શ્રીમદ્ ભાગવત કથા, દ્વિતીય સ્કંધ –પાંચમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

દ્વિતીય સ્કંધ – પાંચમો અધ્યાય – સૃષ્ટિ-વર્ણન, (પુરુષસંસ્થાનુવર્ણન અંતર્ગત)

ૐ નમો ભગવતે વાસુદેવાય

 (દ્વિતીય સ્કંધના ચોથો અધ્યાય, પુરુષસંસ્થાનુવર્ણનમાં આપે વાંચ્યું કે, શુકદેવજીને રાજા પરીક્ષિત સૃષ્ટિવિષયક ચાર સવાલ પૂછે છેઃ

૧. ભગવાન પોતાની માયા વડે કેવી રીતે આ રહસ્યપૂર્ણ સંસારસૃષ્ટિ રચે છે?      

૨. ભગવાન કેવી રીતે સમસ્ત વિશ્વનું રક્ષણ કરે છે અને પછી પોતે જ એનો વિનાશ પણ નિરમે છે?

૩. અનંતશક્તિ પરમાત્મા કઈ શક્તિનો આશ્રય લઈ, જેમ બાળકો રમકડાંના ઘરો બનાવે તેમ રમત, રમતમાં બ્રહ્માંડો બનાવે   
છે અને પછી એમ જ રમત, રમતમાં નષ્ટ પણ કરે છે?

૪. ભગવાન તો એક છે પરંતુ ક્યારેક તેઓ સત્વ, રજસ અને તમસ ગુણોને એકી સાથે કઈ રીતે ધારણ કરીને અનેક કર્મો કરે છે અને શા માટે કરે છે?

આ સવાલના જવાબમાં શુકદેવજી રાજાને કથાની પૂર્વભૂમિકા બાંધતા, ઈશ્વર અનેક રૂપોમાં કઈ રીતે પોતાને વ્યાપ્ત કરે છે (એકોહમ્ બહુસ્યામ્) એની વાત કરે છે. અને પરીક્ષિતને તથા સર્વ શ્રોતાજનોને કથા સાંભળવા પહેલાં સંપૂર્ણ સમર્પણ પ્રભુને કરવું જોઈએ એવી શીખ પણ આપે છે. દરેક પુરુષે જીવનના પુણ્યશાળી કાર્યો કરતી વખતે ઈશ્વરના મહિમાનો ગુણગાન કરવો જ જોઈએ. પ્રભુની શ્રીમદ્ ભાગવત કથા એક સંસ્થાન છે, જીવનનું અંતિમ સુધારવાનું અતિપુણ્યશાળી સાધન છે. વેદગર્ભ સ્વયંભૂ બ્રહ્માજીએ નારદજીના પૂછવાથી આ વાત કહી હતી. જેનો સ્વયં ભગવાન નારાયણે બ્રહ્માજીને ઉપદેશ કર્યો હતો, એ જ ઉપદેશ કહેવા પહેલાંની આ પૂર્વ ભૂમિકા શુકદેવજી રાજા પરીક્ષિતને કહેતાં જણાવે છે કે સૃષ્ટિ માટેનો પ્રશ્નનો. જવાબનો ઉઘાડ આગળ ધીરેધીરે થતો જશે. [એનું સવિસ્તાર વર્ણન અધ્યાય પાંચમો અને અધ્યાય છઠ્ઠામાં આગળ વધારવામાં આવ્યું છે.] હવે અહીંથી વાંચો આગળ, દ્વિતીય સ્કંધ, અધ્યાય પાંચમો, સૃષ્ટિવર્ણન)

સૂતજી આગળ સહુ શૌનકાદિ મુનિઓને કહે છે – શુકદેવજી પછી નારદજી અને બ્રહ્માજીના સંવાદ થકી સૃષ્ટિ વર્ણન આગળ ધપાવતાં રાજા પરીક્ષિતને કહે છે કેઃ

નારદજી બ્રહ્માજીને પૂછે છે કે-આપ મારા જ નહીં, આ સમસ્ત સૃષ્ટિના પિતા છો, સર્જનહાર છો. આપને પ્રણામ કરીને આપ મને જ્ઞાન આપો કે જેના થકી આત્મતત્વનો સાક્ષાત્કાર થઈ શકે. આ વિષયક મને પ્રશ્નો છે કેઃ

૧. આ સંસારનું લક્ષણ શું છે?
૨. એનો આધાર શો છે?
૩. આ સંસારનું નિર્માણ કોણે કર્યું છે
૪. આ સંસારનો પ્રલય શામાં થાય છે અને આ પ્રલયની પ્રક્રિયા કોને આધીન છે?

