આ ઘેર પેલે ઘેર (વાર્તા) ~ જયંતિ દલાલ

(વાર્તા શિબિરના ભાગ રૂપે વાંચવાની વાર્તા)

સાંડસીમાં ભરાવેલી વઘારની વાટકી ન જાણે શી રીતે છટકી તે દાળમાં છમકારો બોલાવવાને બદલે કકડેલું તેલ જમીન પર પડ્યું. સવિતા પણ દાઝતાં માંડ માંડ બચી ગઈ. એકાદ છાંટો તો ઊડ્યોય ખરો. પણ એનું ધ્યાન એમાં ન હતું. રગડીને આગળ ગયેલી વાટકીએ કરેલો અવાજ, એની આળી યાદદાસ્તમાં એક બીજા પ્રસંગને ઉપસાવી ગયો…..!

પણ એ હતી સ્ટેનલેસ સ્ટીલની વાટકી. થાળીમાં પીરસવા જતાં ચમચો એ વાટકીને અડ્યો હતો અને કેવો મીઠો રણકાર ગુંજી રહ્યો હતો! વાટકી નવી હતી. વાસણ નવાં હતાં. અમેય નવાં જ હતાં ને!

સવિતાના મને એને ના પાડી દીધી. જે બની ગયું હતું એની યાદને વાગોળ્યા કરીશ તો અંતે એમાં મીઠાશ નહીં રહે. ઊલટાનું મન બળશે. અને અત્યારે વળી મનને વધારે બાળે છે?

પણ… પણ…. એ યાદ આવી જાય એને કરવું શું? ભૂલી જાવ એમ જાતને કહેવું કેટલું સહેલું છે? બીજાને શિખામણ દેવા કરતાંય સહેલું. પણ આચરવું કેટલું મુશ્કેલ છે? ભૂલવું મુશ્કેલ છે? શું ભૂલવું? ક્યારે ભૂલવું? કેટલું ભૂલવું?

ઊભી થઈને સવિતાએ વઘારની વાટકીની કોર પાછી સાંડસીમાં દબાવી. પણ — મનને દબાવવા, ઊછળી પડતી યાદને દબાવવા, ક્યાંથીય શું લાવવું?

પેલે ઘેર…

જેવો મનમાં શબ્દ ઘડાયો એવી જ આખા અંગે ધ્રુજારી આવી ગઈ. પેલે ઘેર! કેવી વિચિત્ર વાત હતી! કૉલેજના દિવસોમાં પ્રાધ્યાપકે ચૂંટાવેલી વ્યંજના પણ આટલી કાતિલ, મર્મભેદી હોઈ શક્ત? ત્યારે આ ‘પેલું’ ઘર હતુંઃ આજે પેલું ‘આ’ ઘર બન્યું!

ઘટાદાર ઝાડ ઘટાને પોતાની શોભા અને વિશેષ તો શોભાથીય પોતાનો પરમ રક્ષક માને છે. પણ પેલો બેશરમ અને દયાહીન પવન ઘટાને પીંખીને કેવો ડાળ ડાળને હલમલાવીને સીધો થડ પાસે પહોંચી જાય છે! આછાં કે ઘેરાં સ્પંદન જગાવી પવન તો પાછો બીજા કો’ક સાથે ટોળતોફાન કરવા નીકળી પડે છે. પણ શોભા, સ્વસ્થતા અને સુરક્ષા બધુંય ગુમાવી બેઠેલા ઝાડનું શું?

સવિતાને પણ આવું જ લાગ્યું. મનમાંકડું કઈ ડાળેથી ક્યાં કૂદશે એનો ક્યારે કોઈનેય અણસારો પણ લાધ્યો છે કદી? એને વિક્રમ યાદ આવ્યો.

આ જ કૂખમાં એનાં અસ્થિ બંધાયાં. અધૂરે અવતર્યો. મા કે દીકરાની કોઈનીય આશા ન હતી પણ બંને જીવ્યાં. અને આજે? વિક્રમે પોતે પુલિન સાથે રહેવાનું નક્કી કર્યું. સગી જનેતાથી દૂર. નવી મા પાસે. અને પાછું કેવું બોલ્યો?

‘પેલે ઘેર જઉં તો આ ઘેર ન અવાય, પણ આ ઘેર રહું તો પેલે ઘેર તો જવાય જ ને!’

