બે કાંઠાની અધવચ (નવલકથા) પ્રકરણ: ૨૪ ~ પ્રીતિ સેનગુપ્તા

(પ્રકરણ: ૨૪)
વામાને થાય, કે આ સમય અચાનક, આટલો જલદી જવા માંડ્યો કઈ રીતે? દુનિયાના ગ્લોબલ વૉર્મિન્ગને કારણે હોઈ શકે? યુનિવર્સના હોવાપણામાં કશા ફેરફાર થતા હોય, એવું બને ખરું?

દિવસે ઑફીસ, સાંજે રૉબર્ટ, અઠવાડિયા દરમ્યાન ન્યૂજર્સીના ફ્લૅટમાં, શનિ-રવિ આવે ત્યારે ન્યૂયૉર્કમાં, અથવા નજીકની કોઈ જગ્યાએ ફરવા જવાનું. આટલી ગોઠવણીમાં તો, સમય એવો ફટાફટ ખર્ચાઈ જાય. પણ કોઈના સાથનો સાદોસીધો આનંદ શું હોઈ શકે, તે હવે વામા અનુભવતી હતી.

એને ખ્યાલ હતો, કે કેતકીની સાથે વાત કર્યે પણ ઘણો વખત થઈ ગયો છે. યાદ રાખીને, હવે એને ફોન કરવો જ પડશે. આન્ટીને મળવા ગયે પણ ઘણા દિવસો થઈ ગયા લાગે છે.

આખરે એક મોડી બપોરે, એણે કેતકીને ફોન જોડ્યો. એ ઊંઘમાંથી જાગી ગઈ હોય તેવું લાગ્યું. એણે વાતો તો કરી – ફરી પ્રેગ્નન્ટ છે, તબિયત સારી છે, સચિન સારો છે, સુજીત એના કામમાં બિઝી, મારે ફરી કામ છોડવું પડશે વગેરે; પણ બહુ ઉત્સાહથી નહીં. એ થાકેલી હશે તેથી?, કે પોતે ઘણા વખતે સંપર્ક કર્યો તેથી?

હા, સંપર્ક ઘટે, એની સાથે મૈત્રી પણ ઘટી જઈ શકે છે.

એક વાર કેતકીને મળવા જઈ આવવું પડશે, ને જલદી, વામાએ વિચાર્યું.

થોડા જ દિવસ પછી, લાયબ્રેરીમાંથી વહેલી નીકળીને, એ આન્ટી પાસે ગઈ. એમને પણ કેટલા વખતથી મળી નહતી. થયું, કે સાથે ચ્હા પીશું તો એમને ગમશે. વામા પહોંચી ત્યારે, એ એકલાં જ હતાં. અંકલ ક્યાં?, એમ પૂછ્યું, તો કહે, એ જાણે.

વામાને એમ, કે મજાક કરે છે, પણ એમના મોઢા પર સ્મિત નહતું. શું થયું છે, આન્ટી? તબિયત નથી સારી? મને કહ્યું હોત, તો હું ડૉક્ટર પાસે લઈ જાત ને, વામા બોલી.

આન્ટી જાણે કશું સાંભળતાં જ નહતાં. એમણે બોલ્યે રાખ્યું – અંકલને જે કરવું હોય તે કરે. મારે જે કરવું હોય તે હું કરું. દુનિયાના બધા લોકોને જે કરવું હોય તે એ કરે. કોઈને કશું કહેવાય નહીં, કોઈની પાસે કશી આશા રખાય નહીં. આખી જિંદગી આપણું ગણ્યું હોય તે ય પારકું થઈને બેસે. બેસે તો બેસે, આપણાથી કહેવાય નહીં, કે આમ પારકા થઈને ના બેસો. એ એમને રસ્તે, આપણે આપણે રસ્તે. પછી ભલે ખોવાઈ જઈએ. હાથ પકડનાર કોઈ નહીં.

વામા સમજી તો ગઈ, કે કશું બન્યું છે, પણ એ ગભરાઈ પણ ખરી. આમ અગડંબગડં વાતો તો આન્ટી ક્યારેય ના કરે. આ તો કશા રોગની નિશાની થઈ. આન્ટીને શું, આલ્ઝાઇમર જેવું શરૂ થયું હશે?

આન્ટી બોલતાં હતાં – અમે ઇન્ડિયામાં ફૅમિલિ માટે કેટલું કર્યું. હવે અમારે માટે ઊભાં રહેવા જેટલી જગ્યા રાખી નહીં. ઘર અંકલના બાપદાદાનું. એમનો ભાગ ખરો જ ને. પણ ભત્રીજાઓએ, બધું વેચીસાટીને, વહેંચી પણ લીધું. કહે, કે તમે તો ત્યાં. તમારે શું જરૂર રૂપિયાની?