 હે પિતાજી આપ મારી આ શંકાઓનું યથોચિત નિવારણ કરો. કારણ આપ સર્વ જ્ઞાતા છો અને આપને આપની આ જ્ઞાન-દ્રષ્ટિ અંતર્ગત, આ સર્વ સુવિદિત છે. હે પિતાજી મને અચરજ થાય છે કે આ સૃષ્ટિ વિષયક જ્ઞાન આપને ક્યાંથી મળ્યું હશે, આપને ટકાવનારા, આપના સ્વામી કોણ છે અને આપનું સાચું સ્વરૂપ આખરે શું છે એ વિચારતાં જ હું અહોભાવથી રોમાંચિત થઈ ઊઠું છું. હે બ્રહ્માજી, આપ એકલા જ પોતાની માયાથી પંચ-ભૂતો વડે પ્રાણીઓનું સર્જન કરો છો, તેમ છતાં આપમાં કોઈ વિકાર થતો નથી, એ ખરેખર જ અદભુત છે. આ સમસ્ત જગતની તમામ, સત્, અસત્, ઉત્તમ, મધ્યમ, કે અધમ વસ્તુ આપના થકી જ ઉત્પન્ન પામે છે. આમ સ્વયં ઇશ્વરસ્વરૂપ આપ છો છતાં પણ આપ એકાગ્ર ચિત્તે, સમયાનુકુળ ઘોર તપસ્યા પણ કરો છો. આ વાતથી મને શંકા થઈ રહી છે કે આપની આ સર્વ શક્તિઓથી વરિષ્ઠ કોણ છે? હે સર્વજ્ઞ અને સર્વેશ્વર તાત, આપ કૃપા કરીને મારા આ પ્રશ્નોનું સમાધાન એ રીતે કરો કે જેથી હું આપનો ઉપદેશ અક્ષરસઃ સમજી શકું.

બ્રહ્માજી કહે – આ સાંભળીને હું અત્યંત પ્રસન્ન થયો છું. તમે પ્રત્યેક જીવો તરફ કરૂણાસભર છો અને આ ઘણો જ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. તમારી સહુ શંકાઓનું હું અવશ્ય નિવારણ કરીશ.

તમે મારા વિષે જે પણ કહ્યું તે સદંતર સત્ય નથી. તમને મારા વિષે કે મારી શક્તિઓ વિષે, કે જેના થકી હું સૃષ્ટિનું સર્જન કરી શકું છું, જે અહોભાવ છે તેની હું કદર કરું છું પણ આ તમને એટલે મારી શક્તિ રૂપે દેખાય છે કારણ કે, મારાથી પરે જે ભગવાન નામનું તત્વ છે એને તમે સંપૂર્ણપણે સમજ્યાં નથી. જ્યાં સુધી તમે એને સમજશો નહીં ત્યાં સુધી તમને આ સૃષ્ટિના સર્જનમાં તમને મારો પ્રભાવ જ દેખાશે.

