જીવરામ મોચીનું ગીત ~ પરબતકુમાર નાયી

પઠન : કવિના અવાજમાં

છોકરો તો સુરતની ઓફિસમાં બેસીને
લીલ્લીછમ નોટો બહુ છાપતો,    
પેઢીઓ ને પેઢીઓથી ચાલી આવેલી
આ ભવની ભૂંડી ભૂખ કાપતો !

કાળમુખો કોરોના આવ્યો છે માવડી,
ઝૂંટવી ગ્યો સાચવેલું  નાણું,   
રાત આખી ખાટલીમાં પડખાં ઘસીને કાઢું :
ખુલ્લી આંખે વાય વા’ણું.
છોકરાના ઓણ હતા વિ’વા અંબે મા !
નાંનકીનું ઓણ હતું આણું !   
સામેથી બોલાવી બીડી પીવડાવતો, 
વાણિયો ઉધાર નથી આપતો !

“સોય-દોરો, નખલી અને ચામડાની થેલીનો
કોઠેથી કાઢો સામાન” 
“પાદરના વડ તળે પાણી છાંટીને 
ફરી ખોલવી છે જૂની દુકાન !”   
છોકરો તો નિશાળની ભીંત ઉપર બેસીને
ગાલમાં ભરાવે છે પાન.   
ઘરાકના પગ સાથે જીવરામ મોચડિયો
પોતાનું જીવતર પણ માપતો.
                       
~ પરબતકુમાર નાયી

6 comments

  1. કવિશ્રી પરબતકુમાર નાયીનુ જીવરામ મોચીનું ગીત ~ પરબતકુમાર નાયી કવિના અવાજમાં પઠન માણ્યુ.સાંપ્રત સમયે સામાન્ય સ્થિતીનાની તકલીફ સાંભળી આંખ નમ

  2. ખુબ સરસ ધન્યવાદ, અભિનંદન.. પ્રગતિ કરતા રહો.. સરસ સાંપ્રત રચના.. સંવેદના નું સુંદર ગીત

આપનો પ્રતિભાવ આપો..