વાચકોને આઘાત પર આઘાત આપતી વાર્તા ~ બાબુ સુથાર

“વારતા રે વારતા”- (૨)
(વિશ્વ સાહિત્યની વાર્તાઓનો આસ્વાદ કરાવતી શ્રેણી )

બહુ ઓછી એવી વાર્તાઓ હોય છે જેમનો આરંભ પણ આઘાતજનક હોય, મધ્ય પણ અને અંત પણ. ૧૮૯૪માં પ્રગટ થયેલી અમેરિકન લેખિકા કેટ શોપેનની (Kate Chopin) ‘The Story of an Hour’ વાર્તા આ પ્રકારની છે.

વાર્તાનું કથાવસ્તુ સાવ સરળ છે: મુખ્ય પાત્ર શ્રીમતી મેલાર્ડના પતિનું રેલવે અકસ્માતમાં મરણ થયું છે. એમને એ સમાચાર આપવા માટે એમની બહેન જોસેફિન આવી છે. એને ખબર છે કે એની બહેનનું હ્રદય ખૂબ નબળું છે તેથી એ આવા સમાચાર સરળતાથી નહીં પચાવી શકે. એટલે એ પોતાની સાથે શ્રીમતી મેલાર્ડના પતિના એક મિત્ર રીચાર્ડને લઈને આવી છે. રીચાર્ડ પણ રેલવે અકસ્માતમાં માર્યા ગયેલા પ્રવાસીઓની યાદી લઈને આવ્યા છે. જો શ્રીમતી મેલાર્ડ એમના પતિના મરણના સમાચારનો સ્વીકાર ન કરે તો એ યાદી એમને બતાવી શકાય એવા આશયથી. જોસેફિન ખૂબ જ ધીમા અવાજે, નાનાં અને ત્રુટક ત્રુટક વાક્યોમાં, શ્રીમતી મેલાર્ડને આઘાત ન લાગે એ રીતે, એમના પતિના અવસાનના સમાચાર આપે છે. લેખિકા કહે છે કે જોસેફિને એમને અર્ધા સમાચાર આપેલા. પણ એ રીતે આપેલા કે એના આધારે જ એ આખા સમાચાર સમજી જાય.

સમાચાર સાંભળતાં જ શ્રીમતી મેલાર્ડને આઘાત લાગેલો. એ રડેલાં પણ ખરાં. એ પણ બહેનને બાઝીને. પછી જ્યારે આઘાત થોડોક ઓછો થયો ત્યારે એ બહેનને ત્યાંને ત્યાં છોડીને એકલાં પોતાના ઓરડામાં ચાલ્યાં ગયેલાં અને ત્યાં ખુલ્લી બારી પાસે ઊભાં રહેલાં.

લેખિકાએ અહીં બે જગતની સહોપસ્થિતિ બતાવી છે. એક તે શ્રીમતી મેલાર્ડના ઘરની અંદરનું જગત. એ પણ વહેંચાઈ ગયેલું. એકમાં શ્રીમતી જોસેફિન અને રીચાર્ડ; બીજામાં શ્રીમતી મેલાર્ડ પોતે. અને બીજું જગત તે ઘરની બહારનું. એક જગત બંધ, બીજું ખુલ્લું. બહારના જગતમાં પુષ્કળ અવકાશ છે. ઉપર આકાશ પણ છે. વળી વસન્ત ઋતુનો સમય છે. થોડી વાર પહેલાં જ વરસાદ પડેલો. એને કારણે હજી પણ વાતાવરણમાં વરસાદની સોડમ છે. શ્રીમતી મેલાર્ડ આ બધું અનુભવે છે. લેખિકાએ આ બાહ્ય જગતનું ખૂબ વિગતે વર્ણન કર્યું છે. એ વર્ણન વાંચતાં જ આપણને લાગે કે શ્રીમતી મેલાર્ડને લાગેલો આઘાત ધીમે ધીમે કોઈક જુદી દિશામાં જ જઈ રહ્યો છે. ત્યાં જ શ્રીમતી મેલાર્ડ મનમાં મનમાં બોલી ઊઠે છે: “મુક્ત, મુક્ત મુક્ત!” મૂળ વાર્તામાં વાક્ય છે: “free, free, free!”

એવું નથી કે શ્રીમતી મેલાર્ડ અને એમના પતિ વચ્ચે પ્રેમ ન હતો. બન્ને વચ્ચે કોઈ અણબનાવ ન હતો. એમ છતાં પતિના મરણના સમાચાર મળતાં જ શ્રીમતી મેલાર્ડને સ્વતંત્રતાની લાગણી થાય છે. એમને એનો આનંદ પણ છે. પણ એ આનંદ લેખિકા કહે છે એમ રાક્ષસી આનંદ નહોતો લાગતો. મુક્તિનો આનંદ હતો. એટલું જ નહીં, શ્રીમતી મેલાર્ડને એ પણ ખબર હતી કે જ્યારે એમના પતિનો મૃતદેહ અંતિમવિધિ માટે શબપેટીમાં મૂકીને લઈ જવામાં આવશે ત્યારે પણ એમણે ફરી એક વાર રડવું પડશે. તો પણ, એમને અત્યારે તો મુક્તિની અનુભૂતિ થતી હતી. એથી જ તો એ એક તબક્કે કહે છે: “હવે આ શરીર પણ મુક્ત અને આ આત્મા પણ.”

