શું આ એ જ રક્ષા પરમાર છે? (સત્યકથા) ~ જયશ્રી વિનુ મરચંટ

~ જિંદગી ગુલઝાર હૈ (સત્યઘટના આધારિત કટાર)
જયશ્રી વિનુ મરચંટ

(લેખકનો ટૂંક પરિચય: કેલિફોર્નિયાસ્થિત જયશ્રી વિનુ મરચંટ કલમને સમર્પિત એક “લીલોછમ ટહુકો” છે. પદ્ય અને ગદ્ય એમ બંને સ્વરૂપો સાથે એમને સરખો લગાવ છે. ગીત, ગઝલ, અછાંદસ, નિબંધ, લેખ, આસ્વાદ, નવલિકા, નવલકથાના સ્વરૂપમાં તેમની કલમ વિહરે છે. તેમના સર્જનમાં “વાત તારી અને મારી છે” એની અનુભૂતિ વાચકોને થાય છે. અનેક શારીરિક વ્યાધિઓમાંથી ઉગરવા તેઓ શબ્દોને શરણે જઈ જાણે સંવેદનોની માનસી પરિક્રમા કરે છે. ઉપર મુજબ એમના બે કાવ્યસંગ્રહો પ્રગટ થયાં છે અને નવલકથા “પડછાયાના માણસ” ટૂંક સમયમાં પ્રગટ થવાની છે.

સમાજમાં અનેક લોકોના પ્રત્યક્ષ – પરોક્ષ સંપર્કમાં હોવાને કારણે એ લોકોના જીવનમાં આવતાં ઉતારચડાવની નોંધ તેમણે સતત મનની ડાયરીમાં ટપકાવી છે. આવી જ કેટલીક ઘટનાઓ, પ્રસંગો અને અનુભવોને બ્લોગના વાચકો સમક્ષ આ કટાર દ્વારા તેઓ મૂકી રહ્યાં છે. અહી મુકાનાર પ્રસંગોમાં પાત્રોના નામ બદલવામાં આવશે, પણ પોત સત્યનું જ રહેશે. આ કટારનો સૂર છે: તુમ ભી ચલો, હમ ભી ચલેં, ચલતી રહે જિંદગી…”

તો પ્રસ્તુત છે સત્યઘટના આધારિત “જિંદગી ગુલઝાર હૈ” કટારનો પહેલો મણકો ~ “શું આ એ જ રક્ષા પરમાર છે ?” – સંપાદક)
~~~~~

પ્રિલ ૨૨, ૨૦૨૧, કેલિફોર્નિયાના સવારે સાડા છ વાગ્યે મારા જૂના સ્કૂલ મિત્ર વિશ્વાસનો વોટ્સએપ પર ફોન આવ્યો. ફોન ઘણા વખતે આવ્યો હતો. મને પહેલાં તો ફાળ પડી કે મહામારીના આ વસમા કાળમાં કશું અજુગતું તો નહીં બન્યું હોય? નહીં તો આમ આ રીતે વિશ્વાસ વહેલી સવારે ફોન ન કરે.

વિશ્વાસે પહેલાં મારા ખબર પુછ્યા અને કહ્યું, ‘જયુ, બહુ જ ખરાબ સમાચાર છે. તને રક્ષા પરમાર આપણા ક્લાસમાં હતી એ યાદ છે? હું ગયા અઠવાડિયે મારા ઘર પાસે આવેલા મેડિકલ સ્ટોરમાં મારી પત્નીની દવા લેવા ગયો હતો ત્યાં ઓચિંતી જ એ રક્ષા પરમાર મળી. એ ત્યાં કોરોનામાં અપાતા ત્રણ ઈન્જેક્શન પાછાં આપવા આવી હતી. દુકાનવાળો એ પાછાં લેવાની ના પાડતો હતો અને રકઝક કરતો હતો ત્યારે મારું ધ્યાન ગયું.

રક્ષા એના બેઉ ગ્રાન્ડ ચિલ્ડ્રનના માથા પર હાથ મૂકીને દુકાનદારને કાકલૂદી કરી રહી હતી. એણે અને મેં બેઉએ માસ્ક પહેર્યાં હતાં આથી પહેલાં તો હું એને તરત ઓળખી જ ના શક્યો અને એને પણ મને ઓળખતાં વાર લાગી. અગાઉ અમે બેઉ ક્યારેક ક્યારેક બજારમાં મળી પણ જતાં. પણ ગયા વર્ષથી લોકડાઉનને કારણે મળાયું નહોતું. અને, પાછો ઉંમર એનો તકાજો તો આપણા સહુ પાસેથી કરતી જ રહે છે. પણ, રક્ષાના હાલ ત્યારે તો બહુ જ ખરાબ હતાં. માનવામાં જ ન આવ્યું કે સ્કૂલમાં કાયમ સરસ રીતે તૈયાર થઈને આવતી રક્ષા એ જ હતી.

