હરિ પર અમથું અમથું હેત ~ રમેશ પારેખ ~ સ્વરાંકન : સુરેશ જોશી

સાંભળનારને ડાયાબિટીઝ થઇ જાય એવા સ્વરાંકનો આપનાર સંગીતકાર સુરેશ જોશીને જન્મદિન (૧૯ નવે. ૨૦૨૦) નિમિત્તે અમથી અમથી નહિ, પણ ગમતી ગમતી શુભેચ્છાઓ. એમનું એક સદાબહાર સ્વરાંકન યાદ કરીને આપણું આંગણું પરિવાર કહે છે: હેપ્પી બર્થ ડે ડિયર સુરેશ જોશી.
Youtube Video ઉપરાંત “સખીરી” ઓડિયો આલ્બમમાં સમાવિષ્ટ આ સ્વરાંકન રેખા ત્રિવેદીના કંઠે પણ સાંભળી શકાશે.

કવિ: રમેશ પારેખ  • સંગીતકાર: સુરેશ જોશી  • ગાયિકા : રેખા ત્રિવેદી

હરિ પર અમથું અમથું હેત,
હું અંગૂઠા જેવડી ને મારી વ્હાલપ બબ્બે વેંત.


અમથી અમથી પૂજા કરું ને અમથા રાખું વ્રત,
અમથી અમથી મંગળ ગાઉં, લખું અમસ્તો ખત;
અંગે અંગે અમથી અમથી અગન લપેટો લેત,
હરિ પર અમથું અમથું હેત.

અમથું અમથું બધું થતું તે તને ગમે કે નઈં?’
એમ હરિએ પૂછ્યું ત્યારે બહુ વિમાસણ થઈ;
કોઈ બીજું પૂછત તો એને ઝટપટ ના કહી દેત,
હરિ પર અમથું અમથું હેત.

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

  1. ઘણાં સમય પછી ફરી આજે આ મીઠું ગીત અમસ્તો જ મારા મનનો કબજો લઈ બેઠું છે..આહ્લાદક..!!

  2. જ્યારે સુંદર કવિતા ને અજોડ સ્વરાંકન + ગાયકી મળે છે ત્યારે અહીં કહે છે એમ “અમથું અમથું હેત” ઉભરાય છે

    સુરેશભાઈ ને વર્ષગાંઠ ની શુભેચ્છા 🙏

  3. કવિ: રમેશ પારેખનુ ખૂબ સુંદર ગીત અને સંગીતકાર: સુરેશ જોશી નુ મધુરુ સ્વરાંકન અને ગાયકી
    હરિની અનુભિતી કરાવી ગઇ…જન્મદિનની અનેકાનેક શુભેચ્છાઓ

  4. આ અદ્ભુત ગીત અને સ્વરાંકન હંમેશા મનમાં રમતું રહે છે. સાંભળતાં જ રહીએ. વારંવાર. વારંવાર. અમથા આંટાફેરા છોડી અમથું અમથું હેત કરીએ તો હરિ કયારેક સમાવી જ દેશે આપણને પોતાની ભીતર.