એ ક્ષણે મકાન ઘર થઈ જાય ~ નંદિતા ઠાકોર ~ નવી કટાર : ફિલ્ટર કૉફી

(લેખકનો ટૂંક પરિચય:
નંદિતા સાથે ફિલ્ટર કોફી : નંદિતા ઠાકોર, અમેરિકામાં ડાયસ્પોરાનું એવું નામ કે જે લેખક, કવિ, ગાયક, સંગીતકાર અને શાસ્ત્રીય સંગીત વિશારદ છે. ગુજરાતી સાહિત્યમાં બહુ ઓછા એવા સાહિત્યકાર અને કવિ છે જેઓ કવિતા, ગીત અને ગઝલ તો લખે પણ એને સંગીતબદ્ધ પણ કરે અને ગાઈ પણ શકે, એ પણ સૂરના હિંડોળાનો લય આઘોપાછો થયા વિના.

પોતાની આ સફર પર માત્ર પોતાના જ શબ્દોના એ અજવાળાં નથી પાથરતાં પણ એ અનેક નવા-જૂના કવિઓના શબ્દોને પણ ખૂબ વ્હાલથી અછોવાના કરે. પોતે તો ઉર્ધ્વગામી સફર પર હોય પણ ન જાણે કેટલાય જાણીતા અને અજાણ્યા નામોને પોતાની સાથે આંગળી પકડીને નંદિતાએ બિલકુલ “સેલ્ફલેસ” – નિ:સ્વાર્થપણાથી સાહિત્યની આ આકાશગંગાની સેર કરાવી છે.

સોશ્યલ મીડિયાના આ સમયમાં જ્યાં સહુ એકબીજાથી મુઠ્ઠી ઊંચેરા બતાવવાની હોડમાં હોય ત્યારે એના પર જ “હું, તમે અને આપણે” જેવી અદ્‍ભૂત શ્રેણીના ૮૫થી વધુ એપિસોડ અત્યંત શ્રમ લઈને સંજોવવા એ નાનીસૂની વાત નથી. નંદિતાના સ્વભાવનું આ એક ઋજુ પાસું ભાગ્યે જ કોઈ કવિ કે સંગીતકારમાં જોવા મળે અને આ જ એને એક ઉત્તમ કક્ષાના સક્ષમ અને સદ્ધર સાહિત્યકાર અને સંગીતજ્ઞ હોવા સાથે એક મુઠ્ઠી ઊંચેરી વ્યક્તિ બનાવે છે. 

નંદિતાએ પત્રકારત્વ અને માસ કમ્યુનિકેશનમાં બેચલર્સ કર્યું છે અને અંગ્રેજી સાહિત્યમાં એમ.એ. કર્યું છે.  એમણે “ગુજરાત સમાચાર”, “સંદેશ” અને “જયહિન્દ” દૈનિકમાં પત્રકારત્વનો બહોળો અનુભવ લીધો છે. નંદિતાએ, ‘નિલાંબરી’, ‘મારામાં તારું અજવાળું’ જેવા માતબર ત્રણ કાવ્યસંગ્રહો આપીને આપણી ભાષાને સમૃદ્ધ કરી છે. નંદિતાએ ‘કૃષ્ણપ્રીત’ – હિન્દી ભક્તિ ગીત આલ્બમ બહાર પાડ્યું છે. આ આલ્બમના ગીત, સંગીત અને સ્વર, બધું જ નંદિતાનું છે, એ જ દર્શાવે છે કે એમનું સાહિત્ય અને સંગીતના ફલકનો વ્યાપ કેટલો વિશાળ છે.