મેં એને બોલાવી ‘રક્ષા? રક્ષા પરમાર?’ એ પણ થોડીક સેકન્ડમાં ઓળખી ગઈ. એણે મને જે કહ્યું, એ સાંભળ્યા પછી મારા ગાત્ર તો ત્યાંને ત્યાં ઢીલાં થઈ ગયા. બે દિવસ પહેલાં એની ડૉટર-ઈન-લો કોવિડને કારણે હૉસ્પિટલમાં અવસાન પામી અને બે કલાક પહેલાં એનો એકનો એક દીકરો કોવિડમાં હૉસ્પિટલમાં જ ગુજરી ગયો હતો. બેઉ જણાં છેલ્લાં ૨૪ દિવસથી હૉસ્પિટલમાં હતાં અને વેન્ટિલેટર પર હતાં.

ચાલીસ હજારનાં એક એવા ત્રણ, ન વપરાયેલા ઈંજેક્શનોને પાછાં આપીને એ પૈસા પાછાં મળે એની વેતરણમાં આવી હતી. આઠ અને દસ વરસના બે ગ્રાન્ડ ચિલ્ડ્રનોને લઈને એ હતપ્રભ થઈને ઊભી હતી. એ એના દીકરા ભેગા રહેતી હતી. દીકરો મેડિકલ રિપ્રેઝન્ટેટીવ હતો અને એની પત્ની ઘરમાં ટ્યુશન આપતી હતી. રક્ષા પણ ઘરમાં રહીને ટ્યુશનો આપતી હતી. પણ કોવિડને કારણે દિકરાની જોબ પણ સાત-આઠ મહિનાથી જતી રહી હતી અને સાસુ-વહુના ટ્યુશન્સ પણ બંધ થઈ ગયા હતા.

ગયા વરસે એના પતિનું કોરોનામાં પંદર દિવસ વેન્ટિલેટર પર રહ્યાં પછી અવસાન થયું હતું. અને, હવે એકનો એક દીકરો અને વહુ! એ રૂંધાયેલા અવાજે બોલી, “વિશ્વાસ, આ ત્રણેયની સારવારમાં અને બેકારીમાં ઘરમાં કંઈ ખાસ બચ્યું પણ નથી. આ ઈંજેક્શન પાછાં લઈને રૂપિયા જો મળી જાય તો મદદ થશે.” મેં એની પાસેથી ઈન્જેક્શનો લીધાં અને દુકાનદાર સાથે વાત કરવા બાજુમાં ગયો. દુકાનદાર મારો ઓળખીતો હતો. એણે મને કહ્યું “અમે એકવાર વેચેલા ઈન્જેક્શનો પાછાં લઈને ફરી વેચી ન શકીએ. એ ગેરકાનૂની છે. અમે તકલીફમાં આવી જઈએ.”

મેં એને મારી બાંહેધરી પર ન વપરાયેલા ઈન્જેક્શનો પાછાં લેવડાવ્યા. રક્ષાની આંખો ઉભરાઈ પડી. મેં એને મારો ફોન નંબર આપ્યો અને એનો પણ લીધો. તને યાદ હોય તો રક્ષાએ આપણું વોટ્સએપ ગ્રુપ ગયા વર્ષે છોડી દીધું હતું. મને ખબર નથી એ કેવી રીતે એના પૌત્રોને મોટાં કરશે?