સાચી વાત તો એ છે કે જેમ સંપૂર્ણ જગને પ્રકાશિત કરનાર ભગવાનના પ્રકાશથી પ્રકાશિત થઈને સૂર્ય, અગ્નિ, ચન્દ્ર, નક્ષત્રો અને તારા જગતમાં પ્રકાશ ફેલાવે છે તેમ, હું પણ એમના પ્રકાશથી પ્રકાશિત થઈને આ જગતના સર્જનની પ્રક્રિયામાં લિપ્ત થઈ શકું છું. એ ભગવાન વાસુદેવ જ જગદગુરુ ભગવાન છે. (કૃષ્ણં વંદે જગદગુરુમ્) માયા રચનાર પણ એ જ છે પણ માયા એમને અને જ્ઞાની પુરુષોને મોહિત કદી નથી કરી શકતી. માત્ર સંસારમાં લપેટાયેલા અજ્ઞાની મનુષ્યો આ માયાથી મોહિત થઈ જાય છે અને “આ હું છું”, “આ મારું છે”, એવું સનેપાત થયો હોય એમ બોલ્યા કરે છે. હે ભગવદરૂપ નારદ, વેદો નારાયણ-પરાયણ છે. દેવતાઓ પણ નારાયણના અંગો છે. સમસ્ત યજ્ઞો પણ નારાયણની પ્રસન્નતા માટે છે. બધા પ્રકારના યોગ પણ નારાયણ પ્રાપ્તિના છે. સમસ્ત તપસ્યાઓ પણ નારાયણના મંગલકારી ભવન તરફ જ લઈ જાય છે. સમસ્ત અસાધ્ય અને સાધનોનું પર્યવસાન ભગવાન નારાયણમાં જ છે. ભગવાન નિર્વિકાર છે છતાં સૃષ્ટિ આખીમાં સર્વસ્વરૂપ તેઓ જ છે. ભગવાનની જ ઈચ્છાથી પ્રેરાઇને હું એમની જ ઈચ્છા અનુસાર સંસારનું સર્જન કરું છું. સૃષ્ટિના સર્જન, સ્થિતિ (અસ્તિત્વ) અને એના પ્રલય માટે રજોગુણ, સત્વગુણ અને તમોગુણ સ્વીકારાયેલાં છે. આ જ ત્રણેય ગુણ, દ્રવ્ય, જ્ઞાન અને ક્રિયાનો આશ્રય લઈને માયાથી અતીત, નિત્ય-મુક્ત મનુષ્યને પણ માયામાં સ્થિત થવાને લીધે કાર્ય, કારણ અને કર્તૃત્વભાવ અભિમાનથી બાંધી લે છે. હે નારદ, આ ત્રણે ગુણોના આવરણને કારણે જ ભગવાન કે જે ઈન્દ્રિયોથી પર છે તે ઢંકાઈ જાય છે. આ જ કારણથી સામાન્ય માણસોને-જીવોને, તેમનું સત્યસ્વરૂપ લક્ષિત થતું નથી. ગુણ અને ગુણો થકી થતાં ચર-અચરના કાર્યો, કારણો અને કર્તૃત્વ સમજાય છે, દેખાય છે પણ ભગવાનને જોવા શક્ય બનતા નથી. સંપૂર્ણ સંસારના સ્વામી અને મારા પણ સ્વામી પરમાત્મા છે.

માયાપતિ ભગવાને પોતે જ અનેક થવાની ઈચ્છા કરતાં, પોતાની માયાથી પોતાના સ્વરૂપમાં પોતે જ સ્થિત કાળ, કર્મ અને સ્વભાવનો સ્વીકાર કરી લીધો. કાળે ભગવાનની શક્તિથી જ ત્રણે ગુણોમાં ક્ષોભ પણ ઉત્પન્ન કર્યો, સ્વભાવે તેમને રૂપાંતરિત કરી દીધા અને કર્મે મહત્તત્વને જન્મ આપ્યો. આ જ સ્વ-મહત્તત્વના વિકારને કારણે જ્ઞાન, ક્રિયા અને દ્રવ્યરૂપી તમઃપ્રધાન વિકાર પેદા થયો જે અહંકાર કહેવાયો. આ અહંકારમાં પણ વિસ્ફોટ અને રાસાયણિક પ્રક્રિયા કાળક્રમે થતી ગઈ અને તે અહંકાર, ત્રણ પ્રકારમાં વહેંચાયો, વૈકારિક, તૈજસ, અને તામસ. હે નારદ, આ અહંકારો અનુક્રમે જ્ઞાનશક્તિપ્રધાન, ક્રિયાશક્તિપ્રધાન અને દ્રવ્યશક્તિપ્રધાન છે. પંચમહાભૂતોના કારણરૂપ આ જ અહંકારરૂપી વિકારી અને વિસ્ફોટક શક્તિઓ છે. જેના થકી અનુક્રમે આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વીની વ્યુત્પત્તિ થઈ.

આમાં આકાશનો ગુણ શબ્દ છે, જેના થકી દ્રષ્ટા અને દ્રશ્યનો બોધ થાય છે. આકાશમાં થતી રાસાયણિક પ્રક્રિયા અને વિસ્ફોટને કારણે વાયુ ઉત્પન થયો.