મોટાં કાકી બચ્યાં છે. એમને શું રોગ, કે કાંઈ બોલે જ નહીં. સમજે ખરાં, એવું લાગે ય ખરું, પણ એક શબ્દ પણ ના બોલે. કદાચ છેને ખોટું બોલાય, ને બધાં હસે તો? ઘર કાઢી નાખ્યું, તો હવે એમને ક્યાં નાખ્યાં હશે? એક વાર એમને મળી આવવું છે.

તું લઈ જઈશને, મને એમને મળવા?

વામા બોલી નહીં, કે કાકી તો ઇન્ડિયામાં છે, આન્ટી, ત્યાં મોટરમાં કઈ રીતે જવાય? હમણાં તો એણે આન્ટીનો હાથ પકડીને એટલું જ કહ્યું, કે ચોક્કસ લઈ જઈશ. ક્યારે જવું છે, તે તમે કહેજો.

પણ મનમાં એણે નક્કી કર્યું, કે ઘેર જઈને, આન્ટીની દીકરીને જણાવવું પડશે. હવે કદાચ, આન્ટી અને અંકલને સાચવવાનો સમય આવી ગયો છે. આ ફ્લૅટ વેચીને, દીકરીની સાથે કે નજીકમાં રહે, તે આવશ્યક લાગે છે.

હજી વામા આમ વિચારતી હતી, ત્યાં આન્ટી ઊભાં થયાં, ને સ્વાભાવિક અવાજે બોલ્યાં, અરે વાહ, વામા, બહુ દિવસે દેખાઈ. પણ સારું કર્યું. ચાલ, હું ચ્હા મૂકું. તારા અંકલ હમણાં આવવા જ જોઇએ. એ જરાક નીચે આંટો મારવા નીકળ્યા છે.

આન્ટીને યાદ પણ નહતું, કે જરાક વાર પહેલાં જ, એ આડુંઅવળું બોલતાં હતાં. હવે પાછું મગજ સરખું થઈ ગયું. આવાં જ સિમ્પ્ટમ્સ હોય છે માનસિક રોગોનાં.

આન્ટીએ જાતે બનાવેલી કેક કાઢી, ખારા ક્રૅકર મૂક્યા, અને ચ્હા બની ત્યાં સુધીમાં અંકલ આવી પહોંચ્યા. એમણે પણ વામાને ચિડાવી, સાવ ભૂલી જ ગઈ કે અમને?

વાતાવરણ બીલકુલ પહેલાંના જેવું જ હતું હવે. અંકલને એ વાત કરવી કે નહીં? ખેર, આન્ટીની સામે તો નહીં જ. ફરી ક્યારેક. અથવા એમની દીકરી વાત કરે, તે જ યોગ્ય થશે.

અરે છોકરી, શું વિચારમાં પડી ગઈ? પેલા છોકરાના કે?

આન્ટી બેએક વાર રૉબર્ટને મળેલાં. એ કહે, એ છોકરો બહુ સારો છે, હોં. એને જવા ના દેતી. ને એ તને ચાહે છે, એ તું જાણે તો છેને? આજકાલની છોકરીઓની જેમ, ફક્ત હરીફરીને છોડી ના દેતી એને. એના જેવો બીજો એમ જલદી નહીં મળવાનો. કેટલાયે ઇન્ડિયન હસબંડો કેવો ત્રાસ કરતા હોય છે વાઇફો પર, ખબર છેને?

પછી પોતાની દીકરીનો ઉલ્લેખ કરીને કહે, આ જોને અમારી અનિકા. છે એને કોઈ સારો સાથી? નોકરીના નામે જિંદગી વિતાવે છે.

વામા જાણતી હતી, કે અનિકા બહુ સ્માર્ટ હતી, અને ઑફીસમાં બહુ સારી પોસ્ટ પર હતી. એ એકલી હશે, પણ આ દેશમાં, ને આધુનિક જમાનામાં તો, કદાચ બધા યે દેશોમાં, આવું જ થાય. આન્ટીનું કહેવું ખોટું નહતું. હવે તો છોકરો-છોકરી મળે, સાથે હરેફરે, પ્રેમમાં પડે કે ના પડે, ને પછી છૂટાં. બસ, પછી કાંઈ નહીં.

એને અચાનક મૅલની સાથેનો સંબંધ યાદ આવી ગયો. પોતે પણ આમાંથી પસાર ક્યાં નહતી થઈ? અરે, પણ અહીં તો, રૉબર્ટની વાત થઈ રહી છે.

વામા પણ રૉબર્ટને ચાહવા લાગી તો હતી જ, પણ જાણે બંને સાચવીને વર્તી રહ્યાં હતાં. જાણે કદાચ છે, ને કોઈની નજર લાગી જાય.