જતાં જતાં રડી પડી અને કહે, “મારા આ ભૂલકાઓ કહે છે કે દાદી, અમને તું ક્યાં મૂકીશ? ટીવી પર બતાવે છે કે જેના મમ્મી પપ્પા ન હોય એને આશ્રમમાં રહેવું પડે છે તો અમારે પણ કોઈ આશ્રમમાં જવું પડશે? વિશ્વાસ, ના, હું મારા આ બચ્ચાઓને કોઈ આશ્રમમાં નહીં મૂકું. મને ભગવાન હજુ દસ-બાર વરસ કામ કરવાની શક્તિ આપે જેથી આ બેઉને મોટા કરી શકું. ભણાવી શકું! શું કામ કરીશ એ ખબર નથી પણ કરીશ જરૂર. મારે હવે મરવું નથી, હિંમતભેર જીવવું જ છે. અમારા ત્રણનું પેટ પણ પાળવાનું છે. હું જીવીશ, આ બેઉને મોટા કરીશ અને ભણાવીશ પણ ખરી! મને ખબર નથી કઈ રીતે થશે બધું! પણ કરવું જ પડશે. મારે હવે મારા અસ્થમાની કાળજી પણ લેવી પડશે, બસ, મારા આ બે પૌત્રો મોટાં થઈ જાય!”

આ સાંભળીને આઈ વોઝ ટોટલી સ્પીચલેસ! આમ તો હું પણ એને ઘરે જઈ શકું પણ કોરોનામાં એ પણ નથી થઈ શકવાનું! મેં એને બે એક વાર ફોન પણ કર્યા છે અને બે ચાર દિવસ પછી પાછો ફોન કરીશ.

જયુ, મને થયું, કે તને ફોન કરીને જણાવું. મેં રક્ષાનો ફોન નંબર પણ તને વોટ્સએપ કર્યો છે. અરે યાર, તું ફેસબુક પર પણ એક્ટિવ નથી અને, આપણા સ્કૂલ ફ્રેન્ડસના વોટ્સએપ પણ નિયમિત નથી જોતી. યાર, તારો કોન્ટેક્ટ કરવો કેમ? મેં આ બધું વોટ્સએપ પર મૂક્યું હતું. પણ તેં નથી જોયું આથી જ મેં ફોન કર્યો. તું વાંચી લેજે. અમે બધાં થોડું ફન્ડ ભેગું કરીએ છીએ જેથી રક્ષા હાલ તુરંત તો ટકી જાય. એમાં પૈસા કઈ રીતે મોકલવા એની લિંક મૂકી છે.” મેં પણ આમતેમની બીજી વાતો કરીને ફોન મૂકી દીધો.

અને, પછી મને થયું કે સાચે જે મેં ફોન ઉપર સાંભળી, એ, મારી મિત્રના આમ સ્વજનોના છૂટી ગયેલા સાથની વાત સાચી છે ખરી? ૪૮ કલાકમાં એકસાથે દીકરો-વહુ એણે ખોઈ નાખ્યા અને એના પૌત્રોએ પોતાના માતા-પિતાને આઠ અને દસ વર્ષની ઉંમરે ખોયા! કોઈ રીતે મને માનવામાં જ નહોતું આવતું! એક મિનિટ થયું કે હું વહેલી સવારમાં કોઈ ખરાબ સપનું જોઈ રહી છું કે શું? આવું શું ખરેખર થઈ શકે?

એક હસતો રમતો પરિવાર જે મહેનત કરીને ઈમાનદારીથી જીવનની પળે પળને ધબકતી રાખે છે, એ પરિવારનાં એક અદીઠ અરિ સાથે, લડતાં લડતાં શું આમ ચારેય ખાનાં ચિત થઈ શકે ખરાં? આ કેવા ભયાનક સમયની ગર્તામાં સમસ્ત માનવજાત અને આ ધરા ફસાઈ પડી છે? કોણે શું શું ખોયું છે એનો હિસાબ માંડવા સમું પણ કશું બચશે ખરું? વિશ્વ આખુંય આ પેન્ડેમિકમાં એવી રીતે ફસાયું છે કે આ જવાદદેહી આખરે કોની છે, એનો ફેંસલો કોણ કરે અને કેવી રીતે કરે, એ વિષે કોઈને ખબર નથી.

આ મહામારી સમાપ્ત ક્યારે થશે? કેવી રીતે થશે? ત્યાં સુધીમાં કેટલાં મા-બાપ પોતાના સંતાનો ખોશે અને કેટલાં સંતાનો પોતાના માતા-પિતા ખોશે? પહેલી વેવમાં જ્યારે કોરોનાની ઘાતકતા સમજાઈ ત્યારે પણ આ સવાલોના ઉત્તર નહોતા અને આજે પણ નથી. હા, મહામારી પણ કાળક્રમે જશે પણ ત્યારે આ સવાલોના જવાબો તો સમયે જ આપવા પડશે. મારા મગજમાંથી રક્ષા અને રક્ષાના ગ્રાન્ડ ચિલ્ડ્રન ખસતાં નહોતાં. એમાંયે એના પૌત્રએ પૂછેલો સવાલ, “દાદી, અમને તું ક્યાં મૂકીશ? અમારે કોઈ આશ્રમમાં જવું પડશે?”    

