રુદ્રમહાલય (કાવ્ય) ~ ઝલક દિનેશભાઈ પટેલ

જ્યારે જ્યારે કોઇ સિદ્ધપુર નિવાસી એની ઉપર મીટ માંડે છે,
ઊભેલાં એના હાડપિંજર એની બુલંદીનો દાવો માંડે છે,
રસિકતા વિનાની દ્રષ્ટિઓ તો એને કોરેલો પથ્થર માને છે,
પણ રસિકજનોને એનું ખંડન જાણે અસ્તિત્વોને દઝાડે છે.
કોતરણી કરનારા તો અમર થઈ બેઠાં એમ માન્યું,
પણ; 
તોડનારા હજુય માથા પર જોરથી હથોડા પછાડે છે. 
અતુલ્ય હતો જ્યારે એ ઊભો હતો,
આજે પણ ક્યાં એ હાર માને છે?
રુદ્ર હતો ભીતરમાં એની,
તોય ક્યાં એ હાય લગાડે છે?
હશે કેટલીય કર્પૂરમંજરીઓ મંડોવરોમાં શોભતી,
ને વળી,
હું તો જોઉં છું સ્વપ્નમાં
કેટલીય સદ્યસ્નાતાઓ, શુચિસ્મિતાઓ
અને
અપ્સરાઓ કેરાં શિલ્પો,
એમાં પેલી શાલભંજિકાઓ કેટલુંય ખોટું લગાડે છે,
આવા બડભાગીની કમનસીબી પણ અચરજ જગાડે છે.
કરું છું પૂજા હજી પેલી જાળીની બહારથી જ હાથ જોડી,
શ્રદ્ધા છે : 
આ ખંડેર હજુ પણ પ્રાર્થના રુદ્રને પહોંચાડે છે.

~ ઝલક દિનેશભાઈ પટેલ
૦૩/૧૦/૨૦૧૯, સિદ્ધપુર

પઠન : કવયિત્રીના અવાજમાં

2 comments

 1. આ ભવ્ય રૂદ્ર મહાલય આપણી સંસ્કૃતિની ધરોહર છે. એની ખંડિત દશા જોઈને સંવેદનશીલ કવયત્રિના મનમાં સંવેદના ઉભરાઈ હશે ને આ કાવ્ય કૃતિ મળી. ખૂબ સરસ.

 2. એમાં પેલી શાલભંજિકાઓ કેટલુંય ખોટું લગાડે છે,
  આવા બડભાગીની કમનસીબી પણ અચરજ જગાડે છે.
  કરું છું પૂજા હજી પેલી જાળીની બહારથી જ હાથ જોડી,
  શ્રદ્ધા છે :
  આ ખંડેર હજુ પણ પ્રાર્થના રુદ્રને પહોંચાડે છે.

  વાહ
  કવયિત્રીના અવાજમાં મધુર પઠન :

Leave a Reply to pragnaju Cancel reply