એક કલાકની વાત ~ મૂળ લેખકઃ કેટ શૉપાન – ~ ભાવાનુવાદઃ રઈશ મનીઆર

એક કલાકની વાત
મૂળ અંગ્રેજી વાર્તા – કેટ શૉપાન (Kate Chopin)
ભાવાનુવાદ – રઈશ મનીઆર  

થોડીવાર પહેલા જ આ ગોઝારી ટ્રેન-દુર્ઘટનાની વિનાયકને બાતમી મળી ત્યારે એ અખબારની ઓફિસમાં હતો, ગઈ રાતે 10-12-1965 તારીખે અક્સ્માતમાં માર્યા ગયેલાની યાદીમાં પોતાના મિત્ર શિવેન્દુ વોરાનું નામ એણે જોયું. વાત એને માનવામાં ન આવી એટલે ન્યૂઝ એજન્સીને વળતો ટેલિગ્રામ કરીને આ દુ:ખદ સમાચારની સચ્ચાઈની ખાતરી કરી.

શિવેન્દુની પત્ની નેહાને બાળપણથી જ નબળા હૃદયની તકલીફ હતી. વિનાયક જાણતો હતો કે એને એના પતિના મૃત્યુના સમાચાર સીધીસીધા ન જ આપી દેવાય. એણે નેહાની નાની બહેન પ્રીતિ સાથે વાત કરી. મન કઠણ કરીને નક્કી કર્યું કે આ સમાચાર નબળા હૃદયની નેહાને આપવા તો પડશે, પણ શક્ય તેટલી હળવાશથી અને બહુ સાચવીને.  

કોઈ પણ સ્ત્રી અચાનક ‘પોતે વિધવા થઈ છે’ એ સમાચાર ન જ જીરવી શકે. એમાંય આ તો નબળા હૃદયની નેહા! સંપૂર્ણપણે શિવેન્દુ પર અવલંબિત હતી. એનું આખું જીવન શિવેન્દુની આસપાસ વણાયેલું. પોતાનું અંગત કોઈ જીવન જ નહીં. શિવેન્દુનું કામ તે એનું કામ. શિવેન્દુના મિત્રો તે એના મિત્રો. શિવેન્દુનો દિવસ તે એનો દિવસ. શિવેન્દુ હતો જ એવો. ઘટાદાર વૃક્ષ જેવો. એની આસપાસ વીંટળાયેલી વેલી જેવી નેહાની જિંદગી હતી.    

આ શિવેન્દુ ગઈકાલે ઓફિસના કામે નીકળ્યો હતો. નેહાને એના વગર એક રાત વીતાવવી પણ ભારે પડતી. અને આજે ટ્રેન અક્સ્માતમાં મરનારની યાદીમાં એનું નામ હતું. પ્રીતિ અને વિનાયક જાણતા હતા, આ એક મરણની અંદર કદાચ બે મરણ છુપાયેલા હતાં. પણ એવું તે કેમ થવા દેવાય!

તો ય આ વાત ગમે તેમ કરીને નેહાને કહેવાની હતી, અને એ પણ જલદી જ. રાહ જોવાય એમ નહોતું.  કેમ કે કોઈ બીજા કોઈ ઓછા સાવચેત પરિચિત ફોન કરે અને આ દુ:ખદ સમાચાર નેહાને અણધારી રીતે મળે તો નેહાનું નબળું હૈયું સમાચાર સાંભળીને તરત બેસી જ જાય. નેહાના ડોક્ટરને પણ ફોન કર્યો. એમની સલાહ લીધી. એ અનુસાર પ્રીતિ અને વિનાયકે શિવેન્દુની લાશ આવે એ પહેલા નેહાને માનસિક રીતે તૈયાર કરવાની આ મુશ્કેલ જવાબદારી, જરા ઉતાવળેથી છતાં બને તેટલી સલૂકાઈથી નિભાવી. પ્રીતિએ સળંગ સીધેસીધી કે પૂરેપૂરી વાત કરવાને બદલે કટકે કટકે આ સમાચાર આપ્યા. નેહાને જલદી જ ખ્યાલ આવી ગયો કે શિવેન્દુ રહ્યો નથી, ટ્રેન દુર્ઘટનામાં એનું…

નેહા પૂરેપૂરી વાત સાંભળતા પહેલાં જ ભાંગીને ઢગલો થઈ ગઈ. એણે રડતાં રડતાં બહેનના હાથોમાં શરીર ઢીલું મૂકી દીધું. ગભરાયેલી પ્રીતિ પોતાની છાતી પર એના શ્વાસ અનુભવતી રહી. ડૂસકાં બની રહેલા શ્વાસ કહેતા રહ્યા કે આઘાત હજુ સુધી તો પ્રાણઘાતક નહોતો. તો ય વિનાયક સતત એની નાડીના ધબકારા તપાસતો રહ્યો. હાશ! થોડીવાર પછી નેહાને સુધબુધ આવી. એ ઊઠીને એકલી પોતાના રૂમ તરફ ગઈ. પાછળ પાછળ આવી રહેલી પ્રીતિને નેહાએ રોકી. “મને એક્લી રહેવા દે થોડીવાર..” ડરેલી પ્રીતિએ વિનાયક સામે જોયું. વિનાયકે મૂક સંમતિ આપી.