અત્યારે અનિકાની વાત નથી કરવી. વામા સામે બેઠી છે, એને જ સલાહ આપ્યા કર તું, અંકલે હવે આન્ટીને જરા ચિડાવ્યાં. પછી વામાને કહે, એને લઈને ફરી આવજે. એની સાથે અમેરિકન પૉલિટિક્સની ચર્ચા કરવી મને ગમશે.

આન્ટી કહે, બસ, એમને પૉલિટિક્સની વાત કરનારું મળ્યું, એટલે જામ્યું. પણ એક વાર જમવાનું કરીને જ લઈ આવજે. એને ભાવે તેવું જ બનાવીશ.

રૉબર્ટને ઇન્ડિયન ખાવાનું ભાવવા લાગ્યું હતું. અમુક ચીજો એને ગ્રીક આઇટમ જેવી લાગે. બટાકા-વટાણાનું શાક હોય, કે મસાલાનો ભાત હોય. અને દહીંનું રાયતું હોય તો એ કહે, અરે, આ તો બરાબર તાત્ઝિકી જ છે.

ચંદાબહેનના હાથનું બધું ખાવાનું એને ભાવે. તીખું લાગે તોયે કહે, ખાવાની તો મઝા આવે છે. આ જ કારણે, વામા ચંદાબહેનને વધારે બોલાવવા લાગી હતી. સરસ પાતળી રોટલી અને દાળ હોય તો મઝા, વઘારેલી ખીચડી અને કઢી હોય તોયે મઝા, એમ રૉબર્ટ કહેતો.

એને ગળ્યું પણ ભાવે. એ કહે, વૅસ્ટર્ન પેસ્ટ્રીઝ કરતાં ઇન્ડિયન મીઠાઈ બહુ સારી.

જોહાન અને ત્સિવિયાને પણ, ઇન્ડિયન સ્વાદનો ચટકો લગાડ્યો હોય તો રૉબર્ટે. એ ચારે જણ ઘણી વાર સાથે જમતાં. ન્યૂયૉર્કની ઇન્ડિયન રૅસ્ટૉરાઁમાં જઈને જમી આવે, પણ ત્રણેય નૉન-ઇન્ડિયન કહે, વામા, ભઈ, તારાં ચંદાબેન બનાવે તેવું ક્યાંય ના મળે. બસ, એમની જ રસોઇ ખવડાવ અમને.

વામા તો આનંદ પામે જ, પણ સાંભળીને ચંદાબહેન શું ફુલાય. કહે, બેન, તમારા આ ફ્રેન્ડ બહુ સારા છે. જ્યારે હોય ત્યારે મોઢું હસતું હોય. વાતો કેવી સરસ કરે. મને કહે, ચંદાબેન – ને મારું નામ બોલતાં બરાબર શીખી ગયા છે, હોં. મને કહે, તમારા હાથમાં તો જાદુ લાગે છે. જે ચીજને અડકો, તે સ્વાદિષ્ટ થઈ જાય. જોજો, મને ના અડકતાં. આ વામા મને ખાવા લાગી જશે.

ચંદાબહેનનું જીવન દુઃખિયારું, પણ આવા પ્રસંગ બને ત્યારે, એ ય પોતાની તકલીફો કંઇક ભૂલી જાય, અને બહુ સંતોષ પામે. એ પણ વામાને કહે, બેન, તમે શું કરવાનાં? પરણવાનાં નહીં? આવું સારું પાત્ર – દેખાવડા છે, સજ્જન છે, પૈસાદાર પણ હશે જ ને. વધારે શું જોઈએ તમને?

વામા કહે, અરે ચંદાબહેન, આજની દુનિયામાં પરણવાનો વિચાર કરનારાં ઓછાં હોય. મૉડર્ન લોકોનું કાંઈ કહેવાય નહીં. આજે જે પસંદ હોય તે કાલે ના પણ હોય.

પણ તમે ક્યાં બીજા લોકો જેવાં છો? બેન, તમે તો પેશિયલ છો. ને રૉબર્ટભઈ પણ એવા જ પેશિયલ છે. તમારી જોડી બહુ ફાઇન લાગે છે.

વામા જાણતી હતી, કે એનું અને રૉબર્ટનું ઐક્ય જુદા સ્તર પરનું છે. એમાં વિસ્તાર છે, અને ઊંડાણ પણ છે. ઑફીસ દરમ્યાન બંને જુદાં હોય ત્યારે પણ, મનની નિકટતા એમને પોષતી રહેતી. એમની મૈત્રી હાજરી, તેમજ ગેરહાજરીમાં, બંનેને આનંદમાં રાખતી હતી.

પણ પરણવાનું? એ વાત રૉબર્ટે વિચારી નથી લાગતી. તો વામા એ ભૂલ ફરી કરવા નહતી માગતી. રૉબર્ટની સાથેનો સમય ક્યાં સરસ રીતે નથી જતો? જિંદગીની પાસે વધારે પડતી આશા શું કામ રાખવી?