સ્વાર્થી કહેવો એને? હજી તો માંડ દસ વર્ષ થયાં છે એને. અને પુલિન સાથે ઘરસંસાર માંડ્યે પોતાને પૂરાં બાર…

સળવળેલી સ્મૃતિ જાણે દઝાડતી હોય એમ સવિતાનું અંગેઅંગ કંપી ઊઠ્યું. શું કામ આ યાદ કરું છું? ઓછી બળેલીજળેલી છું તે પાછું આ ઝેરી નાગના ડંખને યાદ કરું છું?

પણ હું ક્યાં મારા મનની માલિક છું?

ઘરસંસાર!

ના, ના, ના; નથી યાદ કરવું એ બધું મારે. પતી ગયું. જેને સુખ માન્યું હતું તેય વીતી ગયું. રાગ અને દ્વેષ, આનંદ અને વેદના, તૃપ્તિ અને અબળખા — બધુંય વીતી ગયું. આકાશના તસુતસુને ડારતાં-ડરાવતાં, કાળાંભમ્મર પાણીભર્યા વાદળથી છાઈ દેતો મેઘ મન મૂકીને વરસે છે ખરો, પણ પછી તો અવકાશને સ્વચ્છ, નીતર્યો, ડાઘ વગરનો, મોકળો મૂકીને ચાલી જાય છે. જિંદગીમાં મેઘની ખેલદિલી ક્યાં હોય છે? હા, સમસ્ત ચેતનને એ ઘોર કાળાં વાદળથી ભરી દે. પણ મન મૂકીને વરસતાં એને કયારે આવડ્યું છે? એકાદ વાદળીના છાંટા વરસી જાય. વરસે ત્યારે અનરાધાર મેઘ લાગે, પણ વરસાદનાં બુંદ મૂરઝાયેલી અને તપેલી ધરતી પર દયાવર્ષણ કરે ન કરે, પણ મેઘ તો એમનો એમ જ ડારતો અને ડરાવતો ઝૂકેલો હોય. કાળાં, ધૂંધળાં, હામ અને હિંમતને ભાંગી દેતાં, ચેતનને ગૂંગળાવતાં, ભાનને ભુલાવતાં, સૂધસાનને મૂરઝાવતાં વાદળાં….

ત્યારેય વાદળ ન હતાં એમ ન હતું. મુસીબતો તો ત્યારેય હતી. પણ દિલ જુવાન હતું. જુવાનીને જેબ દે એવી પ્રેમની હૂંફ હતી. પુલિનને પણ પોતાને માટે પ્રેમ હતો. બધું જ હસું હસું થતું લાગતું હતું. પુલિને જ એક વાર કહ્યું હતું ને?

‘પેલું બોરસલીનું ઝાડ જોયું? પાંદડે પાંદડે લાખ લાખ ફૂલ હશે, પણ એ રાહ જોઈ રહ્યાં છે પવનની આછી ફૂંકની…’ પવનની આછી ફૂંક! પથ્થરમાં પ્રાણ પૂરે એવી જિંદગીની, ચેતનની આછી ફૂંક….

પણ આ જીવ બાળવાનો ધંધો શું કામ માંડીને બેઠી છે? વીતેલાં સુખનું સ્મરણ મીઠું છે એવું તો કો’ક કાચો, શબ્દનો અર્થ ન જાણનાર બિનઅનુભવી, જોડકણાં જોડનાર જ કહી શકે. સો સો રાજવંશી કાળા નાગના ડંખનું ઝેર, સુખે ગાળેલી એક જ પળની સ્મૃતિમાં ભર્યું છે, એ કડવા સત્યને ન જાણનાર ગપોડી જ એમ કહી શકે!

વીતી ગઈ એ વાત. બદનામ થઈને ઘેર બેઠેલો અમલદાર શું ઘરની દીવાલ પર અમલદારી કાળની છબીઓ લટકાવી રાખશે? ઊતરી ગઈ તું. ઘેર બેઠી તું, બદનામ થઈને. પુલિને તને ફારગતી આપી. તારા પરનું હેત ઊતરી ગયું. લાખ લાખ ફૂલને ઝુલાવતી ડાળી એમ ને એમ જ રહી, પણ પવનની ફૂંક ન લાગી. એ તો બીજા ઝાડની ડાળીને ફૂંક મારવા, એ ફૂલ ખેરવવા જતો રહ્યો.