           નેહાએ તો રૂમની અંદર જઈ સ્ટોપર લગાવી દીધી, એટલે બન્ને ધડક્યા. નેહાના બેડરૂમમાં એક આરામખુરશી ખુલ્લી બારીની સામે ગોઠવાયેલી પડી હતી, જ્યાં કાયમ શિવેન્દુ બેસતો. નેહા ચાલતી લાશની જેમ ત્યાં પહોંચી. શારીરિક થાકથી તૂટી રહેલા પોતાના શરીરને નેહાએ એ ખાલી ખુરશી પર ફંગોળ્યું. જાણે કોઈ બાળક રડતાં રડતાં સૂઈ ગયું હોય અને સપનાંમાં પણ એનું ડૂસકાં લેવાનું ચાલુ રહ્યું હોય, એવી એની દશા હતી. અચાનક એક ડૂમો તેના ગળામાં આવ્યો અને એ હચમચીને જાગી ગઇ. જાગતાંની સાથે અચાનક એના અંતરમન સામે એક નવું દૃશ્ય ઉઘડ્યું.    

           તેના ઘરની સામે ખુલ્લા ચોકમાં ઝાડની ટોચ એને દેખાઈ રહી હતી, જેના પર ભીની મોસમની શોભા દેખાતી હતી. વરસાદની ભીની સુગંધ હવામાં હતી. નીચે શેરીમાં એક ફેરિયો તેનો માલ વેચવા બૂમ પાડી રહ્યો હતો. દૂર કોઈ ધીમા સ્વરે ગીત ગાઇ રહ્યું હતું એ તેના કાને પડ્યું અને જાણે એ ગીતના જવાબમાં અસંખ્ય ચકલીઓ ચહેકી રહી હતી. તેની બારીમાંથી પશ્ચિમ દિશામાં વાદળોનાં ઝૂમખાંની વચ્ચેથી ક્યાંક ક્યાંક ભૂરા આકાશના ટુકડા દેખાતા હતા. તે એકદમ શાંત, નિશ્ચલ રહીને આરામખુરશી પર માથું ટેકવી બેસી રહી.

ભૂરા આકાશના હળવા કિરણો તેના દુ:ખના અફાટ પડદાને વચ્ચોવચથી ચીરીને તેની પાસે આવી રહ્યા હતા. નેહા તો ભયાનક ડરથી કંપીને જીવલેણ એકલતાની રાહ જોઈ રહી હતી,  પણ આ શું હતું? નેહાને સમજાયું નહીં. નેહાને એક અજબ પ્રકારની અનુભૂતિ થઈ રહી હતી, વરસ્યા પછીના ભૂરા સ્વચ્છ આકાશમાંથી એના સુધી આવી રહેલી એકલતા અવાજો, સુગંધ અને રંગીન હવાથી વીંટળાયેલી હતી. આ એકલતા જરાય ખૂંખાર નહોતી. જાણે એકલતાની છરી એનો જીવ લેવા નહીં, એના બંધનો કાપવા આવી હતી!   

શિવેન્દુ ગયો, પણ નેહા હજુ યુવાન હતી, ચાળીસ-પિસ્તાળીસની હશે. હા 1922માં એનો જન્મ એટલે 43 થયા. નેહા ઊભી થઈ. એણે અરીસામાં જોયું, એનો ચેહરો ગોરો અને શાંત હતો. કાયમ એની મુખરેખાઓમાં એક દબાયેલી આજ્ઞાંકિત સ્ત્રી ઝળકતી હતી. આજે જાણે પહેલીવાર એ દબાયેલી મુખરેખાઓની વચ્ચે એક શક્તિશાળી લકીર ઉપસતી જોઈ.      

