|

પ્રહારો મળ્યા છે (આસ્વાદ લેખ) ~ હિતેન આનંદપરા ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ ગુજરાતી મિડ-ડે

અર્થતંત્રની ગાડી પાટે ચડવાની સાથે વ્યર્થતંત્ર પણ પોતાના કામે લાગી ગયું છે. હુંસાતુંસી, પાઘડીખેંચ, કાદવળઉછાળ વગેરે પ્રવૃત્તિઓ હવે કોરોનામાંથી સાંપ્રત ઘટનાઓ તરફ શિફ્ટ થઈ ગઈ છે. ટૂંકમાં માણસને જીવનમાં સઘર્ષ જોઈએ જ. ન હોય તો એ ઊભો કરી લે. સ્નેહી પરમાર કહે છે એવા આંસુઓનું પૃથક્કરણ કરવા માટે સચોટ સૂક્ષ્મદર્શક યંત્ર જોઈએ…
મારા ને એના બેઉનાં મેં પારખાં કર્યાં
પથ્થર મળ્યા તો ઊભા રહી, ચાંદલા કર્યા

સામે તમે મળ્યાં, ને સમાધાન થઈ ગયું
આંખોએ આંસુઓના હાથે પારણાં કર્યાં

સમાધાન તો દરેકે જીવનમાં કરવા જ પડે. વ્યવધાન ઓછું કરવા સમાધાન કરવું પડે. અફઘાન પ્રજા જેવા સમાધાનો કોઈના ભાગે ન આવે તો સારું. રાજા પોતે જ રાક્ષસ હોય તો પ્રજાનો કોળિયો નિશ્ચિત છે. ભૂખમરો આ પ્રજાના આંગણે દસ્તક દઈ ચૂક્યો છે. શરિયાનું પાલન કરાવવામાં લાખો ઘરનાં ફળિયા રૂંધાઈ જશે અને તિજોરીના તળિયા દેખાઈ જશે. પરિવારનું ગુજરાન ચલાવવા માટે માબાપે નવ વર્ષની દીકરી કોઈ વૃદ્ધને વેચી દેવી પડી એ સમાચારે અખબારની આંખમાં પણ આંસુ લાવી દીધા. પરશુરામ ચૌહાણ આકરી એંધાણી આપે છે…
મળ્યા છે જે સમાચારો એ અફવા હોય તો સારું
વકરશે બહુ હજી વાવર અહીં ચર્ચાય શેરીમાં 

હવે ઘરની પછીતો પણ લગાવી રાખે છે મ્હોરાં
દહેશત છે કે ઝેરી વાયરો ફૂંકાય શેરીમાં

ધર્મના નામે ઝેરના વેપલા થયા કરે એ માત્ર સ્થાનિક ધોરણે જ નહિ,  આખા રાજ્યને નુકશાનકર્તા નીવડે. મહારાષ્ટ્રમાં ભવાડા, ભવાઈ, નટબજાણિયાવેડા, અખાડાશાહી વગેરેનું કોકેટલ ચાલી રહ્યું છે. આર્યન ખાન કેસ મુંબઈથી ફંટાઈને જાણે આંદામાન-નિકોબાર જતો રહ્યો હોય એવું લાગે. ખીચડી કંઈ એવી રંધાઈ રહી છે કે બિરયાની લજવાઈ મરે. દસ્તો કોના હાથમાં છે અને ખાંડણિયામાં માથું કોનું છે એ જ ખબર ન પડે. રાત વધુ ને વધુ કાળી ને ઘેરી થતી જાય છે. અશોક જાની આનંદ મર્મ સમજાવે છે…
છેતરીને શું મળ્યું આ જાતને?
ના તમે રોકી શક્યા કણસાટને

આગિયા લાખો મળ્યા ને તોય પણ
ના નિકટ લાવી શક્યા પરભાતને

છેતરવાનો કસબ બધાને કોઠે પડી ગયો છે. અમાનનીય નવાબ મલિક છાશવારે ફલાણા સાથે ઢીકણાની તસવીર બતાડી અનાપશનાપ બફાટ કરતા જ રહે છે. દિલીપ રાવલની એક સુંદર પંક્તિ છેઃ આ શું પ્રગટ્યું છે મારામાં કે યાદ કરું છું ગોકુળને. આ પંક્તિનું ખૂન કરીને કહેવાનું મન થાયઃ આ શું સળગ્યું છે મારામાં કે બરબાદ કરું છું ગોકુળને. ભક્તને માતાજી આવે અને માથું ધૂણાવે એમ આઘાત-પ્રત્યાઘાતના ભૂતો ધૂણી રહ્યા છે. કમલેશ વ્યાસ અફસોસને આરાધે છે…
ગજબની ભૂલ જીવનમાં કરી એવી ટણી બેઠા
મળ્યા જે કંઇ વિસામા માર્ગમાં મંજિલ ગણી બેઠા

