સંબંધ ~ નંદિતા ઠાકોર ~ કટાર: ફિલ્ટર કૉફી

મેં ક્યાંક વાંચ્યું હતું – બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ તો કવિતા જેવો હોય છે. મને લાગે છે એવું તો કોઈ કવિ જ કહી શકે અથવા તો કોઈ પ્રેમીજન. સંબંધને, બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધને આજ સુધી લોકોએ કંઈ કેટલીય વ્યાખ્યાઓમાં બાંધ્યો છે. ક્યારેક ઉપરના વિધાન જેવું કોઈક વિધાન આપણને સહજ સ્પર્શી જાય, અંદર સુધી ઉતરી જાય. જાણે આપણી જ અનુભૂતિને કોઈએ શબ્દોમાં ઢાળી આપી હોય એમ લાગે.    

કોઈ સંબંધ કવિતા જેવો ક્યારે હોય? ના, પહેલા તો એમ પૂછવા દો કે કવિતા જેવો એટલે કેવો હોય? મધુર, સરળ, સહજ, સ્પષ્ટ? મને તો એમ લાગે છે કે ઘણીવાર બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ કવિતા જેવો નહીં, સ્વયં એક કવિતા જ હોય છે. સહજપણે એ પ્રગટે છે, વિસ્તરે છે અને મહેકે છે. કયા પ્રકારના સંબંધનો અર્થ અહીં અભિપ્રેત છે એ કહેવું અઘરું છે. પતિ પત્ની,ગુરુ શિષ્ય, બે મિત્રો, બે પાડોશીઓ… કોઈ પણ સંબંધ હોઈ શકે. એના સાચા ને સહજ રૂપમાં એ પોતે જ એક કવિતારૂપ ન હોઈ શકે શું?  અને કવિતા એટલે માત્ર બહારની મૃદુતા, સુંદરતા, સહજતા જ નહીં, પણ  આંતરબાહ્ય માધુર્ય. નિર્દમ્ભ, નિર્દંશ અનુભૂતિઓની અમરવેલ. ચિત્ત ચૈતન્યની કોઈ ચારુલ ભાવના.     

જ્યાં કોઈ સંબંધમાં આ બધું દેખાય છે ત્યારે જ સદેહે અવતર્યું હોય છે કાવ્ય. અને આને માટે સંબંધને નામ આપવાની જરુર પણ ક્યાં પડે છે? એના વિના પણ આ પામી શકાય. 

આપણું માણસપણું અમુક પ્રકારના વળગણો અને બન્ધનોથી  મુક્ત નથી, એટલે કોઈ પણ સંબંધને નામ આપ્યા વગર આપણે રહી શકતા નથી – જાણે કવિતાને શીર્ષક આપતાં હોઈએ એમ. માત્ર શીર્ષક પ્રમાણે જ  કાવ્ય રચવાનો પ્રયાસ થાય છે ત્યારે  ઘણીવાર કાવ્યતત્વ પ્રવેશતું અટકી જાય છે. પ્રવેશે તો ય કાં તો અછતું રહી જાય છે કે કાં તો અતિશય બોલકું બની બેસે છે. એટલે જ સંબંધ શીર્ષક વગર મહોરે ત્યારે એની મઝા જુદી જ હોય છે.    

એક આખા જીવનમાં માણસ કેવા અને કેટલાં સંબંધો બાંધે છે! અથવા કહો કે સંબંધોમાં બંધાઈ જાય છે. પણ એ દરેક સંબંધ કૈં કવિતા નથી જ બની શકતો. કવિતા બનવાને બદલે કોઈ નીરસ લેખ કે એથી ય આગળ જઈને કોઈ ભારેખમ વિવેચન જેવા ય સંબંધો હોય છે જ ને! 