નેહાનું  હૈયું ભરાઈ આવ્યું. પતિના મરણ સમયે આવી તે કેવી વિચિત્ર અનુભૂતિ! આ નવતર અનુભૂતિના વાવાઝોડાને પોતાની કમજોર ઈચ્છાશક્તિ વડે જાણે રોકવા માંગતી હોય, એમ એ મથી રહી. નેહા એના બે ગોરા પાતળા નિર્બળ હાથ વડે જાણે પોતાના દુ:ખના અભેદ્ય કિલા પર હુમલો કરી રહેલ આ તાજા કિરણોને રોકવા માંગતી હતી. પણ આખરે એનો આ નિર્બળ પ્રતિકાર હારી ગયો. રૂમના એકાંતમાં એના દુ:ખનો કિલ્લો ધ્વસ્ત થઈ ગયો. અચાનક પતિના મરણનું દુ:ખ શમવા લાગ્યું.  
એના પોતાના જ આશ્ચર્ય વચ્ચે તેના મોઢામાંથી અનાયાસે એક શબ્દ નીકળી ગયો, “હવે હું આઝાદ છું!” નેહાએ એ ધીમેથી અજાણતાં બોલાઈ ગયેલો શબ્દ મનમાં મમળાવ્યો. ફરી ફરી ઉચ્ચાર્યો, “હવે હું આઝાદ છું! આઝાદ છું! બિલ્કુલ આઝાદ છું!” તેની આંખોમાંથી નિસ્તેજતા અને ભયભીતતા નીકળી ગયા. તેના ચહેરા કૌતુક અને ચમક દેખાયાં. તેના ધબકારા વધવા લાગ્યા. એનું રક્ત ગરમાટો અનુભવવા લાગ્યું અને એનાં રોમેરોમમાં હળવાશ અનુભવાઈ. 
નેહાને આ આઝાદીની અજબ પ્રકારની ખુશી થઈ રહી હતી. એ ખુશી કોઈ પાશવી ખુશી કે અયોગ્ય ખુશી છે કે કેમ? નેહાને એ વિચારવાની સૂઝ નહોતી રહી. એના મનમાં આઝાદીની અનુભૂતિ દીવા જેવી ચોખ્ખી અને શુદ્ધ હતી. તેથી કોઈ વિરોધી દુ:ખી વિચારને એણે ગણકાર્યો નહીં. નેહા જાણતી હતી કે જ્યારે તે મૃત્યુ પામેલા પતિ શિવેન્દુના માયાળુ, કોમળ વાળેલા નિશ્ચેત હાથ જોશે ત્યારે તેને ફરીથી રડવું આવશે. શિવેન્દુનો એ ચહેરો કે જેણે નેહા પર સતત પ્રેમની ધારા વહાવી છે, એ ચહેરાને નિષ્પ્રાણ રાખોડી અને મરેલો જોઈને રડવું તો આવશે. એ ક્ષણ ખરેખર કડવી હશે, પરંતુ નેહાએ તે કડવી ક્ષણથી આગળ વધીને આવનારા વર્ષોની લાંબી એકલ યાત્રા પણ કલ્પી લીધી, જે હવે તેની એકલીની હતી. એ નવી યાત્રાના સ્વાગત માટે નેહાએ એના હાથ ફેલાવ્યા.
આવતા વર્ષો દરમિયાન તે કોઈ બીજાના માટે જીવશે નહીં; તે માત્ર પોતાના માટે જીવશે. હવે શિવેન્દુનો શક્તિશાળી પ્રભાવ એની નાનીનાની ઇચ્છાઓને રોકી શકશે નહીં. એ પોતાની મરજીથી જીવશે. એ એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે જીવશે, નહીં કે શિવેન્દુ વોરાની વિધવા તરીકે.  આ સાક્ષાત્કારની નાનકડી ક્ષણમાં એને સમજાઈ ગયું કે અત્યાર સુધી સતત સાથીની ઈચ્છાને શરણે થઈ જીવેલું જીવન વ્યર્થ હતું. ભલે શિવેંદુના અધિકારભરેલા પ્રેમમાં ભલમનસાઈ જ હતી. પણ.. આઝાદી તે આઝાદી! 
અને તો ય નેહા એના પતિ શિવેન્દુને પ્રેમ તો કરતી જ હતી. . ક્યારેક ખૂબ પ્રેમ કરતી હતી, કોઈવેળા પ્રેમ નહોતી પણ કરતી. શું ફરક પડે? આમ તો પ્રેમ.. પોતે જ ન ઉકેલાયેલા કોયડા જેવો છે. આજે જ્યારે એના અસ્તિત્વની સૌથી આગવી અનુભૂતિ જેવી સ્વમાનની જણસ એને હાથ લાગી ગઈ હતી, ત્યારે એની સામે એ પ્રેમની શું વિસાત! સાચે જ સ્વમાન સામે પ્રેમની શું વિસાત?  
“આઝાદ જીવન! આઝાદ આયખું!” એ ગણગણતી રહી.   
બહાર એની બહેન પ્રીતિ બંધ દરવાજા આગળ ઘૂંટણિયે બેઠી હતી અને કી-હોલ પર હોઠ લગાડી, પ્રવેશ માટે વિનંતી કરી રહી હતી, "નેહા, દરવાજો ખોલ! મહેરબાની કરી દરવાજો ખોલ, તું રડીરડી બેહોશ થઈ જશે! બીમાર થઈ જશે. નેહા, તું શું કરી રહી છે? પ્લીઝ બહાર આવ! અને તારી દવા પી લે!" 
"નથી પીવી કોઈ દવા! હવે મને કંઈ થવાનું નથી." નેહા તો ખુલ્લી બારી દ્વારા જીવનનું અમૃત પી રહી હતી.
નેહાના મનમાં આવનારા દિવસોનો ઉમંગ હતો. તેણે એક નાનકડી પ્રાર્થના પણ કરી નાખી કે આ બદલાયેલું જીવન વધુ લાંબું રહે. આ જ નેહાએ હજુ તો ગઈકાલે, શિવેન્દુ બહાર ગયો ત્યારે ભયની કંપારી સાથે વિચાર્યું હતું કે આ તાણથી ભર્યું ભર્યું જીવન લાંબું હશે તો મારું શું થશે! 
નેહા ધીમે રહીને ઊભી થઈ અને પ્રીતિની એકધારી વિનવણીથી કંટાળી દરવાજો ખોલ્યો. પ્રીતિએ નેહાને ટેકો આપ્યો. નેહાએ તેની બહેનની કમર પકડી અને તેઓ બન્ને એક સાથે સીડીથી નીચે ઉતર્યા. નેહાની ચાલમાં ય એક ઉન્માદ હતો, નીચે વિનાયક તેમની રાહ જોતો ઊભો હતો. એક પળ માટે નીરવતા પથરાઈ ગઈ. સૂજેલી આંખોવાળી નેહાના મુખભાવને કળવા મથી રહેલા પ્રીતિ અને વિનાયકને આ એક પળ વીતેલા એક કલાક કરતાં ભારે લાગી. 
ત્યાં જ ઘરના મુખ્ય દરવાજા પાસેથી આ નીરવતાને ભેદતો કોઈ અજબ પ્રકારનો અવાજ આવ્યો. એ લેચ-કી નો અવાજ હતો. બહારથી કોઈ ચાવી વડે દરવાજો ખોલી રહ્યું હતું. દરવાજો ખૂલ્યો. પ્રવેશ કરનાર વ્યક્તિ દેખાયો. એ શિવેન્દુ વોરા પોતે હતો. થોડો પ્રવાસથી થાકેલો, હાથમાં બેગ અને છત્રી લઈ એ ઊભો હતો. કોઈકની ભૂલથી એનું નામ મરનારની યાદીમાં આવી ગયું હતું. પણ તે સલામત હતો. બનેવીને હયાત જોઈ ચોંકેલી પ્રીતિથી એક ચીસ પડાઈ ગઈ. આશ્ચર્યથી દિગ્મૂઢ થયેલો વિનાયક ઝડપથી વચ્ચેથી ખસ્યો જેથી નેહા પોતાના જીવતાજાગતા પતિ શિવેન્દુને બરાબર જોઈ શકે. શિવેન્દુને જોઈને નેહા...... !   
જ્યારે ડોકટરો આવ્યા ત્યારે તેમણે કહ્યું કે નેહા વોરા મરણ પામી છે. તેઓએ સ્થિતિ જાણી અનુમાન લગાવ્યું, કદાચ મૃત ધારેલા પતિને જીવતો જોયાની ખુશીના અતિરેકને લીધે, નબળા હૃદયને કારણે, આમ બન્યું હોય.

