વંચાયા કરું (ગઝલ) ~ નટવર આહલપરા

પોસ્ટરોની જેમ વંચાયા કરું
રોજ ફાટું રોજ સંધાયા કરું

સૂર્ય સાથે ઓગળું છું રણ મહીં
જળ બનીને હું જ સુકાયા કરું

તું વસંતી રૂપની દુલ્હન બને
બંધ કમરામાં જ ઘૂંટાયા કરું

સ્પર્શ તારો યાદ આવે જે ઘડી
મન મહીં હું રોજ ભીંજાયા કરું

તું કથાના પાત્રને જાણે નહીં
તું કદી વાંચે તો સમજાયા કરું

આપણો તો કાયમી સંગાથ છે
ગાંઠ થઈને મનમાં બંધાયા કરું

~ નટવર આહલપરા

આપનો પ્રતિભાવ આપો..

5 Comments