વહેતા થઈ ગ્યા (ગીત) – ધ્રુવ ભટ્ટ, સ્વરાંકન-સ્વર: જ્હોની શાહ, તબલા સંગત: વિમલ શાહ

એમ અમે અચરજને મારગ
સાવ અચાનક વહેતા થઈ ગ્યા
હું ને મારી આવરદા
એકાદ મુકામે ભેગા થઈ ગ્યા

એવા સમતળના રહેનારા
અમે એકલ પંડે
રિક્ત છલકતા અંધકારના
સદા અખંડિત ખંડે
હવે અચાનક ઊર્ધ્વ-અધોના
પટમાં આવી રહેતા થઈ ગ્યા

હું ને મારી આવરદા
એકાદ મુકામે ભેગા થઈ ગ્યા

નામ ન’તું કોઈ ઠામ વગરના
હતા અમે હંમેશ
તમે ગણ્યું જે અંતરિક્ષ
તે હતો અમારો વેશ
અવ ઓચિંતા અમે અમારું નામ
જગતને કહેતા થઈ ગ્યા

હું ને મારી આવરદા
એકાદ મુકામે ભેગા થઈ ગ્યા

– ધ્રુવ ભટ્ટ

2 comments

 1. નામ ન’તું કોઈ ઠામ વગરના
  હતા અમે હંમેશ
  તમે ગણ્યું જે અંતરિક્ષ
  તે હતો અમારો વેશ
  અવ ઓચિંતા અમે અમારું નામ
  જગતને કહેતા થઈ ગ્યા…
  રહસ્યમય સુંદર ગીતના જ્હોની શાહના મધુરું સ્વરાંકન-સ્વર:મા માણવાની મજા

 2. ધ્રુવભાઇનું આ ગીત રહસ્યમય રોમાંચથી આનંદિત કરે છે.

આપનો પ્રતિભાવ આપો..