી. સોહિત અમથો જ વાડીમાં આંટા મારતો હતો. એની વાડીમાં એક ઘટાદાર અમલતાસનું વૃક્ષ હતું. આજે આટલે વર્ષે સોહિતના ભર્યા ભર્યા સંસારમાં એની યાદ આવવાનો ખાસ પ્રશ્ન ન હતો, પણ માટીમાં ચાલતી વખતે એના ખુલ્લા પગ આગળ અમલતાસનું એક ફૂલ ખર્યું. બરાબર એ જ પીળો રંગ.
***
Very nice story by Manojna Desai .Congratulations to Khevna for reading nicely .
જેટલી સ-રસ વાર્તા એટલું જ ભાવવાહી પઠન. અભિનંદન ખેવના.
એ જ પીળો રંગ ~ મનોજ્ઞા દેસાઈના લેખનુ : ખેવના દેસાઈ દ્વારા સ રસ પઠન
‘સોહિત એનો જીવનસાથી નથી ‘વાતે યાદ આવી
वो नहीं मेरा मगर उससे मोहब्बत है तो है
ये अगर रस्मों-रिवाजों से बग़ावत है तो है
सच को मैंने सच कहा, जब कह दिया तो कह दिया
सच को मैंने सच कहा, जब कह दिया तो कह दिया
अब ज़माने की नज़र में ये हिमाक़त है तो है
वो नहीं मेरा मगर उससे मोहब्बत है तो है
दोस्त बनकर दुश्मनों सा वो सताता है मुझे
दोस्त बनकर दुश्मनों सा वो सताता है मुझे
फिर भी उस ज़ालिम पे मरना अपनी फ़ितरत है तो है
वो नहीं मेरा मगर उससे मोहब्बत है तो है
અંત-‘એના ખુલ્લા પગ આગળ અમલતાસનું એક ફૂલ ખર્યું. બરાબર એ જ પીળો રંગ.’
વાતે યાદ આવી ઝવેરચંદ મેઘાણીની રચના
હાં રે મને પ્યારો છે
આભમાં ઘુમન્તી એ વીજળીનો પીળેરો રંગ,
હાં રે બીજો પ્યારો છે
બાગમાં ખીલેલી ચંપાની કળીનો પીળેરો રંગ.
હાં રે મને પ્યારો છે
ભાભી કેરી વેણીના કેવડાનો પીળેરો રંગ.
હાંરે બીજો પ્યારો છે
પીઠી ભરી લાડીને અંગ ઉઠ્યો પીળેરો રંગ.
હાં રે મને પ્યારો છે
ચંદ્ર સૂર્ય તારાનો તેજ ભર્યો પીળેરો રંગ,
હાં રે બીજો પ્યારો છે
દીન તણા ઝાંખા ઘરદીવડાનો પીળેરો રંગ.
હાં રે મને પ્યારો છે
પાદશાહ ! તારી ફુલ-પામરીનો પીળેરો રંગ,
હાં રે બીજો પ્યારો છે
ચીન કે જાપાની બેની ! તમારો પીળેરો રંગ.
હાંરે મને પ્યારો છે
ઈશ્વરે દીધેલો આછો કે ઘેરો પીળેરો રંગ.
હાં રે બહુ આકરો છે
દોષ દેખનારી કો આંખડીનો પીળેરો રંગ
વાહ
બહુ જ સરસ છે. વાંચવા કરતાં સાંભળવા ની વધારે મજા માણી
પીળા રંગના ફૂલની સાથે સ્મૃતિનો અનુબંધ થયો અને પ્રિયપાત્રની સ્મૃતિની સુગંધ મહેકી ઉઠી. બહુ જ સરસ રીતે કહેવાયેલી પ્રેમ કથા.