અને લાખ લાખ ના કહ્યા છતાંય સવિતાની સ્મૃતિમાં પેલો પ્રસંગ ઊપસી આવ્યો, ઘનશ્યામ વાદળ આછી વીજરેખાને ઉપસાવી આપે છે એમ.

પણ મનના એકાંતમાંય એને યાદ કરું? વિક્રમના જન્મ પહેલાંની વાત. જન્મ પહેલાંની કહીને વાતને ટાળે છે કેમ, ભૂંડી? એ જ, એ જ ઘડીને? વિક્રમ ત્યારે જ રહ્યોને? બોડિસ–કપડું ય પહેરાય એવું રહ્યું ન હતું. ભૂલી જા, સાવ ભૂલી જા.

હા, ત્યારે પુલિન મને વીજળી કહેતો. વીજળીનું શું થયું હતું વીજી વીજી! ના, ના. બીજી, બીજી!!

પણ, ત્યારે તો પુલિન પૂરા વીસ દિવસ ઘેર ન હતો. બહારગામ ગયો અને પછી મુશળધારે બારે મેઘ તૂટી પડ્યા હતા. નદીનાળાં બધાં ઊભરાયાં. પુલ તૂટ્યા, મકાનો તૂટ્યાં, ગાડીઓ અટકી ગઈ. અને એ હેમખેમ ઘેર આવ્યો. એ જ રાતે એણે મને વીજળી કહી. કયાંકની મને પહેલી ક્ષણે જ જાણ થઈ. ના, ના, ખાતરી થઈ. અને મેં પુલિનને કહ્યું પણ ખરું, પણ એ તો તોફાને ચડ્યો હતો! ‘જે હોય તે.’ એને બીજું સાંભળવાનીય ક્યાં પડી હતી? ‘અને રહે તો વાંધોય શું છે?’ કયા કાળે મારી જીભે પુછાયું:

‘જિંદગીની છેલ્લી ક્ષણે શું ઇચ્છે તું? અને કેવો જૂઠો, ખોટો, લબાડ જવાબ વાળ્યો એણે, હોઠ પર ચોડીને? ‘આ.’ ત્યારે તો કેવું મીઠું લાગેલું?

પાજી હતો પુલિન!

કોળિયો હાથમાં જ તોળાતો રહી ગયો. સવિતાને ત્યારે જ ખ્યાલ આવ્યો. વઘારની વાટકી સરકી અને પોતે વિચારે ચડી. એની એ જ વાતો. એના એ જ શબ્દ. પોતે રાંધ્યું ક્યારે? થાળી ક્યારે કરી? જમવા ક્યારે બેઠી?

બધુંય એવું જ ને! જિંદગીનું પણ એવું જ ને? કયારે રાંધ્યું? અને શું રાંધ્યું? જવા દે એ વાત…

પુલિન લબાડ હતો. ઢોંગી, ફરેબી, ધુતારો, છેતરી પોતાને. ભમરાની જાત. ધંધો જ ફસાવવાનો.

‘આ શું છે તમારું?’ મેં પૂછ્યું હતું. ‘કેમ વળી, શું છે મારું?’ ‘મનીષા કોણ?’ ‘કોણ મનીષા?’

‘સીધું કહેવું છે?’ પણ સીધું પૂછો તો ખરાં?’

‘સીધું જ પૂછું છું. કોણ છે આ મનીષા? અને એને ને તમારે શું છે?’

તું શું માને છે?’

અને પોતાનાથી તો એક અક્ષરે ન બોલાયો. શું બોલે પોતે?

એટલે પેલા સતા થયા.

‘તું જ કહે ને? તું જ શું માને છે? પાગલ, મારી મનીષા તો આ મારી સામે બેઠી. ગામની મનીષાને મારે શું કરવી છે?’

આજે જવાબ દેવાનો હોય તો કહું: ‘ઘરમાં ઘાલવી છે.’ પણ ત્યારે તો એણે ચિબુક પકડીને આંખમાં આંખ પરોવી અને ત્યાં વિક્રમ અંદર દોડતો આવ્યો અને આંખ ભરીને જોઈ રહ્યો. પછી પૂછે: ‘ભાઈ, તમેય ફિલમ જોઈ આવ્યા? ફિલમમાં આવું જ આવે છે! પેલો દીનદયાળ છે ને, તે માલતીદેવીની દાઢી આમ જ પકડે છે…’

દીનદયાળ અને માલતીદેવી! હં.