હું સાવ વિચલિત અવસ્થામાં ઊભી થઈ અને વિશ્વાસે કરેલાં મેસેજિસ જોયાં. વોટ્સએપ પર જવાબ પણ લખ્યો અને પૈસા પણ મોકલી દીધાં. મને રક્ષા સાથે ગુજારેલા સ્કૂલના એ વર્ષો યાદ આવ્યાં. રક્ષા અમારી સ્કૂલમાં પાંચમા ધોરણથી આવી હતી. એના પહેલાં ગામમાં ભણતી હતી. રક્ષા એકનું એક સંતાન હતી. એના પિતાજી ગવર્નમેન્ટમાં સર્વિસ કરતા હતા અને બદલી થવાથી સહકુટુંબ મુંબઈ આવ્યા હતા. રક્ષા ભણવામાં એવરેજ હતી પણ સ્પોર્ટ્સ અને રાસ-ગરબા, ફોક ડાન્સ વગેરેમાં એકદમ અવ્વલ. સદાયે હસતી, બોલતી અને ખૂબ સરસ તૈયાર થઈને જ સ્કૂલમાં આવતી હતી. અમે બધાં કોલેજ, લગ્ન અને પરદેશગમનના ત્રિપાંખિયા સમયના વિમાન પર સવાર થતાં સહુની દિશા અલગઅલગ થઈ ગઈ હતી. થેંક ગોડ કે સોશ્યલ મિડીયાના કારણે ફરી પાછાં મળી શક્યાં હતાં.

મેં ભારે મને રક્ષાને ફોન કર્યો પણ એણે ફોન ઉપાડ્યો નહીં. મેં એને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો. પણ એનો જવાબ તરત ન આવ્યો. મેં રાતના સૂતા પહેલાં વોટ્સએપમાં જોયું તો રક્ષાએ જવાબ લખ્યો હતો.

“જયુ, થેંક્યુ. તારો લાગણીસભર મેસેજ મળ્યો. ગયા વરસથી મારા દીકરાની નોકરી છૂટી ગઈ હતી અને ધીરેધીરે મારાં અને મારી ડૉટર-ઈન-લોના ટ્યુશન પણ બંધ થતાં ગયાં. એમાંયે ગયે વર્ષે મારા હસબન્ડને કોરોનાએ ઝડપી લીધા ત્યારે હું સાવ ભાંગી ગઈ હતી. આપણા સ્કૂલના મિત્રોના વોટ્સએપ ગ્રુપમાં પણ ધીરેધીરે મેં લખવાનું બંધ કરી નાખ્યું હતું અને ગ્રુપમાંથી જ નીકળી ગઈ. અમારા કુટુંબની પરિસ્થિતિ સારી ન હતી અને મને કોઈ સાથે ઈન્ટરએક્ટ કરવાનું મન જ નહોતું થતું…

જયુ. મારા પતિ ગયા પછી મેં મારી જાતને પોતે જ ડિપ્રેશનમાં ધકેલી દીધી. એક વસ્તુ સારી થઈ કે આ સોશ્યલ મીડિયા થકી બધાં દૂર રહીને પણ જોડાઈ શકે છે તો ખરાબ એ થયું કે કોઈના મોઢાં જોવાનો સંબંધ શબ્દોમાં જ સમાઈને રહી જાય છે. ખેર, આજે મારે ટટાર ઊભા રહેવાનું છે. સમયનો માર મારી કમર નહીં તોડી શકે. જયુ, મારા દીકરાના અને મારા હસબન્ડના પ્રોવિડન્ટ ફંડમાંથી જે થોડુંક બચ્યું છે એમાં એકાદ વરસ તો નીકળી જશે.

મેં પછી શાંતિથી વિચાર કર્યો કે મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન જેવા તો કેટલાયે બાળકો હશે તો એમને રાખવા માટે શું સરકાર કોઈ મદદ કરે છે? આજે જ હું એક એન.જી.ઓ. દ્વારા સંચાલિત સરકારી માહિતી આપતી કોરોના હેલ્પની હોટલાઈનમાં વાત કરતી હતી. મેં એમને કહ્યું કે હું મારા ઘરમાં જો કોરોનામાં અનાથ બનેલા બાળકોને અનાથ આશ્રમની જેમ રાખું તો સરકારી મદદ મળે ખરી? તો એમનો જવાબ આવ્યો કે, ‘હા, સરકાર દરેક અનાથ બાળક માટે પાંચ હજારની મદદ આપશે અને જો એ બાળક ત્રણ વરસથી નાનું હશે તો એને માટે સાત હજાર આપશે. આ મદદ જ્યાં સુધી આ બાળકો ૧૪ વરસનાં ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. એના પછી એ બાળકો સરકારી વોકેશનલ સેંટરમાં જઈને રહેશે, કામ કરશે અને ભણશે.’