અમે ઊગાડવા બેઠા હતા ફૂલો સુગંધી પણ
હકીકતમાં થયું કે કાંટાઓ લણી બેઠા

મતદાર તરીકે આપણને વસવસો થાય કે આપણે કોને ચૂંટી બેઠા. જો કે આપણે ચૂંટીએ નહીં એ લોકો પણ રાજ કરી શકે એનું ઉદાહરણ રાજ્યની સરકાર છે. માણસની ચામડીને બદલે હાથીની ચામડી હોય એમ નાની નાની ખીલીઓ ભોંકાતી નથી. ખીલાઓ પણ અથડાઈને બેવડ વળી જાય એવું કવચ વિકસાવી રાખ્યું છે. જે લોકોએ પ્રજાનિષ્ઠ અને પ્રામાણિક નેતાઓની પેઢી જોઈ છે તેમણે ભાવેશ ભટ્ટની પંક્તિનો સહારો લીધા સિવાય છૂટકો નથી…
વાત દિલની કહી દઉં, આદત હતી
પણ હતી પહેલા… બહુ પહેલા હતી

એ મળ્યા વરસો પછી તો મેં કીધું
આપની ઉપર મને શ્રદ્ધા હતી

ક્યા બાત હૈ

પ્રહારો મળ્યા છે, પ્રપાતો મળ્યા છે
પ્રપાતોની વચ્ચે પ્રવાહો મળ્યા છે

સવાલો મળ્યા પોથીના પાને પાને
અને પાંપણોમાં જવાબો મળ્યા છે

કદી ભીની માટી મળી રેત વચ્ચે
ભીની ભોંય વચ્ચે દુકાળો મળ્યા છે

નથી સારથી કંઈ મળ્યા પાર્થ જેવા
ઘણા પાર્થ જેવા વિષાદો મળ્યા છે

અમારી અમીરીના નોખા છે કારણ
નર્યા ને નિરાળા અભાવો મળ્યા છે

ત્યજી એટલે સામટી ચાહતોને
નર્યા ચાહતોમાં દગાઓ મળ્યા છે

મને હું જ ચાહું,  મને હું જ વાંચ્છું
હા, ભીતર સહેલી-સગાઓ મળ્યા છે

જરા છેડશો ને એ થઈ જાશે બેઠા
દરદને અનેરા સ્વભાવો મળ્યા છે

અમારી ઉદાસીના કારણ જુદાં છે
જગતની ઉપાધિના તાપો મળ્યા છે

~ હિમાદ્રી આચાર્ય દવે

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. અમારી ઉદાસીના કારણ જુદા છે
    જગતની ઉપાધિના તાપો મળ્યા છે
    માફીસહ જણાવવાનું કે હિમાદ્રીબહેન કે સંપાદકશ્રીની ઉદાસીનતા એ એક જ કારણ છે કે જેનાથી ઉલા મિસરામાં બે જગ્યાએ અનુસ્વારનાં ઓહિયાં થઈ ગયાં છે. સોનાની થાળીમાં લોઢાની મેખની જેમ અફલાતુન ગઝલમાં ક્ષુલ્લક જેવી લાગતી ભાષાશુદ્ધિ (ભાષા + અશુદ્ધિ) મનમાં કઠે છે. મારી-તમારી-સૌની અનુસ્વાર સબબે મર્યાદાઓ હોઈ શકે, છતાંય તેનો સહેલો ઉપાય એક જ છે કે લખનાર સહેજ ઊંચા અવાજે આવા કથનનું વાંચન કે પઠન કરી લે. એ યાદ રહે કે આપણે ઉચ્ચારણ તો અનુસ્વારવાળું સાચું જ કરતા હોઈએ છીએ, પણ લખવામાં લોચા વળતા હોય છે. અનુસ્વારના લોચાઓની લાપસી કેવી થતી હોય છે તે જાણવા અને સમજવા માટે સૌ કોઈ ભાષાની શુદ્ધિના આગ્રહીઓએ આ ‘અનુસ્વાર અષ્ટક – સુંદરમ્’ વાંચવા જેવું ખરું. ધન્યવાદ.
    https://www.mavjibhai.com/kavita_two%20files/323_anuswar.htm

    1. ધ્યાન દોરવા બદલ આભાર. આસ્વાદક તરીકે મારી ભૂલ, આપની ટકોર પછી સુધારી લીધી છે. ગુજરાતી મિડ-ડેમાં બરાબર છપાયું હતું. અહી બ્લોગમાં એ વાત સુધારવાની રહી ગઈ. આપની બારીક નજરને વંદન.

  2. ગઝલનો મિજાજ, શેરોની શેરિયત અને છંદ, ત્રણેયને સાથે સાચવવાના “સીધા ચઢાણ” જ્યારે નવોદિતોને ગઝલ શિબીરમાં સડસડાટ ચઢી જતાં જોઉં છું ત્યારે હું અદભૂત આનંદ અનુભવું છું. હ્રદયપૂર્વક અભિનંદન.
    હિતેન, સ-રસ આસ્વાદ.