‘સવિતા, મારે તને કાંક કહેવું છે.’

વરસેક પછીના અબોલા પછી એ પહેલી વાર મારી સાથે બોલ્યો. મેં કહ્યું: ‘કહો.’

‘તને નથી લાગતું કે આમ જીવવા કરતાં આપણે છૂટાં થઈએ એ વધારે સારી વાત છે?’

તમને એમ ઠીક લાગતું હોય તો મને વાંધો નથી.’ હું એમ બોલેલી. ખરું જ કહેને બાઈ! જાત આગળ પણ ઢોંગ શા સારુ કરે છે?

અને પુલિને કહ્યું: ‘તમને ગમે તે ઘર રાખો. આ ઘર કે પેલું ઘર.’

મને ગમે તે ઘર. ઘર! ટાઢ, તાપ અને વરસાદમાં માથે ધરે, એવું ઘર.

‘પણ આમ શા સાર?’ હા, મેં કળકળતા હૈયે પૂછ્યું હતું. મારો કશો દોષ થયો હતો? વાંક હતો મારો? મારું મન બગડ્યું હતું? કોઈનાય સામે મેં નજર સરખી પણ નાખી હતી? હીરામાણેક માગ્યાં હતાં? હઠ લીધી હતી? આપ ને મને જવાબ?

સાવ નઠોર રીતે એણે મને જવાબ આપ્યો: ‘સવિતા, મારું મન ઊઠી ગયું છે.

મન ઊઠી ગયું છે એટલે? બીજે લાગ્યું છે એમ જ ને? કશું કારણ? શું ઓછું પડ્યું?

‘બોલો, કયું ઘર લેવું છે?’

હું આ હવેલાં જોઈને આવી હતી અહીંયાં? ઈંટ, માટી અને છજા-ઝરૂખા જોયાં હતાં મેં?

‘રોકડ-ઘરેણાં છે અને જેટલું જોઈએ એટલું લઈ લો.’ અને મારે મોંએથી નીકળી ગયું: ‘વિક્રમ!’

‘એને જ પૂછો. એની ઇચ્છા હોય એમ.’

‘તમારી શું ઇચ્છા છે?’

‘કઈ બાબતમાં પૂછો છો?’

‘મને દૂર કરીને…’

‘હા. કહી દઉં તમને. હું મનીષા સાથે…’

બસ બસ બસ. ન બોલતા આગળ. પાજી, નફટ, બેશરમ. વિક્રમને અમે બોલાવીને પૂછ્યું. અમારા બેની વાતમાં ત્રીજો જો કોઈ આવ્યો હોય તો એક વિક્રમ જ.

પણ એ તો વિચિત્ર નીકળ્યો. મને પૂછે: ‘તું ક્યાં રહીશ?’

જો એ આ ઘેર રહેશે તો હું પેલે ઘેર રહીશ.’ એ. એ. એ. ‘પણ તું આ ઘેર રહે અને હુંય આ ઘેર રહું તો તો પછી પેલે ઘેર ન જવાય ને?’

‘ના, ન જ જવાય. જવા પણ ન દઉં, અને શું કામ તું નકટો થઈને ત્યાં જાય? લાજશરમ ન હોય તો કાંઈ નહીં પણ મને આમ દગો દેનાર સાથે….’

‘પણ હેં મા, હું પેલે ઘેર રહું તો તો તારે ત્યાં, આ ઘેર, અવાય ને?’

ન હતો, મારી પાસે કશો જવાબ ન હતો. પવન ધૂળને ચક્રાવે ઘુમાવી ડમરી ચડાવે છે. ઊંચે અને ઊંચે ફંગોળે છે. પણ ભીતરમાં તો હોય છે શૂન્ય અવકાશ!

હું આ ઘેર અને પેલો પેલે ઘેર. ઘરેણાં, ઘર, રોકડ..

