પરફેક્ટ મધર ~ નંદિતા ઠાકોર ~ કટાર: ફિલ્ટર કૉફી

 

એક પુસ્તક છે- The myth of the perfect mother. શીર્ષક વાંચીને જ મગજના એન્ટેના ઊભા થઇ જાય. પરફેક્ટ મધર એટલે શું? એ નક્કી કોણ કરે? અને એના આધારે કે અન્ય કોઈ નિયમને અનુસરીને કે એના વગર પણ કોઈ મા પરફેક્ટ છે કે નહીં તે પણ કોણ નક્કી કરે?   

આપણા સામાજિક  માળખાએ, આપણી  જીવનરીતિએ, આપણી કેટલીક ધર્મ સાથે સંકળાયેલી સમજે વ્યક્તિના વર્તનના કેટલાંક ચોક્કસ નિયમો ઘડી કાઢ્યા છે. આવા નિયમો કંઈ એક દિવસમાં નક્કી નહીં જ થયા હોય કે કોઈ એકાદ બે વ્યક્તિએ નક્કી ના જ કર્યા હોય. પણ માનવસમાજ અને કુટુંબ વ્યવસ્થા જેમ જેમ એક નિશ્ચિત માળખામાં ગોઠવાતી ગઈ હશે તેમ તેમ કેટલીક વાતો આપોઆપ નક્કી થતી ગઈ હશે. ક્યાંક સમાજની,કુટુંબની,સ્થળ કે સમયની અને છેવટે પરિસ્થિતિની માંગ પ્રમાણે આવાં  માળખાઓ એક ચોક્કસ રૂપ પકડતા રહ્યા અને એ જ પ્રમાણે ઘડાતી ગઈ આપણી માનસિકતા. આપણી સમજ.    

એક માનો રોલ શો હોય, કેમ હોય, કેટલો હોય વગેરે પ્રશ્નોની ચર્ચા અસ્થાને છે, પણ મને જે શબ્દ ધ્યાન ખેંચનારો લાગ્યો તે છે ‘પરફેક્ટ’. કોઈ પણ મા પરફેક્ટ છે એ કઈ રીતે નક્કી થાય?   

મને તો હંમેશા એમ લાગે કે ‘મા’ શબ્દ એકલો જ પૂરતો છે. અને પરફેક્ટ જ છે. વ્યક્તિ જયારે મા બને છે ત્યારે પોતાના સંતાન માટે જે શક્ય છે તે રીતે સઘળું ઉત્તમ જ કરે ને? મા હોવાના અર્થમાં એટલું બધું ભરેલું છે કે એને છૂટું પાડીને ગણાવી જ ન શકાય. અને આ બધું ચાલતું રહે પોતે જીવે ત્યાં સુધી. સંતાન ગમે તેટલું મોટું થાય, મા તો મા રહે જ છે. એની સમજ, આવડત, રીતભાતમાં ફર્ક હોઈ શકે, એના મા હોવાપણામાં નહીં., પણ સ્ત્રીને સન્માનવાની  માત્ર ઉપરછલ્લી વાતો કરી શકનાર સમાજે સહેલો રસ્તો શોધ્યો મા અને માતૃત્વને સન્માનવાનો. વર્ષોના વર્ષો સુધી સ્ત્રીએ આ સન્માનને હોંશે હોંશે વધાવ્યું. એક સ્ત્રી તરીકે કે એક વ્યક્તિ તરીકે જેની કિંમત કોડીની ય ન હોય એના મા હોવાપણાને બહુ સરસ રીતે ગ્લોરિફાય કરાયું અને સ્ત્રીઓ ખુશ થઇ ગઈ. થતી રહી. આજેય થાય છે.

શું દેશમાં કે શું વિદેશમાં-સ્ત્રીને આ માન્યતા અને માનસિકતામાં એવી તો સજ્જડપણે બંધ કરી દેવાઈ છે કે એ મા તરીકે જ વિચારે છે, વ્યક્તિ તરીકે નહીં, સ્ત્રી તરીકે પણ નહી. ઊલટાનું સ્ત્રીને પોતાને ય એ જ સાચું લાગે છે, એ માન્યતામાં એ ગૌરવ અને ગર્વ અનુભવે છે અને એક યા બીજી રીતે આ માન્યતાને એ બહાલી આપતી રહે છે.    

સંતાનના સુખ ખાતર કૈં પણ જતું કરી શકે, સહી શકે, છોડી શકે એ દરેક મા માટે સહજ સ્વાભાવિક વાત છે પણ પોતે મા છે એટલે પોતે આમ જ કરવું જોઈએ, પોતાને ભૂલીને જ જીવવું જોઈએ, સંતાનની (અને ફોર ધૅટ મૅટર કુટુંબની પણ) બધી જરૂરિયાતો 24/7 પૂર્ણ કરવાનું જ પોતાનું કર્તવ્ય છે, જિંદગીનું બધું સુખ આ જ છે, આમ જ છે એવું પોતાને મનાવીને જીવતી સ્ત્રી જ ‘પરફેક્ટ મધર’ ગણાય! પોતાની જાતને કોરે મૂકીને, વ્યક્તિ તરીકે પોતાને સાવ વિસારે પાડીને સંતાનો માટે દોડતી,પડતી આખડતી, સહેતી, વેઠતી મા એટલે ‘પરફેક્ટ મધર’!      

