કોણ એમને પહેરાવે ભલા જરકસી જામા (ગઝલ) ~ અમૃત ઘાયલ

કોણ એમને પહેરાવે ભલા જરકસી જામા, 
કે દેવ આ મંદિરના છે મિસ્કીન* સુદામા !

સાચે જ હરીફોના છે ડરપોક ઉધામા, 
એ જાસા લખે છે તો ખરા કિન્તુ નનામા !

ફૂલોને નિહાળ્યાં તો કશું ધીમેથી બોલ્યું,
મારે ય જીવનમાં હતા આવા જ વિસામા.

નીરખવી ઘટે ઠીબને પંખીની નજરથી,  
નાચીજ સંબંધો ય નથી હોતા નકામા.

નખ એમ તો વધવાની કદી ના કરે હિંમત, 
લાગે છે ફરી રૂઝ પર આવ્યા છે ચકામા.

આપણને નહીં આવશે અહીંયાની હવા રાસ, 
મન ચાલ કશે દૂર જઈ નાખિયે ધામા.   

‘ઘાયલ’ જે હતા કાલ લગી મારા કહ્યામાં, 
બાંયો ચડાવી આજ એ પણ થાય છે સામા.

~ અમૃત ઘાયલ 
(મિસ્કીન = ગરીબ)

સાભાર – પ્રો. સિન્ધી , પાલનપુર

3 comments


 1. કવિશ્રી અમૃત ઘાયલની સુંદર ગઝલ
  કોણ એમને પહેરાવે ભલા જરકસી જામા,
  કે દેવ આ મંદિરના છે મિસ્કીન* સુદામા !
  મજાના મત્લા યાદ અપાવે
  ज़ेहाल-ए-मिस्कीं मकुन तग़ाफ़ुल
  दुराये नैना बनाये बतियाँ
  कि ताब-ए-हिज्राँ न दारम ऐ जाँ
  न लेहु काहे लगाये छतियाँ
  अब जुदाई की ताब नहीं है मेरी जान
  मुझे अपने सीने से क्यों नहीं लगा लेता
  महबूब के दीदार के दिन की ख़ुशी में
  जिसने इतना लम्बा इंतज़ार कराया है, खुसरो

 2. લાગે છે ફરી રૂઝ પર આવ્યા છે ચકામા……. ક્યાં બાત હૈ… ઘાયસ સાહેબ….. સુપર્બ….

Leave a Reply to Vipul Pandya Cancel reply