ચીંધ્યું ત્યાં સહી કરી આપી. મનમાં એટલો ગુસ્સો હતો કે જાત બળતી હતી. નાલાયક, દુષ્ટ, લબાડ, નફટ, બેશરમ. અને કેવાં પાછાં ફરે છે? વિક્રમ કહેતો હતો….

પણ તું શું કામ આ બધું યાદ કરે છે? તું એને મનથી ઊતરી ગઈ. કાશ ટળી. ખેલ ખતમ થઈ ગયો. બળ્યું એનું મોં. અને તારે તો આમ થવાની જરૂર જ હતી. ગજા વિનાની હૂંફાત. બધાંની ના છતાં તું એ કાળમુખા પર મોહી પડી એવી કે મા, બાપ અને બધાને છોડી ભાગી ગઈ અને એને પરણી બેઠી. આજે એ જ રૂપાળો ફૂલફટાકિયો તને ઊભે રસ્તે મૂકીને બીજી ડાળે બેઠો. આ એનો પ્રેમ? અને એ મનીષા તારા કરતાં રૂપાળી છે? ગોરી? નથી વાનનું ઠેકાણું. હા, લપઝપ બોલતાં આવડે છે અને ઘાયલ કરતાં આવડે છે. છે ભૂંડી નટડી.

અને બહારથી ઘાંટો સંભળાયો. ‘માઆઆ.’

આ તો વિક્રમ.

‘રમવા જતો હતો ત્યાં તરસ લાગી, તો મનુને કહ્યું કે આ ઘેર પાણી પી આવું.’

ન સામું જોયું. ન ખાવાનું ધર્યું તે ખાધું. પોતાને જ હાથે પાણી પીને જતો રહ્યો.

આ વિક્રમને ‘આ ઘેર’ અને ‘પેલે ઘેર’ ન કરવાનું ન કહી શકાય?

પણ છોકરાનું કાળજું ક્યાં ઠેકાણે છે? એનું કાળજું ઠેકાણે હોત, અને આ મા માટે એને લાગણી હોત….

કેવી નઠોર થઈ ગઈ છે તું, સવલી? દીકરા જેવા દીકરા માટે પણ કેવો ખ્યાલ થઈ ગયો છે તારો? દીકરો પારકો થઈ ગયો છે એમ કહ્યા કરે છે તું.

શાંત સરળ વહેતાં નદીનાં પાણી સામે બંધ બાંધવાની સહુ વાત કરે છે. ઊછળતાં મોજાંવાળા ધસમસતા પૂર આડે બંધ બાંધવાની કેમ કોઈ વાત સરખી પણ નથી કરતું?

એ તારો દીકરો છે. તારાં હાડચામમાંથી એનાં હાડચામ રચાયાં. તારા લોહીમાંથી એનું લોહી.

વળ. મન, હજુય પાછું વળ.

કેવું સારું થાય, મનમાં કશો જ વિચાર ન આવતો હોય તો? આ શબ્દ? ભલા થઈને વિચારોને આકાર આપવાનું છોડી દો. છોડી દો.

પણ તું બીજાને શા સારુ વિનવણી કરે છે! તારા પોતાના અધિકારની વાત કરવી નથી અને બીજાને પાયલાગણાં કરવાં છે!

અધિકાર!

ના. ના. હું અધિકારની વાત નથી કરતી. હક્કદાવાની વાત પણ નથી કરતી. મારી જિંદગીને એમ મારે હટાણામાં ખરીદ-વેચ માટે મૂકવી નથી.

પુલિન માટે તમે રોષ છે. તારા મનનાં મલોખાં એણે તોડી નાખ્યાં માટે એ લબાડ થયો?

કેવા ભયંકર વિચાર કરે છે તું સવિતા? તારી જિંદગી એણે ધૂળમાં મેળવી. એને તું લબાડ-બદમાશ નહીં કહે તો કઈ રીતે નવાજીશ?

પણ તું એને… શું હું નહોતી કહેતી? શું સમર્પ્યું ન હતું તેં? મેં? આજે તું એનો લેનાર અને તું દેનાર એમ કેમ વિચાર કરે છે? જિંદગીમાં કોઈ કોઈનેય શું આપે છે? અને શું લે છે?

કેમ વળી મારું યૌવન, મારું સ્ત્રીત્વ, મારું મન, મારો દેહ, મારું સર્વસ્વ, સમસ્ત જીવન….