જયુ, મેં કમર કસી છે અને ત્રણ વરસથી ઉપરના આવા પાંચ બાળકોને મારે ત્યાં રાખવાનું નક્કી કરી નાખ્યું છે. એ માટે, સરકારી સ્ટાન્ડર્ડ્સ અને નિયમ પ્રમાણે એન. જી. ઓ. ના માણસો કાલે આવીને મારું ઘર જોઈ જશે અને બધું બરાબર લાગશે તો પછી ડિસઈન્ફેક્ટ કરી જશે. સેટ અપ માટે મદદ પણ કરશે અને આ છોકરાઓના ભણતર માટેની વ્યવસ્થા કેમ કરવી એની ટ્રેનિંગ પણ આપશે. જ્યાં સુધી આ બાળકો મારા ઘરમાં રહેશે ત્યાં સુધી સરકારી ઈન્સ્પેક્શન પણ દર મહિને થતું રહેશે કે એમને હું સ્વચ્છ વાતાવરણમાં અને સારી રીતે રાખું છું કે નહિ. આ બધી સગવડ આ એન. જી.ઓ. સરકારી યોજના પ્રમાણે કરાવશે. પણ આ બધું ઊભું કરવામાં કદાચ એક-બે મહિના લાગી પણ જાય. ત્યાં સુધી તો મારું ગાડું ચાલી જશે. મારી તાતી જરૂર હતી ત્યારે ભગવાને વિશ્વાસને મોકલી આપ્યો અને એ ત્રણ ઈન્જેક્શનનાં પૈસા મારા માટે તો નરસૈંયાની હૂંડી જેમ હતા.

પણ, એક બીજી વાત, તમે બધાંએ આટલી ભાવનાથી મારે માટે જે ફંડ ઊભું કર્યું છે, એ બદલ હું ખૂબ ગદગદ છું અને અત્યંત આભારી છું. હું અત્યંત વિનમ્રતાથી કહું છું કે એની મને હવે સાચે જ જરૂર નથી. તમે એ પૈસાથી કોઈ કોરોનાના પેશન્ટનો ઈલાજ કરાવજો જેથી કોઈની જિંદગી બચી શકે.

તને સાચું કહું, મારી પાસે પ્લાન બી અને સી પણ છે. પ્લાન બી પણ કંઈક પ્લાન એ જેવો જ છે. દસ બિલ્ડીંગની અમારી આ સોસાયટીમાં એવા વૃદ્ધો બચ્યા છે કે જેમના સંતાનો કોરોનામાં જતાં રહ્યાં છે અને તેઓ બચી ગયા છે. આવા રિટાયર્ડ વૃદ્ધો – સિનિયર સિટીઝન્સ માટે મારા વિસ્તારના બે કિલોમીટરના એરિયામાં એક રિસોર્સ કોર્ડિનેટર પણ જોઈએ છે, જે, આવા દરેક વૃદ્ધને જોઈતા સામાન અને દવાપાણી પહોંચાડવાની વ્યવસ્થા સુપેરે કરી શકે. આના માટે સરકાર, દરેક સિનિયર સિટીઝન માટે બે હજાર રૂપિયા આવનારા પાંચ વરસો સુધી આપશે. આ સરકારી યોજના વિષે પણ એ એન. જી. ઓ. વાળા જ કહેતા હતાં. મેં આ યોજનામાં પણ મારું નામ નોંધાવી દીધું છે. છતાં પણ જો આ યોજનાઓમાંથી કામ નહીં મળે તો પ્લાન સી પ્રમાણે હું આ ઘર વેચીને જે પૈસા આવશે એ લઈને મારા ગામેના ઘરે રહેવા જતી રહીશ. ત્યાં, ગામમાં જ છોકરાંઓને ભણાવી શકું એટલાં પૈસા તો આ ઘર વેચીને મળી જ જશે. સવાલ બસ, દસ-બાર વરસનો છે. મને હવે ભરોસો થઈ ગયો છે કે આ સમય પણ નીકળી જશે ને હું મારા ભૂલકાઓને મોટાં પણ કરીશ અને ભણાવીશ પણ ખરી…

વિશ્વાસે ખૂબ મદદ કરી એનો ઉપકાર હું આખી બાકીની જિંદગી નહીં ભૂલું. ભગવાન એને, એનાં કુટુંબને અને તમને સહુને સહકુટુંબ સદૈવ નિરોગી રાખે, સુખી રાખે એવી જ પ્રાર્થના કરું છું.