વાયુનો ગુણ સ્પર્શ છે જેના થકી ઈન્દ્રિયોમાં સ્ફૂર્તિ, જીવનશક્તિ અને બળ દર્શાવવા માટે વાહન મળે છે પણ એની સાથે આકાશનો ગુણ અને એના થકી થતા બોધનો પણ વાયુના ગુણમાં સમાવેશ થાય છે.. વાયુના વિકારને કારણે તેજ પ્રગટ થયો.

તેજનો પ્રધાન ગુણ રૂપ છે જેના થકી અનેક ચર-અચરને આકારો મળ્યા પણ એની સાથે આકાશ, અને વાયુના ગુણો પણ તેજમાં સમાયા. તેજના ગુણોમાં થયેલા વિકારને કારણે જળની ઉત્પત્તિ થઈ.

જળનો પ્રધાન ગુણ છે રસ પણ એમાં આકાશ, વાયુ અને તેજના ગુણો પણ અનુક્રમે સમાઈ ગયા. જળના કારણભૂત તત્વો, આકાશ, વાયુ અને તેજના ગુણ પણ આમાં સમાયા. જેથી જળમાં રસ સહિત શબ્દ, સ્પર્શ અને રૂપ પણ એનામાં છે, પણ જળમાં પ્રવાહીપણું હોવાથી એ જે પાત્રમાં હોય એનું રૂપ ધારણ કરી લે છે. જળમાં રાસાયણિક ફેરફારો અને વિસ્ફોટ થવાથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ, જેનો ગુણ ભૂમિની માટીની ગંધ છે, પણ, એમાં આકાશ, વાયુ, તેજ અને જળના મૂળભૂત ગુણો, શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ – એ ચારેય ગુણો વિદ્યમાન છે.

આમ અહંકારના વૈકારિક અને વિસ્ફોટક ગુણને કારણે દસ અધિષ્ઠાતૄ દેવતાઓની પણ ઉત્પત્તિ થઈ જેમનાં નામ અનુક્રમે, દિશા, વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિનીકુમારો, અગ્નિ, ઈન્દ્ર, વિષ્ણુ, મિત્ર અને પ્રજાપતિ છે.

તૈજસ અહંકારના વિકારથી શ્રોત્ર, ત્વચા, નેત્ર, જિહ્વા અને ઘ્રાણ આ પાંચ જ્ઞાનેન્દ્રિયો, તેમ જ વાક્, હસ્ત, પાદ, ગુદા અને જનનેદ્રિય – પાંચ કર્મેન્દ્રિયો ઉત્પન્ન થઈ.

સાથે જ જ્ઞાનશક્તિરૂપી બુદ્ધિ અને ક્રિયાશક્તિરૂપી પ્રાણ પણ તૈજસ અહંકારથી જ ઉત્પન્ન થયા.

હે નારદ, જે સમયે પંચ-ભૂતો, ઈન્દ્રિયો, મન અને સત્વ વગેરે પરસ્પર સંગઠિત ન હતાં ત્યારે તે બધા પોતાના રહેવા માટે ભોગના સાધનરૂપ શરીરની રચના કરી શક્યાં નહીં. જ્યારે ભગવાને એમને પ્રેરિત કર્યાં ત્યારે તે તત્વો પરસ્પર એકબીજા સાથે મળી ગયાં અને તેમણે અરસ-પરસમાં કાર્ય-કારણભાવ અને કર્તૃત્વભાવ સ્વીકારી લીધો અને વ્યક્તિ-સમષ્ટિરૂપ પિંડ અને બ્રહ્માંડ રચાયાં. એ બ્રહ્માંડરૂપી બીજ સહસ્ત્રો વર્ષો સુધી એમ જ જળમાં પડી રહ્યું અને એક દિવસ કાળ, કર્મ અને સ્વભાવનો સ્વીકાર કરનારા ભગવાને તેમાં પોતાનો પ્રવેશ કરીને તેને જીવિત કરી દીધું. તેમાંથી એક વિરાટ પુરુષ નીકળ્યો. એના વિરાટ અંગો-ઉપાંગોમાંથી અનેક જીવો, મનુષ્યો, એમના કર્મો સહિત પેદા થયાં. એ વિરાટ પુરુષમાંથી જ ભૂલોક, સ્વર્ગલોક અને પાતાળલોકની પરિકલ્પના સાકાર થઈ. આ રીતે આ ભગવાનનું આ વિરાટપુરુષનું રચવું જ આ સૃષ્ટિની વ્યુત્પત્તિના કારણોમાં છે. આમાં અનેક માન્યતાઓ, કાળક્રમે યુગો સુધી ઉમેરાતી જશે, બદલાતી જશે કારણ, અનેક રાસાયણિક પ્રક્રિયાઓ અને વિસ્ફોટોમાંથી સતત પસાર થઈને અને પરિવર્તિત થઈને આ સૃષ્ટિ જન્મી છે. પરિવર્તન તો આ સૃષ્ટિના જન્મોનું મૂળ રહ્યું છે. હે નારદ, મેં તમારી શંકાઓનું નિરાકરણ મારી શક્તિ પ્રમાણે કર્યું છે. આ સૃષ્ટિના વિરાટસ્વરૂપની વિભૂતિઓ વિષે હું આગળ કહીશ.