આપ્યું. તેં બધું જ આપ્યું. સમજીને આપ્યું. હૃદયપૂર્વક આપ્યું. કશીય દિલચોરી વિના આપ્યું એ આપવા બદલ આજે તને ખેદ થાય છે? ભલી બાઈ, મનના એકાંત આગળ તો કબૂલી લે! બધાં ભેગું પેલું પણ યાદ રાખ ને. પેલું, પહેલી નજરવાળું. કેવું એકાએક તને જાણે નસેનસમાં ગરમ લોહી કોકે સિંચ્યું હોય એવું લાગ્યું હતું? કેવો રોમાંચ થયો હતો? દેહ અને ચિત્ત સહુએ, કેવી કામઠા પર તંગ પણછ ચડાવી હોય એવી તંગદશા ભોગવી હતી? એ તને કહેવા આવ્યો હતો? કહ્યા પહેલાં જ તો તું…

નહીં કહું એને લબાડ. નફટ-બેશરમ નહીં કહું. મારા બાળકનો પિતા! મનમાન્યો. નહીં કહું એને ચોટ્ટો. નહીં કહું એને દુષ્ટ.

હવે પકડાઈ તું. કર, કબૂલ કરી દે. હવે તારાથી નહીં છટકાય. અને આખી દુનિયાથી છટકીને જઈશ. બધાંને હાથતાલી દઈશ. પણ આ તારી જાતનું શું કરીશ? ત્યાં કઈ વાડ રચીશ? ત્યાં કયો ઢાંકપિછોડો કરીશ? ત્યાં શું અંતરિયાળ રાખીશ?

તું એને ચાહે છે. તારા મનના અણુ અણુમાં એ તારો પ્રિયતમ વસ્યો છે. તું એને નથી ભૂલી, સવિતા. અરે એના નખ, દાંત… એટલું જ નહીં, એની ઝીણી ઝીણી વાત તને ગમે છે. કંજૂસની ધનદોલત જેમ તેં એને હૈયામાં સંઘરી છે, એ તારો પ્રિયતમ છે. તારા મન અને દેહનો સ્વામી છે. આજે અત્યારે આ ઘડીએ પણ એ તારો હૃદયનાથ છે.

એ સ્વામી અને તું? માત્ર પત્ની? ફેંકી દેવાની ઢીંગલી? ચુસાયેલો ગોટલો? શેરડીના કૂચા?

તને પણ કશું સ્વમાન છે કે નહીં?

પણ તારું સ્વમાન તો તેં દાખવ્યું. સ્વમાન સાથે ખાનદાની પણ બતાવી. એને બેઆબરૂ કરવાની વાતથી તું દૂર રહી. ત્રીજા કોઈનેય તમારી વાતમાં ન નાખ્યો. ન ગમ્યું? તો બહુ સારું. તમારા બોલ ગયા, હમારા ખેલ ગયા. ખતમ થયો કિસ્સો.

અને એણેય…

તારી જાતને ન્યાય કરવા નીકળી છે, બાઈ, ત્યારે જરા બીજી બાજુ તો જો!

એણેય આ ઘર આપ્યું. રોકડ આપી. ઘરેણાં આપ્યાં. આખી જિંદગી ચાલે એટલું સુખ આપ્યું.

પણ એમાં કશું સપાડું કર્યું એણે? મેંય જાત નિચોવી નાખી હતી. એને સુખ આપ્યું હતું. એની કેટકેટલી અને કેવી કેવી ઊઠવેઠ કરી હતી. અને એને વિક્રમ આપ્યો…

જાત સાથે જ બાંધછોડ કરતી સવિતા સાવ સ્તબ્ધ થઈ ગઈ. એના મનમાં બેસીને, તગતગતા શબ્દે મઢીને દલીલ કરનાર કોક પણ અવાક થઈને થીજી ગયું, મેં એને વિક્રમ આપ્યો અને એણે મને ઘર આપ્યું! રોકડ આપી! ઘરેણાં આપ્યાં! એણે મને આપ્યું અને મેં લીધું!

હું શું ઠરી? હું શું છું?

એના બાળકની માતા!

એના બાળકની માતા થવા બદલ… આ ઘર! પેલું ઘર! ચાંદી-સોનાના ગોળ સિક્કા! જડતર અને હીરામોતીના દાગીના! પાણી પીને હમણાં જ દોડી ગયેલો મારો બાળ વિક્રમ!

