|

ચૂંટેલા શેર ~ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ ~ જન્મદિનઃ ૧૬ ઑક્ટોબર

૧.
એ પછી… જે સાચવે છે એ જ નિરાકાર છે
તું ભલે શરણું લઈ લે કોઈ પણ આકારનું
૨.
ક્યાં કોઈ ભાવ સાચો? જુઠ્ઠી જબાન જેવું
લાગે છે કેમ તારું મંદિર દુકાન જેવું?
૩.
તને જે થાય ઇચ્છા તે જ બીબે ઢાળજે કિંતુ
ખરું કહી દઉં હવે કૈં પણ થવાનો થાક લાગે છે
૪.
અળખામણું કશું ક્યાં? બધું ચાહવું રહ્યું
મ્હારો જ અંશ લાગતું આખુંય જગ મને
૫.
જીવનનું પૂછતા હો તો નિરંતર યુદ્ધ છે કિંતુ
સતત રક્ષા કરે છે કોઈ એ અહેસાસમાં જીવ્યો
૬.
પ્રવાસી થૈ રહે મન બે દિવસ તો મૂલ્ય છે અઢળક
હિમાલયનું નિવાસી થાય તો કિંમત નથી થાતી
૭.
માણસ તો ઠીક પંખી ને પશુ પ્રત્યેય પણ
તું કરૂણાવશ રડે એ ખૂબ મોટી વાત છે
૮.
લાગણીશીલ કોઈ જો દેખાય તો ગુન્હો બને
સર્વસંમત યંત્રવત્ જીવી જવા ખરડો થયો
૯.
આભમાં ઊડવાના ગુન્હાસર
પંખીઓ ધક્કા ખાય કોરટમાં
૧૦.
ક્ષર દેહ લઈને ‘મિસ્કીન’ અક્ષરને ઉપાસું છું
કાગળમાં જીવી લેવું આ પણ ઉપાસના છે
૧૧.
તું હયાતીમાં કદી ઠારી શક્યો ના જેમને
વ્યર્થ ગંગાઘાટ પર અસ્થિ લઈ ફરતો રહ્યો
૧૨.
ક્યાંક ઘર છોડી, અને ચાલ્યા જવાનું થાય મન
જાવ, તો પાછા તરત બોલાવતી ઘરની તરસ
૧૩.
એક સાવ અણસમજુ અને એક સમજતો સઘળું
સાવ સહજ થઈ ‘મિસ્કીન’ બેઉને નિભાવે છે
૧૪.
સૌ ઉછીના પારકા રંગો વસૂલ કરશે ઘણું
ભીતરી રંગે જ રંગાવું સરળ – સસ્તું પડે
૧૫.
મઝહબનું નામ કેવળ આતંક છે પળેપળ
આસ્તિક છું પરંતુ ઈશ્વરથી ધ્રૂજી જઉં છું
૧૬.
અટપટા અઘરા  જ જણ ચાલી શકે આ દેશમાં
તું સરળ છે તો સરળ રસ્તેય ઠોકર લાગશે
૧૭.
બધાયે અંધકારનો એક દશકો અહીં હોય છે
બધા જિંદગીભર નમે-કરગરે એ જરૂરી નથી
૧૮.
સુખદુઃખના કૈં હજાર અવસર, જૂના ફોટા-કાગળ-પત્તર
બધું ધસી આવે છાતી પર જૂની જ્યાં અલમારી ખૂલે
૧૯.
ઉદાસ ડાળ પછી સાંજ લગ રહી રડતી
ઘડીક કોઈ થયું ખુશ ફૂલ તોડી લઈ
૨૦.
કોઈ ઘરડું થઈ જતું તો કોઈ બાળક રહી જતું
સૌ યુવાનોમાંય ક્યાં સરખી યુવાની હોય છે
૨૧.
જીવનનો સાર છે એક જ સહજ હરપળ વહી જાવું
નદીની જેમ હું સઘળું સ્વીકારી લઈને જીવું છું

~ રાજેશ વ્યાસ મિસ્કીન

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. એક સાવ અણસમજુ અને એક સમજતો સઘળું
    સાવ સહજ થઈ ‘મિસ્કીન’ બેઉને નિભાવે છે
    વાહ
    તેમના ઉપનામ “મિસ્કીન” નો અર્થ ગરીબ માણસ થાય છે.