ચોમાસુ કેટલું છે છેટું ? (ગીત) ~ કૃષ્ણ દવે

હજી ચોમાસુ કેટલું છે છેટું ?
થાય છે કે મોઢેથી માસ્કને ફગાવીને
વ્હાલા વરસાદ તને ભેટુ
હજી ચોમાસુ કેટલું છે છેટું ?

એવું તો ધોધમાર ખાબકે કશુંક્
ભલે છાંટે ને છાંટે છોલાઉં 
તંગ થઈ ગયેલા આ તળિયાં તૂટે
ને હુંય ભડ ભડ ભડ એમાં ભીંજાઉં
સાચું કહું? આ વખતે મોડું પડે તો
એને મારી દઉં પાંચ-સાત ફેંટુ!

હજી ચોમાસુ કેટલું છે છેટું?

આ વર્ષે આંખ એવી કેટલી હશે?
કે જેનું રહી જાશે ચોમાસું કોરું!
સૂની પડેલી કંઈક પાંપણની પછવાડે
થાતું કે મેઘધનુષ દોરું!
અથવા તો એમ થાય વીજળીની પાસે
હું ચિતરાવું  વાદળીનું ટેટુ !

હજી ચોમાસુ કેટલું છે છેટું ?

કૃષ્ણ દવે
તારીખ : 15-6-2021

Leave a Reply to Chandrika solankiCancel reply

5 Comments

  1. દરેકે દરેક પંકિતને વહાલથી ભેટુ .વરસાદની પ્રતિક્ષાનું મસ્ત કાવ્ય

  2. સુંદર ગીત..
    આ ચોમાસે કોઈ જ ભીંજાયા વગર ના રહે..

  3. વાહહ ખૂબ સરસ ગીત 👏👏✍️
    અહીં પોસ્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર એડમીન જી🌹

    1. વરસાદની પ્રતિક્ષાનું અતિ સુંદર કાવ્ય.વાંચીને થાય કે એકે એક પંક્તિને હું ય વહાલથી ભેટુ