જયુ, હવે તું પણ ફેસટાઈમ અને વોટ્સએપ પર નિયમિત મળતી રહેજે. કોરોનાના આ કપરા કાળમાં જે છે તે ‘આજ’ જ બચી છે, તો આ આજનો ઉત્સવ આપણે છેલ્લા શ્વાસ સુધી ઉજવતાં રહીશું. આ જ મેસેજ મેં આપણા ગ્રુપમાં પણ લખ્યો છે. આપણે સહુ હવે નિયમિત મળતાં રહીશું જ્યુ. તારે અમેરિકામાં કેવું ચાલે છે બધું?”

મારી નજર સામે સદાયે હસતી, બોલતી અને ખૂબ સરસ તૈયાર થયેલી રક્ષાની છબી ઊભી થઈ ગઈ. મેં જવાબ લખવાને બદલે ફોન જોડ્યો. મને ફોનની એ ઘંટડીમાં રક્ષાના ફોક ડાન્સની કમનીયતા સંભળાતી રહી.

અસ્તુ!

Leave a Reply to Swati RavalCancel reply

11 Comments

  1. સત્ય ઘટના પર આધારિત સુંદર રજુઆત.
    બધા માટે અને ખાસ કરીને બહેનો માટે એક પ્રેરણા દાયક સ્ટોરી.
    “કોરોના” ના કારણે, આવા કેટલાય પરિવારો ઉજ્જડ થઇ ગયા છે.
    નરેન્દ્રભાઈ મોદીએ આ બાબતે વિશેષ ધ્યાન આપી, જે પરિવારના મોભીનું (Bread Earner) મૃત્યુ થયું હોય તે માટે.. વિશેષ સહાય ની યોજના બનાવી છે…
    પરંતુ ઉપર બતાવેલ પરિસ્થિતિમાં માનસિક રીતે ટકી રહેવું ખૂબ આકરું છે.!

    અભિનંદન અને શુભેચ્છાઓ

  2. રક્ષાબહેનની હિંમતભેર પરિસ્થિતિ સામે ઝુઝવાની તાકાત ગમી. સત્ય ઘટના હમેશા દિલને સ્પર્ષી જાય છે. મારા બ્લોગમાં મારી મોટાભાગની વાર્તા સત્ય ઘટના પર આધારિત છે, જેને વાચકોએ પ્રેમપૂર્વક આવકારી છે.
    http://www.smunshaw.wordpress.com

  3. સમય વ્યક્તિને ક્યાં લાવી મૂકશે તે ખબર નથી.કરુણાથી ભર્યું હ્રદય હોય ત્યારે માણસ તરીકેનું હોવાપણું સાર્થક થાય….જયશ્રીબહેને સત્યકથા લખીને ઘણાંને પ્રેરણા આપી…

  4. ખુબજ જીવન સંઘર્ષ માં ટકવા મિત્રોની અને સરકારની કેવી ભૂમિકા હોય તે નમૂનારૂપ ક્રુતિ બદલ ખૂબ અભિનંદન

  5. સત્યતા સ્પર્શી જ જાય એ તો ખરું જ પણ સત્યને રજૂ કરવાની શૈલી એમાં વિશેષ ભાગ ભજવી જાય છે જે જયશ્રીબહેનની કલમની તાકાત દેખાય છે. બાત દિલ કો છૂ ગઈ. 🙏

  6. એ રક્ષાઆંટીને ભગવાન ખુબ તાકાત આપે.. અને એમના પૌત્રો પણ ખુબ આગળ વધે એવી પ્રાર્થના. સુંદર લખાણ જયશ્રીઆન્ટી!

  7. જીવન સંઘર્ષમાં હિંમતથી ઊભા રહેનાર અને લાગણીથી મૈત્રીસંબંધ પ્રમાણે કૃતિ કરનાર,બધાને નમસ્કાર.