મેં આ લઈને મારી જાતને શું ઠરાવી?

પુલિનને મેં પતિ માન્યો હતો. એની પત્ની બનવામાં હું મારી જાતને ધન્યભાગ્ય માનતી હતી. એના બાળકની માતા બનતાં હૈયે હરખ માતો ન હતો. મારું જે હતું, મારું જ જે કહી શકાય એવા સર્વનું પ્રેમપૂર્વક સમર્પણ કરતાં હુંય મારી જાતને કૃતાર્થ માનતી હતી. અને એટલું તો ઉરના એકાંત આગળ કબૂલ કરી લે, મૂરખ, કે તેં હસતે મોંએ આપ્યું! અત્યારે પણ તું એને ચાહે છે! આટલું વીત્યું છે છતાં તારા મનમાં એ જ તારો સ્વામી છે. આજે અત્યારે પણ એ કહે તો…. વિક્રમ. બીજો વિક્રમ.

ક્યાંથી શી પ્રેરણા આવી તે સવિતાની ડોક ટટાર થઈ ગઈ. ન કલ્પેલી ખુમારી આવી બેઠી. મનમાં બેસીને દુનિયાભરનાં ઝેરી જાનવરના ડંખ મારીને મનને કોરી ખાતી પેલી સવિતાનો પડકાર જાણે આ સવિતા ઝીલતી ન હોય! હોઠ પરથી શબ્દ સરી પડ્યા:

‘પણ મને તરછોડવાનો…’

શબ્દો ત્યાં જ થીજી ગયા. પેલી સવિતા સામો સમસમતો જવાબ દઈ ગઈ: ‘દયા ભીખે છે? બાપડી, બિચારી, આશરાગતિયા, નિરાધાર, અસહાય જેવી બનીને તારે જીવવું છે? ડૂબી મર ચાંગળું પાણી લઈને! પાછી સ્વમાનની વાત કરે છે!’

સવિતા છળી પડી. પોતાની જાતથી છુપાવવા ન હોય એમ એણે બંને હાથથી મોં ઢાંક્યું. ગળામાં આવેલું ડૂસકું પાછું ઉતારવાની કોશિશ કરી, પણ એ તો ગજું કાઢીને બહાર આવી જ ગયું. એને ખ્યાલ ન હતો. પણ હથેળી પર એની ભીનાશ લાગી ત્યારે જ એને સમજાયું. એની આંખો રોતી હતી. મન બેબાકળું બન્યું હતું. બુદ્ધિ તો જાણે થીજેલો હિમાચલ બની ગઈ હતી. સૂઝતું ન હતું. કશું સૂઝતું ન હતું.

સાવ યંત્રવત્ એણે ટચલી આંગળીથી આંસુનાં ટીપાં આંખમાંથી ખેરવ્યાં. આંગળીને ટેરવે જાતને સમતુલ રાખવા મથતા એકાદ આંસુને અંગૂઠાથી દબાવીને એણે દૂર ફંગોળી દીધું. અવકાશમાં ભળી જતાં આંસુને એ નીતરતી આંખે જોઈ રહી. એક આંસુ! પાછળ તો આ આંસુની જાણે અણખૂટ ધારા…. આંસુનેય સ્વમાન નથી?

સવિતાને પોતાને ન સમજાયું. પોતાનામાં જ ચાલતા આ ઉગ્ર યુદ્ધની પોતે તીરે ઊભેલી પ્રેક્ષક બની ગઈ હતી. કોઈ એના કહ્યામાં ન હતું કારણ કે પોતે સાચે જ બાપડી બની ગઈ હતી, મનની માલિક ન હતી. સૂધસાન, સૂઝસમજ બધુંય પાંગળું, અખમ. કોકનું ચલાવ્યું ચાલતું બની ગયું હતું. પોતે તો રહેંસાતી હતી, પીંખાતી હતી, કણકણમાં વેરાતી હતી.

મૂઢતાની કળ ઊતરી અને ત્યાં જ પેલો ઊખળેલો ઘા.