હમણાં તો, બંને સાથે પ્રવાસ કરવાના પ્લાન બનાવી રહ્યાં હતાં. ડૅડની અડસઠમી વર્ષગાંઠ આવી રહી હતી. મમ્મીએ, ખાનગીમાં વામાને ફોન કરીને, દિલ્હી આવવા સૂચવ્યું હતું. ડૅડને બહુ સરસ સરપ્રાઇઝ મળશે. તું આવીશને?

વામાએ રૉબર્ટને પણ સાથે આવવા કહ્યું હતું. ડૅડ અને મમ્મી તને મળ્યાં નથી, પણ મળીને બંને ખુશ થશે. અને તને મારી સાથે જોઈને, એ લોકોને વાંધો નથી આવવાનો. તને જોઈને તરત, તારું બૅકગ્રાઉન્ડ ને તારું સોફિસ્ટિકેશન, એ બંને સમજી જશે. છે મારાં પૅરન્ટ્સ, પણ મારાં નજીકનાં મિત્રો પણ છે એ બંને.

સરપ્રાઇઝ તો એકથી વધારે થવાની હતી. વામાના આવવાથી ડૅડને, સાથે રૉબર્ટ હશે તેની ડૅડ અને મમ્મીને બંનેને, અને રૉબર્ટના મનમાં પણ એક – ના, બે સરપ્રાઇઝ હતી વામાને માટે. ચારેય જણ સાથે મળીને ખૂબ ખુશ થવાનાં હતાં. પણ હમણાં, એકમેકથી, બધું છુપું રાખવાનું હતું.

નક્કી એમ થયેલું, કે હવે વામા એનો ફ્લૅટ કાઢી જ નાખે. ઇન્ડિયાથી આવ્યા પછી એ રૉબર્ટ સાથે રહેવા જતી રહે, એમ નક્કી થઈ ગયેલું. ચંદાબહેન પહેલાં જરા અપસેટ થયેલાં, પણ પછી કહે, ના, હું તો શીખી લઈશ ત્યાં, તમારે ત્યાં, કઈ રીતે આવવાનું તે. હું તો ત્યાં પણ રૉબર્ટભઈને જમાડવાની.

આવા પ્રેમભર્યા શબ્દો સાંભળતાં વામાની આંખો ભીની થઈ આવેલી. નક્કી, રૉબર્ટની સાથેના રહેવાસ માટેનું, આ પહેલું શુકન જ કહેવાય.

ફ્લૅટ છોડવા અંગેની તૈયારી ચાલી રહી હતી. પૅકિન્ગ શરૂ થઈ ગયું હતું. રૉબર્ટ અને વામા ઘણી ચીજો મોટા બૉક્સમાં મૂકતાં હતાં. કેટલીક ફેંકવાની ચીજો વામા જુદી મૂકતી હતી.

ત્યાં જ બારણું કોઈએ ખખડાવ્યું.

રૉબર્ટ એ વખતે અંદરના ઓરડા તરફ ગયેલો. કોણ હશે, ફોન કર્યા વગર આવનારું?, એમ વિચારતાં, વામાએ બારણું ખોલ્યું.

એક માણસ ખૂબ ઉતાવળે ધસી આવ્યો, જોરથી એણે વમાને જકડી લીધી, અને હોઠ પર હોઠ મૂકીને, જોરથી ચુંબન કરવા માંડ્યો. પિશાચી જેવા આલિંગનમાંથી છૂટવાના પ્રયત્ન વામા કરતી હતી, પણ છૂટી શકતી નહતી. મોઢામાંથી ઉં-ઉં જેવો જ અવાજ નીકળી શકતો હતો.

હાથમાં ત્રણ-ચાર જાડી ચોપડીઓ લઈને બહાર આવતાં આવતાં, રૉબર્ટ પૂછતો હતો, વામા, આ બધી સાથે લઈ જવી છે, કે લાયબ્રેરીમાં આપવી છે?

જે ઘડીએ એની નજર આ હુમલા પર પડી, તે જ ઘડીએ, રૉબર્ટનો અવાજ એ હુમલો કરનારાએ સાંભળ્યો. એ એવો ચમક્યો, કે વામા પરનું એનું બંધન ઢીલું પડી ગયું.

વામા દોડીને રૉબર્ટ પાસે પહોંચી ગઈ. રૉબર્ટની આંખોમાંથી જાણે આગ નીકળતી હતી.

ના, ના, રૉબૅર, એને મારતો નહીં. હું ઓળખું છું એને. એ સુજીત છે.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. નવલકથાના આ પ્રકરણનો અણકલ્પ્યો અંત ‘એને મારતો નહીં. હું ઓળખું છું એને. એ સુજીત છે.’!