વાચન, લેખન, પ્રવાસ અને સંગીત એમના રસના વિષયોને કોફીની વરાળમાં ઘોળીને પી જનાર નંદિતા પાસેથી ‘ફિલ્ટર કોફી’ની શ્રેણીમાં એમના આ રસના વિષયોનો નિચોડ મળે છે. “આપણું આંગણું” માં નંદિતાનું હ્રદયપૂર્વક સ્વાગત કરતાં હું ગૌરવ-મિશ્રિત આનંદ અનુભવું છું.  આશા છે આપ સહુ વાચકો પણ ઉમળકાભેર એમની આ શ્રેણીને ઉત્સાહથી વાંચીને વધાવી લેશો. ~ સંપાદક: જયશ્રી વિનુ મરચંટ )

~~~~~~~~

એક ખાલીખમ મકાન. માત્ર બારી, બારણાં, દીવાલો અને એમાં પકડદાવ રમતા હોય અંધકાર અને ઉજાસ. એ અચાનક એક દિવસ ઘર બની જાય. ગૃહપ્રવેશ સમયે ઉંબર પર આળખેલા સાથિયાનું કંકુ આંગળી પર રહી ગયું  હોય તેને આમતેમ છંટકારતાં જ એ કંકુ મટી સપનાં થઈને આખા મકાનમાં વેરાઈ જાય… એટલે કે આજની ક્ષણનાં કંકુપગલાં ઉંબરો ઓળંગીને અંદર પ્રવેશે એ ક્ષણે મકાન ઘર થઈ જાય છે…. કે પછી એમ કહીએ કે કોઈ સંત જેવું નિર્લેપ, શાંત, સૌમ્ય, મુખ પર શીળું સ્મિત લઈને ઊભેલું મકાન સંસારમાં પ્રવેશ કરે છે અને ઘર બની જાય છે.      

પછી મકાનનો ખાલીપો ધીરે ધીરે ભરાતો જાય છે. ફર્નિચર, ચીજવસ્તુઓ, ચિત્રો, સજાવટનો  સામાન ઘરના ખૂણે-ખૂણે, દીવાલે, ગોઠવાતો જાય છે અને એના વડે ઘરમાં વસનાર પોતાનું એક આગવું વિશ્વ ઊભું કરે છે. ક્યાંક ગોઠવાય છે જોયેલાં, માણેલાં, સાકાર થયેલાં સ્વપ્નોની સ્મૃતિઓ અને ક્યાંક આવીને ઊભાં રહે છે નવાંનક્કોર સ્વપ્નો.

અંધકાર-ઉજાસની રમતમાં ભળે છે હાસ્ય-કિલ્લોલ, આનંદ, આંસુ, સ્નેહ, આશા, સ્પર્શ અને બીજું કેટલું ય. માણસને લાગે છે કે પોતે ઘર ગોઠવે છે અને ઘર માણસને ગોઠવાઈ ગયાની અનુભૂતિ આપે છે. મનગમતી વસ્તુઓ વસાવીને, મનગમતી રીતે ઘર શણગારીને મન ભરવા મથતો જાય છે માણસ.

મકાનનો ખૂણેખૂણો ભરી દીધો હોય તો જ ઘર લાગે એવું  માનતો માણસ ઘર  ભરતો જાય છે તો પણ મન તો ભરાતું જ નથી! પછી ધીરે ધીરે ઘર પોતે જ વસ્તુઓની ભીડમાં ભીંસાવા માંડે છે. એ બધાંની ગોઠવણી, જાળવણીમાં અટવાતો માણસ સપનાંઓથી આઘો હડસેલાતો જાય છે. 

જીવનની તકલીફો, દોડધામો, હાયબળાપા બધું જ હોવા છતાં હૈયું જ્યાં હાશ કરીને હળવું થઈ શકે છે એ જ કહેવાય છે ને ઘર! પણ જાળવણીની જંજાળમાં અટવાતા માણસને સમજાતું નથી કે આ ભરચક ઘરમાં સપનાંઓ ખુલ્લા મનથી બેરોકટોક ફરી શકતાં નથી. સોફાના કવરમાં, રજાઈની ગડમાં, પડદાના સળમાં સંતાતા જાય છે. વ્યવસ્થા અને સંભાળની, નિયમો અને જરૂરતોની  એક સાંકળ રચાતી જાય છે જેમાં જકડાતું જાય છે ઘર અને પેલાં સપનાં બિચારાં શિયાવિયા થઈને કોક ખૂણે બેસી રહે છે માણસની રાહ જોતાં. 

બારીમાંથી ચહેકતી વૃક્ષની લીલાશ સૂંઘવાનું, આંગણામાં કે બાલનીમાં ઘડીક પોરો ખાવા બેઠેલા આકાશ સાથ અડકોદડકો રમવાનું, બારીના સળિયામાંથી અંદર ઘુસી આવવા મથતી એકાદ વેલી પર ઝૂલવાનું મન તો થઇ આવે છે એ સપનાંઓને… પણ  બિચારાં સપનાંઓની તે શી વિસાત કે માણસના નિયમો અને વ્યવસ્થામાં ગાબડું પાડી શકે? 

એટલે જ જરૂરિયાતો અને જવાબદારીઓનાં લેબલોમાં અટવાતું ઘર પછી સપનાંઓને ફ્રેમમાં ગોઠવાયેલાં અને દીવાલે ટંગાયેલા જોઈને ખુશ થતું રહે  છે. ઘરમાં વસાવેલી સરસ ચીજવસ્તુઓ મહેમાનની પ્રતીક્ષા કરે છે. ઘરમાં વસનારને પોતાને તો હોંશથી વસાવેલું બધું માણવાનો સમય થોડો ઓછો જ મળે છે. પોતાની હાશ અને હોંશને લક્ષ્યમાં રાખીને વસાવાયેલું ઘર હવે અન્યોના સર્ટિફિકેટ, વખાણ, અહોભાવની પ્રતીક્ષામાં હોય છે. મકાનમાંથી ઘર બનાવતાં બનાવતાં માણસ ઘણીવાર મ્યુઝિયમ બનાવી બેસે છે.    

ક્યારેક એમ લાગે છે  આમ થાય ત્યારે ઘર પોતે જ કદાચ પાછું મકાનપણું ઝંખતું થઈ જતું હશે! જ્યાં સપનાંઓને મન ફાવે તેમ ફરવા મળે એવી મોકળાશ ઝંખતું હશે. પોતે મકાન હતું એમાંથી મનગમતા સ્પર્શે ઘર બનવાનું શરુ થયાની ક્ષણનો રોમાંચ હવે એને થતો નહીં જ હોય. પોતાનામાં વસતા માણસની અંદર વસતું  ઘર વિસામાનું, હાશનું કે સલામતીનું સરનામું બનતાં બનતાં કદી ન પૂરી થતી લાલસાઓ અને અપેક્ષાઓનું કારાગાર બનતું જાય છે. 

મકાન લઈને એને ઘર બનાવતાં બનાવતાં પોતાનાં સપનાંઓ વિસરી જનારા  કે પોતાના મનગમતા આકાશ સાથે ગોષ્ઠિ કરવાનું ભૂલી જનારાઓમાંની હું તો નથી. તમે છો?

~ નંદિતા ઠાકોર                       

આપનો પ્રતિભાવ આપો..

6 Comments

  1. બહુ જ સુંદર કાવ્યાત્મક અને મનનશીલ નિબંધ