આમ બ્રહ્માજીએ નારદને એમના સૃષ્ટિની ઉત્પત્તિ અંગેના પ્રશ્નોના ઉત્તરો આપ્યા.

શ્રીમદભાગવત મહાપુરાણનો દ્વિતીય સ્કંધનો પાંચમો અધ્યાય –“સૃષ્ટિવર્ણન” કે જે “પુરુષસંસ્થાવર્ણન” અંતર્ગત આલેખાયો છે તે સમાપ્ત થયો.

શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.

3 comments

  1. ભાગવત પુરાણ અને આધુનિક વિજ્ઞાન જાણે જોડીયા ભાઇઓ હોય તેવી રીતના આ સૃષ્ટિરચનાના પ્રકરણો છે.

  2. જલન માતરીએ સરસ અને સરળ કહ્યું છે કે
    ‘હોય જો શ્રદ્ધાનો વિષય તો પુરાવાની શી જરૂર ? ‘
    પણ આવા સરસ અને સરળ જ્ઞાન-વિજ્ઞાન, વિચાર-વાણીના
    વિનિમયની જરૂર છે કારણકે એ મૂળ ભગવાન પ્રત્યેની શ્રદ્ધાને સંવારે છે અને સબળ બનાવે છે !

  3. ‘હે નારદ, આ ત્રણે ગુણોના આવરણને કારણે જ ભગવાન કે જે ઈન્દ્રિયોથી પર છે તે ઢંકાઈ જાય છે. આ જ કારણથી સામાન્ય માણસોને-જીવોને, તેમનું સત્યસ્વરૂપ લક્ષિત થતું નથી. ગુણ અને ગુણો થકી થતાં ચર-અચરના કાર્યો, કારણો અને કર્તૃત્વ સમજાય છે, દેખાય છે પણ ભગવાનને જોવા શક્ય બનતા નથી’ આ વાતને વધુ સ્પસ્ટ સમજવા સાધના-તપ કરતા સમજાય છે.કિં’બહુના એવા જડ લેાકાને સાક્ષાતકારનું સ્વરૂપ પણ એટલું જ સમજાયલું હોય છે કે સાક્ષાતકાર થશે એટલે તે આકાશમાં ઉડવાની શક્તિ આવશે, વચનમાત્રથી આખી સૃષ્ટિ ઉઠાવવાનું બલ આવશે, અથવા બે હાથની પાછળ બીજા બે હાથ ફૂટશે કે કપાલમાં ત્રીજું લોચન ઉધડશે. પુરુષાર્થ અને પરાક્રમના માર્ગને તે લેકે જરા પણ સમજતા નથી,સાધન દશામાં, ઉપરતિ એ નામના સાધનના અભ્યાસની દશામાં જે અંતર્મુખતા ક્રમે ક્રમે આગળ વધવાને કામ આવે તેવી છે તે આ કરતાં જરાક જુદા પ્રકારની અને સહેજે સાપ્ય થઈ શકે તેવી છે.

Leave a Reply to Harish Dasani Cancel reply