આ બાજુ, દેખીતી રીતે, શ્રીમતી મેલાર્ડનાં બહેન જોસેફીનને પણ બહેનની ચિંતા થાય છે. એ શ્રીમતી મેલાર્ડના ઓરડાના બારણા પાસે જઈને અંદર જુએ છે અને બહેનને બોલાવે છે. એને એમ કે એની બહેન અંદર બેસીને રડતી હશે. એ કહે છે કે તું બહાર આવી જા નહીં તો રડીરડીને બિમાર પડી જઈશ. જો કે, શ્રીમતી મેલાર્ડ કહે છે કે ‘ના, હું બિમાર નહીં પડું. તું ચિંતા ન કર.’

પછી શ્રીમતી મેલાર્ડ બારણું ખોલીને બહાર આવે છે. આ વખતે એમના ચહેરા પર શોક નથી. એને બદલે ક્યાંક પોતાનો કોઈક બાબતે વિજય થયો હોય એવો ભાવ છે. જોસેફીન પણ એની બહેનને કમરથી ઝાલીને બહાર લઈ આવે છે.

ત્યાં જ કોઈક ઘરનો મુખ્ય દરવાજો ખોલે છે. બધાં જુએ છે તો બેન્ટલી મેલાર્ડ! અર્થાત્, શ્રીમતી મેલાર્ડના પતિ. પ્રવાસથી થોડાક થાકેલા. એ ટ્રેઈન અકસ્માતની જગ્યાથી ઘણા દૂર હતા એથી બચી ગયેલા! જોસેફિન તો એમને જોતાં જ ચીસ પાડી ઊઠે છે. રીચાર્ડ પણ શ્રીમતી મેલાર્ડ એમના પતિને જીવતા જાગતા ન જોઈ જાય એ માટે પ્રયાસ કરે છે. કેમ કે એને ખબર છે કે શ્રીમતી મેલાર્ડનું હ્રદય ખૂબ નબળું છે. એમને કદાચ બીજો આઘાત લાગશે. પણ ખૂબ મોડું થઈ ગયું હતું. પતિને જીવતા જોતાં જ શ્રીમતી મેલાર્ડને એટલો બધો આઘાત લાગ્યો કે એ ત્યાંને ત્યાં ફસડાઈ પડ્યાં અને મરણ પામ્યાં.

દાક્તરોએ શ્રીમતી મેલાર્ડના મૃતદેહને તપાસીને કહ્યું કે ઘણી વાર હર્ષના અતિરેકમાં માણસને હ્રદયરોગનો હુમલો આવતો હોય છે અને એમાં એનું અવસાન થતું હોય છે. શ્રીમતી મેલાર્ડ પણ એ જ રીતે મરણ પામ્યાં છે.

પણ હવે વાચકને થશે: શું શ્રીમતી મેલાર્ડ સાચેસાચ હર્ષના અતિરેકના કારણે મરણ પામ્યાં હશે કે એમની સ્વતંત્રતા છીનવાઈ ગઈ એના આઘાતના કારણે મરણ પામ્યાં હશે? આ વાતની કોઈને ખબર નહીં પડે. વાર્તાકારે આ વાત ગોપનિય રાખી છે અને એથી જ આ વાર્તા વિશ્વની વિખ્યાત વાર્તાઓમાં સ્થાન પામે છે.

આ વાર્તા પર ઘણું લખાયું છે અને હજી પણ લખાય છે. નારીવાદીઓ આ વાર્તામાં નારીમુક્તિની વાત જુએ છે તો વળી વાસ્તવવાદીઓ એમાં જે તે સમયની વાસ્તવિકતાને જુએ છે. વાર્તામાં સ્થળ અને સમય બન્નેનો ઉલ્લેખ છે. પણ વાર્તા એ બન્નેને અતિક્રમી જાય છે.

આ વાર્તા ઈન્ટરનેટ પર છે. શોધશો તો તરત જ મળી જશે. હવે તો એ કૉપીરાઈટના નિયંત્રણમાંથી પણ બહાર આવી ગઈ છે. જો ન થયો હોય તો કોઈએ ગુજરાતીમાં અનુવાદ કરવો જોઈએ.

~ બાબુ સુથાર

મૂળ વાર્તા વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો:
https://archive.vcu.edu/english/engweb/webtexts/hour/

Leave a Reply to pragnajuCancel reply

One Comment

  1. ‘Just out of curiosity. . . does anyone have any ideas about what the title of the story suggests? What about the idea that Louise may have died of guilt? Maybe she thought her husband was actually a ghost. She did scream when she saw him. ‘અંગ્રેજી સુંદર વાર્તાનો મા બાબુ સુથાર ખૂબ સરસ આસ્વાદ