સંબંધ મહોરે છે, મહેકે છે એની સહજતામાં-બંધનમાં નહીં. છતાંય દરેક સંબંધમાં ક્યાંક કશુંક તો બંધન હોય છે જ. કાવ્યમય સંબંધોમાં આવા બંધનો પણ જાણે લયબદ્ધ, છંદોબઘ્ધ હોય અને સહજ લાગે. બંધન પણ ગમતીલું હોય. એવું ન બને ત્યારે ઠાલાં, પોકળ શબ્દોથી માંડ પ્રાસ કે વિચાર મેળવવાની મથામણ કરીને મારીમચડીને બનાવેલી કૃતિ જેવો થઇ જાય એ સંબંધ. કશાક સુંદર ભાવને બદલે મીટરના માપમાં જકડાઈને બંધાઈને ગોઠવાયેલો લાગે એ સંબંધ.    

કોઈકની સાથે કશાક સંદર્ભે કે પછી તદ્દન જ સંદર્ભવિહીન રીતે બંધાવું કે જોડાવું એ ઘટનાને જો સંબંધ જ કહેવાતો હોય તો આપણે સમભાગે કે સમભાવે બંધાયા હોવાની મધુરતા ક્યાં રહે? કવિતા થવા માટે તો સંબંધે પળે પળે મહોરવું પડે, મહેકવું પડે, અપ્રગટ રહીને ય પ્રગટ થવું પડે. કશું ય ન કહીને બધું જ કહેવું કે સમજવું પડે. અંતરને અડકીને વાર્તાલાપ કરવો પડે.    

સંબંધોને કવિતા બનાવી શકનારા કે કવિતા જેવા સંબંધો પામી શકનારા લોકો સાચે જ ભાગ્યશાળી હોય છે. શીર્ષક વગર પણ સંબંધ સમજાય, સમજાવાય અને અને અનુભવાય ત્યારે એની કશી નોખી જ મઝા હોય છે.  સંબંધે સતત આપતા રહેવાનું હોય છે અને પછી જે એની રીતે મળે તે માણતાં માણતાં પોતે જ કવિતા થઈ ઊગવાનું હોય છે – કોઈ પણ પ્રકારની કવિતા. Its own song, a ditty, a ballad.   

બે કે વધુ પાત્રો પરસ્પર જોડાય ત્યારે સંબંધ જ રચાય છે એમ તો નથી જ હોતું ને!કોઈ પણ પ્રકારના લેબલથી વિશેષ કોઈ તત્વ એમાં ભળે છે ત્યારે સંબંધનું કાવ્ય રચાય છે. જોડાયેલાં પાત્રો કોઈક પ્રકારની સમાન ભૂમિકા પર એકમેક સાથે બંધાય છે પછી જ એ બંધન પ્રિયકર થઈ જાય. ગઠબંધન અને હસ્તમેળાપ જેવી ક્રિયાઓ આમ તો માત્ર હિન્દુ  લગ્નવિધિમાં જ કરવામાં આવે છે પણ કોઈક સુંદર સંબંધ, કવિતા જેવો સંબંધ ફાયદા-ગેરફાયદા કે જરૂરત જેવા લેબલોથી અળગો રહી કશી ઉચ્ચતર ભૂમિકાએ આવું જ કોઈ ગઠબંધન પામે છે અને પછી એમાંનું કાવ્યતત્વ અખંડ સૌભાગ્ય પામતું રહે છે. 

સંબંધની કવિતા કે કાવ્યમય સંબંધ પામ્યા હોવાનું ભાગ્ય આપણને સહુને ક્યાંક ને ક્યાંક તો મળતું જ હોય છે, એ ભાગ્યને ઉજવવાનો લ્હાવો છોડી દઉં એમાંની હું તો નથી, તમે છો? 

– નંદિતા ઠાકોર 

Leave a Reply to pragnajuCancel reply

One Comment

  1. સ રસ લેખ
    સુશ્રી નંદિતા ઠાકોર ની વાત-‘એ ભાગ્યને ઉજવવાનો લ્હાવો છોડી દઉં એમાંની હું તો નથી, તમે છો? ‘ વાતે યાદ આવે ‘મિસ્કીન’
    જેના હતા અમે એ અમારા ન થઈ શક્યા,
    મિસ્કીન જિંદગીમાં રઝળતા સંબંધ છે.