દુપટ્ટો (ગઝલ) ~ લિપિ ઓઝા

પઠન: કવયિત્રી દ્વારા
લિપિ ઓઝા (અમદાવાદ)

હરખથી ડાળ પર થઈ પારણું ઝૂલ્યો દુપટ્ટો
પરંતુ બાળ પોઢ્યા બાદ, ના પોઢ્યો દુપટ્ટો

હતો જો મુક્ત તો પણ કેમ ના ઊડ્યો દુપટ્ટો?
નવાઈ છે, તમે સાંકળ વગર બાંધ્યો દુપટ્ટો!

મસોતું થઈને પણ છૂટી નથી એ ટેવ જૂની
કિનારી આંખની લૂછવા થયો તરસ્યો દુપટ્ટો

બદામી, ભૂખરી, કાળી કે કથ્થઈ, આસમાની
કઈ છે આંખ કે જેણે નથી ભેદ્યો દુપટ્ટો?

અરીસો કોઈ કારણથી બહુ ભેદી હસ્યો’તો
રમતમાં બાળકીએ બે ઘડી વીંટ્યો દુપટ્ટો

કરી બાધા કે નવસો ને નવાણું ચીર ઊગે ત્યાં
પીડિતાએ લીરા ભેગા કરી વાવ્યો દુપટ્ટો

હવે તો પ્રાણ સાથે દેહથી છૂટે તો છૂટે
બળેલી છાતીને એ રીતથી વળગ્યો દુપટ્ટો

મલાજો રાખવા માટે વડીલોની નજરનો
વિચારી જો કદી, કે કેમ પહેરાવ્યો દુપટ્ટો?

કોઈ આવીને ખોલી કાઢશે પંખાથી હમણાં
લદાયેલા વજનથી આમ તો છૂટ્યો દુપટ્ટો

***

Leave a Reply to હરીશ દાસાણીCancel reply

9 Comments

  1. ખૂબ હૃદયસ્પર્શી! ભાવ અને રજૂઆત બન્ને

  2. ખૂબ સુંદર ગઝલ અને એટલી જ અસરકારક રજૂઆત

  3. કવયિત્રી લિપિ ઓઝાની મજાની ગઝલનું સ રસ પઠન

  4. નવા મિજાજ અને અભિવ્યક્તિની ગઝલ તથા સરસ પઠન

  5. આ ગઝલ તમારાં મનમાં કેવી રીતે જન્મી?

    1. સરસ ચોટદાર હ્રદયસ્પર્શી ગઝલ ,અભિનંદન