હું ના કરું તો બીજું કોણ કરે એવા મિથ્યાભિમાનમાં રાચતી મા ઘણીવાર જાણે અજાણે સંતાનની જિંદગી જીવે છે, જીવવા માંડે છે ત્યારે આપણો સમાજ એનાથી અભિભૂત થઇ જાય છે! એવા લોકોને ‘સારી મા’નું  લેબલ તરત જ મળી જાય. અને આવું લેબલ એ જ જીવનની ઈતિશ્રી એવું આવી સ્ત્રીઓ માને છે, અને બાકીનો નવ્વાણું ટકા સમાજ એને બહાલી આપે છે.    

જૅઈન સ્વિગાર્ટ એના પુસ્તક ‘ મીથ ઑફ એ પરફેક્ટ મધર’માં આ વાત કરે છે. જુદું દ્રષ્ટિબિંદુ મૂકે છે, લોકો સાથેની વાતોના અંશો પણ વહેંચે છે અને આપણને વિચારવા માટે મજબૂર કરે છે કે શું આપણે પણ આ પરફેક્ટ મધર સિન્ડ્રોમના ભોગ તો નથી ને? વર્ષો જૂની રૂઢિગત માન્યતાઓ, વિચારો, આદતો અને ભ્રામક ધોરણોને અનુસરીને ચાલવા માટે સમાજને દોષી ઠરાવવા કરતાં સ્ત્રીને પોતાને જ દોષી ઠરાવી શકાય એવું વારંવાર દેખાય છે.

ઘણી સ્ત્રીઓને આ વાત સમજાવી શકાય એમ જ નથી કે એક સ્ત્રી તરીકે કે વ્યક્તિ તરીકે પોતાની જાતને, જીવનને, ગમા અણગમા , જરૂરતો, પસંદ-નાપસંદને પણ સરખું મહત્વ આપવાથી કે એ રીતે જીવન જીવવાથી કોઈ મા ખરાબ મા નથી થઇ જતી! પણ આપણને  તો શીખવવામાં આવ્યું છે જરાક જૂદું અને એટલે દેશમાં જ નહીં  વિદેશોમાં પણ આ પરફેક્ટ મધર સિન્ડ્રોમથી પીડાતી ભણેલી ગણેલી સ્ત્રીઓ ઘેર ઘેર જોવા મળે છે.    

એક મા તરીકે મારી ફરજો, મારી પાસેથી રખાતી અપેક્ષાઓ કે મારી પોતાની સમજ અને જરૂરત મુજબ પોતાની કામગીરી હું શક્ય તેટલી સરસ  નિભાવું જ-કારણકે હું મા છું, અને મારાં સંતાનો માટે જે કરવું યોગ્ય લાગે તે કરું જ એમાં હું કોઈ ધાડ નથી મારતી-પણ એક વ્યક્તિ તરીકે પોતાને ભૂલીને કે બાજુએ મૂકીને ‘પરફેક્ટ મધર’ ગણાવાનું પસંદ કરું એમાંની હું તો નથી જ. તમે છો? 

~ નંદિતા ઠાકોર 

Leave a Reply to dave amitaCancel reply

2 Comments

  1. – સર્વેક્ષણમાં વ જણાવાયું હતું કે, ૧૦ પૈકી એક મહિલાએ સ્વીકાર્યું હતું કે, તેમને પોતાના માટે જ સમય નથી, જેટલો એક સમયે તેમની મમ્મીઓને હતો. ૧૦ પૈકી નવ સ્ત્રીઓ બાળકોને માત્ર ૧૪૫ મિનિટ આપી શકતી હોવાથી મનમાં નાનપ અનુભવાતી હતી, અપરાધભાવ અનુભવાતો હતો. અડધો-અડધ મહિલાઓએ ચાઇલ્ડ કેર માટે દાદી પાસેથી સૂચનો માગ્યા હતા. ‘પરફેક્ટ મધર’ બનવાનું દબાણ મમ્મીઓ એકબીજા સાથે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના લીધે એકબીજા સાથે સંપર્કમાં રહી શકતી હોવા છતાં સૂચનોની આપ-લે કરી શકતી હોવા છતાં એ પણ હકીકત છે કે, બધી મમ્મીઓને ઓછા સમયમાં પણ ‘પરફેક્ટ મધર’ બનવાનું સ્ટ્રેસ હોય છે.
    બધી મધર પરફેક્ટ મધર જ હોય છે સંજોગ અને દરેકની દ્રુસ્ટિ પર પરફેક્ટ મનાય
    હું પરફેકટ મધર જ નહી પરફેકટ ગ્રાન્ડ મધર છું

  2. હા, સાચી વાત છે. હું પણ પરફેક્ટ મા નથી. અને કદાચ હું તો એમ કહીશ કે કોઈ પણ વસ્તુ પરફેક્ટ હોવી જ જોઈએ એવો આગ્રહ શા માટે રાખવો જોઈએ. ‘ મા ‘ એ ‘મા’ છે, અને સાથે એક સ્વતંત્ર ધરાવતી વ્યક્તિ પણ છે એટલે એ બાબતને ભૂલી કઈ રીતે શકાય?