(અમેરિકન વાર્તાકાર Kate chopin  (ઉચ્ચાર થાય કેટ શૉપાન) 1850માં જન્મેલા અને 1904 સુધી એમનો જીવનકાળ. એમેની આ વિખ્યાત વાર્તા "The Story of an Hour"નો અનુવાદ કરવાની સાથે સાથે, એ વધુ આસ્વાદ્ય બને એટલે એનું ભારતીયકરણ કરવાનો પણ વિચાર આવ્યો. આ ચુસ્ત અનુવાદ નથી. એને ભાવાનુવાદ જ કહી શકાશે.) 

Leave a Reply to pragnajuCancel reply

4 Comments

  1. પતનું મોત એને મંજૂર હતું, પરંતુ પોતાની સ્વતંત્રતા છિનવાય એ નામંજૂર હતું.
    એક હૃદયસ્પર્શી વાર્તા.. ભાવવાહી અનુવાદ…

  2. એક કલાકની વાત – મૂળ લેખકઃ કેટ શૉપાનની મન સ્થિતીની સુંદર વાર્તાનો રઈશ મણિયાર દ્વારા સ રસ – ભાવનુવાદઃ

  3. મનની વિચિત્ર અવસ્થાઓ અને પરિસ્થિતિઓથી સર્જાતી એક અનોખી વાર્તા.