પોતે વિક્રમની માતા બની! પોતે આ ઘર લીધું. માગી લીધું. રોકડ અને ઝવેરાત. સોદો કર્યો બાઈ તેં તો. તારી જાતની કિંમત ઉપજાવી. કોક બજારે બેસે, તું ઘરમાં બેઠી, ગૃહસ્થ બની. વાહ, શું ડોળ અને દંભ છે! પાપી પેટ ન ભરાતું હોય તો ફોડી નાખ. અને ઉપરથી પાછી લોકોની દયા ભીખવા નીકળી છે! નિર્લજ્જ, નફટ, બેશરમ, નટડી! પુલિનને બદનામ કરીને…

ના. મેં એને બદનામ કરવાની કશી જ કોશિશ નથી કરી. કોઈની પણ દયા પર જીવવાનું મને પસંદ નથી. હાથપગ ચાલે છે અને નહીં ચાલતા હોય ત્યારે જિંદગીનો અંત રોકનાર પણ કોણ છે?

તે તારે કોક રોકનાર જોઈએ છે? ના, ના, તારે તો તું આપઘાત કરતી હોય ત્યારે કોક તારી છબી લે એવું જોઈતું હશે?

સવિતા…

સવિતાને ભાન આવ્યું ત્યારે તો તે નાની પેટી ભરતી હતી. બધા દાગીના એમાં ભર્યા હતા. બૅન્કની તાજી ચેકબુકના પહેલે પાને એણે સહી પણ કરી રાખી હતી.

પહેરે કપડે આ ઘરને તાળું મારીને મકાનની કૂંચી પણ પેટીમાં મૂકીને પેટી ઉપાડી એ ચાલી પેલે ઘેર… આ ઘર અને પોતાની જાતને પોતાને હાથે હીણી અને બજારુ બનાવતા સોદાની રકમ પાછી આપી દેવા, એ પગથિયું ઊતરીને સડસડાટ ચાલી નીકળી…

~ જયંતિ દલાલ

Leave a Reply to Ila KapadiaCancel reply

2 Comments

  1. .
    ‘આ ઘેર પેલે ઘેર’ વાર્તા વસ્તુ, વસ્તુસંકલન, ભાષા, નાટ્યાત્મકતા અને નારીની જુદી છબીને કારણે ગુજરાતી સાહિત્યમાં અનેક રીતે પોખાઈ છે. લેખકે નારીની મન:સ્થિતિને આલેખી છે. વાર્તાનાયિકા સવિતાના સંવાદો તેની જાત સાથે થાય છે ને વાર્તા ઉઘડે છે. પ્રેમલગ્ન કરેલી સવિતાને એક વિક્રમ નામનું સંતાન છે. સુખરૂપ એક દાયકો વીત્યો છે. છેલ્લાં બેએક વર્ષથી પતિ-પુલિન પોતાની સાથે જોબ કરતી મનીષાના પ્રેમમાં છે ને તે સવિતાને છૂટાછેડા આપે છે. પુલિન સવિતાને ‘ઘર’-ઘરેણાં-ઝવેરાત આપે છે. એકલી સવિતાનો મેળાપ પોતાની જાત સાથે થાય છે. તેમાં પોતે સોદો કર્યો છે તેવું તેને લાગે છે. તે વિચારોનું આલેખન લેખકે ઝીણવટભર્યું કર્યું છે .
    માણસ જાગે છે ત્યારે કેવું જાગે છે એનું સુભગ દષ્ટાંત આ વાર્તાનો અંત છે. પણ માણસ જાગે છે શી રીતે? – એ વાત તો વાર્તાના મધ્ય ભાગે, સાવ સ્વાભાવિક રીતે, ફરજ બજાવીને મેળવેલા હક- અધિકારને વાજબી ઠેરવતી લેતીદેતીની યાદીમાં જ્યારે ‘અને એને વિક્રમ આપ્યો-’ એ ઉમેરણ થાય છે-ત્યાં સ્પષ્ટ થઈ છે. શું શું આપ્યું ને બદલામાં શું મેળવ્યું-નું સમીકરણ મુકતાં સવિતા જાગી જાય છે: ‘મેં એને વિક્રમ આપ્યો અને એણે મને ઘર આપ્યું! રોકડ આપી! ઘરેણાં આપ્યાં !
    જો સંવેદના નરવી અને સરવી હોય તો એ વાત સંભળાયા વિના રહેતી નથી.
    .